છપ્પર ફાડકે – ડૉ. છાયા દવે

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ છાયાબેનનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે chhayanjani@yahoo.in અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૫૯૧૦૮૦ સંપર્ક કરી શકો છો.]

ઈ.સ. ૧૯૮૪ની એ વરસાદભીની રાત હતી. શ્રાવણ માસનો એ સમય. મારી ઉંમર એ સમયે ત્રીસેક વર્ષની હશે. ૨૪ વર્ષે એમ.કોમ. અને પછી પીએચ.ડી. પણ થયો. નોકરીની શોધખોળ ખૂબ કરી, ઘણી જગ્યાએ અરજીઓ કરી, ઈન્ટરર્વ્યૂઓ આપ્યા પણ હાય રે કિસ્મત ! સગાવાદનું ઘેઘૂર વાદળ મને હંગામી નોકરીની ફરફર પણ સ્પર્શવા દેતું ન હતું ત્યાં કાયમી નોકરીના મૂશળધારની તો વાત જ કયાં કરવી ? નોકરી ન મળે એટલે છોકરી પણ ક્યાંથી મળે ? વૃદ્ધ માતા-પિતા વ્યાજનાં વ્યાજને હીચકાવવાના સપના જુએ પણ બેકાર મુરતિયો હું કયું મોઢું લઈ છોકરી જોવા જાઉં ? એક સમયે પિતાજીનું શહેરમાં મોટું નામ હતું. કોમર્સ ડિપાર્ટમેન્ટમાં મેનેજમેંટ વિષયના અધ્યક્ષ હતા. તેમના વિધાર્થીઓ ભણીને મોટા બિઝનેસમેન બની ગયેલા જયારે તેમનો દીકરો હું ત્યારે હજુ બેકાર ફરતો હતો અને પિતાજીનું પેન્શન જમતો હતો અને મારા ભાગ્યને કોસતો હતો.

એવામાં ‘ગુજરાત સમાચાર’ માં જાહેરાત વાંચી, અમદાવાદની એક કોમર્સ કોલેજમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતાની જરૂર હતી. આશા ભરેલા મેં તરત જ અરજી કરી દીધી. આમ તો હું એમ.કોમ, પીએચ.ડી.યુનિ.ફર્સ્ટ છું. હું ભણ્યો એ જ કોલેજમાં મારા અધ્યાપકને મદદ કરવા અને મને અનુભવ મળે એ હેતુથી ઘણી વખત તેઓ બોલાવે ત્યારે લેકચર લેવા પણ જાઉં. વિધાર્થીઓ મારાં શિક્ષણ કાર્યથી પૂર્ણ સંતોષ પામે અને હું મનોમન પ્રાર્થું કે, ‘હે ભગવાન, ભાવિમાં મને સર્વિસ મળશે તો આથી પણ સુંદર રીતે મહેનત કરી ભણાવીશ અને ભાવિ અધ્યાપકો તૈયાર કરીશ.’ પણ સગાવાદ આગળ ગમે તેટલી ફર્સ્ટ કલાસની ડિગ્રીઓ પણ પાણી ભરે !

ભગવાન શિવજી સહુનું કલ્યાણ કરે માટે જ તેમનું નામ ‘શિવ’ હશે. અરજી કર્યાનાં અઠવાડિયામાં તો શ્રાવણના પહેલા જ દિવસે અમદાવાદ કોલેજમાંથી મને ઈન્ટરવ્યુ કોલનું કવર મળ્યું અને વૃદ્ધ માતા-પિતાના આશિષ લઈને, દહીં-જીરૂનું શુકન લઈને, બસના સમયની રાહ જોયા વિના જ ઘરની કાર લઈને અમદાવાદ જવા રાતે ને રાતે નીકળ્યો. બીજે દિવસે બપોરના અગિયાર વાગ્યે ઈન્ટરવ્યુ હતો. મારા શહેરથી અમદાવાદ દૂર હતું. રાત્રીના અગિયાર વાગવા આવ્યા હતા. અમદાવાદ આવવાને તો હજુ બે કલાકની વાર હતી. રસ્તો પૂછતો પૂછતો હું આગળ વધતો જતો હતો. વરસાદને કારણે દૂર સુધી જોઈ પણ શકાતું ન હતું. એવામાં પૂરપાટ ઝડપે એક કાળી કાર મારી બાજુમાંથી જાણે ઉડતી હોય તેટલા વેગથી પસાર થઈ ગઈ. કાર મને જાણીતી લાગી પણ ક્ષણમાં તો તે આગળ જતી રહી. આગળ ખુલ્લું રેલ્વે ફાટક આવતું હતું અને રેલ્વે પણ ધસમસતી આવી રહી હતી પણ મોતની ચિંતા કર્યા વિના જ પૂરપાટ ઝડપે તે કાળી કાર પાટા ઓળંગી ગઈ. મારા મુખમાંથી ચીસ નીકળી ગઈ, પણ હાશ ! એ કાર તેના માલિક સહિત બચી ગઈ ! રેલ્વે પણ પસાર થઈ ગઈ અને સાથોસાથ મારાં હ્રદયમાંથી ધ્રુજારીનું આછું લખલખું પસાર થઈ ગયું. માંડ કરીને મેં કાર સ્ટાર્ટ કરી પાટા ઓળંગ્યા, પેલી કાર તો ક્યાંય અલોપ થઈ ગઈ હતી. કેટલી એની ઝડપ હતી ! ધીમે ધીમે હું મારી કારની ઝડપ વધારવા જતો જ હતો ત્યાં બાજુની બાવળની કાંટામાંથી કોઈ બાળકના રડવાનો અવાજ મારા કાને પડયો.

અત્યારે વરસાદભીની રાતે, વેરાન વગડા વચ્ચે કોઈ માનવી પણ દેખાતું નથી અને બાળકનો રડવાનો અવાજ કેમ આવે છે !? પ્રશ્નનાર્થ અને આશ્ચર્ય બંને એક સાથે જન્મયાં, જિજ્ઞાસા પણ દોડી આવી. તેનાથી પ્રેરાઈને મેં નીચે ઉતરી ટોર્ચને અજવાળે જોયું તો ખંડમાં સુંદર મજાનું એકાદ વર્ષનું બાળક રડતું હતું. આ જોઈ મારા હ્રદયમાંથી પસાર થયેલું ધ્રુજારીનું લખલખું આછું ન હતું. હે ભગવાન, આ શું થવા બેઠું છે ? હમણાં પેલી કાર માંડ બચી ત્યાં આ બાળક ! વધુ વિચારવાનો સમય ન હતો. એ રડતાં બાળકને મેં ઊંચકી લીધું. પણ અરે ! નવાઈની વાત એ બની કે મારો સ્પર્શ પામતાં જ તે એકદમ શાંત થઈ ગયું ! કેમ જાણે હું તેનો જાણીતો કોઈ સગો ન થતો હોઉં !

ઈન્ટર્વ્યૂ ઈન્ટર્વ્યૂની જગ્યાએ રહયો અને હું બાળકનાં માતા-પિતાને શોધવા મારા ગામ ભણી પાછો ફર્યો. વહેલી સવારે મારા ગામમાં પ્રવેશતા જ વાતો સાંભળવા મળી કે, ગામના કરોડપતિ શિપબ્રેકર્સ જિજ્ઞેસભાઈના પૈસાથી લલચાઈને તેમનો જ દક્ષિણમાંથી આવેલો જૂનો ડ્રાઈવર જિજ્ઞેસભાઈની જ કાળા રંગની કારમાં તેમના દીકરાની એક વર્ષની દીકરીનું અપહરણ કરી રાતે ભાગી ગયો છે. મેં મનોમન ભગવાનનો (શિવજીનો જ હોય ને) આભાર માન્યો કારણ કે એ જ બાળકી હેમખેમ મને મળી આવી હતી. જે અત્યારે મોટરમાં ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. હું સીધો જ જિજ્ઞેસભાઈને ઘરે ગયો.

ઘરમાં સનનાટો છવાયેલો હતો. પોલીસ ઈન્સપેકટર સાથે જિજ્ઞેસભાઈ વાત કરી રહ્યા હતા. ઘરમાંથી સ્ત્રીવર્ગનાં ડૂસકાં સંભળાતાં હતાં. જિજ્ઞેસભાઈ પાસે જઈ મારી ઓળખ આપી અને રસ્તામાં બનેલી બધી જ હકીકત સીલસીલાબંધ જણાવી. બાળકને ક્ષેમકુશળ જોઈને તેઓ મને ભેટી પડયા. તેમની આંખોમાં હરખનાં આસું આવી ગયાં. મને પણ એક સારું કાર્ય કર્યાનો અનેરો આંનદ અને સંતોષ થયો પણ નોકરીની તક હાથમાંથી ગયાનું મનોમન દુઃખ પણ થયું. બીજે દીવસે મારું સરનામું પૂછતાં પૂછતાં જિજ્ઞેસભાઈ મારે ઘેર આવ્યા. હું ત્યારે ઘરે ન હતો. તેઓ મારાં માતા-પિતાને મળીને ગયા. હું ઘરે પહોંચ્યો ત્યારે માએ હસતાં મુખે વધામણી ખાધી. મને કહે, ‘બેટા, તું કહે છે ને કે શિવજી સહુનું કલ્યાણ કરે છે માટે જ તેમનું નામ શિવ કે શંભુ છે. તને શ્રાવણ માસ ફળ્યો. તારું કલ્યાણ થઈ ગયું. તારી સાથે અમારાં સહુનું પણ.’ મેં કહ્યું, ‘મા, મોણ નાખ્યાં વગર પૂરેપૂરી વાત કર તો કંઈક ગમ પડે.’

વાત જાણે એમ બની કે જિજ્ઞેસભાઈની નાની દીકરી જે ૨૫ વર્ષની અને એમ.કોમ. થયેલી હતી. હવે તેના માટે સારા ઘરની અને સંસ્કારી છોકરાની શોધ ચાલુ જ હતી એવામાં આ ઘટના બની ગઈ અને મારી હિંમત, પ્રમાણિકતા અને ઈનામની કશી લાલચ વિના બાળક તેમને સુપરત કર્યું તેથી હું એમના દિલમાં વસી ગયો અને પોતાની દીકરીનું માગું લઈ ને તેઓ મારે ઘરે આવ્યા હતા. પછી તો મારું લગન થયું અને તેમના શિપઉધોગમાં જ મને સારી જગ્યા- અરે ઊંચી જગ્યા આપી. છોકરી અને છોગામાં નોકરી બંને મળ્યાં. (આને પણ સગાવાદ જ કહેવો ને ?) ખેર, ઈશ્વર દે છે ત્યારે છપ્પર ફાડકે દે છે.

તે રાતે રડતું બાળક મારા હાથમાં શાંત રહી ગયું હતું, શું તે જાણતું હશે કે મને ઊંચકનાર તો મારા ભાવિ ફૂઆ છે ! – તો આ છે મારા જીવનનો અવિસ્મરણીય અનુભવ જે હું જીવું ત્યાં સુધી મારી સાથે રહેશે. આ અનુભવે તો મને સોનેરી સ્વર્ગ જેવા દિવસો આપ્યા. હવે એ કેમ ભૂલાય ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “છપ્પર ફાડકે – ડૉ. છાયા દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.