- ReadGujarati.com - http://www.readgujarati.com -

બહેનો – અમૃત બારોટ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

મોટાભાઈ એમ તો ઉદાર. અવારનવાર ઘરમાં પૈસા પણ આપે. મારો કે ગ્રીષ્માનો જન્મદિવસ હોય ત્યારે ભેટ તો હોય જ. મને સંગીત માટે ને ગ્રીષ્માને ચિત્રો માટે એમનું પ્રોત્સાહન ખરું. એમ તો મારાથી નાના પણ ગ્રીષ્માથી મોટા મયૂરને તરુણની પણ અમને હૂંફ. રજાઓમાં કે પ્રસંગે બધા ભેગા થાય ત્યારે ઘરમાં જીવ આવી જાય. ભાભીઓ અમને બેસાડી જ દે ને ઘરનો તમામ દોર હાથમાં લઈ લે. હું કહું, ‘પણ તમને બધી વસ્તુઓ જડે નહિને…’ પણ એ તો હસીને કહે, ‘અમે ગોતી લેશું મૃદુલાબહેન. કયાં સુધી અજાણ્યાં રે’શું ? તમે પેટી લઈને તમારા ભાઈને ગીત સંભળાવો એટલે બસ. ને સહેજ ઊંચા સૂરમાં ગાજો, નહીં તો વાસણના ખખડાટમાં અમને તો કશું કાને જ નહિ પડે.’

ભાભીઓ આગળ મારું ચાલે નહિ ને ગ્રીષ્મા તો કંઈ બોલે નહિ. એ મૂઈ છે જ અંતર્મુખી, મારી દ્વિધા જાણતી હોય એમ પેટી લાવીને મૂકી દે મારી આગળ ને કયું ગાઉં એનુય સૂચન કરતી જાય ને એ પોતે પાછી વગર બોલ્યે ભાભીઓને મદદ કરવા પહોંચી જાય, ભાભીઓય એને ના ન પાડે. કહેશે, ‘અમે કહીએ તોય એ અમારું કયાં સાંભળવાનાં છે !’ હું ઘણીવાર એમને કહું, ‘તમને ત્રણેયને મારા ગળાની એલર્જી છે એટલે જ મને અહીં ભંડારીને તમે રસોડામાં ભરાઈ જાઓ છોને ?’ – પણ એ તો હસવા ખાતર. એ બધાં ઝટઝટ ચા-નાસ્તો બનાવીને અમારી પાસે બેસવા આવી જાય ને પછી એવી તો રંગત જામે કે….! બધાં એકબીજાને આગ્રહ કરી કરી જૂનું યાદ કરાવીને ગવરાવે. ‘પેલું બા ગાતી’તી એ…’ એમ કોઈ કહે એટલે હવામાં સહેજ ઉદાસી છવાઈ જાય પણ એ તો ઘડીક જ. વિષાદ ખંખેરીને બધાં પાછાં ગીતમાં ડૂલ.

બચપણ અમારું એવું કિલ્લોલભર્યું કે ભૂલવાનું મન જ ન થાય. ત્યારે મોટાભાઈ સાંભળેલા જોકસ ફરીથી કહે તોય અમે હસીએ. નાનો તરુણ તો પછી કહે, ‘આ પાંચમીવાર છે હોં મોટાભાઈ !’- તો ભાઈ એ વાત પર પણ જોક બનાવી કાઢે. બા-બાપુજીએ અમને બહુ લાડકોડમાં ઉછેરેલાં. બાપુજી રંગની ફેકટરીમાં ઊંચી પોસ્ટ પર ને પગાર પણ સારો. વળી બાની ટયુશનની આવક જુદી એટલે અમારે તો જલસા. ઘર પણ મોટું. કંપાઉન્ડમાં લીમડો, જામફળી ને નાનો બગીચો પણ. પંખીઓનાં કૂંડાં ભરાય, શેરીનાં કૂતરાંની રોટલીઓ થાય, ગાયની પણ. વળી સાતતાળી, સંતાકૂકડી ને કેટલું બધું….! બચપણની વાત થાય એટલે ભાભીઓને ઈર્ષ્યા થાય જ. મનેય ઘણી વાર એ વીતેલા દિવસોની ઈર્ષ્યા આવે. ઘાઘરીનો કાછોટો વાળી જામફળીના ઝાડ પર ચડેલી જ રહી હોત તો…! ફળીયામાં જામફળી તો છે હજી, પણ મારાથી કાછોટો કયાં વળાય છે !

બધાં વેરાઈ જાય પછી હું ને ગ્રીષ્મા એકલાં. એ ખપપૂરતું જ બોલે. ચિત્રોમાં ડૂબી જાય. કયારેક એમાંથી નીકળી મારી સામે જુએ ને મલકી પડે. કદીક ઊઠીને મારો ગાલ પણ ખેંચતી જાય. વગરબોલ્યે એ ઘણું બધું આપી જાય મને. ઘણીવાર મને એમ થાય કે મેં જ એનો મેળ પડવા નથી દીધો. એ પાસે જ રહે એવું તો મનમાં થાય પણ એટલે જ એનો મેળ બેસાડવા મેં ઊથલધડા પણ કર્યા છે. માસીને, ફઈને, મામાને-બધાંને તાકીદો કરી છે. ભાઈ-ભાભીઓને પણ કોઈવાર કહ્યું હશે. એક વાર તો મારા મનથી લગભગ નક્કી જ થઈ ગયું હતું. છોકરો સુરતનો હતો એટલે ત્યાં મોટાભાઈને ઘરે જ મીટીંગ ગોઠવી હતી. હું નહોતી ગઈ-આણંદથી તો ઘણું નજીક પડે તો પણ. વખત છે ને છોકરાને સંગીતનો શોખ હોય તો-! ‘મીટિંગ બહુ સારી રહી ને છોકરો બહુ સારો -’ એવું ભાઈએ ફોન પર કહ્યું ત્યારે તો હું રાજીની રેડ થઈ ગઈ કે રડી જ પડાયું. પણ પછી બે મહિના સુધી કંઈ સમાચાર જ નહિ. ત્રણ મહિના પછી તો આશા જ મૂકી દીધી. પછી માસીએ કહ્યું ત્યારે જાણ્યું કે ભાઈની સાળી સાથે એ છોકરાનું નક્કી થયું. ગ્રીષ્માને જોવા આવેલો ત્યારે જ ભાભીને મળવા એ પણ આવી હશે. એમાંથી વાત આગળ ચાલી ને…

માસીને પહેલાંથી અમારા માટે લાગણી. એમણે એક વાર ગ્રીષ્મા માટે ગોઠવેલું પણ છોકરાનાં પ્રશ્નો સાંભળીને જ નવાઈ લાગે. બાપીકી મિલકત કેટલી ને કેટલાં ભાઈ-બહેનો-એ બધી વાતો ને બે જણના સંસાર સાથે કેટલું લાગેવળગે ! પણ હોય, સમય પ્રમાણે સહુ વિચારે. સારું થયું કે મયૂરને બેંગલોરમાં અમારી નાતની જ છોકરી મળી ગઈ ને તરુણે પ્રેમલગ્ન ક્રર્યા એટલે એમની ચિંતા વળી નહોતી. વચ્ચે મારા માટેય માસી એક-બે માગાં લાવેલાં પણ એ બધાને ઉતાવળ ને મારે સમય જોઈએ એટલે જામ્યું નહિ. મેં તો માસીને પછી ના જ પાડી દીધેલી. મોટા ભાઈ આ બધી બાબતોમાં પહેલાંથી લિબરલ. એમને ગ્રીષ્માનું કહીએ તો કહે, ‘તારું કે ગ્રીષ્માનું ભાવિ નક્કી કરનાર હું કોણ ? સ્ત્રીને હક્ક છે પોતાની મેળે પોતાનું જીવન ઘડવાનો. તારે કે ગ્રીષ્માએ જાતે જ પસંદગી કરવાની. ને તારે પણ ગ્રીષ્મા માટે આટલો ઉચાટ નહિ રાખવાનો. એ સમજુ છે, એજયુકેટેડ છે. બહાર નીકળે લોકો સાથે હળેમળે, તરુણને ત્યાં મુંબઈ કે મૂયર પાસે રોકાવા જાય. હવે તો નેટ પણ હાથવગું છે, દુનિયા કેટલી નાની થઈ ગઈ છે !’ હું એમની સામે શું દલીલ કરું ? એમના ગયા પછી ગ્રીષ્મા પર ચીઢ કાઢું, એને મીંઢી કહું પણ એ તો બોલે જ નહિ, એનુ કામ કરતી રહે. અને કામમાં મદદ કરવા જાઉં તો મને હીંચકે બેસાડી દે ને પછી મારે માથે હાથ ફેરવે – નાની છે તોય !

મોટા ભાઈના લગ્ન અમારી જાહોજલાલી વખતે જ અમારી ન્યાતના એક મોભાદાર ઘરમાં થયેલાં. એ લગ્નના એકાદ વર્ષ પછી બાપુજીની કંપની ફડચામાં ગઈ ને એમની નોકરી છૂટી ગઈ. બાનાં ટયુશન, થોડી બચત ને ફંડમાંના થોડા પૈસા મળ્યા હતા એટલે ઘરતો ચાલે પણ જલસા બંધ. બાપુજી કામ શોધે પણ મળે નહિ ને મળે તો એટલો પગાર કહે કે શરમ આવે. ભાઈને ત્યારે સુરતમાં નોકરી ખરી પણ એ વખતે મયૂર ને તરુણ ભણે ને એમનો ખર્ચો ભાઈ ઉપાડે એટલે ઘરમાં ના આપી શકે. નસીબ મને એક શાળામાં ટેમ્પરરી નોકરી મળી ગઈ એટલે મેં એ ઝડપી લીધી. પણ બેઠાં બેઠાં બાપુજીનો જીવ કોચવાય.

એ વર્ષે બાને પહેલો એટેક આવ્યો. બાપુજી નોકરીની માથાકૂટ મૂકી બાની સેવામાં લાગી ગયા. બાની માંદગીમાં ઘરની બચત ચાલી ગઈ ને ટયુશન પણ બંધ એટલે મારા પાંખા પગારમાં પૂરું કરવાનું આવ્યું. થોડા વખત પછી બીજો એટેક બાને લઈને ગયો ને બાપુજી સૂનમૂન થઈ ગયા. ઘરમાં અમે બહેનો ને બાપુજી. ગ્રીષ્માની કોલેજ પૂરી થઈ એટલે મેં એને આગળ ભણવાનું કહ્યું પણ એણે ના પાડી. કહે, ‘મારે તો ચિત્રો જ બસ છે.’ મેં કહ્યું, ‘તો ચિત્રોનું ભણ, પણ એ ન ગઈ. કદાચ હું નોકરીએ જાઉં ને બાપુજી એકલા ન પડી જાય એટલા માટે જ. સગાઈની વાતમાંય પરાણે જ રસ લે. મને કહે, ‘તું જઈ આવ.’ એને તો એ ભલી ને એનાં ચિત્રો ભલાં. શરૂઆતમાં એનાં ચિત્રો થોડાં અકળ ને ઉદાસ લાગે પણ પછી રંગોની એવી ભરમાર કરતી થઈ ગઈ કે ઊડીને આંખે વળગે !

ગ્રીષ્માને ચિત્રો માટે મોટા ભાઈનું પ્રોત્સાહન પૂરું. થોડા વખત પહેલાં જ એક આર્ટિસ્ટ ફ્રેન્ડની મારફત વડોદરામાં એનાં ચિત્રોનું પ્રદર્શન એમણે જ ગોઠવેલું. એ પ્રદર્શન જોવા એક છોકરો આવેલો, પચ્ચીસ-સતાવીસનો, ઝભ્ભો ને જીન્સ પહેરેલું. ગ્રીષ્મા તો આવી બધી વાત કરે નહિ પણ મોટા ભાઈ ન આવી શકયા ને પ્રદર્શનમાં મારે જવું પડયું એટલે મને ખબર. એ છોકરાને ગ્રીષ્માનાં ચિત્રો બહુ ગમેલાં ને બધા સામે એણે વખાણ પણ કરેલાં. ત્યાર પછી ઘણી વાર ગ્રીષ્મા કોઈ પ્રદર્શન કે કલ્ચરલ શોમાં વડોદરા જતી થઈ એટલે મને સારું લાગતું કે એમ કરતાં એનો જીવ ક્યાંક મળી જાય તો મારે માથેથી એટલી જવાબદારી ઓછી થાય. એમનાં છેલ્લા દિવસોમાં બાપુજીએ મને બોલાવીને કહેલું, ‘જો મૃદુલા, મારો સમય આવી પહોંચ્યો છે. તારી મને ફિકર નથી, તું તો દીકરો છે, મારો. પણ ગ્રીષ્માને તને ભળાવીને જાઉં છું. એનું સારા ઘરે ઠેકાણું પડે એવું કરજે.’ મને ઘણીવાર મનમાં થાય- ગ્રીષ્મા વડોદરામાં પેલા છોકરાને મળતી હશે ! પણ ગ્રીષ્મા તો મૂંગી-મંતર જ હોય ! એવામાં એણે વડોદરા જવાનું ઓછું કરી નાખ્યું એટલે મને ફાળ પડી. મેં એને પૂછયું, ‘તું કોઈને પ્રેમ નથી કરતી ?’ તો મને કહે, ‘તને’. વાતને એમ ઉડાવી દીધી ને પછી કંઈ બોલે જ નહિ. વાત કઢાવવાના મારા બધા નુસખા ફેલ.

થોડા વખત પછી પેલો છોકરો- કશ્યપ એનું નામ- એ અમારે ઘેર આણંદ આવ્યો. હું તો ખુશ થઈ ગઈ. એ આવ્યો હતો તો ગ્રીષ્માને મળવા પણ મને કહે, ‘હું તમને જ મળવા આવ્યો છું.’ મેંય હસતાં હસતાં કહી દીધું, ‘એમનેમ આવ્યો છે કે કંઈ પ્રપોઝલ જેવું લાવ્યો છે ?’ તો એ મારી સામે જ જોઈ રહ્યો. ગ્રીષ્મા ત્યારે રસોડામાં હતી. કશ્યપ મને કહે, ‘તમને ખબર જ નથી ?’ મેં પૂછયું, ‘શાની ?’ તો કહે, ‘હું તો રિજેકટ થયેલો છું.’ મને ઝટ ખબર ન પાડી. રિજેકટ ! કોનાથી-શેમાં ? – મને વિમાસણ થઈ. પછી એણે જ કહ્યું, ‘ગ્રીષ્માએ કુંવારા રહેવાનો નિર્ણય ક્રર્યો છે.’ મારાથી એકદમ જ બોલી જવાયું, ‘મારે માટે તો એવું નથી કરતીને એ ?’ એણે નીચે જોયું ને પછી કહે, ‘સુરતમાં મેં એને રિજેકટ કરેલી એટલે પણ હોય કદાચ…’ હું અવાક થઈ ગઈ. થોડી વારે જાતને સંભાળીને પૂછયું,

‘પણ તારુ તો ગોઠવાઈ ગયું હતુંને ?’
‘હા, પણ એને વધારે સારું પ્રપોઝલ મળ્યું એટલે એ સગપણ પછી ન રહેલું.’
‘તું પ્રદર્શનમાં એટલે જ- ?’ મને વાતની કંઈક ગડ બેસતી લાગી.
‘હા, મને એમ કે એ રીતે જ વાત પાટા પર આવી શકે ને !’
‘અમારું ઘરનું એડ્રેસ તને ગ્રીષ્માએ…?’
‘ના, તમારા ભાઈએ.’
‘વડોદરામાં પ્રદર્શન વખતે પણ…?’
‘હા, એમણે જ મને…’ ગ્રીષ્મા કદાચ બધું સાંભળી રહી હતી. એ બહાર આવી ને એણે કશ્યપને કહ્યું, ‘જો, મને કયારામાંનાં ફૂલો અને ફલાવરવાઝનાં ફૂલોનો રંગ જુદો દેખાય છે. બાકી તારા નિમિત્તે મને ચિત્ર સમજાયું છે, એટલો તારો આભાર.’