મત્સ્યવેધ – અજય પુરોહિત

[ ‘સદ્દગતિ પુસ્તક’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

Image (25) (430x640)‘પપ્પા ! હું મારું ડૉકટરેટ કરવા ઑસ્ટ્રેલિયા જઈશ.’ પોસ્ટ ગ્રેજયુએટ થયે પુત્રીનાં સગાઈ-લગ્નના વિચારમાં મગ્ન નૈતિકના દિમાગ પર તિતિક્ષાએ જાણે પ્રહાર કર્યો. તેના અણધાર્યા નિર્ણયથી નૈતિકના દિમાગમાં ઊથલપાથલ મચી ગઈ. આવડો મોટો નિર્ણય, પોતાની પહોંચ બહારનો, પોતાની સાથે કશી ચર્ચા નહીં, સંમતિની પરવા નહીં… આ જનરેશન… તેના દિમાગમાં વાવાઝોડું પસાર થઈ ગયું. તે માંડ બોલી શક્યો. ‘આટલું પૂરતું નથી?’
‘oh no ! પપ્પા ! તમે જ કહેતા હતા જ્ઞાન ઈશ્વર છે, અને તેની તિતિક્ષા તેની પૂજા છે. હું ખુદ તિતિક્ષા છું તો મારા અભ્યાસમાં પૂર્ણવિરામ ચાલે ?’

પુત્રીનો ઉત્સાહ, આત્મવિશ્વાસ જોઈ નૈતિક ચૂપ થઈ ગયો. ન સમજાય તેવી ગમગીની છવાઈ ગઈ દિમાગમાં. તેની સાથે જવા કજિયા કરતી, આંગળી ઝાલી ચાલતી નાનકડી ટીકી તેની આંખ સામે તાદશ્ય થઈ. ‘India માં
ડૉકટરેટ ન થઈ શકે, ટીકી ?’
‘થઈ શકે, બૅંગ્લોરમાં, but Australia is much batter.’ આખું આકાશ તમારી સામે છત્રીની માફક ખૂલી જાય. Pappa, this is the age of technocrats. They will rule the world.’
‘પણ બેટા, બીજા વિષયમાં ગુજરાતમાં રહીને થઈ ન શકે ?’
‘It’s quite meaningless.’ ‘પણ આટલા પૈસા, વીઝા-પાસપોર્ટ, અભ્યાસનો ખર્ચ, આ બધું આપણે કેવી રીતે મેનેજ કરીશું ? કયાં ભણીશ ? કોઈ idea છે તારી પાસે ?’

‘બિલકુલ પપ્પા ! તમારે કોઈ ખર્ચ નથી કરવાનો. બૅંક ૧૦૦% ઘીરાણ આપે છે. હું ત્યાં સ્વીનબર્ગ યુનિવર્સિટીમાં રજિસ્ટર થઈશ. Not directly, but through global international school & College, under Australia Unified pathway programme. આના થ્રૂ જતાં ખર્ચ અડધો થઈ જાય છે, વળી રિસર્ચ માટે મને ઑસ્ટ્રેલીયન ડોલરમાં સ્કોલરશીપ પણ મળશે, પાસપોર્ટ વીઝાની વ્યવસ્થા પણ થઈ જશે.’ ગઈકાલની નાનકડી, ડરપોક ટીકી પલકારામાં પાંખો ફફડાવતી સાત સમંદર પાર જવા થનગની રહી છે… નૈતિક આંખો ફાડી તાકી રહ્યો.
‘ આટલું ભણી ને તું શું કરીશ ?’
‘પ્રોફેસર બનીશ. રિસર્ચ કરીશ. ખૂબ પૈસા કમાઈશ.’
‘પૈસા બધું જ છે ?’

પોતે મસ્ત્યવેધ માટે ત્રાજવામાં માંડ બૅલેન્સ કર્યું, મત્સ્યનું સંધાન કર્યું અને તીર છોડવાની ક્ષણે જાણે કે ટીકીએ ત્રાજવું હલાવી નાખ્યું હતું…. તેનું મગજ સન્ન રહી ગયું. અને જયારે ટીકીએ સ્વીનબર્ગ યુનિવર્સિટીનો રજિસ્ટ્રેશન લેટર, બૅંક ફાઇનાન્સ એગ્રીમેન્ટ, સ્કોલરશીપ ઍવૉર્ડ, પાસપોર્ટ, વીઝાના દસ્તાવેજો તેના હાથમાં મૂકયા ત્યારે હ્રદય ધબકારો ચૂકી ગયું. પોતાની તરતી આંખોની સામે કાગળીયાં હાથમાં તરતાં જણાયાં. ‘બેટા ! હું મંદિરે ખાસ જતો નથી, પણ હવે હું રોજ મંદિરે જઈશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી ટીકી જલદી પાછી મને મળે.’ પતિ-પત્ની ગળગળાં થઈ ગયાં. ટીકીનો સ્વર પણ ઢીલો પડી ગયો.
‘પપ્પા ! જીવનમાં emotional નિર્ણયો, મોહ, લાગણી વિકાસ રૂંધી નાખે છે. ગીતનો આજ બોધપાઠ છે, અને તમે જ આ સમજાવતા મને.’
‘બેટા ! દીકરી પરણે ત્યારે બાપનું ઘર છોડે છે પણ તેં તો બારમું ધોરણ પાસ કરતાંવેત…’
‘એવી હું એક જ દીકરી નથી પપ્પા ! હવે દીકરીઓનો યુગ આવી ગયો છે, ત્યારે દીકરીઓએ આટલું કરવું પડશે. બલકે મમ્મી-પપ્પાઓએ આટલું કરવા દેવું જ પડશે.’
‘Right you are’ અને તે ક્ષણથી ઘરના વાતાવરણમાં સન્નાટો પ્રગટી ગયો.

બાલ્કનીમાં હીંચકા પર બેસી, ક્ષિતિજ પર તાકી રહેતાં નૈતિકે સિગારેટ જલાવી. તે ભાગ્યે જ સિગારેટ પીતો. નિષ્ઠાએ આ જોયું પણ ખામોશ રહી. બિલકુલ વિચારશૂન્ય અવસ્થામાં ક્ષિતિજ પર અપલક ક્યાંય સુધી તાકી રહી તેણે કસ ખેંચ્યે રાખ્યા. સિગારેટનું ઠૂંઠું એશ-ટ્રેમાં બુઝાવતાં બબડયો, ‘સ્ત્રીઓ નસીબદાર છે કે આસાનીથી રડી શકે છે, પણ પુરુષ…’ કાંઈક ઔપચારીક વાતાવરણ થઈ ગયું ઘરનું. બધાં ખુશ રહેવા, દેખાવા અને એકબીજાને ખુશ રાખવા પ્રત્યન કરવા લાગ્યા. રાત્રે સ્વિચ ઑફ કર્યા પછી પણ મોડે સુધી બધાં જાગતાં હતાં. ટીકીએ મમ્મીનો ધીરો સ્વર સાંભળ્યો. ‘આપણે ટીકીને હસતે ચહેરે વિદાય આપીશું.’ સારું હતું ત્યારે અંધારું હતું.

ટીકીનો જવાનો સમય નજીક આવી ગયો. મિત્રો, વડીલો, શુભે કોની ચહલપહલ વધી ગઈ. Best of luck, Congrats…, પરણીને ન આવતી, રોકાઈ ન પડતી, ઝટ પાછી આવ, ત્યાં આપણા ફલાણા છે, ફોન કરતી રહેજે, પ્રેઝન્ટ્સ, ચુંબન, ડૂમા, ડૂસકાં વચ્ચે ટીકી દટાઈ ગઈ. નૈતિક-નિષ્ઠાને દીકરીને લાડ કરવાની તક જ ન મળ્યાનો અફસોસ કોરી ખાતો હતો. ટીકી દાદીને મળવા ગઈ ત્યારે દાદીએ તેના માથા પર હાથ ફેરવી દીવાલ પરની પતિની તસવીર બતાડી. ધ્રૂજતા સ્વરે પૂછયું. ‘હું તારા દાદા પાસે ચાલી જાઉં, તે પહેલાં તારા વરને લઈને આશીર્વાદ લેવા આવીશ ને ?’
‘હું તમને દાદા પાસે જવા જ નહીં દઉં.’
‘સાવ ગાંડી છો તું તો…’ દાદીએ આંખો લૂછી.

બીજા દિવસે કૅલેન્ડરનું પાનું ફાડતાં નિષ્ઠાના હાથ કંપી- અટકી ગયા. ટીકી ઘસઘસાટ સૂતી હતી. આજે ટેકસીમાં ઍરપોર્ટ નીકળવાનું હતું. ટેકસીનો દરવાજો ખોલતાં નૈતિકને પત્નીની સલાહ યાદ આવી. ‘આપણે હસતે મોઢે…’ કેરીયરની ભાગદોડ… અપરિપકવ બાળકો… ક્રૂર દુનિયા… અફાટ જંગલમાં અંધાધૂંધ દોડતાં હરણનાં ટોળાં તેની આંખ સામે દેખાયાં. ‘કયારે સેટલ થશે આ છોકરી ? કયારે ગૃહસ્થી વસાવશે ?’ તે વિચારી રહ્યો.
‘ત્યાંના નવા વાતાવરણમાં તું નિયમિત સંપર્ક રાખી શકીશ ?’
‘ઓ પપ્પા ! હવે દુનિયા રાઈના દાણા જેવડી થઈ ગઈ છે. અને આપણાં ઘરમાં જ ઈન્ટરનેટ છે. રોજ વાતો કરીશું.’
‘ત્યાંના કલ્ચરમાં ઝટ એડજસ્ટ થઈ શકીશ ?’
‘ચિંતા ન કર મમ્મી ! ત્યાં આપણા ગુજરાતીઓનો મોટો સમાજ છે.’

‘જયાં જયાં વસે એક ગુજરાતી…’ સિદ્ધાર્થ બોલ્યો. પુરપાટ ટેકસી ધસી રહી હતી. મૌનનો જાણે કે ડર લાગતો હોય એમ જીવ પર આવી બધાને વાતો કરી લેવી હતી.
‘ત્યાં સેટલ નહીં થઈ જા ને ?’
‘Depends ! કદાચ સિદ્ધાર્થ ને ત્યાં ખેંચી લઉં અને તમને પણ બોલાવી લઉં.’
‘આ સમાજ, કુટુંબ, વૃદ્ધ માને છોડીને કયાં ?’- નૈતિક વિચારી રહ્યો.
‘સાવ ગાંડી છો.’ ‘Sure, mammy !’ કહેતાં ટીકીને ડૂમો ભરાઈ આવ્યો.
‘ઑસ્ટ્રેલિયાની કલાઇમેટ આપણા જેવી જ છે. વાત બદલતા નૈતિકે કહ્યું. ખાસ તો વાંધો નહીં આવે.
‘હા, અમે કર્કવૃત પર રહીશું, તું મકરવૃત પર રહીશ.’- સિદ્ધાર્થ બધાં હસી પડયાં.
‘પણ બેટા અત્યારે ત્યાં શિયાળો હશે એ વિચાર જ મને ન આવ્યો. મેં સ્વેટર, શાલ મૂકયાં જ નથી.’ નિષ્ઠા રડી પડી.
‘Relax mammy ! ત્યાં મળી રહેશે.’ બર્ફીલું, સફેદ, વજનદાર મૌન ટેક્ષીમાં પથરાઈ ગયું. તેને હટાવતાં સિદ્ધાર્થે પૂછયું, ‘તું મારા માટે શું લાવીશ ?’
‘કાંગારુ ! અને પપ્પા માટે બૂમરેંગ !!’ મૌન વરાળ થઈ ગયું.
‘કાંગારુ બરોબર, પણ પપ્પા માટે બૂમરેંગ કેમ ?’
‘તને ફટકારવા માટે.’
‘પપ્પા મને ફટકારીને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ નહીં બનાવી શકે.’ બધા હસ્યા. ઍરપોર્ટ નજીક આવી રહ્યું હતું. ‘પપ્પા, તમારા વાળ સફેદ થઈ ગયા છે.’ ટીકીનો સ્વર ઢીલો પડી ગયો હતો.
‘તું પરત આવીશ ત્યારે ટાલ હશે. કદાચ ઓળખીશ પણ નહીં.’ ‘તો તમે જાની – રાજકુમાર જેવી વીગ પહેરજો.’ પણ પછી તે મર્મ સમજતા બોલી ‘ના પપ્પા, લોન પણ મંજૂર થઈ ગઈ છે, સ્લોકરશીપ પણ મળશે.’

બપોરના તડકામાં આસ્ફાલ્ટની સડક પર દૂર તેને ખાબોચિયું ભરાયું હોય તેમ લાગ્યું અને સામેથી આવતી કારનું તેમાં પ્રતિબિંબ પણ પડયું. ‘ઓહ મૃગજળ, આંખ ઝીણી કરી તે વિચારી રહ્યો, ‘મરિચીકા, અને તેની પાછળ ધસી રહેલી ટીકી…’ તેનાથી સાહજિક જ પ્રાર્થના થઈ ગઈ, ‘હે ભગવાન ! મારી ટીકીની આંખમાં મૃગજળ ન આંજતો.’ ઉજાગરાથી તેની આંખ મીચાઈ ગઈ. તંદ્રામાં તેણે જોયું : ‘યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કાળા રોબમાં મૅડલ સાથે, ડૉકટર તિતિક્ષા, મુંબઈ ઍરપોર્ટ પર હારના ઢગલામાં ઢંકાયેલ ટીકી, શરણાઈના સૂર, હૉસ્પિટલમાંથી ટીકીને યાદ કરતી દાદી…’
‘પપ્પા, ઍરપોર્ટ આવી ગયું.’ તે ઝબકી ગયો. તેને થયું, ફલાઈટ કૅન્સલ હોય તો કેવું સારું ? પણ એવું કશું જ થયું નહીં.

ઍરપોર્ટ પર બધી વહીવટી વિધિ, લગેજ, ચૅકિંગ ફટાફટ પૂર્ણ થઈ ગયું. નિષ્ઠાને હ્યદયના ધબકારા કાનમાં સંભળાતા હતા. વિઝિટર્સ લોન્જમાં બધા ટીકીને ભેટયા. શબ્દો ઓગળી ગયા હતા. સ્મિત યુનિફોર્મની માફક બધાએ ધારણ કર્યું હતું.
‘તબિયત સાચવજે’,
‘તમે પણ સંભાળજો, દાદીનું ધ્યાન રાખજો.’
‘દર રવિવારે ફોન કરજે’
‘I Love you mamma !’
‘Take Care’ ‘Best of luck’…. ‘ટાટા…’
‘પપ્પા, સિગારેટ છોડી દેજો.’ અને પેસેન્જર્સ વાન મુસાફરોને ઍરક્રાફ્ટ સુધી લઈ ગઈ. પ્લેનનો દરવાજો ખૂલ્યો, હાથ હલાવતી ટીકી અંદર દાખલ થઈ. ઍરપોર્ટ પર માઇકમાં રિસેપ્સનીસ્ટની ફાંફડા અંગ્રેજીમાં સૂચના પ્રસારિત થઈ. પ્લેન સ્ટાર્ટ થયું. લાંબો રન લઈ પ્લેન હવામાં ઊંચકાયું.

નિષ્ઠાનું હાસ્ય ખૂબ જોરથી ધબકવા લાગ્યું. પતિ-પત્નીએ સખ્તાઈથી એકબીજાના હાથ પકડી લીધા. દિગ્મૂઢ થઈ નાના થતા પ્લેન સામે જોઈ રહ્યા. મિનિટોમાં પ્લેન નાનકડા બિંદુ જેવું થઈ હવામાં અદ્રશય થઈ ગયું. નૈતિકનું દિમાગ શૂન્ય થઈ ગયું. સમગ્ર ઍરપોર્ટ તેને ખાલીખમ લાગ્યો, પ્લેનની દિશામાં તેની આંખો ઝીણી થઈ ગઈ. તેને લાગ્યું કે પાણીના કુંડમાંના થાંભલા પાસે બે ત્રાજવાં હતાં. એકમાં પોતે બેઠો હતો, બીજામાં ટીકી. થાંભલાની ટોચે ગોળ ફરતા મત્સ્યનું બાપ-દીકરી બંનેએ સંધાન કર્યું હતું. પોતાનું તીર જાણે કે હાથમાં રહી ગયું અને ટીકીનું તીર, મત્સ્યવેધ કરતું, સડસડાટ પ્લેનની દિશામાં…

[ કુલ પાન : ૧૧૮. કિંમત. ૯૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “મત્સ્યવેધ – અજય પુરોહિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.