સુખી લગ્નજીવનની ગુરુચાવીઓ કઈ ? – શશીકલા જોષીપુરા

[ ‘બેટર હાફ’ પુસ્તકમાંથી સાભાર.]

Image (28) (504x640)‘મનુસ્મૃતિ’માં એવું લખ્યું છે કે ‘ જે પતિ-પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય તેમના ઘરમાં જ સુખ, સમૃદ્ધિ અને સામર્થ્ય વાસ કરે છે. જયાં ઘર્ષણ હોય ત્યાં દુઃખ, ગરીબી અને કંકાસનો નિવાસ રહે છે.’ મનુસ્મૃતિની વાત તો આજના યુગમાં કોઈને સ્મૃતિમાંય નહીં હોય ! કેટલાય કંકાસ્મય જીવન જીવતા અને ઉપરથી ઊજળા ને ધનાઢય લોકોનાં જીવન ભીતરનાં દાંમ્પત્યજીવન પાટા પરથી ઊતરી પડેલી ગુડ્ઝટ્રેન જેવાં હશે. જોનાર લોકો તો વિચારતા હશે કે આટલું બધું સુખ-વૈભવ અને સમૃદ્ધિ છે તોય આ પતિ-પત્ની સુખી કેમ નહીં રહેતાં હોય ? એમના જીવનમાં એવું શું ખૂટતું હશે ? સુખ ભોગવવાનું છે ત્યારે સંતાપ શું કરતાં હશે ?

તમે કયારેક એવું જોયું છે કે કેટલાક લોકો ખરેખર સુખમય દામ્પત્યજીવન જીવતાં હોય છે. તેમની કરિશ્મા જ નોખી તરી આવે છે. તેમના પ્રત્યેક વ્યવહારમાં, વર્તનમાં, રીતભાતમાં, નાના-મોટા પ્રસંગોમાં, પરસ્પરની ચાહત, લાગણી, માન-આદર અને આકર્ષણ સંદેશાઓ આપોઆપ વહેતા જ હોય છે. આવા લોકોની અદેખાઈ કરવાને બદલે કે આવા સુખી દંપતીને જોઈ દુઃખી થવાના બદલે, એ લોકો એવું કયું રસાયણ અજમાવે છે તે શોધી કાઢવું જોઈએ એવું નથી લાગતું ?

આપણી અત્યારની રહેણી-કરણી, જીવનપદ્ધતિ બદલાતી જાય છે. ‘પરિવર્તન એ જ એક સ્થિત અને શાશ્વત બાબત છે’ એમ મારા બેટર હાફ હંમેશ કહે છે. એટલે જીવન જેમ આગળ વધે તેમ તેને નવી દ્રષ્ટિથી મૂલવવાની, મૂલ્યોને નવા સમીકરણથી જોવાની જરૂર ઊભી થાય છે. અને છતાં મનુસ્મૃતિના સિદ્ધાંતને નવી દ્રષ્ટિથી મૂલવવાની જરૂર તો ખરી જ, કે જે પતિ-પત્ની એકબીજાથી સંતુષ્ટ હોય ત્યાં સુખ આવે છે, વસે છે, એટલું જ નહીં પણ વિસ્તરે છે.

હમણાં એક ચિંતનીય અંગ્રેજી લેખ વાંચવામાં આવ્યો. ‘સુખી લગ્નજીવન માટેનાં રહસ્યો.’ અમેરિકન પતિ-પત્નીના સંદર્ભમાં તેમાં વાત છે, માનવીય સંબંધો સર્વત્ર સરખા હોય છે. માત્ર તેને મૂલવવાની રીત અલગ હોય છે. પતિ-પત્ની બધે જ પ્રેમ કરે છે, ઝઘડે છે, જાતીય જીવન જીવે છે, બાળકો પેદા કરે છે, મારામારીય કરે છે, ઘર ચલાવે છે ને ઝાટકામાં અલગ થઈ છેડો ફાડી પણ નાંખે છે, પણ આપણે એ તરફ ન જતાં જે કંઈ સારી બાજુ છે તેનો સરવાળો કરવાની દિશા અપનાવવા જેવી છે. નવા સંદર્ભમાં તે અનુકરણીય છે.

સુખી લગ્નજીવનના રહસ્યની ચાવીઓ આ મુજબ હોઈ શકે :

૧) પતિ-પત્નીના સંબંધને ‘પૉઝિટિવ’ રીતે જોવાય તે જરૂરી છે. એક દ્રશ્ય એવું લઈએ જેમાં આપણી પરિસ્થિતિ મુજબ પતિ ઑફિસેથી આવે છે. તે આખા દિવસના કંટાયેલા છે. બહાર જવાય તેવા કોઈ સંજોગો નથી. પતિ અખબાર મૅગેઝિન કે ટી.વી. સામે બેસી જાય છે. આ સ્થિતિમાં તમે (પત્ની) શું કરો ? ઘણા પ્રત્યાઘાતની શકયતા નકારી કઢાય તેમ નથી.

તમે ગુસ્સો કરો, ઉપેક્ષા કરો, બબડાટ કરો, બીજા કામમાં લાગી જાવ. બેડરૂમમાં પડખું ફેરવીને ઊંઘી જવાનો ડોળ કરો, કલાકો-દિવસો સુધી ન બોલો, વાસણ પછાડો, બાળકો હોય તો પતિને ‘ગુગલી બૉલ’ વાગે તે રીતે કટાક્ષ કરો. એવું કરો તેમાં પતિ જાણે ‘ગિલ્ટ’ (દોષિત મનોભાવ) અનુભવે. કંઈ પણ પ્રત્યાઘાતો આવી શકે. મનોવિજ્ઞાન એવું કહે છે કે ‘શું સાચું ને ખોટું’ એ અગત્યનું નથી. પણ જીવવા માટે પૉઝિટિવ અભિગમ વધુ અસકારક બની રહે છે. આપણા અંગત અને નિકટના સાથી માટે અંદર તો લાગણીઓ પડેલી જ છે એટલે એકબીજાને તે વખતે’ શું કરે તો ગમે ?’ તેવો પ્રતિભાવ વધુ અસરકારક બને છે. ઉપર જે પ્રતિભાવ આપ્યો તે નકારાત્મક છે. જે સામી વ્યક્તિને વધુ ઉશકેરે છે.

૨) પતિ-પત્ની સાથે સાથે જીવે છે. અલગ વ્યક્તિત્વ છતાં એકત્વ છે અને એટલે જ એની તમામ જવાબદારીઓ સહિયારી બની જાય છે. બંનેને સંતોષે તેવી રીતે તેની વહેંચણી કરી શકાય તો ઉતમ જીવન-વ્યવહાર શકય છે.

માની લો, પત્ની પણ વ્યવસાય કરે છે. પતિ જેટલું જ, બલકે ઘરનું કામ તેની બેવડી જવાબદારી બને છે. ત્યારે ઘરકામ બંનેમાં વહેંચાય તો સંબંધોની માવજત સરસ થાય છે. પાણીનો પ્યાલોય જાતે ન લેતા પતિરાજો કે પત્ની પર હુકમો છોડી પોતાનાં વસ્ત્રો પણ જાતે ન લેતા પતિઓ પત્નીને માથે ઘણો ભાર છોડે છે. (પત્ની તે પ્રેમથી કરે તેમાં પત્નીને ‘બોનસ’ છે) પણ કામની વ્યવસ્થાનું આયોજન અને વહેંચણી લગ્નજીવનમાં ઘણી હળવાશ અને નિકટતા આપે છે.

૩) ‘સમજોતા’ શબ્દ મને બહુ ગમે છે, કારણ તેમાં જયારે – જયારે જતું કરવાનું આવે છે ત્યારે ઘણુંબધું મળી જતું હોય છે. ‘કૉમ્પ્રોમાઈઝ ?’ કોઈ કાળે નહીં, એવું જડ ને ઘર કરી ગયેલું વલણ ધરાવતા લોકો ઘર્ષણ સિવાય કશું કરતા નથી. તમે થોડું છોડો, હું થોડું જતું કરું-ના વલણમાં ક્યાંક કશું ખૂટતું હોય તો આપોઆપ મળી જાય છે. કેટલાંક પતિ-પત્ની પોતાની વાતનો ‘કક્કો’ છોડતાં જ નથી, સ્નિગ્ધતા જળવાતી નથી. ઘર્ષણ પેદા થાય છે.

૪) થોડું ઘર્ષણ તો દામ્પત્યજીવનમાં જરૂરી ભૂષણ છે. તેને સ્વીકારી લેવાનું, એવા ઘર્ષણ પછી પતિ-પત્ની ઘણી વાર વધુ નિકટતા અનુભવતાં હોય છે. થોડી તડાફડી, વાદવિવાદ, રુસણાં-મનામણાંને અંતે પ્રેમની ભરતી પછી સુંદર રીતે આવી જાય છે એવું નથી બનતું ? તે વખતે લાગે કે શું કામ આવું ઝઘડયાં, પણ એનો કોઈ જવાબ નથી. એવું થાય જ, નહીંતર પેલી મીઠાશ કયાંથી આવત ?

૫) ‘તમારે જે કહેવું હોય તે, પણ નસીબ જેવું કંઈક હોય છે. ગ્રહો પણ કંઈક અંશે અસર કરે છે સંબંધોમાં’ એવું એક પત્નીએ કહ્યું. શા માટે કેટલાક ‘બે જણ’ ને બનતું જ નથી- પ્રત્યનો છતાં તૂટી જાય છે, માવજત છતાં મરી જાય છે.

સ્નેહ છતાં સરવાળે પૂર્ણવિરામ થતાં સંબંધોની કઈ ખોટી ચાવી ?

પણ કેટલાંય પતિ-પત્ની એવાં પણ નથી જોયાં ? કે જીવનમાં કેટકેટલી મથામણ, સંઘર્ષ, આર્થિક ભીંસ, બીજા દુઃખો, આફતો વચ્ચેય મ્હોરીને મહેકી રહેતું તેમનું દામ્પત્યજીવન તો અકબંધ હોય છે. તે ઝઘડવા છતાં એક્ના એક જ, હસતાં હોય, ‘અરે આવું જીવવાનીય મજા આવે છે’ એવાં પતિ-પત્ની મેં જોયાં છે, કદાચ ઓછા. જો તમે જાણવા માગો કે એમાં કયું રસાયણ કામ કરી રહ્યું છે તો તમારે તેમને પૂછીને એ રસાયણ અપનાવી લેવું.

છેવટે તો દરેકનું લગ્નજીવન અલગ છતાં એક જ પદ્ધતિનું હોવાનું. કઈ ચાવી કોને લાગુ પડે તે નક્કી પણ પતિ-પત્ની જ કરે ને સમય જેમ બદલાય છે તેમ અભિગમ ન બદલીએ કે વિચારોમાં પૂરણી ન કરીએ તો કોઈ ગતિ તેમાં જીવંતતા લાવી શકતી નથી. સુખી લગ્ન-જીવનની ઘણીબધી ગુરુચાવીઓ છે. એક સુખી દંપતીને પૂછ્યું : ‘તમે આવું ઈર્ષા આવે તેવું જીવો છો તેનું રહસ્ય શું ? ‘બસ, ખબર નથી, છતાં એ માટે ઘર્ષણ પણ છે ને તેમાં વિજય પણ છે. તેનાથી તમે ભાગી શકો નહીં, અને કદાચ એ જ અમને જીવન્ત રાખે છે, સૌથી વધુ વર્ષો તો પતિ-પત્ની જ સાથે અતિ નિક્ટ રીતે વિતાવે છે ને તો પ્રેમ પણ તેની જ પૂરણી છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “સુખી લગ્નજીવનની ગુરુચાવીઓ કઈ ? – શશીકલા જોષીપુરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.