- ReadGujarati.com - http://www.readgujarati.com -

સ્ત્રીઓનું અશોભનીય વસ્ત્રપરિધાન – દિનેશ પાંચાલ

[ ‘હૈયાનો હસ્તમેળાપ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો.]

ગિરીશ-ગૌરી તથા માયા અને મનોજ એ ચાર મિત્રો ભેગાં મળે ત્યારે બે વાત ખાસ બનતી. સૌને આઇસક્રીમ બહુ ભાવે એથી ગૌરી સૌને ઘરનો આઇસક્રીમ પીરસે, પણ તે પહેલાં ગરમાગરમ બટાકાવડાં તો ખરાં જ. ગિરીશ અને મનોજ રાજકારણના રસિયા એટલે બહુધા રાજકારણની ચર્ચા થતી. પરંતુ આ વખતે વાત થોડી વિવાદાસ્પદ બની ગઈ. પરિણામે ઘાટ એવો થયો કે હાથમાં ઠંડો આઇસક્રીમ અને ચર્ચા ગરમાગરમ…! પ્રથમ વાર મિત્રોની હાજરીમાં માયા અને મનોજ વચ્ચે વિચારભેદના તણખા ઝર્યા. વાત એમ બની કે નાસ્તા બાદ બધા આઇસક્રીમને ન્યાય આપી રહ્યાં હતાં, તે સમયે ટીવી પર સ્ત્રીઓના શોષણ પર એક કાર્યક્રમ રજૂ થઈ રહ્યો હતા. એક વકતાએ કહ્યું: ‘બળાત્કારનાં કારણોમાંનું એક કારણ સ્ત્રીઓનું અશ્લીલ વસ્ત્રપરિધાન છે અને એ માટે ૧૦૦ ટકા સ્ત્રીઓ જવાબદાર છે.’ મનોજ બોલી ઊઠયો : ‘વાત એકસોએક ટકા સાચી છે…. સ્ત્રીઓનું અશોભનીય વસ્ત્રપરિધાન પણ એ માટે જવાબદાર ખરું જ….!’ પણ કાર્યક્રમમાં સામેલ તમામ મહિલાઓએ એનો ઉગ્ર વિરોધ કર્યો.

માયા પણ એ મહિલાઓ જેવો જ મત ધરાવતી હતી. એણે કહ્યું : ‘બળાત્કાર વસ્ત્રપરિધાનને કારણે થાય છે એ પુરુષ-દિમાગમાં ઘર કરી ગયેલો સાવ જૂઠો અને હાથવગો બચાવ છે. મનોજ, તમને ખબર ન હોય તો જાણી લો કે પાકિસ્તાન સહિતના ઘણા મુસ્લિમ કન્ટ્રિઝમાં બળાત્કાર કરનારને જાહેરમાં પથ્થરમારો કરી મારી નાખવામાં આવે છે. ત્યાંની સ્ત્રીઓ બુરખામાં રહે છે તોપણ બળાત્કાર થાય છે. બળાત્કારનું સાચું કારણ સ્ત્રીઓની વેશભૂષામાં નહીં, પુરુષોની વાસનામાં રહેલું છે. સીતાજી એવાં વસ્ત્રો નહોતાં પહેરતાં છતાં રાવણે તેમનું અપહરણ કર્યું હતું. સ્વર્ગનો રાજા ઇન્દ્ર ગૌતમઋષિની પત્ની અહલ્યા પર કામાંધ બન્યો હતો. ગૌતમઋષિ સ્નાન કરવા નદીએ ગયા તે તકનો લાભ લઈ ઇન્દ્ર ગૌતમઋષિનું રૂપ ધારણ કરી અહલ્યા પાસે ગયો હતો. ગૌતમઋષિને એની જાણ થતાં તેમણે ઇન્દ્રને શાપ આપી બિલાડો બનાવી દીધો હતો. શંકર ભગવાન પણ ભીલડી પર મોહી પડયા હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે મહાસતી અનસૂયાના સતીત્વની કસોટી કરવા ગયા હતા. તેઓ સાધુનો વેશ ધારણ કરી અનસૂયા પાસે ગયેલા અને તેમણે અનસૂયા પાસે વિચિત્ર માગણી કરતાં કહ્યું હતું : ‘અમારે તમારી સાથે સૂવું છે…!’ સતી અનસૂયાને ખબર પડી ગઈ કે આ સાધુવેશે આવેલા દેવો છે. એથી એમણે ત્રણેને પોતાની શક્તિથી નાના બાળક બનાવી દીધા, પછી માતા બની તેમની સાથે સૂતાં. મનોજ, પુરુષોની સ્ત્રી-આસક્તિ એ સદીઓ જૂનો રોગ છે. આજે એકવીશમી સદીમાં સાધુ-સંતો પણ વ્યભિચાર કરે છે. એ ભૂલશો નહીં કે મહાસતી અનસૂયાએ ટૂંકાં વસ્ત્રો પહેર્યાં નહોતાં. આજે સાધ્વીઓ કે ભકતાણીઓ પણ ટૂંકાં વસ્ત્રો પહેરતી નથી છતાં પુરુષોના હવસનો શિકાર બને છે.’

મનોજે માયાને વચ્ચે જ અટકાવતાં કહ્યું : ‘મેમસાહેબ, તમે મહાસતી અનસૂયાના જમાનામાં શીદ પહોંચી ગયાં ? પુરાણોની એ બધા કથા સાચી હોવાની આપણી પાસે કોઈ સાબિતી નથી. આપણી ચર્ચા આધુનિક સ્ત્રીઓના વસ્ત્રપરિધાન અંગેની છે. તમે કલબોમાં સ્ત્રીશોષણ વિશે ભાષણો કરો છો એથી તમને એક કૉલેજમાં બનેલી સત્યઘટનાની ખબર હશે જ. ન હોય તો હું કહું તે સાંભળો. એક વાલીએ કૉલેજના આચાર્યને ફરિયાદ કરી : મારી દીકરી કૉલેજમાં આવે છે ત્યારે છોકરાઓ કપડાં વિશે ગંદી કૉમેન્ટ પાસ કરે છે. તમે તેમને સજા કેમ નથી કરતા ?

આચાર્યસાહેબે કહ્યું : વડીલ, ખોટું ના લગાડશો, પણ તમારી દીકરી એવાં ટૂંકાં વસ્ત્રો પહેરીને આવે છે કે આ ઉંમરે મારુંય ચિત વિચલિત થઈ જાય છે, તો બાપડા યુવાનોનો શો વાંક ? તમારી દીકરીને જ કહો કે કૉલેજમાં એવાં ટૂંકાં વસ્ત્રો ના પહેરે !’ મનોજે હસીને કહ્યું : ‘અહીં આચાર્ય તરીકે હું હોત તો મેં ઉમેર્યું હોત : વડીલ, બિલાડી સામે ફરિયાદ નોંધવવા કરતાં દૂધની તપેલી પર ઢાંકણ ઢાંકવાનું જ મુનાસીબ લેખાય.’

ચર્ચામાં દલીલ-પ્રતિદલીલનો કોઈ અંત નહોતો. માયાને લાગ્યું કે અમુક અંશે મનોજની વાત પણ સાચી હતી. કોણે કેવાં વસ્ત્રો પહેરવાં એ આમ તો તત્વત : વ્યક્તિસ્વાતંત્ર્યનો પ્રશ્ન છે. પણ કુદરતે સ્ત્રીને ભરપૂર દેહસૌંદર્ય આપ્યું છે, અને પુરુષોની આંખોમાં આસક્તિનો સુરમો આંજયો છે. એ બે ભેગાં મળે છે ત્યારે આગ અને પેટ્રોલ જેવું જોખમ ઊભું કરે છે. સ્ત્રીઓ ચુંબકીય સૌંદર્ય ધરાવતી હોઈ તેમના પ્રત્યે સમગ્ર સમાજની નજરોના કૅમેરા હંમેશાં કાર્યરત રહે છે. એ કારણે સ્ત્રીઓનું વસ્ત્રપરિધાન તેમની અંગત બાબત ન બની રહેતાં સમગ્ર સમાજને સ્પર્શતો મુદ્દો બની રહે છે. જયાં દર ૫૪ મિનિટે એક બળાત્કાર થાય છે એવા આપણા દૂષિત સમાજમાં સ્ત્રીઓનુ એવું બીભત્સ વસ્ત્રપરિધાન પુરુષ માનસમાં ઉતેજક ભૂમિકા ભજવે છે. દુર્ભાગ્યે આધુનિક નારી તેમના એવા વસ્ત્રપરિધાનને નારીસ્વાતંત્ર્યનો મુદ્દો ગણે છે.

પેલા ટી.વી કાર્યક્રમમાં આધુનિક નારીના વસ્ત્રપરિધાન વિશે વિસ્તૃત ચર્ચા થઈ. તેમાં તમામ કૉલેજ કન્યાઓએ આક્રોશપૂર્વક એવો મત વ્યકત કર્યો કે અમારે કેવાં વસ્ત્રો પહેરવાં એ અમારો અંગત પ્રશ્ન છે. જે વડીલો અમારાં ટૂંકાં વસ્ત્રો માટે પુરુષોની કામુક નજરનો ભય દર્શાવે છે તે વડીલો પુરુષોને જ તેમની નજર નિર્વિકારી રાખવાનું કેમ નથી કહેતા ? પુરુષો ફૅશન-રૂપે ટૂંકી પૅન્ટ, બરમૂડો, વગેરે પહેરે છે ત્યારે મહિલાઓ વિરોધ કરતી નથી. પુરુષોએ પણ સ્ત્રીઓના વસ્ત્રસ્વાતંત્ર્યને માન્ય રાખવું જોઈએ. શું ફૅશન કરવાનો હક એકલા પુરુષોને જ છે ? પુરુષોની સ્ત્રીઆસકિત તો ચિતમાં જ ખતમ થાય છે. તે કારણે અમારે શું જિંદગીભર અમારા દેહને ગળાથી પગની પાની સુધી કપડાંથી જકડી રાખવો ? આપણા સમાજમાં ૮૦ વર્ષના બુઢ્ઢાની આંખોમાંય સુંદર સ્ત્રીનો ચહેરો જોઈ સાપોલિયાં સળવળી ઊઠે છે, તેથી શું અમારે ચહેરા પર બુરખો પહેરી બહાર નીકળવું ? માયાએ એ દલીલો સાંભળી મનોજને કહ્યું : ‘લો સાહેબ, આપો જવાબ….!

મનોજનું માનવું હતું કે આ સઘળી દલીલો ચીનાઈ માટીના સફરજન જેવી છે. માટીનું સફરજન દેખાવે અત્યંત આકર્ષક લાગે પણ ખાઈ શકાતું નથી. બહેનોની દલીલ તાર્કિક રીતે સાચી હતી પણ વ્યવહારુ નહોતી. પુરુષોના મસલ-પાવરની તુલનામાં સ્ત્રીની પ્રતિકારશકિત ઓછી હોય છે. વળી પુરુષોની ગાઢ આસકિત પણ તેણે ખુદ નિર્મેલી સ્થિતિ નથી. કુદરતનું એ કારસ્તાન છે. તેવા સંજોગોમાં સ્ત્રીઓનું બીભત્સ વસ્ત્રપરિધાન મર્કટને મદિરા પાવા સમું જોખમી બની રહે છે. ગિરીશે કહ્યું : ‘સ્ત્રીનાં ટૂંકાં વસ્ત્રો એ ઉંદરના પાંજરામાં લટકાવવામાં આવતી રોટલીની ભૂમિકા અદા કરે છે.’ ગિરીશની વાત સાંભળી સૌ ખડખડાટ હસ્યાં. માયા પણ સહેજ મરકી.

ટીવી કાર્યક્રમમાં એક વડીલે કહ્યું : ‘દરજી સ્ત્રીના અંગપ્રદર્શનનો આર્કિટેકટ કહેવાય છે. સ્ત્રીઓનાં એવાં વસ્ત્રો માટે દરજીઓનો વાંક વિશેષ હોય છે. તેઓ ફૅશનના નામે સ્ત્રીઓને એવાં ટૂંકાં વસ્ત્રો સીવી આપે છે.’ ગિરીશે પ્રતિભાવે આપતાં કહ્યું : ‘આ વાત પણ સાચી નથી. સઘળું દરજીની મરજી પર અવલંબતું નથી. અતિશય ટૂંકુ મિડી એ દરજીની ભૂલ હોતી નથી. સ્ત્રીના બન્ને ખભા ખાસ્સી નીચાઈ સુધી ખુલ્લા રહે એ દરજીની દાંડાઈ નથી. બ્લાઉઝના આગળ-પાછળના કપડામાં કરવામાં આવેલી ખાસ્સી કંજૂસાઈ એ દરજીની શરારત નથી. સ્ત્રી ખુદ ન ઈચ્છે તો દરજીની શી તાકાત કે તે ચાર વેંતની પીઠ માટે કેવળ એક વેંત જેટલું કાપડ ફાળવવાની ગુસ્તાખી કરે ? કોઈ નબળા વિધાર્થીના ઝીરો માકર્સ આવ્યા હોય તો તે માટે તેનું રિઝલ્ટ-કાર્ડ તૈયાર કરતા શાળાના કલાર્કનો વાંક ન કાઢી શકાય . બ્લાઉઝની પાછળ વાટકા જેવું મોટું બાકોરું હોય છે એ દરજીની કાતરનું કારસ્તાન નથી હોતું. અત્યંત તંગ બ્લાઉઝ એ પણ દરજીની અણઆવડતનો પુરાવો નથી.’ મનોજે કહ્યું, ‘સ્ત્રીઓ સ્વયં અંગપ્રદર્શન માટે આવા વિવિધ તુક્કાઓ અજમાવતી હોય તેવા સંજોગોમાં પુરુષોની નજર પર કેટલા ચોકીપહેરા ગોઠવીશું ? દેહના દરવાજા ખુલ્લા રાખ્યા બાદ પુરુષોની નજરના ખાડામાં કેટલા ડૂચા મારવા ? મેડિકલ સ્ટોરવાળા એક પતાકડામાં દવા કેવી રીતે લેવી તે લખી આપે છે, પણ તે રીતે સાડીના સ્ટોરવાળો સાડીના બિલમાં એવી સૂચના લખી આપતો નથી કે આ સાડી નાભિ નીચેથી પહેરવી. છતાં સ્ત્રીઓ નાભિ નીચેથી સાડી પહેરે છે… કોને માટે…? મૅડમ, કોઈ ટૂંકાં ફ્રોક પહેરતી કૉલેજકન્યાને પૂછજો કે તમારાં વસ્ત્રોમાં તમે પ્રયોજનપૂર્વક ગોઠવેલાં છીડાં-બાકોરાંમાથે દેખાતો દેહ લોકો જુએ એવા તમારા સભાન પ્રયાસો નથી શું ? તમારા ખુદના દર્શાનાર્થે તો તમે મિડી કે બ્લાઉઝ ટૂંકી બનાવડાવતાં નથી. સાવ સભાનપણે તમે પુરુષવર્ગ માટે અંગપ્રદર્શન કરો છો ત્યારે તમારા પ્રયાસોમાં સંડોવાતા પુરુષો એ તો તમારા જ ઇરાદાઓનો સફળ અંજામ છે. એની સામે ગુસ્સો કરવો એટલે આગમાં કૂદ્યા પછી અગ્નિને ગાળ દેવા જેવી ભૂલ ગણાય.’

ગિરીશે કહ્યું : ‘મનોજ, તને ખબર હશે, સરકારે બળાત્કારનો ભોગ બનતી મહિલાને બે લાખ રૂપિયા આપવાનો કાયદો કર્યો છે. આ કાયદાનું વાજબીપણું શંકાસ્પદ જણાય છે. રેલવે ફાટક હંમેશાં ઉઘાડું રાખવાની લાપરવાહી દૂર કરવાને બદલે રેલવેખાતું અકસ્માતનો ભોગ બનતા લોકોને આર્થિક સહાય કરે તેના જેવી આ વાત છે. બળાત્કારો સંબંધે સરકારે થોડા વધુ ગંભીર બની કારણોનાં મૂળિયાં સુધી પહોંચવું જરૂરી છે. કરુણતા એ છે કે આપણે બળાત્કારોના કેસોના ઝડપી નિકાલ માટે જરૂર પડશે તો નોખી અદાલતો સ્થાપીશું અથવા બે લાખ રૂપિયા આપીશું, પણ માનવીની તંદુરસ્ત જાતીય જરૂરીયાત હંમેશાં તરેહતરેહના ચોકીપહેરા ગોઠવતાં રહીશું. વસ્ત્રો ખુદ વેતરાઈ જઈને સ્ત્રીઓની ઇજ્જ્ત ઢાંકવા પોતાનાથી બનતું બધું કરી છૂટે છે, પણ સ્ત્રીઓની આંતરિક એષણાઓ સામે એ લાચાર બની જાય છે.

તાત્પર્ય એટલું જ કે સ્ત્રીઓ માટે તેમના વ્યક્તિત્વની ગરિમા જળવાય એવાં વસ્ત્રો જ ઉચિત લેખાય. જાહેર સુરુચિનો ભંગ થાય એવાં ટૂંકાં વસ્ત્રો ખુદ પોતાની જાતને પુરુષોનો શિકાર બનવાની શકયતા પૂરી પાડે છે. યાદ રહે, સંસ્કારી પહેરવેશમાં જ સ્ત્રીની સાચી શોભા અને સલામતી રહેલી છે. માયાના ચિતમાં વિચારોનાં ચકરડાં ઘૂમી રહ્યાં હતાં. સ્ત્રીની તરફેણ કરીએ કે તેમના પ્રત્યે લાખ સહાનુભૂતિ દાખવીએ, પણ જયાં સુધી સ્ત્રી પોતે સમયની નજાકતને વરતી જઈને થોડી સાવધ નહીં રહે ત્યાં સુધી બળાત્કારો માટે એકલા પુરુષોને દોષ દેવાનો કોઈ અર્થ નથી.

[કુલ પાન : ૨૦૦. (મોટી સાઈઝ.) કિંમત રૂ. ૨૫૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]