- ReadGujarati.com - http://www.readgujarati.com -

દુનિયામાં આજે છે એવું બધું કઈ રીતે ગોઠવાયું હશે ? – ડૉ.આઈ. કે. વીજળીવાળા

[‘ટપાકો અને જાદુઈ ચંપલ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

દુનિયામાં જયારે દિવસ, રાત, સવાર, સાંજ કે એવું કાઈ પણ નહોતું બન્યું ત્યારની આ વાત છે. ભગવાને પૃથ્વી બનાવી, માણસોને બનાવ્યા, પ્રાણીઓ તેમજ પંખીઓને બનાવ્યાં અને કેમ જીવવું એ સમજાવ્યું. પરંતુ એ વખતે બધે અંધારું અંધારું જ હતું. ત્યારે નહોતો સૂરજ કે નહોતો ચાંદો ! અરે તારાઓ પણ નહોતા. એ વખતે ભગવાને માણસને અગ્નિ સળગાવતા શીખવાડી દીધું હતું. એટલે લોકો લાકડા સળગાવીને પોતાનો વ્યવહાર ચલાવતા. પરંતુ અંધારામાં લાકડા કાપવા, એને લઈ આવવા, અંધારામાં ખેતર ખેડવાં, પાણી ભરવું એ બધા કામમાં સૌને ખૂબ મુશ્કેલી પડતી. કેટલાય માણસો પાણી ભરતાં ભરતાં અંધારાને કારણે કૂવામાં પડી જતા. લાકડાં કાપતા કાપતા પોતાના પગ ઉપર જ કુહાડી મારી દેતા. ખેતર ખેડતા ખેડતા બાજુવાળાનું ખેતર ખેડી નાખતા. પોતાની ગાયને બદલે બીજાની ગાય દોહી નાખતા. કોઈકનાં છોકરાં કોઈકને ત્યાં સૂઈ જતાં.પછી અગ્નિ બરાબર સળગે ત્યારે બધાને પોતાની ભૂલનો ખ્યાલ આવતો !

આ બધી માથાકૂટથી કંટાળીને બધા ભગવાન પાસે ગયા અને કહ્યું, ‘પ્રભુ ! અમે આ અંધારાથી કંટાળી ગયા છીએ ! અમને આ લાકડાનો અગ્નિ નથી ફાવતો. અમને ખૂબ જ અજવાળું આપો. લાકડાના ઝાંખા પ્રકાશથી અમે બધા કંટાળી ગયા છીએ. અંધારાને લીધે અમને કાંઈ કામ કરવાનું મન નથી થતું અને બસ ઊંધ્યા જ કરીએ છીએ. એટલે હવે અમને એવું અને એટલું અજવાળું આપો કે અમે એની સામે પણ ન જોઈ શકીએ !’
ભગવાનને લોકોની વાત બરાબર લાગી. એમણે કહ્યું, ‘તથાસ્તુ!’ એની સાથે જ આકાશમાં સૂરજ આવી ગયો. એના ઝળાહળા પ્રકાશથી આખી પૃથ્વી પર અજવાળું અજવાળું થઈ ગયું. લાકડાં સળગે છે કે નહીં એનો હવે નજીકથી કોઈ જુએ તો જ ખ્યાલ આવતો. વળી કોઈ સૂરજ સામે તો જોઈ જ શકતું નહીં. હંમેશા અંધારામાં જ રહેવા બધા ટેવાયેલા હતા એટલે થોડા દિવસ તો કોઈ આંખો જ ન ખોલી શકયું. પછી ધીમે ધીમે બધાની આંખો ટેવવા માંડી. હિંમત કરીને બધા થોડી થોડી વાર આંખો ખુલ્લી રાખવા માંડયા. ફકત બિલાડી, ઘુવડ અને ચામાચીડિયું કયારેય આંખ ખોલવાની હિંમત ન કરી શકયાં. (એટલે આજે પણ એ લોકો સૂર્યપ્રકાશમાં બરાબર જોઈ શકતાં નથી.)

અંધકારને બદલે બધે પ્રકાશ પ્રકાશ થઈ જવાને લીધે લોકો ખૂબ ખુશ થઈ ગયા. હવે અજાણતા કોઈ ખાડામાં કે કૂવામાં પડી ન જતું. બીજાનું ખેતર ખેડવાની કે બીજાની ગાય-ભેંસ દોહી લેવાનું હવે ન બનતું. થોડોક વખત બધાને મજા આવી પરંતુ પછી બધા કંટાળી ગયા. ત્યારે આજની જેમ સૂરજ ઊગતો કે આથમતો નહોતો, પરંતુ આકાશમાં બરાબર માથા પર એમ ને એમ જ રહેતો. એના કારણે ધીમે ધીમે ગરમી વધવા માંડી. પાણીની નદીઓ અને તળાવો સુકાવા માંડયાં. લોકોને હવે પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડતું. વૃક્ષો, વેલા અને ફૂલ-છોડ મુરજાવા લાગ્યાં. ગરમી અસહ્ય બનવા માંડી. પંખીઓનાં નાનાં બચ્ચા માળામાં જ શેકાઈ જવા લાગ્યાં. ગરમીને લીધે માણસો નહોતા કામ કરી શકતા કે નહોતા સૂઈ શકતા. આટલા બધા પ્રકાશમાં સૂઈ જવું પણ અશ્ક્ય લાગતું. પૂરતી ઊંઘ નહીં મળવાથી બધા માંદા પડવા લાગ્યા. બધાના સ્વભાવ બગડી ગયા. એકબીજા સાથે બધા વાતે વાતે ઝઘડી પડતા. મારામારી કરી બેસતા ! અનાજના છોડ વહેલા સુકાઈ જવાથી અનાજની તંગી ઊભી થવા લાગી. બધા મૂંઝાયા.

ફરીથી બધા ભેગા થઈને ભગવાન પાસે ગયા. હાથ જોડીને બધા બોલ્યા, ‘પ્રભુ ! ફકત પ્રકાશ હોય એની પણ મજા નથી આવતી. આટલો બધો પ્રકાશ પણ અમે સહન નથી કરી શક્તા. પહેલા અમે અંધારાને લીધે કામ નહોતા કરી શકતા, હવે ખૂબ પ્રકાશને લીધી નથી કરી શકતા. સૂરજ આટલો નજીક છે એટલે આવું થતું હશે, તમે અમને સૂરજને દૂર ગોઠવી આપો !’ ભગવાન ધીમું હસ્યા. પછી બોલ્યા, ‘તથાસ્તુ ! ભલે, તમારી ઈચ્છા મુજબ થશે !’ અને એમણે સૂરજને દૂર દૂર એક નાનકડો તારો બનાવીને ગોઠવી દીધો. લોકોએ રાહતનો દમ ખેંચ્યો. લોકો બોલી ઊઠયા, ‘હાશ ! આ ઠીક થયું ! ગરમીથી અને પ્રકાશથી કંટાળી ગયા હતા !’

બધા એવા થાકી ગયા હતા કે ઘણો વખત સુધી બધાએ ઊંધ્યા જ કર્યું. પૂરતી ઊંઘ મળી એટલે બધાની ચીડ પણ ઓછી થઈ. થોડા સમયમાં બધા પ્રફુલ્લિત બની ગયા, પરંતુ એ બધું થોડાક સમય માટે જ ! પછી ફરી પાછો બધાને પેલો અંધકાર ખટકવા લાગ્યો. જો કે હવે દૂર દૂર આકાશમાં એક તારો જરૂર દેખાતો હતો, પરંતુ એટલે દૂરથી એક જ તારો વળી કેટલો પ્રકાશ કે કેટલું અજવાળું આપી શકે ? હા ! એનાથી લોકો અંધારામાં પણ પોતાની દિશા નક્કી કરી શકતા તેમ છતાં અંધારું તો એમને હેરાન કરતું જ. ફરીથી બધા ઊપડયા ભગવાન પાસે અને હાથ જોડીને પ્રાર્થના કરી કે, ‘ભગવાન ! આ એક જ તારાથી કોઈ અર્થ નથી સરતો, આવા ઘણા બધા તારા બનાવી આપો !’

મંદ મંદ હસતા ભગવાને કહ્યું, ‘તથાસ્તુ ! જાવ ! એમ જ થશે !’ અને આખું આકાશ નાનામોટા અનેક સિતારાઓથી ભરાઈ ગયું. હવે ખૂબ ગાઢું અંધારું ન લાગતું. લોકો નક્ષત્ર વિશે શીખવા માંડયા. થોડા દિવસ સૌને આકાશમાં અગણિત તારાઓ જોવાની મજા પડી ગઈ. લોકોની ડોક દુઃખી જાય ત્યાં સુધી આકાશ સામે જોઈ રહેતા. વળી કેટલાય તો દિવસો સુધી ખાટલો પાથરીને પડયા રહેતા, પરંતુ એ બધું માત્ર થોડા દિવસ જ ! બધા એકવાર સૂરજના અજવાળાને સ્વાદ ચાખી ચૂકયા હતા એટલે હજુ એમને બરાબર મજા નહોતી જ આવતી. અંધારું હજુ એમને બરાબરનું ખટકતું હતું. એટલે ફરી એક વાર એ બધા ભગવાન પાસે ગયા અને કહ્યું, ‘પ્રભુ ! તમે ખૂબ જ દયાળુ છો. અમને તારાઓથી પૂરો સંતોષ છે, પણ હજુ અંધારું તો લાગે જ છે. અમને સૂરજથી ઓછું અને તારાથી વધારે તેજસ્વી હોય એવું કાંઈક બનાવી આપોને !’

ભગવાને ફરી એક વખત ‘તથાસ્તુ’ કહ્યું અને આકાશમાં ચંદ્ર ગોઠવાઈ ગયો. લોકો ખુશ થઈ ગયા. હવે એ લોકો પહેલાં કરતા વધારે દૂર સુધી જોઈ શકતા હતા. ચંદ્રનો પ્રકાશ દઝાડે એવો પણ નહોતો. શીતળતા તો એવી જ લાગતી જે ચંદ્રના આવ્યા પહેલા હતી. એટલે લોકોને મજા આવી ગઈ. પરંતુ વળી પાછી એક તકલીફ થઈ ! ચંદ્રના આવવાના કારણે તારા નિસ્તેજ બની ગયા હતા. લોકોએ તારા ભરી રાતોની સુંદરતા જોઈ લીધી હતી, એટલે એ આમ સાવ જતા રહે એ પણ એમને નહોતું ગમતું !

હિંમત કરીને બધા એક વખત ભગવાન પાસે ગયા અને બોલ્યા, પ્રભુ ! અમને એવું લાગે છે કે અમને સૂરજ ગમે છે, ચંદ્ર ગમે છે અને તારાઓ પણ ગમે છે. અમે હવે આમાંથી કોઈ એકની પસંદગી નથી કરી શકતા. એટલે તમે જ અમારી મૂંઝવણ દૂર કરો. એ બધાને એવી રીતે ગોઠવી આપો કે અમને સારું પડે અને કોઈ જાતનો ગૂંચવાડો પણ ન થાય !’

ભગવાન હસી પડયા. આ વખતે તથાસ્તુ કહેવાને બદલે બોલ્યા કે, ‘ભલે એમ થશે ! પણ સાંભળો ! હવે પછી હું જે કરીશ, આ પ્રકાશ અંધારાની વ્યવસ્થા જે રીતે ગોઠવીશ એમાં પછી કોઈ જાતનો ફેરફાર નહીં થઈ શકે. હવે હું જે કરીશ તે અંતિમ નિર્ણય ગણાશે. એમાં તમારી આવતી કોઈ પેઢી પણ ફેરફાર નહીં કરી શકે. કદાચ જો કોઈ એવી માંગણી કરશે તો એવો ફેરફાર કરી આપવામાં પણ નહીં આવે, બોલો છે મંજૂર ?’ ઘડીક એકબીજા સામે જોઈને બોલ્યા, ‘હા ભગવાન ! અમને મંજૂર છે !’ હવે ભગવાન બોલ્યા, ‘તથાસ્તુ !’

પછી ભગવાને આકાશમાં સૂર્ય આવે, ચંદ્ર આવે અને તારાઓ પણ રહે એવું ગોઠવી આપ્યું. સૂર્ય આકાશમાં આવે એને લોકો દિવસ કહેવા માંડયા અને બાકીના સમયને રાત કહેવા લાગ્યા. રાત્રિના ચંદ્ર પણ રહે અને ધીમે ધીમે એ નાનો મોટો થતો જાય એવું ગોઠવ્યું જેથી લોકો તારાની મજા માણી શકે. ચંદ્ર આખો હોય અને ફકત તારાઓ જ હોય. એને લોકોએ અમાસનું નામ આપી દીધું. ભગવાનનું ગોઠવેલું આ બધું હતું અને એ અંતિમ નિર્ણય હતો એટલે કોઈને ફરિયાદ રહી નહોતી. બધા સુખચેનથી રહેવા લાગ્યા. આજે રાત-દિવસ ચંદ્ર અને સૂરજ તેમજ તારાઓ જેમ છે એમ બધું હંમેશ માટે ગોઠવાઈ ગયું !

કુલ પાનઃ ૧૧૨. કિંમત રૂ. ૮૦…. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમૅન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]