મીનિંગફુલ જર્ની – અનિલ ચાવડા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મીનિંગફુલ જર્ની’નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[૧] મળવું : શરીરને આધીન નથી

Image (24) (636x640)મળવું એ માત્ર શરીરને આધીન નથી. તમે વિચારોમાં પણ ઈચ્છો તે વ્યક્તિને મળી શકો છો ફોન પર મળવું કે ટપાલ દ્વારા મળવું એ પણ એક પરોક્ષ મિલન છે. શ્વાસ અને ઉચ્છવાસ બંને એક જ જગ્યાએ નોકરી કરે છે, છતાં કયારેય એકબીજાને મળી નથી શકતા એ જયાં મળે છે, તે મિલનસ્થળનું નામ મૃત્યુ છે. મિલન એ વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી. શ્રદ્ધાનું મિલન ઈશ્વર સાથે થતું હોય છે, ગાયનું મિલન વાછરડા સાથે થતું હોય છે, સૂરજ પણ કિરણ દ્વારા ધરતી સાથે હૅન્ડશેક કરે છે. હવા ફૂલને મળે છે, સુંગધ લે છે. સૉરી, લેતી નથી આપોઆપ જ સુગંધિત થઈ જાય છે. મળવું એટલે સુગંધિત થવું એવું જ નહીં. હવા જયારે કચરાપેટીને મળે છે, ત્યારે તેનામાં સુગંધ હોયતો એ પણ ગાયબ થઈ જાય છે. તમે કોને મળો છો એની પર બધો આધાર હોય છે. ઘણી વખત ઘણાને મળ્યા પછી પણ આપણને કોઈને ન મળ્યા હોઈએ એવું લાગે છે અને ઘણી વાર માત્ર એકાદ વ્યક્તિને મળ્યા હોઈએ તો પણ લાખો લોકોને મળ્યા હોઈએ એવું લાગે છે. અમુક વ્યક્તિઓ પોતે જ એક ટોળા જેવી હોય છે. મરીઝનો શેર અત્યારે યાદ આવે એ સ્વાભાવિક જ છે-

‘બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.’

ગોઠવેલા મિલન કરતાં અચાનક થયેલું મિલન આપણને આનંદ આપી જતું હોય છે. હવાને ટાંકણું લઈને કોતરવા ન બેસાય, પણ કોઈ ગમતી વ્યક્તિને મળ્યા પછી એની સાથે થયેલી ગમતીલી વાતો હવામાં ટાંકણાની જેમ શિલ્પ કંડારી જતી હોય છે. કોઈ ગમતી વ્યક્તિને કયાંક મળ્યા હોઈએ અને પછી જીવનભર એ વ્યક્તિને મળવાનું જ ન થાય, તો જયારે જયારે આપણે એ જગ્યાએથી નીકળીએ ત્યારે ત્યારે આપણને એ વ્યક્તિની યાદ આવે છે. ટૂંકમાં ત્યારે ત્યારે આપણે એ વ્યક્તિને મનમાં જ મળી લઈએ છીએ. ફરીથી. ફરી-ફરીથી. જે રીતે પહેલાં મળ્યા હતા એ જ રીતે અને નવી રીતે પણ.

જયારે બે ફૂલો હવાના સ્પર્શથી મળે છે ત્યારે સુગંધ અરસ-પરસ વાત કરી લેતી હોય છે. એવી જ વાતો ઘણા સમય પછી મળેલી વ્યક્તિઓનું મૌન કરી લેતું હોય છે. ગમતી વ્યક્તિને એકરાર કર્યા પછી જયારે પહેલી જ વાર મળીએ છીએ ત્યારે બંનેની આંખો એકમેકની સાથે કેટ-કેટલી વાતો કરી લેતી હોય છે ! એકરાર પછીનું પહેલું મિલન હોય ત્યારે તો રસ્તો પણ રોજ કરતાં કંઈક જુદો જ લાગે છે. રસ્તા પરનું દરેક ઝાડ પણ જુદું લાગે છે અને ઝાડ પર આવેલાં પાંદડાં પણ રોજ કરતાં કંઈક અલગ જ લાગે છે, કારણ કે તમે કરેલા એકરારનું આ પહેલું મિલન છે અને આમ પણ ગમતી વ્યક્તિ સાથે એકરાર કરવાનો હોય, કરાર નહીં.

જીવનમાં જે ઘટના પહેલીવાર બને છે તે કાયમ યાદ રહે છે અને પ્રેમ એ તો જીવનભર આપણી છાતીમાં કંડરાઈ જાય છે. આપણે આપણો પહેલો પ્રેમ છેલ્લા શ્વાસ સુધી નથી ભૂલી શકતા એ સર્વવિદિત છે. પણ પહેલો પ્રેમ છેલ્લા શ્વાસ સુધી ટકી શકે એ તો કિસ્મતવાળા જ હોય. એમનું આખું જીવન એક મિલન બની રહે છે. ક્ષણે ક્ષણે અવસર જેવું હોય છે એમને. એમનો ઝઘડો પણ પ્રેમનો હોય છે. એમનો પ્રેમ પણ પ્રેમનો હોય છે. મોબાઇલની રિંગ મિલનનો સંકેત આપે કે મૅસેજ નામની ટપાલ તમારા મોબાઇલના દ્વારે ટકોરા મારે ત્યારે તમારી અંદર રહેલું મિલન તમને ગમતું ફૂલ થઈ જતું હોય છે. આવા સમયે હાથમાં રહેલો મોબાઇલ પણ પરફયુમ જેવો લાગતો હોય છે.

ઘણી વાર એવું બને છે કે કોઈકનો આવેલો ફોન જયારે ન ઉપાડીએ ત્યારે તે મિસ્ડકૉલ થઈ જતો હોય છે, પછી જયારે આપણે એને ફોન કરવા જઈએ ત્યારે બૅલેન્સ થઈ રહ્યું હોય છે. જીવનમાં પણ કયારેક આવું જ થતું હોય છે. જયારે ફોન આવે ત્યારે ઉપાડતા નથી, અને જયારે મિસ્ડકૉલ થઈ ગયેલા ફોનને સામે રિંગ કરવા જઈએ ત્યારે બૅલેન્સ ખલાસ થઈ ગયું હોય છે. વળી જીવન તો રિચાર્જ પણ કયાં થાય છે.
.

[૨] ઘર : જાતને જડવાની જગ્યા

જે વાતાવણમાં પ્રવેશતાંની સાથે જ દુનિયાનો તમામ થાક પોતાની હિમ્મત હારી જાય, જે વાતાવરણ આપણામાં એક અજબ પ્રકારની સ્ફૂર્તિ ભરી જાય, જે ભીંત કે ઈંટ કે રેતીની કિંમત રૂપિયામાં આંકી શકાતી નથી, જયાં ધરતીનો છેડો આવેલો હોય, જે હરહંમેશ આપણી સાથે રહે છે અને જે આપણાથી કયારેય વેગળું થઈ શકતું નથી. જયાં આપણે આનંદપૂર્વક રડી શકીએ છીએ, જયાં આપણે દુઃખી થતાં થતાં પણ હસી શકીએ છીએ, જયાં આપણે મૌનને જાકારો અને આવકારો બંને આપી શકીએ છીએ. જયાં આપણું પોતાનું અસ્તિત્વ ઓગળી જતું હોય અને જયાં આપણે આપણા પોતાના લાગતા હોઈએ, જે વિશ્વનાં તમામ સ્થળ કરતા વધારે સુંદર અને પોતીકું લાગતું હોય, તાજમહેલની ભવ્યતા પણ જયાં ઝાંખી પડી જતી હોય એવી કોઈ જગા એટલે ઘર !

ઘર એટલે આપણી ચામડી સાથે વણાયેલું અંતઃત્તત્વ, બારણે પડેલા કંકુથાપામાં કંડારેયેલ નિજી અસ્તિત્વ, શ્વાસ અને આવાસમાંથી પ્રગટતું સત્ય, પાંપણોમાંથી વહેલું અને નહિ વહેલું તથ્ય. એક એવી જગા જયાં આપણને સવારમાં બ્રશ શોધવું નથી પડતું. જયાં આપણે આપણને શોધવા નથી પડતા. એક એવું સ્થળ જયાં મહેમાનો આવે એ ઘટનાથી પણ એનું વિશેષ મહત્વ હોય, જયાં આંગણાનું વૃક્ષ અને આપણે એકબીજાને બાથ ભરવાનો આનંદ લઈ શકીએ, કોણ વધારે લીલું છે એની મીઠી રમત રમવાનું મન થાય, જે આંગણામાં પંખીઓ માટે આપણે આપણી કમાણીના દાણા નાખી શકીએ. એક એવું સ્થળ જયાં કોઈ જ ન હોય છતાં આપણને એવું લાગ્યા કરે કે કોઈક આપણી સાથે છે.

ઘર એટલે દિલાસો, ઘર એટલે આંસુ લૂછવાનો રૂમાલ, ઘર એટલે આપણા વિચારોને માફક આવતું નિરર્જી તત્વમાં રહેતું જીવંત તત્વ, તોરણોમાં ઝૂલતા પોતીકા વૈભવનો ઉમંગ, સાંજ પડતાં જે દિશામાં આપણાં ચરણ વળે અને જે જગ્યાએ જીવ થંભી જાય એ ઘર. ઘરનો અર્થ માત્ર ચાર દિવાલો નથી, તોરણો કે ઝુમ્મરોમાં વરતાઈ આવતી ભવ્યતા નથી, આંગણામાં બાંધેલ ઝૂલાનું દ્રશ્ય લોકો જુએ એ માટેનું સ્થળ નથી, ઘર એ આપણી આઇડેન્ટિટીના માકર્સ વધારવા માટેનું સ્થળ નથી. ઘર એ માત્ર બારી-બારણાં કે દીવાલ નથી, ઘર એટલે સ્વજનોને પોતાના રહેણાકની કરવામાં આવતી મોભાદાર પ્રતીતિ નથી.

ઘર કયારેય વિશાળ કે નાનું ન હોઈ શકે, એની ફૂટમાં કે સ્ક્વેરમાં ગણતરી ન થઈ શકે. ભવ્ય અને વિસ્તૃત બંગલાની વિશાળતા કયારેક સાવ સીમિત હોઈ શકે તો વળી કયારેક ચાર બાય છની ઓરડીની વિશાળતા પણ મોટામાં મોટા મહેલો અને આલીશાન બંગલાઓ કરતાં મોટી હોઈ શકે. જેની વિશાળતા આકાશ કરતાં પણ ખૂબ મોટી છે, જે બિંદુ કરતાં પણ સાવ નાનું છે, છતાં આપણે પોતાની તમામ ઈચ્છા, સપનાંને સમાવી શકીએ છીએ. જયાં આપણો પોતીકો અંધકાર અને પ્રકાશ એકરૂપ થઈ જાય છે, જયાં આપણા પોતીકા અને સમગ્ર બ્રહ્માંડનું આપણું નિજનું કેન્દ્ર આવેલું છે, જયાં આપણે જ આપણામાં ઓગળી શકીએ છીએ એનું નામ ઘર છે. ટીવી ચાલુ થતાંમાં જયાં મમ્મી અને બાળક વચ્ચે મીઠો ઝઘડો થાય છે, જયાં રમકડું બાળકને કે બાળક રમકડાને; કોણ કોને રમાડવાનો આનંદ લઈ રહ્યું છે તે કળી ન શકાય, જયાં આવીને જગતના તમામ આનંદો પોતાને ઉત્સવની જેમ ઊજવે છે, જયાં માણસની સાથે સાથે વાહન પણ પોતાને સેફ અને સુખી માની શકે છે એવા સ્થળનું નામ ઘર હોય છે.

ઘરનો કોઈ આકાર નથી હોતો, આપણે એને ચાર દીવાલોમાં બાંધી દીધું છે, વિવિધ ખંડમાં વહેંચી દીધું છે, જે ખરું ઘર છે તે તમામ પ્રકારના આકારોથી અલિપ્ત હોય છે. એ સાવ નિરાકાર હોય છે. જયાં આપણે પોતે પણ નિરાકાર થઈ શકતા હોઈએ છીએ. ઘર એ આકાર પરથી હોય છે. પંખીના માળાનો આકાર જુદો હોય છે, સાપ કે ઉંદરના દરનો આકાર જુદો હોય છે, સુગરીના માળાનો આકાર જુદો હોય છે, સિંહની બોડનો કે ઘોડાના તબેલાનો આકાર જુદો હોય છે, શિયાળની ગુફા કે સસલાની જાળી કે બખોલનો આકાર જુદો હોય છે. અનુભવ બધાનો એક હોય છે. ઘર માટે આકાર મહત્વનો નથી, આનંદ મહત્વનો છે. જયાં સુખ અને દુઃખનું દ્રાવણ ગમે ત્યારે આપણે પી શકીએ છીએ, આનંદી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, જે આપણું નથી છતાં આપણું છે અને જે આપણું છે છતાં આપણું નથી, જયાં આપણે આપણને આવડી શકીએ છીએ એનું નામ ઘર.

[કુલ પાન: ૧૯૩. (મોટી સાઈઝ) કિંમત રૂ. ૨૫૦. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. પૅલિકન, બીજો માળ, ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ. આશ્રમ રોડ. અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન. +૯૧ ૭૯ ૨૬૫૮૩૭૮૭, ૨૬૫૮૦૯૬૫.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુનિયામાં આજે છે એવું બધું કઈ રીતે ગોઠવાયું હશે ? – ડૉ.આઈ. કે. વીજળીવાળા
મમ્મીનો માસ્ટરપીસ – પાયલ શાહ Next »   

4 પ્રતિભાવો : મીનિંગફુલ જર્ની – અનિલ ચાવડા

 1. sandip says:

  new creative article in recent time………
  …………..thanks……………………

 2. Anil Chavda says:

  રીડ ગુજરાતી પર મારા પુસ્તક વિશે આટલી સરસ વાત કરવામાં આવી તે બદલ હું રીડગુજરાતી પરિવારનો તથા મૃગેશ શાહનો આભારી છું.

  – અનિલ ચાવડા

 3. pjpandya says:

  અનિલ ચાવદાનિ કવિતાઓ પન સરસ હોઇ ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.