બુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…! – કિશોર અંધારિયા

[ ‘વાચક કયાંય નથી ગ્રંથાલયમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (22) (426x640)એક વાર અમારે અમારા સ્નેહી અવંતીલાલને ત્યાં જમવા જવાનું થયું. કોઈ લગ્નપ્રસંગે જમાવાનું આમંત્રણ આપે ત્યારે મોંમાં પાણી આવે. લગ્નસમારંભ જેમના ઘરે હતો એ અવંતીલાલ અતિઉત્સાહી હતા. આવો કોઈ પણ સમારંભ હોય તેમાં કશાચ ન રહી જવી જોઈએ એ બાબતના તે ચુસ્ત હિમાયતી હતા. વળી તેણે પોતાની ઑફિસના લગભગ બધા સ્ટાફને જમવાનું આમંત્રણ પાઠવેલ. એ બહાને પોતાના સંબંધોનું કેટલું વિસ્તૃતિકરણ છે એ સૌને ખબર પડે ને ! ને જમવાનું આમંત્રણ મળે પછી કોણ જતું કરે ? કારણ ધારો કે જમવા ન જાય તો પણ ચાંલ્લો (કપાળે નહીં પણ એને) તો કરવો જ પડે !

તેમના એ જમણવાર પ્રસંગનું સંખ્યાબળ વધારવાના તેના અભિયાનના એક ભાગરૂપે અમે- હું અને મારો મિત્ર ભોજન સ્થળે પહોંચી ગયા. જ્ઞાતિની વાડીનો મેઈન ગેટ ખૂબ શણગારેલ હતો. અંદર પ્રવેશ્યા ત્યાં જ અવંતીલાલે લળી લળીને અમને આવકાર્યા. મેરેજ ભલે એની પુત્રીનાં હતાં પરંતુ આખા ફંકશનના હિરો તરીકે એની ધારણા પ્રમાણે એ પોતે ઊપસી આવતા હતા.

બુફે લંચ લાગતું હતું. જમવાની લોબીમાં ખૂબ ભીડ જોઈ એટલે અવંતીલાલ સાથે વાત ટૂંકાવી. વાતોથી પેટ ભરવાની કોઈ શકયતા નહોતી એટલે અમે અમારા ધ્યેય તરફ આગળ વધ્યા, ડિશ (થાળી) વાડકાના ખખડાટ વચ્ચે એક ટોળું જમા થયું હતું ત્યાં પહોંચ્યા. ખબર પડી અહીંથી જ થાળી, વાડકા વગેરેનું વિતરણ થાય છે. એક કાર્યકર જેવા ભાઈ સહુને કતારમાં આવી જવાનું કહેતા હતા પરંતુ જયારે ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો હોય’ ત્યાં એ બિચારા શું કરી શકે ! આ પડાપડીમાં અમે પણ ઝંપલાવ્યું કારણ જમવા માટે સૌ પ્રથમ વાનગીની નહીં થાળી-વાડકાની જરૂર હોય છે. થોડી સામાન્ય કસરત પછી અમારા હાથમાં (ભલે ખાલી પરંતુ) થાળી હતી.

ખરેખર બુફે સ્ટાઈલના લંચ-ડિનરમાં આ એક સારી વાત છે. થોડી મુશ્કેલ, થોડો પરિશ્રમ અને જહેમત ઉઠાવીવ તો જ ભોજનની યોગ્ય કદર અને કિંમત સમજાય એવું જાતને સમજાવી અમે ધીમે ધીમે આગળ ધપ્યા. ધીમે ધીમે એટલે કે આસપાસ ઘણાં, બે-ચારના ગ્રૂપમાં કે એકલા ઊભા ઊભા ભોજનને ન્યાય આપી રહ્યા હતા. શકય છે કે અમે તેની સાથે અથડાઈએ તો ન્યાય ભંગ થાય. તેમના અન્નનો કોળિયો મુખને બદલે અન્યત્ર જાય. શકય છે એના તો ઠીક અમારાં કપડાં આહારને આકર્ષે. આ વરવી ઘટના ન બને તે માટે જાત (અને ડિશ-વાટકા) સંભાળતા અમે આહાર-વિતરણ સ્થાન પાસે પહોંચ્યા. અહીંયા ચાર સર્વિસ કાઉન્ટર હતાં જયાંથી થાળી વાનગી ભારિત કરવાની હતી. જો કે ચારેય કાઉન્ટર સામે હતા. પીરસનાર બંને યુવાનો અમારી સમક્ષ જોઈ મર્માળુ હસ્યા. અમે અમારાં કપડાં તરફ નજર કરી લીધી, કંઈ બગડયાં તો નથી ને ! એક યુવાને પોતાના કાઉન્ટર પરના વાસણ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘અહીં તો કઢી-ભાત છે… તમારી થાળી ખાલી લાગે છે… બીજું કંઈ નહીં લ્યો ને સીધા ભાત જ લેશો સાહેબ ?’

અમે ઝડપથી લાઈન બહાર નીકળી ગયા ! કંઈ જોયા વગર અબૂધની જેમ લાઇનમાં ઊભા રહી જવાની ઘટનાને કારણે મનમાં ઊભી થયેલ શરમને પ્રયાસપૂર્વક દૂર હડસેલી બીજા કાઉન્ટર પાસે પહોંચ્યા. અલબત ત્યાં પડેલ રસથાળોને જોઈને ! અમારી ધીરજ અથવા કાઉન્ટર પરની વાનગી બંને પૈકી કોઈ એક ખૂટે તે પહેલાં અમારો ‘વારો’ આવી ગયો. પ્રસન્ન વદને અમે ડિશ આગળ કરી અને સર્વ કરનારાઓએ વારાફરતી સઘળી વાનગી એમાં ઠાલવી. તેઓએ સ્વાદેન્દ્રિયોને નાથી લીધી હશે જેથી તેમને મન તીખા-ગળ્યા સ્વાદનો કોઈ ભેદ ન હોય એવું લાગ્યું. કારણ ગુલાબજાંબુની ચાસણી અને શાકના તેલનું મિશ્રણ થઈ ગયું તથા બરફીએ સમોસાની ચટણીમાં સહેજ સ્નાન કર્યું !

ડિશમાં બધી આઈટમ આવી ગઈ પછી પણ અમે બધાની જેમ ત્યાં ઊભા રહ્યાં એ જોઈ કોઈ બોલ્યું, ‘હવે કોની વાટ છે ભાઈ, આગળ ચાલો !’ ઊભા રહીને જમીએ એટલે શાંતિથી જમ્યા જેવું લાગે નહીં એ વાત તો જુદી જ છે પરંતુ થોડી ઘણી શાંતિથી જમાય એવી જગ્યા શોધવા અમે નજર કસી ! આ તે કેવી વિચિત્ર વાત ! પેટમાં અન્ન માટે ખૂબ જગ્યા હતી પણ પેટની પ્રતિપૂર્તિ કરવા માટેની ક્રિયા કરવા માટે કયાંય જગ્યા જણાતી નહોતી. આસપાસ સૌ આરોગવામાં પ્રવૃત અને મશગૂલ હતા. ડિશ, ડિશમાંની વાનગી અને અમારાં કપડાં સાચવતા અમે આગળ ચાલ્યા. ટ્રાફિકમાં જેમ બોલવું પડે ‘સાઈડ પ્લીઝ !’ એમ કહેતા એક ચાર-પાંચ ચોરસફૂટની ખાલી જગ્યામાં કબજો જમાવી ઊભા રહ્યા. પછી ગળ્યાં-તીખાં મિશ્ર સ્વાદ સભર ગુલાબજાંબુને મોંમાં મૂકી જમાવાનો પ્રારંભ કર્યો.

આ બુફે લંચ કે બુફે ડિનરની શોધ કોણે અને શા માટે કરી હશે તે સમજાતું નથી. લોકોને બેઠાં બેઠાં જમવામાં કઈ પ્રકારની અગવડતાઓ ઊભી થઈ હશે ? વર્ષોની પરંપરા બેસીને જમવાની છે પરંતુ એ જમાનાના લોકો કદાચ અજ્ઞાની હશે. બેસીને જમવાનો એકાદ શાસ્ત્રોકત ફાયદો જોયો હશે.પરંતુ તેઓએ ઊભા ઊભા જમવાની સજા, સોરી, મઝા કયારેય માણી નહીં જોઈ હોય ! નહિતર બુફે સ્ટાઈલની શોધ આપણે ત્યાં જ થઈ હોત. પરંપરાગત જમણવારમાં યજમાને આપણને ‘આવો… જમવા બેસી જાવ !’ જેવો વિવેક કરવો પડે તથા જમતા હોઈએ ત્યારે પસાર થઈ આગ્રહ કરી જમાડવાની તસ્દી લેવી પડે. બુફેનાં યજમાન આવી પ્રેમાળ કડાકૂટમાંથી ઊગરી જાય છે.

આપણે ગુજરાતીઓએ બુફે સ્ટાઈલને એટલી અપનાવી લીધી છે કે આપણી ભાષામાં તેનું નામ પણ આપ્યું છે – ‘સ્વરુચિ ભોજન’ કંકોત્રીમાં ‘સ્વરુચિ ભોજનનો સમય બપોરે સાડા બારે’ એવી નોંધ લખી ઘણા બુફેને હાઈલાઈટ્સ કરી ગૌરવ અનુભવે છે. ‘સ્વરુચિ’ નો ‘સ્વ’ એટલે વાસ્તવમાં આયોજકોનો ‘સ્વ’ છે. તેમને જેવી રુચિ થઈ હોય તેવી આઈટમો બુફે લંચ/ડિનરમાં ગોઠવે છે. કોઈ મહેમાનોને પૂછવા નથી આવતું કે તમારી રુચિ શું છે ? એક વાત તો છે જ, પુરુષોને બુફેમાં ઊભા ઊભા જમવાથી પેન્ટની ઈસ્ત્રી એકદમ અકબંધ રહે છે. ઊભા જ રહેવાનું હોવાથી કોઈએ બૂટ-ચંપલ કાઢવાની તસ્દી પણ નથી લેવી પડતી. જેથી કોઈ આપણા પગરખાં પહેરી જશે તો ? જેવી ચિંતા જમતી વખતે સતાવતી નથી. સ્ટેન્ડિંગ લંચડિનરથી થતા ફાયદા જો કોઈ જાણીતા ડાયેટીશિયન પોતાના નામે બહાર પાડે તો સંભવ છે કે લોકોના ઘરમાંથી ડાઇનિંગ ટેબલ અદ્રશ્ય થઈ જશે ને સૌ સવાર-સાંજ ઊભા ઊભા જ ભોજન કરવા માંડશે !

ઊભા ઊભા આવા વિચાર કરતા અમે ભોજનનો રસાસ્વાદ માણી રહ્યા હતા. અમારી ડિશમાંથી કેટલીક વસ્તુઓ પેટ સુધી પહોંચી ગઈ હતી. ફરી થોડી ‘સ્વીટ’ લેવાનું મન થતું હતું પરંતુ એ માટે પુનરપિ અમારે પેલી લાઇનમાં ગોઠવાવું પડે એમ હતું. વળી ડાબા હાથે સતત થાળી ધારણ કરી હોવાથી અને ઘરે રોજ કંઈ એવી પ્રેક્ટિસ ન હોવાથી એ હાથે બંડ પોકારવાનું શરૂ કર્યું હતું. થાળીમાંની વાનગીનો ભાર હાથને લાગ્યો હતો. પરંતુ પેટને હજુ નહોતો લાગ્યો. ગાંધીજીએ ડાબા-જમણા બંને હાથે લખવાની પ્રેકટિસ અને આવડત કેળવી હતી. એક હાથ થાકી જાય તરત તે બીજા હાથે લખવા માંડતા. સ્વરુચિ ભોજનની પ્રથા વધુ ફૂલેફાલે તો ડિશ પકડવા અને જમવા માટે હાથ બદલવાની પ્રેક્ટિસ કરવી જ રહી, આ રીતે જમણા-ડાબા હાથ પાસેથી લેવાતા કામ બાબતનો અન્યાય પણ હાથોએ સહન નહીં કરવો પડે !

અમને ઋષિઓ અને તપસ્વીઓ પણ યાદ આવ્યા જે એક પગે ઊભા રહીને દિવસો સુધી ભૂખ્યા રહી તપ કરતા. આપણે ભૂખ્યા તો રહેવાનું નથીને બુફેની સ્ટાઈલમાં હજુ બંને પગે જ ઊભા રહેવાનું હોય છે ! હવે, જીભ-દાંત અને પાચનતંત્રના અવયવો નહોતા થાકયા પરંતુ આ રીતે એક હાથમાં ડિશ પકડેલી રાખી બીજા હાથે તેમાંથી કોળીયા લેતા-લેતા તથા એ વાનગીભારીત ડિશ અને અમારા શરીરનું સંતુલન રાખતા-રાખતા અમે થાકયા હતા. શરીર અને પેટ વચ્ચેનું બેલેન્સ ન રહેતા પેટમાં દુઃખવાની સંભાવના પણ જણાતી હતી.

બુફે પ્રથામાં જે રીતે તેના સર્વિસ કાઉન્ટર પાસે પીરસનાર આગળ ડિશ પકડી હાથ લાંબો કરવો પડે છે એ વખતે અમને બે દ્રશ્યો યાદ આવ્યાં. એક, જેલના કેદીઓ પોતાની એલ્યુમિનિયમની ડિશ લઈ ટેબલ પાસે ઊભા હોય છે ને તેમાં ધડ દઈને ખાદ્યપદાર્થ નાખવામાં આવે છે તે. બીજું દ્રશ્ય કોઈ ભિખારી ભોજનપાત્ર લઈ આપણી પાસે દયાભાવે હાથ લાંબો કરે છે ને આપણે તેને વધ્યુંઘટયું તેમાં આપીએ છીએ તે.

આ બંને દ્રશ્યો આંખો સમક્ષ ખડાં થવાથી અમે વધુ જમી ન શકયા. પહેલાં વાનગીઓ જોઈ મોંમા પાણી આવ્યું હતું. હવે આંખોમાં….!!!

[ કુલ પાન : ૧૯૮. કિંમત રૂ. ૧૨૫. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મમ્મીનો માસ્ટરપીસ – પાયલ શાહ
શરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા Next »   

7 પ્રતિભાવો : બુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…! – કિશોર અંધારિયા

 1. rajendra shah says:

  ખરેખર સાચુ

 2. jignisha patel says:

  સાચી વાત. આવુ ઘણી વાર થયુ છે અમારી સાથ પણ કે લાંબી લાઈન મા ઊભા રહીને જમવાનુ લેવુ પડે અને લાઈન લાંબી હોય માટે તો જમનાર ને વિચાર આવે કે વધારે લઈ લઈએ અને પીરસનાર ને વિચાર આવે કે જમવાનુ ખુટી પડે માટે પહેલે થી જ બધાને ઓછું આપીએ.

 3. Hiren says:

  સારી રજૂઆત, પણ મજા ના આવી…

 4. ndave says:

  Bogus and boring….

 5. ojpandya says:

  બહુ સારિ ચ્હનાવત કરિ

 6. meghana says:

  Perfect situation. Interesting story. Keep it up

 7. Kalidas V,Patel {Vagosana} says:

  કિશોરભાઈ,
  જમણવારમાં જમનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થવાથી પીરસવાનું ખૂબ મુશ્કેલ બનતાં બુફેની પ્રથાની શરૂઆત થઈ છે. આ પ્રથા આજના તબક્કે સારી અને અનિવાર્ય છે. આમ છતાં ઓછાં કાઉન્ટર, વધુ પડતી વાનગીઓ, ડીશની નાની સાઈઝ, જરૂરિયાત કરતાં ઓછી જગા અને વધુમાં વધુ ભરી લેવાની આપણી માનસિકતાને કારણે તે પ્રથા અણગમતી થતી રહી છે.
  હવે જ્યારે તેનો કોઈ વિકલ્પ જ નથી ત્યારે, તેની ત્રુટિઓ સુધારી તેને વધુ ઉપયોગી થાય તેમ કરવું જ રહ્યું.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.