[‘અખંડ આનંદ’ માંથી સાભાર.]
ચિ. પ્રિય શોભના,
કુશળ હશે.
ગઈ કાલે તેં જે કાગળોમાં સહી કરી તે ક્ષણથી તારા જીવનમાં એક નવો વળાંક Turning Point આવ્યો છે./ શરૂ થયો છે. છૂટાછેડા અનિવાર્ય જ બન્યા હોય તો તે સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. તારાં મમ્મી-પપ્પાએ થોડા દિવસો પહેલાં એક સાંજે ઘેર આવીને તારાં લગ્નસંબંધ પૂરા થયાની વાત વિગતે કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ મારું Reaction એ જ રહ્યું કે ‘જે થયું તે સારું થયું. ઈશ્વર જે કરે છે તે સારા માટે જ કરે છે.’ કદાચ આપણને ઈશ્વરનાં કાર્ય પર પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તેટલી શ્રદ્ધા કે વિશ્વાસ નથી હોતાં. તેથી આવું અણધાર્યું બને છે ત્યારે આપણે દુઃખી થતાં હોઈએ છીએ, વિચલિત થઈ જતાં હોઈએ છીએ. પરંતુ જયારે પાઘડીનો વળ છેડે આવે છે ત્યારે જ ખબર પડે છે કે, ‘જે થયું તે સારા માટે જ હતું.’ એટલું જ નહીં પરંતુ જે બન્યું તે ‘યોગ્ય સમયે’ થયું છે, જેથી તું અનુકૂળતાએ ફરીથી એકડો ઘૂંટી શકીશ.
જીવનમાં કડવા-મીઠા, સારા-ખરાબ અનુભવો દરેકને થતા રહે છે. અનુભવો સારા હોય તો તે માણવાના/મમળાવવાના. ખરાબ હોય તો તે ભૂલીને આગળ વધતાં જઈએ અને તેમાંથી કાંઈક બોધપાઠ લઈએ તો જ જિવાય. Intelligent as your are I am sure you will continue your efforts in this direction in days to come. ખૂબ જ સદભાવથી અને પૂર્ણ Involvement તારા વડીલોએ કરેલ આ સંબંધ એવા સારા ઉદ્દેશથી જ કરેલ હતો કે ‘અમારી દીકરી ખૂબ જ સુખી થાય’ પરંતુ મૃત્યુલોકના માનવીની દ્રષ્ટિ એટલી સીમિત હોય છે કે આપણને એક ક્ષણ પછીનું પણ દ્રષ્ટિમાન થતું નથી. એટલે આવું અણધાર્યું બને ત્યારે બધાને દુઃખ થાય તે સ્વાભાવિક છે.
પરંતુ આવા બનાવોને આપણે In between the lines વાંચવા પ્રત્યન કરવો જોઈએ. આવું કેમ બન્યું ? તેનો ખુલાસો એટલો જ હોઈ શકે કે. કે તારે વ્યક્તિગત રીતે આ ત્રણેય લોકોને આટલું પૂર્વભવનું લેણું ચૂકવવાનું બાકી હતું, જે તારા અને તારા વડીલોના હિંમતભર્યા અને સમયસરના નિર્ણયથી ટૂંક સમયમાં જ અને લાંબી તકલીફ સહ્યા સિવાય ચૂકવાઈ ગયું. લેણું ચૂકવાઈ ગયું એટલે કે આ જીવનના તેમની જોડેના સંબંધો પૂરા થઈ ગયા. તું તો હજી ઊગીને ઊભી થાય છે, એટલે તારાં મમ્મી-પપ્પા, મારા જેવાં, કે તારા દાદાજી કરતાં અનુભવો ઓછા હોય તે સ્વાભાવિક છે. આવા પ્રસંગો ઓછા જોયા તેમજ ઓછા સાંભળ્યા હોય પરંતુ ઉપર જણાવેલ વડીલોને પૂછશે તો તે લોકો સંમત થશે કે આવી રીતે ઘણા લોકો આપણા જીવનમાં અચાનક આવે છે અને લેણ-દેણનો હિસાબ પૂરો થતાં આપણા જીવનમાં તેમનું અસ્તિત્વ પણ નથી રહેતું અને જાણે કોઈ દિવસ મળ્યા જ ન હોઈએ તેવી રીતે એ ભૂતકાળની એક વાત બની જાય છે.
આપણે-સંબંધિત સર્વેએ-ઈશ્વરનો ખૂબ જ આભાર માનવો જોઈએ કે લગ્નના થોડા મહિનાઓમાં તારો લેણદેણનો હિસાબ ચૂકતે થઈ ગયો. ભવિષ્યકાળ તને બતાવશે કે સરવાળે તું લાભમાં જ રહી છે. તેથી મારી તને વણમાગી સલાહ છે કે જે થયું તે સારા માટે જ થયું છે તેવું ફકત સ્વીકારવા માટે જ નહીં પરંતુ ઈશ્વરનો અનુગ્રહ માનીને હકીકતને દિલથી સ્વીકારીને તું તારા કાર્યમાં કાર્યરત બની જાય. ઈશ્વરે ભવિષ્યમાં તારા માટે જે કંઈ નિર્માણ કરેલ હશે તે તને સામેથી જ મળશે.
લગ્નજીવનમાં એકબીજા પર વિશ્વાસ અને જીવંત સંવાદ, જીવનની ગતિ જાળવવા માટે બહુ જ મહત્વનાં છે. વિશ્વાસ વગરના સંવાદનો કોઈ અર્થ નથી અને સંવાદ ન હોય તો વિશ્વાસ પેદા થઈ શકતો નથી, તે પણ નક્કર હકીકત છે. મને જે માહિતી મળી છે તે મુજબ તારા પરિણીત જીવનમાં આવા વિશ્વાસ અને સંવાદનો મોટોભાગે અભાવ હતો. એટલે કે તારા એક વખતના જીવનસાથી પર તેં મૂકેલ વિશ્વાસને લાયક તે ન ઠર્યો. એટલું જ નહીં પરંતુ તેણે તેની જૂની આદતોમાંથી મુકત થવાના કોઈ સક્રિય પ્રયત્નો પણ ન કર્યા. આવી બાબતોમાં પરિણામનો આધાર મોટેભાગે સંબંધિત વ્યક્તિના સંનિષ્ઠ પ્રયત્નો પર આધારિત હોય છે.
તારા પ્રયત્નોમાં તું જયારે અસફળતા અનુભવી રહી હતી ત્યારે તેં જે મનોબળ જાળવ્યું, બતાવ્યું અને જીવનમાં જયાં સમાધાન શકય ન હતું ત્યાં એકપક્ષીય શરણાગતિ સ્વીકારવાને બદલે તેં પડકારો સામે ઝઝૂમવાનું નક્કી કરી, તેનો અમલ કર્યો તે બદલ તું ખરેખર અભિનંદનની અધિકારની બની રહે છે. સમાધાન જીવનમાં હંમેશ સ્વીકાર્ય બનવું જોઈએ, હોવું જોઈએ. પરંતુ જયારે સ્વમાનના ભોગે સમાધાન વ્યક્તિ સામનો કરવાને બદલે શરણાગતિ સ્વીકારી લેતી હોય છે જે તેના જીવનમાં હંમેશની બેડીરૂપ બની રહે છે.
સ્વભાવ જોડે કદાચ સમાધાન કરી શકાય, પરંતુ સ્વમાનને ભોગે જો સમાધાન કે શરણાગતિ સ્વીકારવાની વાત હોય તો ‘સર્જરી’ જ તેનો ઉપાય બની રહે છે. ડૉકટરો પણ અમુક રોગોમાં જયારે તેમની દવાઓ યારી નથી આપતી ત્યારે આવી અનિવાર્ય સર્જરીનો આશરો લઈ માનવીની જીવાદોરી લંબાવી આપવા પ્રયત્ન કરે છે. સર્જરી, શરૂઆતમાં માનસિક અને શારીરિક પીડા આપતી હોય છે. મારી જ વાત કરું તો ૧૯૯૫માં બાયપાસ સર્જરી કરાવ્યા પછી એટલેકે સર્જરીનાં ૧૮ વર્ષ પછી પણ મારાં નાનાં મોટાં કામો જાતે જ કરું છું. ગાડી પણ ચલાવું છું. મને શ્રદ્ધા છે કે આ સર્જરી પછી તારા જીવનની ગાડી પણ પૂરપાટ દોડશે.
વ્યક્તિ જયારે આવી રીતે કોઈ વાર લથડી જાય/પડી જાય ત્યારે હતાશ કે નિરાશ થવાને બદલે ઊભા થઈ પાછલી યાદોને ધૂળની જેમ ખંખેરી ચાલતા રહેવામાં જ ફરી તાકાત લગાવે તે બહુ જ જરૂરી છે. ‘ભેરવાઈ જવાય ત્યારે ભાંગી ન પડે તેને જ ભડ કહેવાય.’ સૂચન એટલું જ છે કે આવી બાબતોમાં કાંઠે બેસી, કાંકરા ફેંકી કૂંડાળાં જોનારા ઘણા લોકો હોય છે. એટલે તારે હવે નવેસરથી જીવન શરૂ કરવાનો નિર્ણય લેવાનો સમય આવ્યો છે ત્યારે આવા લોકોની પરવા કર્યા સિવાય તું તારાં સ્વજનોની મદદથી શાંત ચિતે અને સ્વસ્થતાથી નિર્ણય લઈ આગળ વધજે અને જીવનમાં અનુભવે મેળવેલ ડહાપણનો ઉપયોગ કરજે.
અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છા સહ. મનુદાદાના ખૂબ ખૂબ શુભાશિષ.
6 thoughts on “શરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા”
MIND BLOWING & VERY VERY APPEALING ARTICLE. HEARTY THANX. UPENDRA.
Useful 4 many,who r trvlng through tough path of their lf,gd aruicle
લ્રગ્નના પ્રાર્ંભના ૨-૪ વર્શોમા જ આવી ઘટનાઓ ઘટે ત્યારે શીખ સાથે હિંમત અને હુંફ આપે એવો સુંદર લેખ!!
પરંતુ ૧૫-૧૭ વર્શો બાદ એક બે સંતાનો સાથે વિના અપરાધે હ્ક્ક-હિસ્સા વિના તગેડવાના દાખલાઓ પણ બને છે. આવી કરુણા સર્જાય ત્યારે ક્યાંથી અને કેવી રીતે શીખ-હિંમત અને હુંફ મેળવવા??
છે કોઇ સિધ્ધહસ્ત કે ઘડાયેલા લેખકોનો મંતવ્યો સભર લેખ??
સરસ આશ્વાશનાત્મ્ક લેખ્
લેખકે નવો જ છતા વ્યાપક વિચાર રજુ કર્યો છે.
‘ભેરવાઈ જવાય ત્યારે ભાંગી ન પડે તેને જ ભડ કહેવાય.’
રેલ્વેના પાટાની જેમ સમાન્તરે એમના જીવન ચાલ્યા જ કરતા હોય પણ કયારેય ભેગા થાય જ નહિ એવા જીવતર કરતા તો ભડ જ બનવુ આવકાર્ય છે.
વગર વાકે સહન કરતા ક્જોડાઑ માટે શીખ સાથે હિંમત અને હુંફ આપતો દુર્લભ લેખ..
વળી અલ્ભ્ય સૂચન પણ છે કેઃ
આવી બાબતોમાં કાંઠે બેસી, કાંકરા ફેંકી કૂંડાળાં જોનારા ઘણા લોકો હોય છે.
લગ્ન એ સંસ્કાર છે. કોઈક લોકો તેને બંધન સમજે છે. જે પ્રેમ થી જીવે છે, તેમને માટે લગ્ન એ મીઠું બંધન છે. બે વ્યક્તિઓ નો મન મેળ ના હોય ત્યારે આવા કડવા પરિણામ આવે છે, જે બંને વ્યક્તિઓએ સ્વીકારવા જ રહ્યા. લગ્ન જીવન એ પ્રવાસ છે. સાથે જીવવાનો, પ્રેમથી પસાર કરવાનો, એક મેક ને સમજવાનો, એકમેક ને ચાહવાનો, એક બીજા માટે જીવવાનો, આગળ જતા, પ્રેમ થી પરિવારનો વિસ્તાર થાય, ત્યારે ખુશીઓ માં વધારો જ થાય છે. પરિવારની જવાબદારીઓ બંને પતિ અને પત્ની, મકાનના મજબુત પાયા સમાન તથા મજબુત છત સમાન બની રહે છે. આવું સુંદર ઘર મંદિર સમાન હોય છે.