‘જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ

[‘નિષ્કર્ષ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ સંધ્યાબેનનો(બારડોલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sandhyanbhatt@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૮૨૫૩૩૭૭૧૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (30) (399x640)‘આયનો’, ‘હસ્તરેખા’, ‘શબ્દની મોસમ’ અને ‘તું લખ ગઝલ’ – એમ ચાર ગઝલસંગ્રહો આપ્યા પછી આહમદ મકરાણી ‘જિંદગી’ નામે પાંચમો ગઝલસંગ્રહ આપે છે, જે તેમની સાતત્યપૂર્વકની ગઝલોપાસનાનો ખ્યાલ આપે છે. વળી આ સંગ્રહમાં પણ એકસો પચાસ જેટલી ગઝલો છે, જે તેમના લેખનની વિપુલતા બતાવે છે. આ ગઝલોમાં આત્મલક્ષિતાની સાથે સાંપ્રત સમય પણ ઝિલાયો છે. ઉત્કટ સંવેદનશીલતા અને સામાજિક સભાનતાથી લખાયેલી તેમની આ ગઝલોને આસ્વાદવાનો અહીં ઉપક્રમ છે.

મોટે ભાગે પાંચ કે છ શેર ધરાવતી તેમની ગઝલોમાં જીવન પ્રત્યે હકારાત્મકતા જોવા મળે છે. એક કવિને યોગ્ય ખુમારી પણ અહીં દેખાય છે. તેઓ કહે છે

ઘણાં વિધ્નો અહીં આવે, મુસીબત-પર્વતો રોકે
નદીરૂપે જ વ્હેવા દે, હજી છે જીવવું મારે. (પૃ.૨૭)

‘હજી છે જીવવું મારે’ રદીફ સાધંત નિભાવતા જઈને તેમણે જીવનની વિષમતાઓ સામે પોતાના પુરુષાર્થની વાત કરી છે.

‘બધામાં હોય છે’ ગઝલના એક શેરમાં તેઓ કહે છે :

રણ મહીં પણ કૈંક એવું કોળતું
કૈંક તો તાજપ બધામાં હોય છે. (પૃ.૩૫)

કંઈક આવો જ અભિગમ એક અન્ય ગઝલમાં નવીન રીતિએ વ્યકત થયો છે. તેઓ કહે છે :

કોઈ પૂછે કે, ‘આવું ?’ – તો હું ના નથી કહેતો;
કોઈ પૂછે કે, ‘જાઉં ?’ – તો હું ના નથી કહેતો. (પૃ.૬૦)

આખીય ગઝલમાં લાવું ? ન્હાવું ? ગાઉં ? પાઉં ? એમ પ્રશ્નનાર્થવાચક કાફિયા ચમત્કૃતિપૂર્ણ આનંદ આપે છે.

સતત વિકસતા રહેલા આ કવિ નવું નવું શીખવા હંમેશા તત્પર છે. તેથી જ કહે છે :

છો સંબંધોના બધાયે તાર નોખા થૈ ગયા;
સોયની માફક બધાને સાંધવાનું શીખી લે. (પૃ.૬૭)

કવિને હર પ્રકારની મુશ્કેલીઓ મંજૂર છે, પણ તે માટે તેઓ થોડો સમય માગે છે. તેઓ કહે છે :

દિશાઓ હાથ લંબાવી મને મંઝિલ તરફ દોરે;
કદમ બે ચાર ત્યાં જાવા મને થોડો સમય આપો. (પૃ.૬૮)

કયારેક તેઓ જાણીતા કવિની પંક્તિ પરથી પણ ગઝલ લખે છે. કવિશ્રી ઓજસ પાલનપુરીની જાણીતી પંક્તિ ‘આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ’ પરથી તેમણે લખેલી ગઝલનો એક શેર જુઓ :

યાદ પણ કેવી મધુરી કોઈની આવી હશે !
આયનામાં જોઈને ખુદ આંખડી શરમાઈ હશે. (પૃ.૬૯)

શૃંગારની છાંટ ધરાવતો આ શેર આખા દ્રશ્યને ચાક્ષુષ કરે છે.
ઈશ્કે-મિજાજીના આ જ દૌરને આગળ વધારતો હોય તેમ ‘ખોલ દરવાજા સનમ’ માં તેઓ પ્રિયતમાને અનુનય કરતા જણાય છે. એક શેર જોઈએ :

કોઈ કાંઠો કે કિનારો કયાં મળે છે આજ પણ,
કેટલા સાગર તર્યો છું, ખોલ દરવાજા સનમ. (પૃ.૮૨)

તેમની કેટલીક ગઝલોમાં અત્યંત કોમળ લાગણીઓ વ્યકત થયેલી જોવા મળે છે. ‘આવ, દીકરી’ માં દીકરીના આગમનને કવિ મેઘનો મલ્હાર, આંગણે શણગાર, વિશ્વનો વિસ્તાર, પ્રેમનો ભંડાર એમ જુદી જુદી શબ્દસંજ્ઞાઓનો ઉપયોગ કરી વધાવે છે.

એક આખેઆખી ગઝલ આ કવિએ પુરાક્લ્પનોથી લખી છે. એક ઉદાહરણ જોઈએ :

માછલી પળની સદા ફરતી રહે
આંખ એની વીંધવાની એ ઘડી. (પૃ.૧૪૨)

જિંદગીમાં આવતી મુશ્કેલીઓ સાથે કવિ સમાધાન કરી શકે છે તેની સાહેદી આપતી ‘તો ઠીક છે’ ગઝલનો શેર જુઓ :

તારલા સાથે કરું છું ગોઠડી
ઊંઘવા બિસ્તર મળે તો ઠીક છે. (પૃ.૧૩૭)

સતત લખતા રહેતા આ કવિ ગઝલસર્જનમાં પોતાની રીતે વૈવિધ્ય લાવવાનો પણ સતત પ્રયત્ન કરતા રહે છે. તેમની હમરદીફ-હમકાફિયા ગઝલ ‘એક જ લતા’ સાદ્યંત આસ્વાધ છે. તેના એક-બે શેર જોઈએ :

આ વેદના મારી બની મૂરત સમી;
મ્હેફિલ મહીં બળતી રહી એક જ શમા.
છે અવનવાં પણ પ્રેમનાં કેવાં રૂપો !
આ વૃક્ષને વળગે નહીં એક જ લતા. (પૃ.૧૦૭)

‘પંચેન્દ્રિય ગઝલસમૂહ’ ના શીર્ષકથી લખાયેલી પાંચ ગઝલોના સમૂહમાં પાંચ ઈન્દ્રિયોનો મર્મ કવિ પ્રગટાવે છે. કયારેક લાંબી રદીફની ગઝલ પણ લખાઈ છે. ‘કહીને ગઈ પછી પાછી નથી વળી’ રદીફની સાથે કાફિયા તરીકે પાગલ, ઘાયલ, વાદળને લઈને લખાયેલી ગઝલનો એક શેર જોઈએ :

આદત પડી છે એટલે વરસી જવું પડે
વાદળ કહીને ગઈ પછી પાછી નથી વળી. (પૃ.૭૯)
જોકે, આ ગઝલમાં ‘વાદળ’ શબ્દ ક્લિષ્ટ લાગે છે.

શાળામાં શિક્ષક તરીકે અને ત્યાર પછી કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરી ચૂકેલા અને હવે નિવૃત જીવન ગાળતા કવિ જીવનને તેની સમગ્રતાથી ઓળખે છે, અને તેનાથી પણ આગળ કહીએ તો જાતને પિછાણવાની તેમને ગરજ છે. તેથી કહે છે :

હું ભલે આખું જગત જાણું નહિ,
જાતને જાણી શકું એ જ્ઞાન દે. (પૃ.૧૫૯)

શ્રદ્ધાવાન કવિ જ કહી શકે કે –
તીર લાખો આભ વરસે તોય શું ?
એક એની મ્હેરબાની જોઈએ. (પૃ.૧૬૦)

આથી જ કવિ પાસેથી અધ્યાત્મરંગની ગઝલ પણ મળે છે. ક્રમાંક ૧૦૧ ગઝલ ‘તું જ છે’ ની પ્રવાહિતા ધ્યાનાર્હ છે. તેઓ કહે છે :

આ તમસ ને ચાંદની પણ તું જ છે,
મોત તું છે, જિંદગી પણ તું જ છે.
વીજ થૈને ઝળહળે છે તું અહીં,
આભરૂપી આરસી પણ તું જ છે.
વ્યકતમાં અવ્યકત થઈને તું રહે,
ને ક્ષણેક્ષણ માલમી પણ તું જ છે. (પૃ.૧૧૧)

કવિ આહમદ મકરાણીના ‘જિંદગી’ સંગ્રહમાં તેમની પરિપકવતા જણાય છે. અલબત, કયાંક કયાંક ત્રુટિ પણ છે. જેમ કે, પૃ.૧૪૩ પર ‘નીકળ્યો’ ગઝલનો મત્લા દોષયુકત છે. પૃ.૧૧૦ પર ‘હોવી જોઈએ’ નો મત્લાનો કાફિયો ‘ન્હેર’ ક્લિષ્ટ લાગે છે. ‘ખૂબરૂ’ જેવો શબ્દપ્રયોગ ટાળવા જેવો ખરો.

મોટે ભાગે સફળ અને સમર્થ ગઝલો આપનાર આ કવિની બધી ગઝલો સાથે વાંચીએ છીએ ત્યારે એક તરફ તેમનું વિપુલ લખાણ જોઈને આનંદ થાય છે, તો કયારેક હવે દિશા બદલાવી જોઈએ એમ પણ લાગે છે. અતિલેખનમાંથી બચી શકાય તો સારા પરિણામ મેળવી શકાય એમ કહીને વિરમું.

[ કુલ પાન: 119. કિંમત રૂ. ૧૨૦. પ્રાપ્તિસ્થાન : ‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી. જિ. સુરત-૩૯૪૬૦૨. ફોન: +૯૧ ૯૮૨૫૩ ૩૭૭૧૪. ઈ-મેઈલ: sandhyanbhatt@gmail.com]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “‘જિંદગી’ની ગઝલો – સંધ્યા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.