- ReadGujarati.com - http://www.readgujarati.com -

૮ માર્ચ એટલે ? – ભુમિકા દેસાઈ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ ભુમિકાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumikashah7@gmail.com સંપર્ક કરી શકો છો.]

૮-માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. જેન્ડર બાયસનો કાયમ વિરોધ કાર્ય પછી પણ આ મહિલા દિવસની ઉજવણી કરવા, કરાવવા કે આ દિવસ યાદ કરવા પાછળ આજે મારો શું હેતુ છે ? આજે મારે શેર કરવા છે ફીમેલ જેન્ડર હોવા માત્રનાં સ્પેશિયલ કે સાઈડ ઇફેકટ્સ !
શું ખાસ છે– મહિલા હોવામાં?
કદાચ બાયોલોજીકલ- સાયકોલોજીકલ કે ઈલ્લોજીકલ ઘણું બધું છે સ્પેશિયલ!
તો પ્રસ્તુત છે એક કાલ્પનિક રંગોનાં શેડથી રંગેલો છતાં પણ એકદમ વાસ્તવિક એવો એક વુમન-સ્પેશિયલ અનુભવ. એક પ્રતિભાવંત લેખિકાને પોતાનાં પ્રથમ પુસ્તક માટે સો-કોલ્ડ સ્નેહી, સ્વજન અને મિત્રો તરફથી મળતા ફીમેલ સ્પેશિયલની ઓફર વાળા પ્રતિભાવો- શુભેચ્છાઓ!

***
શુભેચ્છક ૧ :”બુકનું મુખપૃષ્ઠ અત્યંત સુંદર છે. ખુબ ખુબ અભિનંદન. અમને તો બૌ આનંદ થયો કે તમારી ક્રિએટીવીટીને પાંખો મળશે ! તમે સ્ત્રી થઈને પણ લખો છો- એ પણ આટલું બોલ્ડ, જોરદાર વાત છે! આમ જ લખતા રહેશો. બાય ધ વે, મને વાંચવાનો કેટલો શોખ તમને ખબર જ છે તો બુકની એક કોપી- ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ સાથે મોકલવાનું ભૂલતા નહિ.”
લેખિકા [સસ્મિત]-“હા જરૂર, કુરિયર કરી દઈશ, શુભેચ્છા બદલ આભાર..”
{લેખિકા સ્વગત: વિચારો, કલ્પનાઓ, વાસ્તવિકતા કે લેખનને પણ જેન્ડર હોતા હશે? અને શું સત્યને સીધું જેમ છે તેમ -બરછટ કે ઉઘાડું કહી દેવું એટલે જ બોલ્ડ વિચારો?- જો હા તો એ વિચારો લખવા કે રજુ કરવા પણ જેન્ડર ચેન્જ કરવાવવું પડશે? એ માટે તો થોડી સચ્ચાઈ, જાત સાથે ઈમાનદારી, સાચું બોલવાની અને જરૂર પડ્યે એકલા સફર[અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં!] કરવાની હિંમત હોય એજ પૂરતું નથી?}
***
શુભેચ્છક ૨ :”મુબારક હો! જોયું ને મેં તો ૬-૮ મહિના પહેલા જ કીધું હતું, તમારામાં “કંઇક”” છે! આજે સવારે જ તમારી બુક લઇ આવ્યો! લેઆઉટ-ડીઝાઈન સારી છે, પણ થોડું લાઉડ નથી લાગતું? અને પેજીસ પણ થોડા રફ નથી? આમ તો ચાલે, એમ પણ તમને સ્ત્રીઓને માર્કેટિંગ, ક્વોલીટી કે બિઝનેસ ડીમાંડસમાં શું ખબર પડે? આ તો તમે લખી લો છો એ જ બૌ છે! પણ થોડી વધારે મહેનત કરી હોત તો કોઈ સારા રેપ્યુટેડ પબ્લીકેશન હાઉસવાળા પણ કદાચ માની જતા. હવે નેક્સ્ટ ટાઈમ તમારા પતિદેવને કરવા દેજો આ બધી જફા, બૈરાઓનું આ કામ નહિ. ”
લેખિકા [સસ્મિત]-” હા , જરૂરથી ધ્યાન રાખીશ, આભાર ..”
{ લેખિકા સ્વગત: એકદમ સાચી વાત – જો દીખતા હે વોહી બીકતા હે! ભલે ને બુકમાં કન્ટેન્ટ હોય કે ના હોય , દેખાવે બધું સરસ અને મોંઘુ હોવું જોઈએ. અને સ્ત્રીઓને સાચે જ શું ખબર પડે વ્યાપર કે માર્કેટિંગમાં, સ્ત્રીઓ તો મૂર્ખ સેન્ટી-મેન્ટલ જીવ જે સોદાબાજી ભલે નાં કરી શકે પરંતુ શ્રેષ્ટ સર્જન જરૂર કરી શકે- લેખન હોય કે બાળકો!}
***
શુભેચ્છક ૩ :” અરે વાહ , તમે તો લેખિકા બની ગયા! કૉનગ્રેચ્યુલેશન! તમારી બુકના સરસ રિસ્પોન્સનો છાપામાં રીવ્યુ-આર્ટીકલ વાંચ્યો! ખુબજ આનંદ થયો! પણ એમાં તમારું નામ કૈક જુદું હતું કદાચ. કૈક ભૂલ નથી થતી? તમારા નામની પાછળ તમારા પતિદેવનું નામ અને સરનેમ હોવા જોઈએ એની જગ્યાએ, તમારા નામની પાછળ બે-સરનેમ [પિયરપક્ષ અને સસરાપક્ષની] છે! મેં તો બે વાર ચેક કર્યું કે તમે જ છો ને? પછી દાદી, કાકી, માસી, મોટીબેન , ભાઈ બધાને ફોન કરીને ચેક કરવાનું કીધું. તમે તો કેટલા સમઝુ અને સંસ્કારી એટલે પતિદેવનું નામ કાઢીને પિતાની સરનેમ નાં જ લગાડો –એની મને પાક્કી ખાતરી! સાચું ને? શું કહો છો? ”
લેખિકા [સસ્મિત]– ” હા એ મારું જ નામ હતું – ૨ સરનેમ સાથે, બાજુમાં મારો ફોટો પણ હતો વેરીફાઈ કરવા , આભાર શુભેચ્છા માટે!”
{ લેખિકા સ્વગત: છેલ્લા દસ વર્ષથી પતિદેવનું નામ હસી ખુશીથી લટકાવીને ફરું છું , અને એક દિવસ માટે મારી ક્રિએટીવીટી સદગત પપ્પાજીને અર્પણ કરવા નામમાં પિયરની સરનેમ પણ લખી તો શું આભ તૂટી પડ્યું?અને કયા સંસ્કારોને ઠેસ પહોંચી ગઈ ? અને આ સરનેમ છે શું ચીજ? શું મારું નામ પૂરતું નથી મારી ઓળખ માટે? મારું નામ હું કોઈ પણ રીતે લખું, મારો પ્રશ્ન છે, મારે નક્કી કરવાનું છે! તમે તમને ગમે એ લેબલ અને સ્ટીકરથી મને ઓળખો- મેં ક્યાં ના પાડી? }
***
શુભેચ્છક ૪: “જલસો પડી ગયો બુક હાથમાં લઈને હોં! લેખિકાજી , તમારો ફોટોતો મઝાનો છપાયો છે ને! શું તમારા ગાલમાં ડીમ્પલ પડે છે, આય હાય! અને આંખોમાં કાજળ તમે રોજ લગાવો છો? ખરેખર કાતિલ ફોટો છે, એ જોવા પણ બુક ખરીદવી પડશે બોલો! ”
લેખિકા [સ્મિત વગર]– – ” ! આભાર ! ”
{ લેખિકા સ્વગત: બુક વેચાણ માટે છે, લેખિકા નહિ, એવી નોંધ ફોટાની નીચે લખવાની રહી ગઈ…અફસોસ !!! }
***
શુભેચ્છક ૫: “મુબારક હો! મેં તો તમને જોયા ત્યારથી જ મને તો ખબર હતી કે દમ છે તમારામાં.ગુજરાતી સાહિત્યને તમારા જેવા જ નવલોહિયા લેખકો ઉગારી શકે એમ છે હાલમાં! પણ ખાનગીમાં કહેતા જાઓને કે આ પબ્લીકેશનમાં શું સેટિંગ પાડ્યું છે તમે? આપણેએ પબ્લીકેશનવાળાને સારી રીતે ઓળખીએ હો! નવા લેખકોને તો ઘાસ પણ નાખે એવો નથી! એ લાલો લાભ વગર લોટે એમાંનો નથી, ધ્યાન રાખજો! મારો બેટો ખાલી લેખિકાઓને જ આજકાલ ચાન્સ આપે છે એટલે જરા મને થયું તમને ચેતવી દઉં! જો જો બીજું કઈ સમજતા!”
લેખિકા [ અકળામણ અને ગુસ્સાને દબાવતા] – ” જરૂર થી ધ્યાન રાખીશ..આભાર! ”
{ લેખિકા સ્વગત: સ્ત્રી કોઈ પણ ફિલ્ડમાં આગળ આવે, એ પછી પ્રમોશન હોય, સેલેરી રેઈઝ હોય કે કોઈ ક્રિએટીવીટી , આ પંચાતીયાઓને કેમ હમેશા એની પાછળ એક જ સેટિંગ દેખાતું હશે? શું પોતાની પ્રતિભા અને સંઘર્ષ માત્રથી કોઈ સ્ત્રી સફળતા નાં જ મેળવી શકે? શું સફળતા નાં પરિમાણ અને રસ્તા હમેશા જેન્ડર પરથી જ નક્કી થાય છે? }
***
૮-માર્ચ ~ લેખિકા માટે રોજ કરતા આજ નો દિવસ વધારે સ્પેશીયલ છે!
આજે એલાર્મ કરતા પહેલા ઉઠી જવાયું! રોજિંદુ કામ પણ ઉત્સાહભેર ઝડપથી પતી ગયું.

એક ખુશી , ઉત્સાહ અને છતાં થોડો અજંપો, ગભરાટ…બાળકનાં જન્મ વખતે માંને થાય એવો જ તો!
આજે જન્મ થવાનો છે, લેખિકાના પ્રથમ સર્જનનો, પહેલી લાગણીઓ અને સપનાઓનો-“એક બીલો એવરેજ વુમન”ના પુસ્તકનો!

“એક બીલો એવરેજ વુમન” માટે આજે પહેલી વાર ૮ – માર્ચ, મહત્વનો દિવસ છે…
એસ.એમ.એસનો સવારથી સતત વાગતો ટોન અને સતત આવી રહેલા ફોન કોલ્સ, મહેસુસ કરાવે છે સ્વજનોની શુભેચ્છા[ દિલની કે માત્ર ફોર્માલીટીની!]!

૮ માર્ચ – અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-એક યોગનું યોગ.
“એક બીલો એવરેજ વુમન ” માટે …
૮ માર્ચ એટલે? – “પોતાનો દિવસ”? “વુમન્સ ડે”? “ઇન્ટરનેશનલ વુમનસ ડે”? કે ક્રેપ!