હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૪) – અરવિંદ પટેલ

[આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે, જેને આપણે સમયાંતરે અહીં માણતાં રહીશું. અગાઉ આપણે તેના ભાગ-૧, ભાગ-૨ અને ભાગ-૩ વાંચ્યા છે. આજે તેમાંનો વધુ એક અંશ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે abpatel50@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૭૧૦૭૬૨૭ સંપર્ક કરી શકો છો.]
.

ગ્રામ્ય વાતાવરણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની દયનીય સ્થિતિ!

થોડી સામાન્ય પણ અગત્યની કહેવાય એવી ગ્રામ્ય વાતાવરણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની સ્થિતિ પહેલા કરતાં થોડી વધુ નાજુક થઈ છે. હાલની પરિસ્થિતિમાં ગામડામાં રહેતાં પુખ્ત ઉમરના સંતાન માટે છોકરી કે છોકરો શોધવો મુશ્કેલ થઈ ગયો છે. શહેરની ભાગ્યેજ કોઈ છોકરી ગામડાના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થશે. તેજ રીતે ગામડાની છોકરી પણ ગામડાના છોકરા કરતાં શહેરના છોકરાને પ્રાધાન્ય આપવાનું પસંદ કરશે. આને કારણે ગામડાના ઘણા ઉંમરલાયક છોકરાઓ યોગ્ય કન્યા વિના કુંવારા રહેતાં જોવાં મળે છે. જોકે શહેરમાં રહેતાં છોકરાઓ પણ સામાન્ય રીતે શહેરની જ છોકરી પસંદ કરવાનું વલણ હોય છે. સમાધાનના ભાગ રૂપે કોઈ પણ સમજુતી કરવી પડે તે અલગ વાત છે. તેજ રીતે મોટા શહેરના છોકરા કે છોકરી જલ્દીથી નાના શહેરનું પાત્ર પસંદ કરતાં અચકાતું જોવાં મળે છે. તેનું કારણ એટલું જ હોય શકે કે ગામડાના કે નાના શહેરના શિક્ષણ, સંસ્કાર, રહેણીકરણી અને વિચારોમાં અંતર જોવાં મળતું હોય છે. શહેરની આધુનિક રહેણી કરણી, પહેરવેશ, લાઈફ સ્ટાઈલ, સ્વતંત્રતા ગ્રામ્ય વાતાવરણનું રૂઢીચુસ્ત વલણ, સંકુચિત માનસિકતા, માન્યતાઓને કારણે ઝટ નથી અપનાવી શકતા તેમજ ગામડાના આધુનિક સુખ, સુવિધાના સાધનોનો અભાવ પણ નડી જતો હોય શકે. તેમજ ગામડાની ગંદકી, ખેતીવાડી સાથે સંકળાયેલું જીવન, પશુ ઉછેર વગેરે પણ શહેરી જીવન જીવતા પાત્રને અનુકૂળ ન આવે એ સ્વાભાવિક છે. હવે એવું પણ થવા માંડ્યું છે કે ગામડાના છોકરાઓ નોકરી ધંધા વ્યવસાય માટે શહેર તરફ નજર કરવા લાગ્યા છે. શક્ય હોય તો માતાપિતા ગામડામાં રહેતાં પોતાના સંતાનને ભણવા, નોકરી ધંધા, વ્યવસાય માટે પોતાના નજીકના શહેરમાં વસવાટ માટે સુવિધા કરી આપતાં જોવાં મળે છે. આ રીતે થોડે ઘણે અંશે સમસ્યાઓનો હલ લાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. હવે ગામડામાં રહેતાં માતાપિતા પણ સમય જોઈ પોતાના સંતાનને વારસાગત ખેતીવાડીનો વ્યવસાય અપનાવવા આગ્રહ કે મજબુર નથી કરતાં. આ પ્રકારે પોતાના સંતાનની લગ્ન અંગેની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવી રહ્યું છે.
.

સગપણનો સંબંધ જોડતા અગાઉ જાહેર કરવામાં બહુ ઉતાવળા થશો મા!
પ્રાથમિક મુલાકાત નક્કી કરતાં પહેલા આટલી કાળજીતો જરૂરથી લેજો!

પોતાના દીકરા દીકરી માટે માંગા આવવાની શરૂઆત થાય એટલે જો એકથી વધારે માંગા આવ્યા હોય તો કયા માંગા ને પ્રાધાન્ય આપવું તે વિશે ઘરમાં ચર્ચા વિચારણા કરી દીકરા કે દીકરી સાથે વાત કરી મળેલી પ્રાથમિક માહિતી, જાણકારી કે બાયોડેટાને ધ્યાનમાં રાખી સામેના પાત્રના કયા પાસાને વધુ મહત્તવ આપવું તે પ્રમાણે નક્કી કરી જે બાબત દરેક કુટુંબની જરૂરિયાત અને વિવેકબુદ્ધિ પર આધારિત હોય તેને ધ્યાનમાં લઇ બે પરિવારની તેમજ છોકરા છોકરીની મુલાકાત નક્કી કરી શકાય. આ મુલાકાત નક્કી કરતાં અગાઉ શક્ય હોય ત્યાં સુધી બંને પક્ષોએ બંને પાત્રોના તેમજ તેમના પરિવારને લગતી જરૂરી બધીજ માહિતી, જાણકારી બાયોડેટાના સ્વરૂપમાં આપવી જોઈએ કે મેળવી લેવી જોઈએ. અગત્યની ખુટતી જરૂરી માહિતી અગાઉથી મંગાવવી લેવી જોઈએ જેથી મુલાકાત વખતે ફક્ત એટલું જોવાનું રહે કે છોકરા છોકરી એકબીજાને દેખાવથી પણ પસંદ કરે છે કે નહીં તેમજ વાતચીતમાં પુરક માહિતી કે જાણકારી મેળવવાની જ રહે.

લગ્ન યોગ્ય બે પાત્રો જેમની વાતચીત ચાલી રહી હોય તેની પ્રાથમિક માહિતીમાં સહુથી વધુ અગત્યનું છોકરા છોકરીની ઉંમર બંનેની ઉંમર વચ્ચેનો ગાળો, બંનેનો અભ્યાસ, બંનેનું શારીરિક બંધારણ ઊંચાઈ વગેરે હોય છે. સામાન્ય રીતે છોકરા કરતાં છોકરીની ઉંમર થોડી ઓછી હોય એવી છોકરી વિશે જ વિચારતાં હોઈએ છીએ. પણ ઉમરનો ગાળો ઘણો વધુ હોય તે પણ યોગ્ય ન કહેવાય. જો છોકરીની ઉંમર અને છોકરાની ઉંમર વચ્ચેનો ગાળો વધારે હોય તો બંને પાત્રોની માનસિક પરિપક્વતા વચ્ચે ઘણો તફાવત હોવાના કારણે લગ્નજીવનની શરૂઆતમાં જે મનોઐક્ય સધાવું જોઈએ તે ન સધાતા સમસ્યા ઉભી થવાની શક્યતા રહે છે. સમાધાનના ભાગ રૂપે ઘણી વાર ઉમરના ગાળામાં તફાવત આશ્ચર્યજનક રીતે ઘણો વધુ પણ જોવાં મળતો હોય છે પણ તે અપવાદરૂપ કિસ્સામાં જ જોવાં મળતો હોય છે. ઉદાહરણ રૂપે છોકરો જો પચીસેક વર્ષનો હોય અને છોકરી જો અઢારથી વીસ વર્ષની ઉમરની હોય તો એમ કહી શકાય કે છોકરીની ઉંમર આમતો મુગ્ધાવસ્થાની ગણાય જેથી તેનામાં બધાજ પ્રકારની અપરિપક્વતા હોવાની શક્યતા રહેલી હોય છે તેમજ અભ્યાસમાં પણ કોલેજના શરૂઆતના વર્ષોમાં ભણતી હોય શકે છે. તેનાથી વિરુદ્ધ છોકરો પચીસ કે તેથી વધુ ઉમરનો હોય તો તે ખુબ જ સારી પરિપક્વતા ધરાવતો હોય શકે તેનો અભ્યાસ પણ સારો એવો હોય શકે તેનામાં બધા જ પ્રકારની જરૂરી આવડત હોંશિયારી પણ હોય શકે તેથી બંને પાત્રો વચ્ચે મનોઐક્ય સધાવું ઘણું અઘરું બની શકે. પણ જો છોકરીની પચીસેક વર્ષની ઉંમર હોય અને છોકરાની ઉમરનો ગાળો ખાસ્સો વધુ હોય તો પણ બંને વચ્ચે માનસિક પરિપક્વતા ધરાવતી ઉંમર થઈ ગઈ હોવાના કારણે એકબીજાને સમજવામાં કે સમજાવવામાં, સમાધાન સાધવામાં ભાગ્યેજ સમસ્યા નડી શકે છે. તેજ રીતે શારીરિક બંધારણ પણ ધ્યાનમાં રાખવું જરૂરી હોય છે બેમાંથી એક પાત્રનું શારીરિક બંધારણ ઘણું ભારે હોય અને બીજું પાત્ર જો બંધારણની દ્રષ્ટીએ સામાન્ય હોય તેમજ બંને પાત્રો વચ્ચેની ઊંચાઈનો ગાળો પણ વધુ હોય તો બંને વચ્ચે પ્રથમ નજરે જ દેખાવમાં કજોડું લાગી શકે આથી આવા પાત્ર સાથે પણ સંબંધ જોડતા પહેલા વિચારી લેવું પડે. બીજી બધી રીતે જો યોગ્ય જણાય તો શારીરિક બંધારણ માટે ઘણીવાર બાંધછોડ કરવામાં આવતી હોય છે. જે દેખાય આવે એવું હોય છે. ત્યાર પછી આવે છે વાત બંને પરિવારના ખાનપાન અંગેના તફાવતની. શક્ય છે કે બંને પાત્રોના ખાનપાન ભિન્ન હોવાના કારણે કોઈ પરિવાર સંપૂર્ણ શાકાહારી હોય, સામેનો પરિવાર બિન શાકાહારી હોય તો આ બાબતે પણ શરૂઆતમાં જ ચોખવટ થઈ જવી જરૂરી છે, ઘણાં પરિવારમાં ઈંડા તો ઠીક કાંદા, લસણ, બટાકા વગેરે ખાવાનો પણ ધાર્મિક બાધ હોય છે તેથી ખાસ અગત્યની આ વાત ન ગણાય છતાં પણ જરૂરી ચોખવટ જો અગાઉથી થઈ જાય તો પાછળથી મુશ્કેલી ન ઉભી થાય. આ અને આવી ઘણી વાતોની તકેદારી રાખી માહિતી કે જાણકારી જો અગાઉથી મેળવી લેવામાં આવે તો છોકરા, છોકરીની પ્રથમ મુલાકાત પછીનું કામ આસાન થઈ જાય.

શક્ય છે કે દશ પંદર મીનીટની પ્રાથમિક મુલાકાતમાં જેની જોડે આજીવન જોડાવાનું છે તેઓને એકબીજાના રસ, રુચિ, શોખ, સ્વભાવ કે જરૂરી અન્ય બાબતોનો ઝાઝો પરિચય ના થઈ શકે પણ પ્રથમ મુલાકાત વખતે જો એમ લાગે કે આ પરીવારની સાથે આ પાત્ર સાથે આગળ વધવા જેવું લાગે છે તો છોકરા છોકરી ટૂંકા ગાળામાં થોડી લાંબી એક બે મુલાકાત ગોઠવી શકે જેના પરથી એમ જાણી શકાય બંને પાત્રો અને પરિવાર એકબીજાને અનુકૂળ છે કે નહીં? જો આ પ્રકારની મુલાકાત પછી સગપણના સંબંધ જોડવામાં કોઈ વાંધો જણાતો ન હોય તો પછી આગળ વધવું જોઈએ. ત્યાર પછી બીજી વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ પ્રકારની મુલાકાત ગોઠવતા પહેલા આ મુલાકાત ચર્ચાના ચગડોળે ના ચડે તે માટે ઝાઝી હોહા કર્યા વગર બંને પક્ષોએ સંમતી સાથે શક્ય હોય તેટલા પ્રમાણમાં ખાનગી રાખવી જોઈએ, જેથી પાછળથી જો પ્રાથમિક મુલાકાત પછી એકબીજાને અનુકૂળ આવે એમ ન હોય અને જો ના પાડવી પડે તો ભવિષ્યમાં છોકરીના પક્ષે તેમની શાખ બગડે એવું ના થાય તે માટે આવી પ્રાથમિક મુલાકાત જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ખાનગી રહે તે જરૂરી છે. જો અગાઉથી બધાને જો જાણ હોય તો માંગુ નકારવામાં આવ્યું હોય તો કોઈ કારણ વગરના પ્રશ્નોના, સાચા ખોટા જવાબ આપવા પડે, વાત ખોટી ચર્ચાને એરણે ચડે જેથી કોઈ પણ પાત્ર વિશે ખોટી ચર્ચા થઈ શકે છે કે ખોટી રીતે બદનામ થવાની શક્યતા રહે છે. જે નિવારવા આ પ્રમાણે કાળજી લેવી જરૂરી છે. કોઈ એવાં કારણસર બે પરિવારની બે પાત્રોની પ્રાથમિક મુલાકાત પછી, જો માંગું નકારવું પડે એમ હોય તો પણ તાત્કાલિક પ્રતિભાવ જણાવવાના બદલે થોડા સમયમા જણાવીશું એમ કહી પાછળથી અનુકૂળ સમયે પરોક્ષ સ્વરૂપે હમણાં અમારે અનુકૂળ નથી કહી માંગા માટે ના પાડી શકાય જેથી જે પાત્ર માટે ના પાડી હોય તેમનો અહં પણ જળવાય જાય, તેમને ખરાબ પણ ન લાગે શક્ય છે કે જે પાત્ર માટે હમણાં ના પાડી હોય તેને માટે ભવિષ્યમાં જો ફરી વિચારવું પડે તો તે વખતે ફરી માંગા માટે વાત મુકવાનો વાંધો ના આવે. જયારે માંગુ નકારવાનો પ્રસંગ આવે તો તે માટેના કારણો આપવા પણ ન જોઈએ કે સામા પક્ષે પૂછવા પણ ન જોઈએ તેમાં જ બંને પક્ષોનું હિત પણ સમાયેલું હોય છે કારણકે કારણો આપવામાં અને પૂછવામાં બિનજરૂરી ચર્ચા ઉભી થવાની શક્યતા રહેતી હોય છે તેમાંથી પછી ખોટો વાદવિવાદ પણ ઉભો થઈ શકે, તેથી આવી બાબતોમાં જ્યાં સુધી વાદવિવાદ ટાળવામાં આવે તે બંને પક્ષો માટે સારું જ હોય છે.

તેનાથી વિરુદ્ધ સગપણના સંબંધે હા પાડતા અગાઉ પણ થોડી તકેદારી એ રાખવાની કે છોકરા છોકરી જોવાય જાય પછી બંને પાત્રોને, પરિવારને જણાય કે તેઓ એકબીજાને માટે અનુકૂળ છે તેમજ સગપણના સંબંધમાં જોડાવાનો વાંધો નથી છતાં પણ થોડી ચોકસાઈ ખાતર ઉતાવળ કરવાના બદલે સંમતી સુચક તરત હા પાડવાને બદલે થોડીક મુદત માંગી લેવી હિતાવહ હોય છે. એમ જણાવીને મુદત લઇ શકાય કે આમ તો બધી રીતે અનુકૂળ હોવાં છતાં પણ ઘરમાં, પરિવારમાં, સગાસંબંધીમાં ચર્ચા વિચારણા કરી આગળ વધીએ તો સારું. ઘણીવાર એવું થાય છે કે પ્રત્યક્ષ સ્વરૂપે સામેનું પાત્ર પોતાના માટે બધી રીતે ઉત્તમ જણાતા અને સામેનું પાત્ર હાથમાંથી જતું ના રહે તે માટે ઉતાવળે સગપણનો સંબંધ જાહેર કરી દેવામાં આવે છે. તેથી આ સંબંધમાં આગળ વધતાં પહેલા લેવાવી જોઈતી તકેદારી, કાળજી ના લેવાવાના કારણે પાછળથી પસ્તાવું પડે એમ બની શકે. ઘણીવાર એવું બને છે કે છોકરા છોકરી માતાપિતાનાં દાબ દબાણ હેઠળ એકબીજાને જોવાં મળવા, મુલાકાત માટે પરાણે હા પડતા હોય છે, અને છોકરા છોકરીને એકબીજાને પસંદ છે કે નહી તેને ધ્યાનમાં લીધા વગર જ માતાપિતા પોતાની પસંદગી ઠોકી બેસાડતા હોય છે, ઘણીવાર છોકરા છોકરીની આવા સંબંધને નિભાવવાની પરિપક્વતાને ધ્યાનમાં લીધા વગર તેમજ બે પાત્રો વચ્ચેની શૈક્ષણિક અસમાનતાને ધ્યાનમાં લીધા વગર જ સગપણ માટે તૈયાર થઈ જતાં હોય છે, તે સિવાય સામાન્ય રીતે છોકરા અને છોકરીની ઉમરનો ગાળો ધ્યાનમાં લીધા વિના સામેનું પાત્ર સારું છે એમ સમજી સગપણ માટે આગળ વધવામાં આવતું હોય છે. જયારે છોકરીની ઉંમર ખાસ્સી ઓછી હોય તેનામાં પૂરતી પરિપક્વતા ન આવી હોય, માનસિક અને બૌદ્ધિક સમજણ પુરતી ન હોય ત્યારે પણ સગપણનો સંબંધ જોખમમાં આવી પડે છે. તેમ છતાં જો આ સંબંધ લગ્નમાં પરિણમે તો બંને પાત્રો વચ્ચે વૈચારિક ભિન્નતા કે અસમાનતા સર્જાવાના કારણે ભવિષ્યમાં દામ્પત્યજીવન જોખમમાં આવી પડવાની સંભાવના રહેતી હોય છે. તેમજ બે પરિવાર વચ્ચેની સારી એવી આર્થિક અસમાનતા પણ ભવિષ્યમાં લગ્ન જીવનમાં વિવાદનું કારણ બની શકે છે. એજ રીતે બે પાત્રો વચ્ચેની શારીરિક બંધારણની અસમાનતા જેને ઘણીવાર દેખીતા કારણોસર માતાપિતાના આગ્રહને કારણે દેખીતી રીતે કજોડું લાગવા છતાં પણ જો આ સંબંધ સગપણમાં કે લગ્નમાં પરિણમે તો પણ પાછળથી સગાસંબંધી કે મિત્રવર્ગની ટીકા ટીપણીને કારણે આ સંબંધ તકલીફમાં મુકાય શકે છે. આ સીવાય છોકરીની સાસરે ગયા પછી તેના પોતાના હક, અધિકાર, સ્વતંત્રતા, અને પ્રાઈવસી અગેની વધુ પડતી સભાનતા પણ આ સંબંધને જોખમમાં મુકવા માટેનું એક અગત્યનું કારણ બની રહે છે. તેથી ઉપર જણાવેલ બધાજ પાસા પર ધ્યાન આપી શાંતિથી વિચાર કરી સગપણનો સંબંધ જાહેર કરવો જોઈએ. એક વાત એ પણ યાદ રાખવાની કે સગપણના સંબંધનો જવાબ આપવા માટે જે કંઈ પણ મુદત લીધી હોય તે છતાં સામેના પાત્રને બાંધી રાખવા કરતાં એમને એટલું ચોક્ક્સ કહી શકાય કે જવાબ આપવાના સમયગાળા દરમ્યાન જો કોઈ વધુ સારું પાત્ર તેઓને મળી જાય તો તે પાત્ર, પરિવાર જોડે અમને જાણ કરી સંબંધ બાંધવાની છૂટ છે. અમારા તરફથી તમને કોઈ બંધન નથી એવું કહેવાથી સામો પક્ષ આપણા જવાબ માટે ખોટું દાબ દબાણ કરી ઉતાવળ નહી કરે.
.

બે પરિવાર વચ્ચેની આર્થિક અસમાનતાનાં કારણે ઉદભવતા પ્રશ્નોનું સમાધાન સાધવું જરૂરી!

આ સિવાય છોકરા પક્ષે એક વાત એ ધ્યાનમાં રાખવાની કે આર્થિક રીતે ખુબ જ સાધનસંપન્ન ધરાવતા પરિવારની છોકરી જયારે સામાન્ય પરિવારમાં પરણીને આવે છે ત્યારે તે છોકરીના માતાપિતા તરફથી વાર તહેવારે, પ્રસંગોપાત કોઈ ને કોઈ બહાને છોકરીને તેની જરૂરિયાત સંતોષવા કે પછી સાસરા પક્ષને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરતાં રહે છે જેના કારણે છોકરાનો, તેના માતાપિતાનો અહં ઘવાતા પણ લગ્નજીવનમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહેલી છે. તેથી છોકરીના માતાપિતાએ આ બાબતે ખુબ જ સાવધાનીપૂર્વક છોકરીના સાસરા પક્ષનો અહં ન ઘવાય એ રીતે મદદરૂપ થવા ધ્યાન રાખવું જોઈએ, ઘણીવાર એનાથી વિરોધી એવું પણ બનતું જોવામાં આવે છે કે સામો પક્ષ જો ખુબ જ લોભી લાલચુ હોય, છોકરીના માતાપિતાની લગ્ન ટકાવવાની મજબુરી જોઈને સામેથી વધુને વધુ મદદની અપેક્ષા રાખી છોકરીનાં પરિવાર પાસે નવી નવી માંગણી કરતો રહે છે. તેથી જો આવી બાબત તરત ધ્યાનમાં આવી જાય તો ખુબ જ સાવધાનીપૂર્વક આ રીતની માંગણી ટાળતા રહેવું જોઈએ, અને તેને તાબે ના થવાય એ ખુબ જ જરૂરી હોય છે, નહીં તો આ રીતની માંગણીથી પાછળથી ખુબ જ ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતા રહેતી હોય છે. તેજ રીતે ઘણીવાર છોકરીને પોતાના માતાપિતાની આર્થિક સમૃદ્ધિનું ખુબ જ અભિમાન હોય અને એ બાબતે સાસરે તે બાબતના મેણા ટોણા કટાક્ષ કરતી રહે તો પણ છોકરાના પરિવારનો અહં ઘવાતા લગ્નજીવન ભયમાં આવી પડે છે. એનાથી વિરુદ્ધ બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે કેટલીકવાર એવું બને કે છોકરી ખુબ જ સામાન્ય ઘરની હોય તેમજ લગ્ન અગાઉ શક્ય છેકે છોકરી નાનું મોટું કામકાજ કરી, જો છોકરી ભણેલી હોય તો નોકરી કરી માતાપિતાને આર્થિક ટેકો કરતી હોય ત્યારે લગ્ન પછી એવું બને કે છોકરીના સાસરે જવાથી આ ટેકો મળતો બંધ થઈ જવાથી છોકરીના માતાપિતાને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું ક્યારેક મુશ્કેલ પડી શકે, પરંતુ નસીબ જોગે જો છોકરીને સાસરા પક્ષ આર્થિક રીતે ખુબ જ સમૃદ્ધ મળ્યો હોય, સારી ભાવનાવાળો હોય તો પુત્રવધુને પોતાના પિયરમાં પરોક્ષ રૂપે મદદરૂપ થતાં પણ જોવાં મળે છે. પરંતુ આ બાબતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પુત્રવધુ જો પોતાના પતિ કે સાસરિયાને વિશ્વાસમાં લીધા વગર પોતાના પિયરમાં ગુપચુપ, છાનામાના મદદ કરતી રહે અને પાછળથી જો આ બાબતની જાણ સાસરાપક્ષમાં થાય તો પરિણામ ખુબ જ ખરાબ આવવાની શક્યતા રહે છે.
.

જો છોકરો ઓછું ભણેલો હોય કે તેની આર્થિક સ્થિતિ સામાન્ય હોય તો મૂંઝાશો નહિ!

સામાન્ય રીતે માતાપિતા પોતાની દીકરીના અભ્યાસ પ્રમાણે, કારકિર્દીને જોઈને તેનાથી વધુ ભણેલો કે તેની સમક્ક્ષ કહી શકાય એવો છોકરો પસંદ કરતાં હોય છે. તેમજ છોકરાના ઘર પરિવાર જમીન જાયદાદ, માલમિલકતથી કેટલો સાધન સંપન્ન છે કે નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે. પરંતુ ઘણીવાર સમાધાનના ભાગરૂપે જયારે આવું પાત્ર ન મળે તો દીકરીથી ઓછું ભણેલા પાત્ર તરફ તેમજ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા પાત્ર તરફ પણ ધ્યાન આપવું પડતું હોય છે. જયારે આ પ્રકારે સમાધાન કરવાનું હોય ત્યારે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે જે પાત્ર કે જે છોકરો જેની જોડે સગપણની વાત ચાલે છે તે બીજી બધી રીતે યોગ્ય જણાતો હોય પણ છોકરી કરતાં ઓછું ભણેલો હોય તો એટલું જ જોવાનું કે છોકરો પોતે પૂરતી અક્કલ, હોંશીયારી, આવડતવાળો, સુઝબુઝવાળો, તેજસ્વી છે કે નહીં? ઘણીવાર એવું હોય છે કે છોકરાના માતાપિતાનો પોતાનો ખુબ જ જામેલો, વિસ્તરેલો ધંધો, વ્યવસાય હોય તેથી ઘણીવાર તેમાં ધ્યાન આપવા છોકરાને બહુ ભણાવ્યા વગર કે ચાલી શકે એટલું જ ભણાવીને તેમાં જોતરી દેતા હોય છે. તે સિવાય સામાન્ય ઘરનો છોકરો હોય પરંતુ તે જો અગાઉ જણાવ્યું તેમ આવડત વાળો હોય સારું કમાય લેતો હોય, સારી નોકરી હોય, સારો પગાર હોય, છોકરો સ્વબળે, પરિશ્રમ કરી આગળ વધવાની ક્ષમતા ધરાવતો હોય, ઘરની આર્થિક જવાબદારીઓ ઉપાડવા સક્ષમ હોય તો તેની જોડે પણ સંબંધ જોડવામાં વાંધો ન હોવો જોઈએ. તેનો અર્થ એકે છોકરો અન્ય બધી રીતે કાબેલ હોય, ગુણવાન હોય તો છોકરાના ભણતરના પાસા શક્ય હોય તો અવગણી શકાય. તેથી જો છોકરો ગણેલો ગુણવાન હશે તો તેની જોડેનું દામ્પત્યજીવન સરળ હોવાં વિશે શંકા રાખવી જોઈએ નહીં. આથી આવા સમાધાનના ભાગ રૂપે જયારે લગ્ન સંબંધે જોડાયા પછી છોકરીએ એટલું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે હવે તેણીએ ભૂલી જવાનું છે કે તે છોકરા કરતાં કેટલું વધુ ભણી છે. છોકરીનું પોતાનું વધુ ભણતર ભવિષ્યમાં કોઈ અહંનો પ્રશ્ન ન બને તે જોવાનું હોય છે. વાત વાતમાં પોતાના ભણતરને લઈને કરવામાં આવતાં મેણાં, ટોણા, કટાક્ષ લગ્નજીવનમાં સમસ્યા ઉભી કરી શકે છે. સામાન્ય રીતે પ્રથમ નજરે છોકરીના રૂપ, રંગ, દેખાવ પછી ગુણ અને અભ્યાસ જોવામાં આવતાં હોય છે. તેમજ છોકરાના કાબેલિયત, અભ્યાસ અને સંસ્કાર પર પ્રથમ ભાર મુકવામાં આવે છે, પછી તેના દેખાવને ધ્યાનમાં લેવાતો હોય છે. તેથીજ ઘણીવાર સુંદર ભણેલી છોકરીને સમાધાનના ભાગ રૂપે જરૂરી બધી કાબેલિયતવાળો પણ સામાન્ય દેખાવવાળો છોકરો પસંદ કરવો પડતો હોય છે. તે જ રીતે સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળા ઘરમાં છોકરી પરણી હોય અને જો સારું ભણેલી હોય તો કોઈ અનુકૂળ નોકરી કે કોઈ સ્વરોજગાર કરવા સક્ષમ હોય તો તે રીતે મદદરૂપ થવાની તૈયારી સાથે લગ્ન સંબધથી જોડાવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એટલુંજ કે છોકરાના રૂપ દેખાવ ભણતર કરતાં તેના ગુણોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમજ જમીન જાયદાદ, માલમિલકત કે વૈભવના બદલે ફરજ અને જવાબદારી નિભાવવાની ક્ષમતા, પાત્રતા, યોગ્યતા, દક્ષતાની સાથે તે નિર્વ્યસની છેકે કેમ તેને મહત્વ મળવું જોઈએ એમ કહી શકાય. વાસ્તવમાં જોકે થાય છે તેનાથી ઉંધુ, છોકરીના માતાપિતા છોકરાની આવક કમાણી, કરતાં પણ તેના પરિવારની જમીન જાયદાદ, સંપત્તિ, માલમિલકત કેટલી છે તે જાણ્યા પછી જ આગળ વધતાં જોવાં મળે છે. છતાં પણ એટલું જરૂર ધ્યાન રાખજો કે ભૂલેચૂકે પણ જમીન, જાયદાદ, માલમિલકતના મોહમાં ફસાઈ વ્યસની, વિલાસી જીવન જીવતા છોકરા સાથે સંબંધ બાંધતા પહેલા સો વાર વિચાર કરવો કેમકે છોકરીને વૈભવ ભોગવવાના મોહમાં વૈધવ્ય ભોગવવું ન પડે તેનું જ ધ્યાન રાખવું અગત્યનું છે.
.

બોલો સગપણ અને લગ્ન વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ?

હવે રહી વાત સગપણ અને લગ્ન વચ્ચે કેટલો સમય ગાળો ઉચિત ગણાય? આમ તો સામાન્ય રીતે બંને પરિવારના સભ્યો સાથે મળીને પોતાની અનુકુળતા મુજબ નક્કી કરી લેતાં હોય છે. સામાન્ય રીતે છોકરા, છોકરી કે બેમાંથી એક પાત્ર અભ્યાસ કરતું હોય તો તેને ધ્યાનમાં રાખી અભ્યાસ પૂર્ણ કર્યા પછી લગ્નનો સમય નક્કી કરવામાં આવતો હોય છે. ઘણીવાર છોકરા છોકરી આગળ વધુને વધુ અભ્યાસ કરતાં રહે, અથવા તો કોઈ અન્ય કારણસર, બહાને લગ્નનો સમય આગળને આગળ ઠેલાતો જાય જેમાં ચાર પાંચ વર્ષ નીકળી જાય પછી થાય એવું કે બંને પાત્રો એકબીજાથી પુરા પરિચિત થઈ જવાના કારણે એવું લાગે આ પાત્ર સાથે લગ્નજીવન સફળતાથી, સરળતાથી આગળ વધી શકશે નહીં તો આવા કારણસર સગાઈના ઘણા લાંબા સમય પછી સગાઈ તૂટવાનો સંભવ ઉભો થઈ શકે છે. સામાન્ય રીતે આવું ત્યારે બને છે જયારે નાની ઉંમરમાં સગપણ નક્કી કરી નાખવામાં આવતું હોય છે. તેથી સગપણ નક્કી કરતાં અગાઉ આ અંગે બંને પક્ષે સગપણ અને લગ્ન વચ્ચેનો ગાળો એક દોઢ વર્ષથી વધે નહિ એ રીતે રાખે તો હિતાવહ ગણી શકાય. જોકે ઘણીવાર એવાં સંજોગો પણ ઊભા થતાં હોય છે કે પછી ઉભા કરવામાં આવતાં હોય છે કે લગ્ન અત્યંત ટૂંકા ગાળામાં લેવાનું નક્કી કરવામાં આવતું હોય છે. આવી પરિસ્થિતિમાં બંને પાત્રોને, પરિવારોને એકબીજાને પૂરતાં ઓળખવાનો, સમજવાનો સમય મળતો નથી. પછી પાછળથી બધી મુશ્કેલીઓ ઉભી થાય ત્યારે પાછા ફરવાનું ઘણું મુશ્કેલ હોય છે. તેથી જ્યાં સુધી જે બે પરીવાર અને બે પાત્રો લગ્ન સંબંધથી જોડાવાના છે તેમના સંબંધી સંપૂર્ણ માહિતી કે જાણકારી ન હોય તો આવા સંબંધ બાંધતા પહેલા ભવિષ્યનો લાંબાગાળાનો વિચાર કરી આગળ વધવું યોગ્ય રહેશે.
.

છોકરો સ્વનિર્ભર છેકે નહીં તેની જાણકારી મેળવી લેવીજરૂરી!

તેજ રીતે છોકરીના માતાપિતાએ એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે જે છોકરા જોડે સગપણની વાત ચાલે છે તે છોકરો પોતાનાં પગ પર ઉભેલો છે કે નહીં. એટલેકે તે પોતે કોઈ નોકરી, ધંધો, વ્યવસાય, કે સ્વરોજગાર કરી સ્વનિર્ભર છે કે નહીં અથવા તો ભવિષ્યમાં તે પાત્ર પોતાના પગ પર ઊભા રહેવા સક્ષમ છે કે નહિ તેપણ જાણી લેવું જરૂરી છે. ભલે છોકરાનું ઘર ગમે તેટલું સુખી કે વૈભવશાળી કેમ ન હોય કે કરોડપતિ કેમ ન હોય પણ છોકરામાં એટલી ક્ષમતા હોવી જરૂરી છે કે તે પોતે પોતાની ઘર ગૃહસ્થી પોતાની જ આવક કે કમાણીમાંથી સારી રીતે ચલાવી શકે તે માટે આર્થિક રીતે પગભર હોવું પણ ખુબ જરૂરી છે. તે સિવાય બાપદાદાનો વારસાગત ધંધો, વ્યવસાય જો હોય તો તેમાં જ આગળ વધવાનો છેકે કેમ એપણ જાણી લેવું જોઈએ. ઘણા ઘરોમાં એવું જોવાં મળે છેકે કરોડોનો ધંધો વ્યવસાય ચાલતો હોવાના કારણે છોકરો એશોઆરામ અને વૈભવ વિલાસી જીવન જીવતો અને અનેક પ્રકારના વ્યસનો ધરાવતો હોય શકે જેની છોકરીના માતાપિતાને કદાચ જાણકારી હોવાં છતાં અવગણના કરે અને છોકરી પછી તે ઘરમાં દુઃખી થઈ લગ્નજીવનને વેંઢારતી જાય. તેજ રીતે જો છોકરો પગભર થયા વિના તેનું લગ્ન કરી નાખવામાં આવે તો પણ પાછળથી એવું થાય કે લગ્ન જીવન શરુ થતાં પત્નીની પણ જવાબદારી આવે, વહેલું બાળક આવી જાય તો તેની જવાબદારી આવે, આમ નવી નવી આર્થિક જવાબદારીઓ આવતી જાય, વધતી જાય તેથી આવી બધી લગ્નજીવનની આર્થિક જવાબદારી પૂરી કરવા માતાપિતા પર આધારિત રહેવું પડે. જેથી એવું થાય કે દરવખતે પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા માતાપિતા પાસે હાથ લાંબો કરવો પડે આમ કરવા જતાં છોકરાનો અહં ઘવાય, મેણા ટોણા કટાક્ષનો સામનો કરવો પડે, માતાપિતાને ખર્ચના હિસાબકિતાબ આપવા પડે, તેમાંથી પછી ધીરે ધીરે કલહ કંકાશ થાય પરિણામે પછી લગ્નજીવન ભયમાં આવી પડે છે.
.

પુત્ર કે પુત્રીને પરદેશ પરણાવતા પહેલા સાવધાન!

આપણે ત્યાં પરદેશમાં પોતાના પુત્ર કે પુત્રીને પરણાવવાનો ખુબ મોહ હોય છે તેની પાછળ ઘણીવાર કારણ એવું હોય છે કે પુત્ર કે પુત્રીના પરદેશના પાત્ર સાથે પરણાવવાથી તેની પાછળ પરિવારના અન્ય સભ્યને પણ પરદેશ મોકલી સેટલ કરી શકાય. તેથી પોતાના પાત્ર માટે કોઈ પરદેશના પાત્રનું માંગુ આવે તેની રાહ જોઈને જ બેઠા હોય છે. પરંતુ પરદેશના પાત્ર જોડે પરણાવવાના ભયસ્થાનોથી અજાણ હોય છે કે જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતાં હોય છે. જયારે ફોરેનનો છોકરો કે છોકરી ખાસ લગ્ન કરવા જ દેશમા આવતાં હોય છે ત્યારે તેઓ માંડ એકાદ મહિના માટે આવે, અગાઉથી નક્કી કરી લીધેલા ચાર પાંચ છોકરા કે છોકરીને ફટાફટ જોઈ લેવામાં આવે તેમાં પોતાને પસંદ આવે એવું પાત્ર નક્કી કરતાં પંદર વીસ દિવસ થઈ જાય એટલે પછી ઘડિયા લગ્ન લેવાનું નક્કી થાય. સામેના પાત્રને તો બસ ફોરેન જવાનો ચાન્સ મળી રહ્યો હોય છે એટલે પરિવારના સભ્યો ભલીવાર વગરના ઝટપટ ઘડિયા લગ્ન માટે તૈયાર પણ થઈ જાય. લગ્ન થઈ જાય એટલે બે ત્રણ દિવસમાં જ પરદેશથી આવેલા પાત્રને પાછા જવાનો સમય થઈ ગયો હોય, જ્યાં સુધી સ્પાઉસ(પતિ/પત્નીના) વિઝાની ગોઠવણ ન થાય ત્યાં સુધી બેમાંથી એક જણે દેશમાં જ રહેવાનું હોય છે, ઘણીવાર આ પ્રકારના વિઝા મળવામાં બે ત્રણ વરસ પણ નીકળી જાય. આ બધી પળોજણમાં જે પાત્ર દેશમાં લગ્ન માટે આવ્યું છે તેના પરિવારને, પાત્રને લગતી, અંગત સામાજિક માહિતી મેળવવાનું, નોકરી ધંધા વ્યવસાય અંગેની સાચી માહિતી, જાણકારી મેળવવાનું ભૂલી જવાતું હોય છે કે તે પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતાં હોય છે. તેમજ તેઓ પરદેશમાં કાયદેસર રહે છે કે ગેરકાયદેસર, ગ્રીનકાર્ડ હોલ્ડર છે કે રેસીડેન્ટ વગેરેની માહિતી મેળવવાનું તો ચુકી જ જવાતું હોય છે. એટલે લગ્નના શરૂઆતના વર્ષો જેમાં એકબીજાનો પરિચય કેળવવો ખુબ જરૂરી હોય છે તે તો બાજુ એ જ રહી જાય છે. રાહ જોવામાં ઘણીવાર ખાસ્સો સમય વહી જવાથી પતિ પત્નીને એકબીજામાં રસ ઘટવાનું શરુ થઈ જાય, પછી ધીરે ધીરે સંપર્ક પણ ઓછો થવા માંડે અને જે કોઈ એમનામાં રસ લે તેમની જોડે લગ્નબાહ્ય સંબંધ શરુ થઈ જાય. પૂરતી માહિતીના અભાવે કરવામાં આવેલા લગ્નમાં પાછળથી એકબીજાની ખામીઓ બહાર આવવા માંડે, લોકો જાત જાતની, ભાત ભાતની વાતો કહી જતાં હોય, એટલે શંકા સંશય, વહેમનું કોઈ ઓસડ ન હોય તેમ પછી લગ્ન ભંગાણના આરે આવીને ઉભું રહે. પછી થાય કે ન રહ્યાં ઘરના કે ન રહ્યા ઘાટના! તેથી જ કહેવાનું કે પરદેશના કોઈ પણ છોકરા કે છોકરીની વાત આવે તો અગાઉથી તે પાત્રની, પરિવારની સંલગ્ન સંપૂર્ણ માહિતી કે જાણકારી ન હોય તો સમજવાનું કે જીવનભરના આ સંબંધમાં આંધળુકિયા જ કરવાના છે. ફોરેન જવાનો, ત્યાં લગ્ન પછી પુરા પરિવારને ફોરેન ગયા પછી સેટલ કરવાના લોભ લાલચ સ્વાર્થ લગ્ન જીવનને બરબાદ કરી નાખે છે. જોકે એમ નથી સમજવાનું કે બધા કિસ્સામાં આવું જ પરિણામ આવે, પણ સમયસરની સતર્કતા, સાવધાની, ચોકસાઈ પાછળથી ઉભી થતી મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે એ ચોક્કસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તે સિવાય નસીબ જોગે જો સમયસર પરદેશ જવાનું મળે તો પરદેશની આધુનિક રહેણીકરણી, વિચારસરણી, સ્વતંત્રતા અને સ્વછંદતા જે પાત્ર લગ્ન પછી પ્રથમવાર પરદેશ જાય છે તેને આઘાત લાગે તેવી હોય છે જે અપનાવવું અને પચાવવું ઘણીવાર બહુ અઘરું હોય છે. પરદેશ પરણાવેલા પુત્ર કે પુત્રીના સુખદુઃખનો સાચો ચિતાર પણ માતાપિતાને માંડ મળી શકતો હોય છે. તેથી જ પરદેશના પાત્ર સાથે લગ્ન કરતાં પહેલા પૂરતી સાવધાની, સતર્કતા અને સાવચેતી લઇ આગળ વિચારવું.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે પરદેશથી લગ્ન માટે આવેલી છોકરી પણ લગ્ન પછી દેશમાં સાસરે રહેવાને બદલે છોકરાને પણ લગ્ન પછી પોતાના જે તે દેશમાં જ્યાં સ્થાયી હોય છે ત્યાંજ લઇ જવાની શરત પણ લગ્ન અગાઉ પાકી કરી જ લીધી હોય છે. કારણકે પરદેશમાં જે આધુનિક વાતાવરણમાં ઉછેર થયો હોય છે તે સાથે અહીંના કંઇક અંશે રૂઢીચુસ્ત કહી શકાય એવાં માહોલમાં, રીતરીવાજ, રહેણીકરણી, પહેરવેશ જોડે બહુ મેળ ખાય એમ ન હોય છોકરાને પણ પોતાની સાથે ઘરજમાઈ તરીકે રહેવા લઇ જઇ શરતી લગ્ન માટે તૈયાર હોય છે. જોકે ઘરજમાઈ તરીકે પરદેશ જઇ રહેવાના ભયસ્થાનો ઓછાં નથી એ જોકે અલગ વાત છે. ઘરજમાઈ તરીકે લગ્ન પછી પ્રથમ વાર પરદેશ જતાં છોકરાએ એટલું નોંધી રાખવાનું કે તેણે હવે પોતાના સ્વાભિમાનને, સ્વમાનને, અહંને ભૂલી જવાના છે. છોકરીના માતાપિતાની સંપૂર્ણ દોરવણી કે માર્ગદર્શન હેઠળ તેમજ કેટલાંયે દાબદબાણ કે ધાકધમકી હેઠળ જીવવું પડતું હોય છે. છોકરીના માતાપિતાને વિશ્વાસ સાથે સોંપેલા કે છોકરીના માતાપિતાએ કોઈ પણ રીતે મેળવી લીધેલા પાસપોર્ટ વિઝા તેમજ અન્ય દસ્તાવેજના કારણે નિઃસહાય અવસ્થામાં રહેવું પડતું હોય છે. એટલે છોકરાએ પરદેશ જાય એટલે પાસપોર્ટ વિઝા જેવા અગત્યના દસ્તાવેજ છોકરીના માતાપિતાને સોંપતા પહેલા બધાજ ભયસ્થાનોનો પુરતો વિચાર કરી લેવો. જો લગ્ન અગાઉ સહુને અનુકૂળ આવે એવી બધીજ સ્પષ્ટ ચોખવટ કરી લેવામાં આવે તો મુશ્કેલીમાં મુકાતા બચી શકાય. જોકે બધાજ કિસ્સામાં છોકરીના માતાપિતાની દાનત ભાવના ખરાબ હોય છે એવું કહી શકાય નહિ. પરંતુ અપવાદરૂપ કિસ્સામાં જો સારા સાસરિયા મળ્યા હોય તો સુખેથી લગ્ન જીવન માણી શકાય છે. જોકે કેટલાંયે સારા માતાપિતા પોતાની છોકરીના સુખી લગ્નજીવનની વ્યવસ્થા કરી આપતાં હોય છે. પુત્રીજમાઈને અલગ રહેવાની વ્યવસ્થા કરી આપી, પોતાના જ વ્યવસાય ધંધામા છોકરાને જોતરી દેતા પણ હોય છે. તેમજ છોકરાના ઘરના અન્ય સભ્યોને પરદેશ લાવવા માટે મદદ કરતાં હોય છે. આખરે એ બધી નસીબની વાત છે. તેથી જ કહેવાનું કે ઘરજમાઈ તરીકે પરદેશ જવાનું વિચારતાં પહેલા એનાં બધાજ ભયસ્થાનનો સંપૂર્ણ વિચાર કરી લેવો જરૂરી છે. જેથી ભવિષ્યની આપત્તિ માંથી બચી શકાય.
.

દહેજ કરિયાવર વિશે કે અન્ય કોઈ લેવડદેવડ અંગે નિખાલસતાથી ચોખવટ કરી લેવી જરૂરી!

એક અતિ મહત્વનો મુદ્દો લગ્નમાં થતી લેવડદેવડ એટલેકે દહેજ, કરિયાવર કે અન્ય વ્યવહાર અંગે વાત કરવાનો. જોકે કાયદેસર રીતે લગ્નમાં દહેજ આપવું કે લેવું ગુનો ગણાતું હોવાં છતાં એક યા બીજા સ્વરૂપે દીકરીને ભેટ સોગાદના નામે મનેકમને પણ માતાપિતા પોતાની હેસિયત બહાર જઈને પણ જ્ઞાતિના રીતરીવાજ પરંપરા પ્રમાણે આપતા જ હોય છે. આ પ્રમાણે વ્યવહાર ના કરે તો દીકરીના અપરિણીત રહી જવાનું જોખમ ઉભું હોય છે. આ એક અતિ નાજુક મુદ્દો હોય છે. તેથી લગ્ન પહેલા બધી જ ચર્ચા, ચોખવટ, નિખાલસતાપૂર્વક કરીજ દેવી જોઈએ કશું મોઘમ ન રાખવું. જેથી પાછળથી કોઈ મોટા, ખોટા પ્રશ્નો ઊભા ન થાય. સમજુ માતાપિતા પોતાની હેસિયત પ્રમાણે છોકરીને સાસરે વળાવતી વેળાએ થોડી ઘણી ભેટ, સોગાદ, વ્યવહાર જ્ઞાતિના રીતરીવાજના નામે આપતાં જ હોય છે. વાર તહેવાર, સારામાઠા પ્રસંગોએ છોકરીના માતાપિતા તરફથી પોતાની હેસિયત પ્રમાણે વ્યવહાર કરતાં જ હોય છે. પણ વહેવારની બાબતમાં એક વાત ચોક્કસ છે કે જેને વહેવાર લેવાનો છે તેમને સામાપક્ષે મનમુકીને વહેવાર કર્યો હોય છતાં ઘણેભાગે વહેવાર ઓછો થયાની કે કર્યાની ફરીયાદ, વહેવાર લેનારની હોય છે અને જેને વહેવાર આપવાનો છે કે કરવાનો છે, ખાસ કરીને છોકરીના માતાપિતાની ફરિયાદ હોય શકે છે કે અમે ગમે તેટલો વહેવાર કરીએ છે તો પણ છોકરીને સાસરે ઓછો જ પડતો હોય છે. લગ્નમાં કે લગ્ન પછીનાં પ્રસંગે વહેવારની, લેવડદેવડની વાત એક અતિ નાજુક બાબત હોય છે. ખાસ કરીને છોકરીનો સાસરા પક્ષ લોભી લાલચુ અને સ્વાર્થી હોય ત્યારે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી હોય છે. તેથી લગ્ન પહેલા બધી જ ચર્ચા, ચોખવટ, નિખાલસતાપૂર્વક કરી દેવી જોઈએ કશું મોઘમ ન રાખવું. જેથી પાછળથી કોઈ મોટા, ખોટા પ્રશ્નો ઊભા ન થાય. આપણા દેશમાં મોટા ભાગની જ્ઞાતિમાં થોડી ઘણી લેવડ દેવડ કોઈને કોઈ રીતે કરતાં જ હોય છે. જેને સામાન્ય ભાષામાં દહેજ કે કરિયાવર કહેવામાં આવતું હોય છે. આ દહેજના ત્રાસના કારણે કેટલાંયે અપમૃત્યુ, પુત્રવધુને મારી નાખવાના, સળગાવી દેવાનાં, અણબનાવ, લગ્નભંગ, છુટાછેડા, પોલીસકેસનાં બનાવો બનતા રહે છે. જેના કારણે સરકારે પણ દહેજ વિરોધી મહિલા ઉત્પીડનનો કાયદો બનાવવો પડ્યો છે જેમાં અત્યંત કડક કાનૂની જોગવાઈઓ થકી આકરી સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. ઘણીવાર છોકરીના લાલચુ સાસરિયા જીવનભર નાની મોટી, અમર્યાદિત, માંગણીઓ કર્યા કરતાં હોય છે જેનું ગજું ઘણીવાર સામાન્ય ગણાતા છોકરીના માતાપિતાનું નથી હોતું, જયારે આવી અસામાન્ય, અમર્યાદિત માંગણીઓ સામે ચાલીને થતી હોય અને છોકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોય ત્યારે છોકરીના માતાપિતાએ ચેતી જઇ થોડા મક્કમ થઈને ઝૂક્યા વગર, ડર્યા વગર સામનો કરવો જોઈએ અને આ અંગે દહેજ વિરોધી કાનુન અંતર્ગત કાયદેસર ફરિયાદ પણ કરવી જોઈએ. છોકરી સાસરે ગયા પછી આવી બાબતોનો અણસાર થોડા સમયમાં જ આવી જતો હોય છે. જયારે સામે ચાલીને માંગણીઓ થવા લાગે ત્યારે અને તે પૂરી કરી ના શકવાના કારણે છોકરીને ત્રાસ આપવાનું જો શરુ થઈ જાય તો દહેજની માંગણી બાબતે પોલીસ ફરિયાદ કરી સાબિત થઈ શકે તે માટે છોકરી અને તેના માતાપિતાની ફરજ થઈ જાય છે કે સાસરિયામાં શંકા ઉભી ના થાય તે રીતે શક્ય એટલા પુરાવા ઊભા કરે, જેથી દહેજનો ગુનો મજબુત બની શકે. જોકે આ દહેજ વિરોધી, મહિલા ઉત્પીડનનાં કાયદાનો છોકરીના લાલચુ માતાપિતા પણ ખોટી ધમકીઓ આપી છોકરીના સાસરિયાને તેનો ભોગ બનાવતા હોવાના દાખલા પણ જોવાં મળે છે. તેથી જો છોકરીના સાસરિયાને જો આવી બાબતે જરા જેટલો પણ શક જાય, શંકા થાય તો સાવધાન થઈ જવું જરૂરી છે નહિ તો દહેજ વિરોધી કાનુન અંતર્ગત ખોટી ફરિયાદ થવાથી અત્યંત શારીરિક, માનસિક, આર્થિક પ્રકારની તકલીફો સાથે બદનામી સહન કરવા સાથે જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે. એટલે આ બાબતે સમયસર તકેદારી લેવી સારી. જયારે છોકરીને બધી રીતે સારી રીતે રાખવા છતાં પણ જો સાસરે ગયા પછી બધા સાથે હળી, મળી, ભળી જતી ના હોય, વાંરવાર પિયર જતી રહેતી હોય, ખોટો કંકાસ કરી ઝઘડાઓ વધારતી રહે, ધમકીઓ આપ્યા કરે, મોબાઈલ પર આખો દિવસ કોઈને કોઈની સાથે વાતો જ કરતી રહેતી હોય ત્યારે વેળાસર ચેતી જવું સારું. ખાસ કરીને જયારે પોતાનો પ્રેમ સંબંધ છુપાવીને, માતાપિતાની જાણ બહાર છાનામાના લગ્ન કરી લીધા હોય પછી માતાપિતાના દાબ દબાણ હેઠળ ફરી લગ્ન કરી સાસરે જાય ત્યારે ધીરે ધીરે આવી બાબત સામે આવવાથી છોકરીના માતાપિતા બદનામીના ડરથી બ્લેકમેલ કરી છોકરીના સાસરિયાને દહેજ વિરોધી કાનુન અંતર્ગત પગલા લેવાની ધમકી આપી છુટાછેડા માટે પૈસા પડાવતા હોવાના પ્રસંગો પણ જાણવા મળતા હોય છે. દહેજ બાબતે બીજો એક મુદ્દો એ પણ ધ્યાનમાં રાખવાનો છેકે અમીર માતાપિતા તેમની છોકરીને સામા પક્ષની અપેક્ષા કરતાં પણ વધુ દહેજ આપી પોતાની મોટાઈ બતાવી છોકરીના સાસરિયાને આંજી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે. પછી જયારે છોકરાનાં લગ્ન વખતે પોતાની પુત્રવધુ જયારે પૂરતું દહેજ ના લાવે ત્યારે તેઓએ પોતાની પુત્રીને કેટલું બધું દહેજ આપ્યું હતું તેની વાત કરી પુત્રવધુને મેણા ટોણા, કટાક્ષ કરી સંભળાવી લેતાં હોય છે. જે આગળ જતાં શક્ય છે કે પોતાના પુત્રનાં લગ્ન જીવનને જોખમમાં મૂકી શકે. ટૂંકમાં એટલુંજ કહેવાનું કે જીવનમાં જેમ બધું મર્યાદામાં અને પ્રમાણસર શોભે તેમ લગ્ન પહેલા સગપણ વખતે, લગ્ન વખતે અને લગ્ન પછી પણ મર્યાદામાં અને પ્રમાણસર વહેવાર રહેવો જોઈએ, જળવાવો જોઈએ કારણ કે લગ્ન પણ આપણા જીવનનો એક ભાગ છે. આ અંગે ખુબ જ ઊંડી સમજણ કેળવાય તે જરૂરી છે. લગ્નમાં આર્થિક લેવડ દેવડ, વ્યવહારને જેટલા અવગણવામાં આવશે, જેટલું જતું કરવામાં આવશે તેટલા જ બે પરિવાર વચ્ચેના સંબંધો ગાઢ થશે.. આખરે તો સુખી થવું કે દુઃખી તે તો સહુના હાથની જ વાત હોય છે તે કોણ નથી જાણતું?
.

જન્માક્ષર કે કુંડલી મેળવવા શું ખરેખર જરૂરી છે?

આજકાલ સગપણની વાત શરુ થાય અને સગપણ સુધી વાત પહુંચે તે પહેલા છોકરા છોકરીના જન્માક્ષર, કુંડલી જ્યોતિષ પાસે જોવડાવી લેવાનો ટ્રેન્ડ શરુ થયો છે. આ બાબતે એટલું ધ્યાન ખેંચવાનું કે કુંડલી અને જન્માક્ષરના ચક્કરમાં ઘણીવાર સગપણ થતાં વર્ષો વહી જતાં હોય છે તેથી લગ્ન યોગ્ય ઉંમર ચાલી જતી હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ મોટી સમસ્યા ના જણાતી હોય તો આ બધી બાબતો જ્યાં સુધી ટાળી શકાય ત્યાં સુધી ટાળી દેવી જોઈએ. કારણકે જ્યોતિષ શાસ્ત્ર અત્યંત ગુઢ ગહન, અને અટપટો વિષય છે આ અંગેની શુદ્ધ શાસ્ત્રોક્ત ફળાદેશની જાણકારી અત્યંત જુજ કહી શકાય એવાં ધંધાદારી ન હોય તેવા આધ્યાત્મિક સાત્વિક, પવિત્ર અને સેવા વૃત્તિ ધરાવનાર શુદ્ધ હૃદયના જ્યોતિષો પાસેજ હોય છે. જેની અપેક્ષા આજના સમયમાં રાખવી અયોગ્ય છે. અધકચરું અને અધૂરું જ્ઞાન ધરાવનાર જ્યોતિષીઓની વાતોથી વહેમ અને શંકા જ વધશે. ઘણીવાર ધંધાદારી જ્યોતિષીઓના કે તાંત્રિકોના રવાડે ચડી જવાથી, તેઓ અવનવા દોષો કુંડળીમાંથી શોધી કાઢી જુદી જુદી વિધી કરાવવાના બહાને આપણને ખબર પણ ના પડે એમ પૈસા ખંખેરી લેતાં હોય છે. ભૂલેચૂકે ક્યારેય પણ તાંત્રિકોનાં સંપર્કમાં તો ન જ આવવું. તાંત્રિકો પોતાની વશીકરણ વિદ્યા દ્વારા તેનો સંપર્ક કરનારને જ પહેલા વશીભૂત કરી નાખી તેમની પાસેથી હજારો રૂપિયા જુદી, જુદી વિધિઓ કરાવવાના બહાને પડાવી લેતાં હોય છે. વધુમાં આ અંગે તાંત્રિકોની આવતી જાહેરાતો જોશો તો ખ્યાલ આવશે કે તે કેવી ભરમાવનારી હોય છે, તેમજ કેવા ખોટા દાવાઓ કરતાં હોય છે. તેથી જયારે આની જાણ થાય છે ત્યારે ખુબ જ મોડું થઈ જાય છે. બદનામીના ડરથી ન કોઈને કહેવાય કે ન સહેવાય એવી પરિસ્થિતિ ઉભી થઈ જતી હોય છે. તેથી ટૂંકમાં એટલું જ કહેવાનું કે કુંડળી કરતાં કર્મ મહાન છે. જો કર્મ સુધરશે તો બધા ગ્રહો આપોઆપ સારું ફળ આપતાં થઈ જશે. જો લગ્ન ના થતાં હોય તો આપણા કર્મો તરફ ધ્યાન આપવું અને જો કોઈ દોષ જણાય તો તેમાં સુધારો કરવા પ્રયત્ન કરવા જોઈએ. એવાં કેટલાંયે દાખલા જોવાં મળશે કે જેમણે કોઈ કુંડલી મેળવ્યા વિના લગ્ન કર્યા હોય છતાં લગ્નજીવન સુખી હોય. અને જેમણે કુંડલી મેળવીને લગ્ન કર્યા હોવાં છતાં તેમના જીવનમાં દુઃખ જ દુઃખ હોય છે. કુંડળી મેળવીને કરેલા લગ્ન પછી પણ તે લગ્ન જીવન સફળ થશે કે નહિ તેની ગેરંટી કે વોરંટી કોઈ પણ જ્યોતિષ આપી શકે નહીં. આપણું જીવન કર્મોને આધીન છે નહિ કે ગ્રહોને આધીન. ગ્રહો તો આપણા કર્મોનું દર્શન કરાવનાર અરીસો માત્ર છે. બીજી અગત્યની વાત એ કરવાની કે કુંડળીમાંના મંગળ દોષ માટેનો ભય તેમજ, મંગળદોષ માટે જાત જાતની ગેરમાન્યતાઓ ફેલાયેલી છે કે ફેલાવવામાં આવેલી છે. હકીકતમાં મંગળ શબ્દનો અર્થ થાય મંગળ કરનાર એટલે કે સારું કરનાર, કલ્યાણ કરનાર અને આપણે મંગળ દોષને ખરાબ દોષ, અનિષ્ટ કરનાર ગ્રહ તરીકે સમજીએ છીએ. હકીકતમાં કોઈ પણ ગ્રહ સારું કરનાર કે ખરાબ કરનાર હોતાં નથી પણ વાસ્તવમાં જોવાં જઈએ તો કુંડળીમાંના જુદા જુદા ગ્રહોનું સ્થાન ફક્ત એ વાતનું સુચક છેકે આપણા તેમજ આપણી સાથે સંલગ્ન આપણા કુટુંબીજનોના કે જેઓ આપણી સાથે ઋણાનુબંધથી જોડાયેલા તે સહુના મળી અત્યાર સુધીના જે કંઈ સારા નરસા સંચિત કર્મો છે તેને આધારે તમને ફળ સારું કે ખરાબ મળી રહ્યું છે તેનું દર્શન કરાવનાર છે. તેમજ ગોચરના ગ્રહો એટલું સૂચિત કરે છે કે તમારા જન્મ પછીના તમારા જે કંઈ કર્મો કર્યા છે તેને આધારે તમને કર્મોનું ફળ પ્રાપ્ત થશે કે મળી રહ્યું છે. તેનું જ દર્શન કરાવે છે એટલે ખરેખર તો ગ્રહોનો કોઈ દોષ હોતો જ નથી જે કંઈ દોષ હોય છે તો ફક્ત અને ફક્ત આપણા કર્મોનો જ દોષ છે તેમ સમજી કર્મો સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. વાસ્તવમાં આકાશી ગ્રહોને તો આપણી મરજી મુજબ સુધારી શકવાના નથી પણ આપણા મનમાં રહેલા ખોટા આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહને, અવગુણોને, દુર્ગુણોરૂપી જેવા ગ્રહોને સુધારવાના છે, જે માટે આપણી મનોવૃત્તિ અને માનસિકતા બદલાય એ જરૂરી હોય છે. જે આપણા હાથની વાત હોય છે. લગ્નવિધિ પહેલા ગ્રહોની શાંતિ માટે તો આપણે ગ્રહશાંતિ કરાવીએ છીએ પણ સાથે લગ્ન પછી જો આપણા ખોટા આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, કે પૂર્વગ્રહ શાંત ન થયા, એનાથી મુક્ત ના થઈશું તો ઘરમાં અશાંતિ સર્જાવાની જ છે એ સમજવું ખાસ જરૂરી છે. તેથી જ્યાં સુધી સગપણની વાતો કુદરતી રીતેજ આગળ વધતી હોય, તેમાં કોઈ અપેક્ષિત વિઘ્ન વિના, વિલંબ વગર આગળ વધતી હોય, તે માટેના અનુકૂળ સંજોગો કુદરતી રીતેજ સર્જાતા હોય ત્યારે આ સંબંધમાં કોઈ કુદરતનો કોઈ શુભ સંકેત છે, ભગવાનની મરજીથી જ સારા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે તેમ સમજી આગળ વધવું. લગ્ન વિધિમાં એક વિધિ હોય છે છોકરા છોકરીના હસ્તમેળાપની, આ હસ્તમેળાપ એ વાતનો સુચક છે કે હવે પતિપત્નીએ ધીરે ધીરે એકબીજાને જાણી સમજી હર્ટ(દુઃખી) કર્યા વિના હાર્ટ મેળાપ(હૃદય મેળાપ) સુધી પહોંચી તેને મન મેળાપ સુધી આજીવન લઇ જવાનો છે, ટૂંકમાં એનો અર્થ એટલોજ કે લગ્ન થયા પછી ‘લગન’થી એકબીજા જોડે જોડાવાનું છે. ‘લગન’થી રહેવાનું છે, ‘લગન’પૂર્વક એકબીજાને સાચવવાના છે, સમજવાના છે. ‘લગન’થી જ વિશ્વાસ અને વફાદારી આજીવન જાળવવાના છે. તોજ લગ્નજીવન સફળ અને સાર્થક ગણાય. સફળ દામ્પત્યજીવન એટલે એકબીજા પ્રત્યે સન્માન, સ્નેહ, સહિષ્ણુતા, સબુરી, સમજણ, સહયોગ અને સમાધાનવૃત્તિ સાથે વફાદારી અને વિશ્વાસ. દામ્પત્યજીવનની આ સંપત્તિ કહો કે સોગાદ કહો, જીવનભર તેની સુગંધ ફેલાતી રહે છે. જેથી સંસારિક સમસ્યાઓ સુલઝાવવામાં સરળતા રહે છે. જીવનમાં સુખ શાંતિ ચેનનો અનુભવ થતો રહે છે. લગ્નજીવનની સફળતા માટે બંને પાત્રોમા માનસિક કક્ષાએ ધીરે ધીરે મનોઐક્ય સધાય, એકબીજાના રસ રુચિ શોખ સમજી જાણી રસ ઐક્ય કેળવાય તે જરૂરી છે. જો મનોઐક્ય અને રસઐક્ય સધાય જાય તોજ લગ્નજીવનને સારી રીતે માણી શકાય. તોજ હસ્તમેળાપ મન મેળાપ સુધી પહોંચી શકે.
.

વિધુર, વિધવા, ત્યકતા કે છુટાછેડા લીધેલ પાત્રને પુનર્લગ્ન માટે સંકોચ શાને?

સામાન્ય રીતે લગ્ન પછી એકાદ પાત્રનું આકસ્મિક જીવનમાંથી વિદાય લીધાનું દુઃખ અસહ્ય હોય છે. તો કેટલીકવાર ના છુટકે લેવા પડેલા છતાં છુટાછેડાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તેમજ એકબીજાથી લાંબો સમય અલગ રહેતાં પતિપત્ની અને ફરી ભેગા ન થઈ શકવાની સંભાવનાને કારણે પત્નીનું જીવન એક ત્યકતા તરીકે ગણાતું થઈ જાય છે. છૂટાછેડાના કે ત્યકતા થવાના કારણો અનેક હોઈ શકે તેથી એની અહીં ચર્ચા કરવા અયોગ્ય લેખાશે. અહીં મૂળ મુદ્દો આવા સહુ પાત્રના પુનર્લગ્ન માટેની ચર્ચા કરવાનો છે. ગમે તે કારણસર, ગમે તે ઉમરે વિધવા, વિધુર કે છૂટાછેડા લીધેલ હોય પણ તેમના પુનર્લગ્નનો મુદ્દો સમયાનુસાર જરૂરથી ઉભો થતો રહે છે. બદલાતા સમય સાથે, સમયની માંગ પ્રમાણે નાની ઉમરે, યુવાન વયે વિધવા થતી નિ:સંતાન સ્ત્રીને પતિ ગુમાવ્યાનું દુઃખ આકરું છતાં પણ સમય જતાં ઘા રુઝાતા ફરી લગ્ન માટે તેણીએ વિચારવું પડતું હોય છે, ઉમદા વિચારો ધરાવતો સાસરા પક્ષ, પોતાની દીકરી સમાન વિધવા થયેલી પુત્રવધુને પુન:લગ્ન માટે સમજાવીને તૈયાર કરતાં હોય છે અને પોતાને ઘરેથી જ ફરી લગ્ન કરાવી આપતાં હોવાના અનેક દાખલાઓ પણ જોવાં મળી રહ્યાં છે. યુવાનવયે વિધવા થયેલ સ્ત્રીને આખી જિંદગી વિધવા રહીને જીવન જીવવું ખરેખર ખુબ જ અઘરું થઈ જતું હોય છે, તેથી વિધવા થતી સ્ત્રીએ પોતાના પુનઃલગ્ન માટે યોગ્ય પાત્ર મળી જતાં સમય જતાં વિચારે કે તૈયાર થાય એમાં સમાજના હિત સાથે એનું પણ હિત સમાયેલું જ છે. જોકે યુવાન વયે પણ એકાદ બે સંતાન સાથે વિધવા થતી સ્ત્રીને માટે તેને યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ હોય છે જોકે પુનઃલગ્નના એવાં પણ દાખલા જોવાં મળે છેકે જેમાં પતિએ સંતાન સાથેની વિધવાને પણ અપનાવી લીધી હોય. એવું પણ નથી કે વિધવા સાથે પુનઃ લગ્ન માટે વિધુર જ તૈયાર હોય છે, સમાજના બદલાતા વહેણ સાથે કુંવારું કે છૂટાછેડા લીધેલ પુરુષ પાત્ર પણ મળી જતું હોય છે. જોકે યુવાન વયે સંતાન સાથે વિધુર થયેલી સ્ત્રીના સાસરા પક્ષ જો સારો હોય સમજણવાળો, આર્થિક રીતે સદ્ધર હોય, સંતાનના ઉછેર માટે કોઈ મોટી જવાબદારી ન હોય તો પોતાના સંતાનના ઉછેરમાં મન લગાવી જીવન વ્યતીત કરી લેતી હોય છે. પરંતુ વિધુર થતાં પુરુષ માટેની સમસ્યા જરા જુદી હોય છે. વિધુર થયેલ પુરુષને જો નાની વયના સંતાન હોય તો એ સંતાનોના ઉછેર માટે પણ જેમ બને તેમ જલ્દી લગ્ન માટે વિચારી લેવું પડતું હોય છે. તેથી પત્નીના વિયોગ છતાં પણ વિધુર થયાના ટૂંકા સમયમાં જ યોગ્ય પાત્ર મળે પુનઃલગ્ન કરી લેતો હોય છે. ઘણી વાર એકાદ બે સંતાનથી વધારે સંતાન હોવાં છતાં પણ વિધુર સાથે પરણવા યોગ્ય પાત્ર મળી જતું હોય છે. જોકે નાના સંતાનો હોય તો નવી પત્નીને તે સંતાનો સાથે તાલમેલ જાળવવામાં વાંધો આવતો નથી પણ સંતાનો મોટા હોય તો તેઓ સાથે નવી માતાને મેળ સાધવામાં શરૂઆતમાં ખાસ્સી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. જોકે આ પ્રકારે ઉભી થતી સમસ્યાની ચર્ચા અહીં અસ્થાને છે. તે સિવાય પણ ઘણીવાર મોટી ઉમરે વિધુર થયેલ પુરુષ પણ પાછલી જિંદગીમાં એકલવાયું ન લાગે તેમજ સહારો મળી રહે તે માટે પુનઃલગ્ન કરી લેવા માટે વિચારતાં હોય છે. ઘણીવાર મોટા થયેલા સમજુ સંતાનો પણ વિધુર થયેલ પિતાને પુનઃલગ્ન માટે સમજાવતા હોય છે. મોટી ઉંમરે વિધવા થતી સ્ત્રી તો ઘરકામ કે પૌત્ર કે પૌત્રી સાથે સમય વિતાવી લેતી હોય છે પણ મોટી ઉંમરે વિધુર થતાં પુરુષને જો તેના સંતાનો તેનાથી દુર રહેતાં હોય, તેમની જોડે રહેવા જવાનું કોઈપણ કારણસર અનુકૂળ ન હોય, દીકરી પરણીને સાસરે ગઈ હોય કે ઘરમાં કોઈ બીજું ધ્યાન રાખનાર ન હોય તો વિધુર થયા પછી યોગ્ય સમયે લગ્ન માટે જો યોગ્ય પાત્ર મળી જાય તો પુનઃલગ્ન માટે હવે વિચારતાં થયા છે. વિધુર પિતા સયુંકત કુટુંબમાં રહેતાં હોય, સાથે કુટુંબનો જો ધંધો વ્યવસાય હોય અને તેમાં જો પોતે જોડાયેલ હોય, શારીરિક રીતે તંદુરસ્ત હોય તો બધા જોડે સમય પસાર કરવામાં વાંધો નથી આવતો તેથી સયુંકત કુટુંબનો વિધુર પુરુષ પુનઃલગ્ન માટે ભાગ્યેજ વિચારતાં હોય છે. પાછલી જિંદગીમાં વિધુર પુરુષ માટે કોઈ દેખરેખ રાખનાર ન હોય ત્યારે એકલવાયું જીવન જીવવું ઘણું આકરું પડતું હોય છે. તેવખતે કોઈ સહારાની જરૂર હોય છે. જોકે ઘણીવાર આ રીતે પુનઃલગ્ન કરવામાં સંપત્તિને લગતા પ્રશ્નો ઊભા થવાની સંભાવના શક્યતા રહેતી હોય પુનઃલગ્ન માટે વિચારવાનું માંડી વાળવું પડતું હોય છે. એવું પણ થતું જોવામાં આવતું હોય છે કે મોટી ઉમરના વિધુર સાથે તેની સંપત્તિને ધ્યાનમાં રાખી નાની વયની કે ઉમરમાં સારો એવો ગાળો ધરાવતી વિધવા, ત્યકતા, કે કુંવારી કન્યા પણ લગ્ન માટે તૈયાર હોય છે. લોભ, લાલચ અને સ્વાર્થને કારણે થતાં આવા લગ્નો મોટે નિષ્ફળ જવાની સંભાવના વિશેષ હોય છે. ઘણીવાર આ રીતે થયેલ લગ્ન માંથી ઉદભવતા અસંતોષના કારણે પત્ની દ્વારા લગ્ન બાહ્ય સંબંધો બાંધવાની શક્યતા રહેતી હોય છે. વિધુર માટે આવા લગ્ન સંબંધ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવો લાગતો હોય છે. વિધુર માટે ન રહેવાય, ન કહેવાય અને ન સહેવાય એવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. છેવટે આ લગ્નને જેમ તેમ નિભાવી લેવા પાડતા હોય છે. તેજ રીતે નાની ઉમરના વિધુરને પુનઃલગ્ન પછી નવી પત્નીથી થનાર સંતાન અને અગાઉની પત્નીથી થયેલ સંતાન બાબતમાં પણ સંતુલન જાળવવાનું ઘણું અઘરું હોય છે. તેથી પુનઃલગ્ન પહેલા ભાવી જોખમોની શક્યતાઓ અને સંભાવનાઓ અંગે વિચાર કરવો જરૂરી છે. જોકે આવી બધી બાબતોનો વિચાર પુનઃલગ્ન પહેલા શાંતિથી કરી લેવો જોઈએ. આ બાબતે પુનઃલગ્ન કરીને આવનાર ભાવી પત્ની સાથે ખુબ જ નિખાલસતાથી ચર્ચા કરી લેવી જરૂરી હોય છે. પોતાના સંતાન અને સાવકા સંતાન વચ્ચે ભવિષ્યમાં કેવી રીતનું સંતુલન જાળવવું તેનો પણ વિચાર કરી લેવો જરૂરી થઈ જાય છે. આવી સઘળી બાબતોને ધ્યાનમાં લઇ પણ વિધુર કે વિધવા કે ત્યકતા પુનઃલગ્ન માટે વિચારે એમાં કશું ખોટું નથી. હવે જોકે આવા લગ્નને સામાજિક સ્વીકૃતિ પણ બહુ ઝડપથી મળી રહી છે જે ખરેખર ઘણી સારી વાત છે.

.

જો છુટા પણ પડવું પડે તો પુરા પ્રેમથી છુટા પડવું જોઈએ!

સગપણનો સંબંધ કોઈપણ કારણસર સંજોગોવશાત લગ્નના બંધનમાં ન પરિણમે અને જો છુટા પણ પડવું પડે, તેજ રીતે લગ્ન સબંધ પછી દામ્પત્યજીવનમાં પડેલી ગાંઠના કારણે જો છુટા પડવું પડે તો પુરા પ્રેમથી છુટા પડવું જોઈએ. છુટા પડવાના અગાઉ જણાવ્યું તેમ ઘણા કારણો હોઈ શકે, બંને પક્ષ સમજુતીથી છુટા પડતા હોય તો બહુ વાંધો આવતો નથી પણ છુટા પડતા પહેલા થયેલા અનેક વિખવાદોને, વિવાદોને કારણે છુટા પડતી વખતે ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે. બંને પક્ષો જયારે પોતાના અહં અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવે છે ત્યારે જલ્દીથી ઉકલે નહીં એવી ગાંઠ પાડી જાય છે. છુટા પડ્યા પછી પણ વેરવૃત્તિથી એકબીજા સામે આક્ષેપબાજી, સાચાખોટા આરોપો મુકવા, એકબીજાને બદનામ કરવાની વૃત્તિથી બદનામી તો સહુની જ થતી હોય છે. છુટાછેડાના ઘણા કેસોમાં તો સાચા ખોટા કેટલાંયે પોલીસ કેસ, કોર્ટ કચેરીના ધક્કા વગેરે થતું હોય છે ઘણીવાર વકીલો દ્વારા સાચી સલાહ મળવાને બદલે બંને પક્ષોને છેવટ સુધી લડી લેવા પાનો ચડાવવામાં આવતો હોય ત્યારે ઘણા વર્ષો પછી શારીરિક, માનસિક, આર્થિક બધી રીતે ખુવાર થયા પછી જ્ઞાન લાધતું હોય છે કે શાંતિથી, સમાધાન સાધી છુટા પાડી ગયા હોય તો સારું થાત. તેથી જ કહેવાનું કે જો એમ લાગે કે જે સંબંધથી અત્યાર સુધી જોડાયેલા છે તે સંબંધ નિભાવવાનું અશક્ય થઈ જાય, સંબંધ બોજારૂપ લાગવા માંડે, સંબંધનો ભાર હવે વધુ સમય સહન કરી શકાય એમ નથી એવું લાગવા માંડે તો બંને પક્ષોએ, તેમના પરિવારોએ પૂરી સમજણ સાથે, શક્ય એટલું સમાધાન સાધી, શક્ય હોય તો એકબીજાની લાગણી સચવાય તે માટે હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરી જ્ઞાતિના બે ચાર તટસ્થ આગેવાનોની મધ્યસ્થી દ્વારા પ્રેમપૂર્વક છુટા થઈ જવું સહુના હિતમાં હોય છે, જેથી એકબીજાના માનસન્માન જળવાતા હોય છે, એકબીજાનો અહં સચવાય જતો હોય છે, તેથી બદનામીથી, હોહાથી બચી જવાતું હોય છે. જોકે છુટા પડતા પહેલા બંને પરિવારોએ એકબીજાને અત્યાર સુધી આપેલા ભેટ સોગાદ, કરેલા વ્યવહાર વગેરેની યાદી બનાવી શક્ય હોય તે બધું પરત કરી દેવું જોઈએ, આ સંબંધમાં બંને પરિવાર જેટલી સમજણથી અને ઉદારતાથી વર્તે તો છુટા પડવું ઘણું સરળ થઈ જતું હોય છે. સામાન્ય સંજોગોમાં છુટા પડતી વખતે પતિએ પત્નીને ભવિષ્યના ભરણપોષણ માટે આપસી સમજુતી દ્વારા એક ઉચ્ચક રકમ આપવામાં આવતી હોય છે. આ રકમ જો વ્યાજબી હોય તો પતિને આપવામાં બહુ વાંધો નથી આવતો પણ ઘણીવાર પત્ની પક્ષે અતિ લોભમાં પતિની આવક અને સંપત્તિની સરખામણીમા અસામાન્ય ગેરવાજબી રકમની માંગણી કરવામાં આવે ત્યારે છુટા પડવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. પરંતુ જો પતિ પક્ષને હેરાન કરવાનો કે બરબાદ કરવાનો ઈરાદો ન રાખવામાં આવે અને ફક્ત જો પતિની આવક અને સંપત્તિના પ્રમાણમાં જો ભરણપોષણ માટેની ઉચ્ચક રકમ થોડી બાંધછોડ કરીને માંગવામાં આવે તો છુટા પડવું ઘણું સરળ થઈ જાય છે. તેજ રીતે છુટાછેડા લેતી વખતે પણ જો સંતાન સંબંધી વ્યવસ્થા એકબીજાનું માનસન્માન જળવાય જાય એ રીતે ગોઠવાય જાય તો વધારે સારું. નાનું બાળક હોય તો છુટાછેડા પછી પત્ની જ બાળકને સારી રીતે સાચવી શક્તી હોય છૂટાછેડા પછી પત્ની પાસે બાળક રહે તેમાં પતિએ તે બાબતમાં સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ. જો બાળકો મોટા હોય સમજણવાળા હોય તો બાળકને પૂછીને નિર્ણય લઇ શકાય. તેમ છતાં પણ છૂટાછેડા પછી બાળકો ગમે તેની પાસે રહે પણ પ્રસંગોપાત બાળકને મળી શકાય એવી વ્યવસ્થા જો આપસી સમજણ સાથે કરવામાં આવે તો આવી બાબતોમા કોર્ટ કચેરી, વકીલોના ચક્કરમાંથી બચી શકાય, સાથોસાથ શારીરિક, માનસિક, આર્થિક રીતે થતી બરબાદી પણ રોકી શકાય. એટલું સમજી લેવાની જરૂર છે કે કોર્ટ કચેરી કે વકીલોની જાળમાં ફસાયને કોઈનું પણ કોઈ રીતે ભલું થતું નથી કેસ જીતીને પણ જીવન તો હારી જ જવાતું હોય છે. લાખો રૂપિયા ખર્ચીને, વર્ષોના વહાણા વાયા પછી પણ કોને, કેટલો, કેવો, ક્યારે ન્યાય મળશે તેપણ અત્યંત શંકાસ્પદ હોય છે. કોર્ટકચેરી, વકીલ, અને જ્યાં પોલીસને જીવનની સાંસારિક બાબતમાં ડખલ દેવા સામેલ કર્યા ત્યાં સહુની બધીજ રીતે બરબાદી થતી હોય છે એ નિઃશંક વાત છે. કોર્ટ કચેરી, વકીલ, પોલીસ પાસે ન્યાય મેળવવાના નામે બીજાને બદનામ અને બરબાદ કરવાની જાણે અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે મનોવૃત્તિ જ કામ કરતી હોય છે. આ બધું સમજતા જોકે વર્ષો વીતી જતાં હોય છે, જયારે સમજાય ત્યારે ઘણું જ મોડું થઈ ગયેલું હોય છે. તેથી આ બધું જેટલું વહેલું સમજાય જાય તેમાં જ સહુનું ભલું હોય છે. વર્ષોના વહાણા વાયા પછી જયારે કોર્ટનો ચુકાદો આવે ત્યારે ફક્ત જીતનારનો અહં જળવાતો હોય છે અને હારનારનો અહં જીવનભર ઘવાયેલો રહેતો હોય છે જેથી આજીવન વેરવૃત્તિ, ઈર્ષ્યા, દ્વેષ સાથે જ રહેતાં હોય છે ન્યાય મેળવવાના નામે સહુની સાથે જોકે અન્યાય જ થતો હોય છે તેથી જ છુટા પડતી વખતે જેટલું જતું કરી શકાય એટલું જતું કરીને અહમનો પ્રશ્ન બનાવ્યા વગર સન્માનપૂર્વક છુટા પડવું ખરેખર સહુના હિતમાં હોય છે. જીવનમાં કોઈ પણ પ્રશ્નને અહંનો અને પ્રતિષ્ઠાનો બનાવી દેવામાં આવે છે ત્યારે એટલું તો સમજી જ લેવાનું કે આમાં કોઈનો પણ અહં કે પ્રતિષ્ઠા જળવાવાની તો નથી જ ઉલટું તેને હાની પહોંચવાની સંભાવના વિશેષ હોય છે. એકબીજા સામે કાદવ ઉછાળવા જતાં કપડા બધાના જ ખરાબ થવાના છે. હાથ બંનેના ગંદા થવાના જ છે. તેથી આવી બધી બાબતોમાં કોઈનું અહિત ન થાય, કોઈની જાણી જોઈને લાગણી ન દુભાય, કોઈની પણ નિંદા ન થાય એવું જો બંને પક્ષો છુટા પડતા પહેલા વિચારે તો બંને પક્ષોનું સન્માન જળવાતું હોય છે. છુટા પડેલા બંને પાત્રોને ભવિષ્યમાં પુનઃલગ્ન માટે કે સગપણ માટે જયારે માંગુ આવે ત્યારે ભૂતકાળમાં કયા કારણસર અને કેવી રીતે છુટા પડેલા જેવી બાબતો પણ ધ્યાનમાં લેવાતી હોય છે. આથી જ પ્રેમપૂર્વક એકબીજાનું સન્માન સાચવીને છુટા પડવામાં જ સહુની ભલાઈ છે.
.

લગ્ન એટલે ‘લગન’……

લોકબોલીમાં આપણે લગ્નને ‘લગન’ કહીએ છીએ. જાણે અજાણે તે કેટલું સાર્થક છે, તે આપણે જોઈએ…
ઘણાને મન લગ્ન એટલે blind game કે જેમાં બે અજાણ્યા અપરિચિત પાત્રોએ આંધળુકિયા કરી સંસારિક જીવનમાં જંપલાવવાનું જ હોય છે, કેમકે બેમાંથી કયું પાત્ર કેવું નીવડશે તેની કોઈને જાણ નથી હોતી; તેથી લગ્નજીવન સફળ થશે તેની કોઈ ખાતરી નથી હોતી. એટલેકે લગ્નજીવનની સફળતા માટે કોઈ ગેરંટી કે વોરંટી આપી શકે નહીં. લગ્ન પછીના સંસારિક જીવનમાં પતિ પત્ની એકબીજાનો આધાર હોય છે, એટલેજ એકબીજા પર અવલંબિત પણ છે, તેથી આ જલ્દીથી ના તૂટે કે છૂટે એવું આ બંધન છે. એટલે સંબંધનો તાંતણો જેટલો મજબુત તેટલુ જ મજબુત આ બંધન બને, જો એકબીજાની મજબુત દ્રઢ ઈચ્છા હોય તો, દામ્પત્ય જીવનની યાત્રા સહજ અને સરળ બની જાય. લગ્નમાં પતિ પત્ની એકબીજા સાથે જીવનભરના અતુટ બંધનમાં જોડાતા હોય છે પણ પતિ પત્નીના સંબંધનું આ બંધન અતૂટ ત્યારે જ રહે જો .. જો પતિ પત્નીમાં ..એકબીજાના સૂરમાં સૂર મેળવી, તાલ થી તાલ મેળવી, કદમથી કદમ મેળવી, આદર આપીને કદર કરવાની લગન..હોય, હાથોમાં હાથ પરોવી, ખભાથી ખભો મેળવી એકબીજામાં એકાકાર થઇ, ઓતપ્રોત થઇ, અહંનો આવિષ્કાર કરવાની લગન..હોય. એકબીજાની ખામીઓ અવગણીને, ખૂબીઓને આવકારીને, ખાસિયતોને ઓળખીને સ્વીકારી લેવાની લગન…
એકબીજાને સમજવાની અને સમજાવવાની, સંભાળવાની અને સાંભળવાની તાલાવેલી એટલે જ લગન …
સાથોસાથ..સમજણની સરવાણી સાથે શાણપણની સંપત્તિ હોય, સ્નેહની સોગાદ સાથે સંસ્કારની સુગંધ ભળે,
સમર્પણના સદભાવ સાથે સહિષ્ણુતાની સમૃદ્ધિ હોય, સબુરીની સમજણ સાથે શંકાનું સમાધાન હોય,
જો એકબીજાના આશા, અપેક્ષા, આકાંક્ષા શક્ય હોય એટલા સંતોષવાની તત્પરતા હોય, તેમજ વફાદારીનો વેલો જો એકબીજા જોડે મજબુત રીતે વીંટળાયેલો હોય, તેમજ એકબીજાનો વિશ્વાસ કરવાની કે જીતવાની આવડત જો કેળવાય તોજ લગન સાર્થક થાય.
હસતા હસતા સહેતા રહેવાની કળા સાથે રમતા રમતા, એકબીજાને ગમતા થવાનું કૌશલ્ય ન હોયતો પછી,
એકબીજાને નિભાવી લેવાની કુનેહ જો કેળવી લેવાય તો જ પ્રેમનો છોડ પાંગરે, અને જો પ્રેમ હોય positive પણ, ના હોય possessive તો જ પ્રેમનો પમરાટ લગ્ન જીવનમાં પ્રસરી જાય.
એકબીજા માટે પ્રગાઢ પ્રેમ હોય પણ માલિકી ભાવ ના હોય, કે ના હોય કોઈ અધિકાર કે આધિપત્યનો ભાવ
તો જ લગન સફળ થાય ને?! લગ્નની આજ તો છે ગેરંટી કે વોરંટી !
બાકી તો પછી મમતાને બદલે મમતની જીદે ચડી ગયા તો પછી… જે થાય તે ભોગવવું જ રહ્યું. અને છેલ્લે જો કુટુંબના સહુ સભ્યો માટે આદરભાવ કેળવી લઈએ ને એકબીજાની કદર કરવાની કુનેહ જો કેળવાય જાય તો લગ્ન સફળ ના થવાનું કોઈ કારણ નથી રહેતું. પણ લગ્ન એ blind -game તો નથી જ નથી. જો હોય તો ફક્ત એક માટે નથી બંને માટે છે.
.

પતિગૃહે પધાર્યા પછી……….

જયારે એક પુત્રી પોતાનું પિતૃગૃહ છોડી પરણીને પતિગૃહે પધારે છે ત્યારે તે પોતાના પતિની પત્ની સાથે પુત્રવધુ તરીકે પરિવારમાં જોડાતી હોય છે. તે પોતાના પિયરમાં પોતાના માતાપિતાની સાથે સઘળા સંસ્મરણો છોડીને આવી હોય છે, તેથી નવા પરિવારમાં હળી, મળી, ભળી જવું તેને માટે અત્યંત કઠીન હોય છે. તેનામાં થોડી અસલામતી, થોડો અવિશ્વાસ હોય છે. તેમ છતાં જો તેને શ્વસુરગૃહે પરિવારમાં પ્રિય થવું હોય, પિતૃગૃહે મળતા એટલાં જ પ્રેમ, લાગણી, આત્મીયતાને, હુંફને જો પ્રાપ્ત કરવા હોય તો પોતાના હક, અધિકાર, અને સ્વતંત્રતાની ભાવનાને બાજુએ મૂકી સહુના દિલ જીતી લેવા અત્યંત જરૂરી હોય છે. એક પતિની પત્ની તરીકે પરિવારમાં પોતાનું સ્થાન મજબુત કરવું હોય પતિનો પણ પૂર્ણ પ્રેમ પામવો હોય તો એણે એટલું ધ્યાન રાખવું રહે કે જે પરિવારમાં આજીવન રહેવાનું છે તે પરિવારમાં રહેતા એટલું યાદ રાખવું જરૂરી છે કે …… પરિવારમાં વહેમનું વાવેતર કરીને ઉછરેલી વેલ પર રહેમના ફૂલ ક્યારેય ન ઉગી શકે. પરિવારમાં પોતાની સલામતી સંબંધી ચિંતા, તમારી અસલામતીની ચિતાને વધુને વધુ પ્રજ્વલિત કરતી રહે છે. પરિવારમાં પોતાના વર્ચસ્વને જમાવવા જતાં સર્વસ્વ ગુમાવવાનું ના બને તે માટે સાવધાન રહેવું. અન્યમાં સતત દોષ જોવાની, શોધવાની મનોવૃત્તિ આપણા દોષોમાં સતત વૃદ્ધિ જ કરતી રહે છે. પરિવારમાં પોતાના હકનું જ ધ્યાન રાખવા જતાં કે ઉપયોગ કરવા જતાં નાહકના પરેશાન થવું ના પડે એ જોજો. પરિવારમાં પોતાની સ્વતંત્રતા સંબંધી સભાનતા તમને પરિવારમાં અપ્રિય ના બનાવે તેનું પણ ધ્યાન પણ રાખતા રહેવું સારું. પરિવારમાં અન્ય સભ્ય પર સતત અવિશ્વાસ કરવા જતાં બીજા ક્યાં સભ્યો તમારા પર વિશ્વાસ કરશે? પરિવારમાં પોતાના અધિકારને જમાવવા જતાં ધિક્કારની ઉધારી તમારા ખાતામાં જમા ના થાય તે જોવું રહ્યું. પોતાની જાતને પરિવારના અન્ય સભ્યોથી અંતર રાખી અળગાં રહેવામાં કયાંક તમે પ્રેમ, લાગણી, અને આત્મીયતાની ભાવનાથી પણ અળગાં ન થઇ જાવ તે જો જો. અને પરિવારના સભ્યોથી જો અંતર રાખવાની જાણે અજાણે થઇ જતી કોશિષથી પરિવારના અન્ય સભ્યના ‘અંતરમાંથી’ પણ અળગા ના થઇ જવાય તે જોવું રહ્યું.
.

દામ્પત્યજીવનની સફળતાનું રહસ્ય છે ‘એકબીજા માટે સન્માન’

લગ્ન એટલે દામ્પત્ય જીવનની શુભ શરૂઆત. લગ્ન એટલે એકબીજા માટેની લાગણીની લગન હોવી. લગ્ન એટલે આજીવન જીવનસાથી તરીકે સાથ નિભાવવાના સોગંદ. પરંતુ લગ્નજીવનની શરૂઆતમાં થોડો સમય સ્વાભાવિક રીતે જ પતિપત્ની એકબીજાથી અસલામતી અનુભવતા હોય છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે આપણે જ્યાં જેટલી સલામતી વધુ શોધીશું તેમ તેમ અસલામતી વધુને વધુ અનુભવાતી જાય છે. તેથી સલામતી પ્રત્યે વધુ સતર્ક રહેવાને બદલે જેટલા સ્વાભાવિક અને સાહજીક રહીશું તેટલીજ વધુને વધુ સલામતી અનુભવાશે. આ રીતે ધીરે ધીરે સલામતીનો અનુભવ થવા માંડતા એકબીજા પ્રત્યે વિશ્વાસ કેળવાય છે. દામ્પત્યજીવનની સફળતા અને સલામતી માટે પતિપત્નીએ કેટલાંક સોનેરી સિદ્ધાંતો કે સંકલ્પો ધ્યાનમાં રાખવા જેવા છે. તેથી બંને જણ એકબીજાને સમજી શકે તે માટે કેટલાંક શુભ સંકલ્પો સજોડે, દામ્પત્યજીવનની શરૂઆત સાથે જ મનોમન લઇ લેવા જોઈએ. દામ્પત્યજીવનનાં સુગંધ સૌરભ જો હોય તો તે છે એક બીજા પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ. તેથી એકબીજાને સમજવા માટે સહુ પ્રથમ તો આપસમાં વાણી વર્તન વ્યવહારમાં સન્માનપૂર્વક’ વર્તવાના સોગંદ લેવા સહુથી અગત્યનો પ્રથમ સંકલ્પ છે. સન્માન એટલે એકબીજા સાથે સૌમ્યતા, શાલીનતા, સૌજન્યતાપૂર્ણ, સલુકાઈસભર વાણી, વર્તન વ્યવહાર. એકબીજાને સન્માન આપવાથી આપસમાં શ્રદ્ધાવિશ્વાસનું ધીરે ધીરે સિંચન થશે. સન્માન અને શ્રદ્ધા હશે તો દામ્પત્યજીવનમાં સ્નેહનાં સંગીતના સુર રેલાવા લાગશે. સન્માન અને સ્નેહ એકબીજાના પુરક છે. જ્યાં સન્માન હોય ત્યાં સ્નેહ હોવાની સંભાવના ઘણી. પણ ઘણીવાર એવું પણ બની શકે કે એકબીજા માટે સ્નેહ હોવાં છતાં સન્માન ન પણ જળવાતું હોય. તેથી જ દામ્પત્યજીવનની સફળતા માટે સહુ પ્રથમ સન્માન અને સાથે જો સ્નેહનું સંગીત પણ ગુંજતું રહે તો એકબીજાને સમજવા માટેની સરળતા ઘણી થઈ જાય. આ સ્નેહનાં સંગીતના સુર જો રેલાતા રહે તો સમર્પણભાવ પ્રગટશે, એક્બીજા માટે સમર્પિત થઈ જવાથી જે સમજણ કેળવાશે તેનાથી સંસાર સાગરમાં સર્જાતી કોઈપણ પ્રકારની સમસ્યામાંથી માર્ગ કાઢવા સમાધાન શોધવા અને સાધવા સરળ થઈ જશે. સમાધાનવૃત્તિના કારણે જે સમજુતી સધાશે તેનાથી સહિષ્ણુતા, સબૂરી અને સંયમ આપોઆપ કેળવાશે. આ સાથે સમજણ પણ હશે તો સંસારના સંઘર્ષોમાંથી રસ્તો કાઢવા એકબીજાનો સહયોગ સહજતાથી મળતો થશે. એકબીજાના સહયોગથી સંસાર જીવનમાં સરળતાથી, સહજતાથી, અને સલામત રીતે આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થતી રહેશે, આપસમાં સહયોગ હશે તો એકબીજાના હક, અધિકાર, સ્વતંત્રતાનો ભાવ આપોઆપ ભુલાઈ જશે. તેમજ કોઈને પણ એકબીજા માટે શંકાનું કોઈ કારણ નહીં રહે. પરંતુ એકબીજા પ્રત્યેની ફરજ, જવાબદારી, વફાદારીની ભાવના, સભાનતા આપોઆપ પ્રગટશે. જે સંસારિક જીવનમાં સાચા સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિની અનુભૂતિ અને એહસાસ કરાવશે. જેથી કૌટુંબિક જીવનમાં એકબીજા માટે લાગણી પ્રગટ થતાં કૌટુંબિક ભાવનાનું સર્જન થશે, પોતીકાપણાની લાગણીનું સર્જન થશે જે આખરે તો સંસાર જીવનને સફળતાને માર્ગે આગળને આગળ ધપાવતું રહેશે. પરિવારની સાચી સંપત્તિ જો હોય તો તે છે શાંતિ, અને આ શાંતિનો આધાર છે સહિષ્ણુતા, સમજણ, સબુરી અને સંયમ. આમ કુટુંબમાં શાંતિ જળવાતા પરિવારના સહુ સભ્યોનું સ્વાસ્થ્ય, આરોગ્ય, તંદુરસ્તી જળવાયેલા રહેશે જેની પાછળ કુટુંબના સહુ સભ્યોના મનમાં સ્વસ્થતાની સ્થાપના થશે. સ્વસ્થ મનમાં સદવિચારની પ્રાપ્તિ થતી રહેશે. જેને કારણે પતિપત્ની કે કુટુંબનાં કોઈપણ સભ્યને કોઈના પર વર્ચસ્વ, પ્રભુત્વ મેળવવાની કોઈ જરૂર નહીં જણાય. ઘણીવાર એવું થાય છે કે પરિવારમાં એકબીજા પર વર્ચસ્વ પ્રાપ્ત કરવાની હરીફાઈ ચાલતી હોય છે. આમાંથી સર્જાતો તણાવ કૌટુંબિક કે દામ્પત્યજીવનની સફળતાને છિન્નભિન્ન કરી નાખે છે. તેથીજ સંસાર જીવનની સફળતાના પાયામાં રહેલો પ્રથમ શબ્દ છે ‘સન્માન’. બસ સન્માન આપો અને સન્માન મેળવો એજ દામ્પત્યજીવનની સફળતાનો ગુરુમંત્ર છે. સન્માન આપવાથી એકબીજાનું સ્વમાન જળવાઈ રહે છે. સ્વમાન જાળવવાથી એકબીજાનો અહં સચવાય જાય છે. આમ અહં સચવાય જવાથી દામ્પત્યજીવનમાં પતિપત્ની એકબીજાનાં વ્યક્તિત્વનો સ્વીકાર ઘણી સરળતાથી કરી શકે છે. એકબીજાને સમજી શકે છે, ઓળખી શકે છે. તેથી એકબીજાની ઉણપો, ખામીઓ, ખૂબીઓ, ખાસિયતો, ક્ષતિઓને, દોષોને સરળતાથી સમજી શકાય છે. જેથી એકબીજાને અનુકૂળ થવામાં પણ સરળતા સર્જાય શકે છે. પરિણામે પતિપત્નીને આપસમાં પૂરતી સ્વતંત્રતાની અનુભૂતિ થશે. સ્વતંત્રતાની અનુભૂતિનાં કારણે એકબીજાના વ્યક્તિત્વનાં વિકાસમાં વૃદ્ધિ થતી રહે છે. આ રીતે દામ્પત્યજીવનમાં સુગંધ સૌરભ જીવનભર રેલાતી રહે છે, ફેલાતી રહે છે. આ ફક્ત લગ્નજીવનની જ નહીં, પણ જીવનની સાર્થકતા અને સફળતાનું પણ રહસ્ય છે. લગ્ન એક એવું બંધન છે જેમાં ઘર પરિવારમાં સહુનો સહયોગ જરૂરી છે. પતિપત્નીનાં સંબંધમાં જેટલી આપસમાં નિકટતા હશે, ઘનિષ્ટતા હશે તેટલાજ તેમના સંબંધ પણ મજબુત હશે. પતિપત્ની બે એવાં સાથીદારો છે જે એકબીજાના સ્પર્ધક નથી પણ સહયોગી છે. એકબીજાના હરીફ નથી પણ હિતેચ્છુ છે. એકબીજાનો આધાર છે તેમજ એકબીજાના પુરક પણ છે. તેઓ સમાન છે પણ સરખા નથી. તેઓ એકબીજાની જરૂરિયાત છે. તેઓનું વ્યક્તિત્વ સ્વતંત્ર હોવાં છતાં પણ એકબીજા પર આધારિત છે, અવલંબિત છે. એકબીજાના અહંને ઓળખી આવિષ્કાર કરી સાચવી લેવાનો છે પણ કોઈના પણ અહંને ઠેસ નથી. પહોંચાડવાની. જરાક જેટલી ગેરસમજમાંથી સર્જાતા નાના નાના અણબનાવો પણ સમય જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જે લગ્નજીવનને નિષ્ફળ બનાવવામાં વાર નથી લગાડતા. પતિપત્નીએ સંબંધોમાં મજબુતી લાવવા, ઘનિષ્ઠ બનાવવા, સાવધાન રહેવાનું છે. તેથીજ લગ્નના ફેરા ફરતી વખતે ગોર મહારાજ વરવહુને વારંવાર ‘સાવધાન’ રહેવાનું કહેતા હશે ખરુને !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.