કોમળ કરુણા – જગદીશ સોલંકી

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા બદલ શ્રી જગદીશભાઈનો (દાંતીવાડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayjagdish_16@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક +૯૧ ૯૪૨૯૩૮૬૫૬૮ કરી શકો છો.]

આદિત્ય સાડા ચાર વરસનો એક ગભરુ બાળક હતો. તે શહેરની પ્રતિષ્ઠિત ‘સન રાઈઝ’ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં યુ.કે.જી.સ્ટુડન્ટ હતો. આદિત્યના પરિવારમાં તેના માતા-પિતા,દાદા-દાદી અને તેની બહેન અરુણા બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. આદિત્ય ઘરમાં સૌથી નાનો તેથી ઘરનો સંયુક્ત પ્રેમ તેને ભરપૂર મળતો. વળી પાસ પડોશમાં પણ આદિત્ય સહુનો વ્હાલસોયો હતો. આદિત્ય ખૂબ જ લાડકોડથી ઉછરી રહ્યો હતો. તેની એક-એક હરકત ઘરનાં સહુ માટે હરખની વાત હતી….તે કાલીઘેલી ભાષામાં કોલગેટના બદલે કોગલેટ કે અરુણાના બદલે અલુણા બોલે તો પણ બધાને તેની ભૂલ પણ ફૂલ જેવી લાગતી હતી.

તેને લેવા માટે સન રાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માંથી રોજ ૧૧ વાગ્યે બસ આવી આદિત્યને લઈ જતી અને ૦૫ વાગ્યે એ જ સુંદર મજાની મોટી બસ તેના નાના એવા ઘરે તેને મુકી જતી. આદિત્ય શહેરની પ્રતિષ્ઠિત સન રાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો યુ.કે.જી.સ્ટુડન્ટ છે તે વાતથી તેના ઘરના સહુ હરખાતા ધરાતા નહોતા. આદિત્યના પપ્પા એક કારખાનામાં કામદાર હતા અને તેની મમ્મી પાસ-પડોશનું સીલાઈ કામ કરતી. આ મધ્યમવર્ગીય પરિવારનું સઘળું ધન અને મન આદિત્યનાં સુ-ઉજ્વળ ભવિષ્ય માટે જાણે ખર્ચાઈ રહ્યું હતું. આદિત્યના પિતા કારખાનામાં કામ કરતા-કરતા પણ પોતાનો પુત્ર કારમાં ફરે, તેવા સપનાઓ જોતા રહેતા. કારખાનાથી કાર સુધીની ગતિ કારગત નીવડે તે માટે તેઓ નિશદિન કામ કરતા રહેતા હતાં.

આદિત્યના ઘરે ૧૧ થી ૫ રજા હોય તેવું તેની ગેરહાજરીથી ઘર સૂનું થઈ જતું….-સાંજે પાંચ વાગ્યે બાળકોનાં ખિલખીલાટ ફૂલથી ભરેલી બસ આદિત્ય નામના ફૂલને તેના ઘરે ઉતારી જતી ત્યારે તેનું આખું ઘર સુગંધી બની જતું ! એવો હતો એ આદિત્ય ! આદિત્ય થોડો ચંચળ ખરો, પણ એકદમ મસ્ત, તંદુરસ્ત, સ્વચ્છ કદી કોઈ ફરિયાદ નહીં તેથી સ્કૂલમાં પણ બધા તેને ખૂબ ચાહતા. તેના ક્લાસ ટીચર મિસ. હેતલ પટેલ તેને પોતાના પુત્ર જેટલું હેત કરતાં. આદિત્ય વચ્ચેની બેંચ પર બેસતો છતાં હેતલબેન સહુથી પહેલા આદિત્યનું જ હોમવર્ક ચેક કરતા. સાંજે પાંચ વાગે ઘેર જવા માટે આદિત્ય બસમાં બેસે ત્યારે કદી હેતલબેનને બાય-બાય કરવાનુ ન ભૂલે. હેતલબેનની રજા પાંચ વાગે નહી, પણ બસમાં બેઠેલો આદિત્ય પાંચ આંગળી બતાવી બાય-બાય કરે ત્યારે તેમની રજા પડતી. રોજ સાંજે હેતલબેન બસની પાછળ-પાછળ પોતાનું સ્કૂટી ચલાવી પોતાને ઘેર જતાં… આવો જાણે કે નિત્ય ક્રમ બની ગયેલો .

એક દિવસ આદિત્યની સ્કૂલ-બસ પાંચ ના બદલે છ વાગ્યે પણ આવી નહીં આદિત્યની મમ્મી સૌથી પહેલા બેબાકળી થઈ ગઈ. વૃદ્ધ દાદા-દાદી, પાસ-પડોશમાં બધા થોડી ચિંતામાં પડી ગયા. પિતાજી તો કારખાનેથી સાંજે આઠ વાગ્યે આવે. આદિત્ય અસ્ત થવા આવ્યો, પણ પોતાનો આદિત્ય ઘરે ના આવ્યો તેથી તેની મા ચિંતામાં પડી ગઈ.

આદિત્ય બસમાં બારી પાસે બેસી ઘરે આવી જ રહ્યો હતો. શહેરની ચમક-દમક, રંગબેરંગી ઍડવરટાઈઝના હોલ્ડીંગ્સથી આકર્ષાઈ તે બધું બારી બહાર જોઈ રહ્યો હતો. એક બગીચાની બાજુનો મેળો જોઈ તેણે બારીની બહાર પોતાની ગરદન કાઢી, ડ્રાઈવરે વળાંકમાં ગાડી ટર્ન કરી અને એક વિકરાળ ઍડવરટાઈઝના હોલ્ડીંગ્સ સાથે તેની ગરદન અથડાણી …..બસ પછી ત્યાંને ત્યાં જ આ બાળક ખલ્લાસ ! તેનો જીવ એટલો જલ્દી જતો રહ્યો કે એને જીવ જવાની પીડામાં એક ચીસ પણ પાડી નહીં ! એ ચીસ પાડે એ પહેલા તો જીવ ચાલ્યો ગયો ! બગીચાની બાજુનો મેળો વિખરાઈ અને અકસ્માત જોવા આવી ગયો. નારિયેળની જેમ તેનું મસ્તક વધેરાઈ ગયું. જોકે નારિયળ તો બહારથી કઠોર પણ હોય પણ આદિત્ય તો બહાર અને અંદરથી કોમળ-કોમળ હતો ! મરતા પહેલા આદિત્યએ તો ચીસો નહોતી પાડી પણ લોકો તેનું છૂંદાયેલું મસ્તક જોઈ ચીસો પાડવાં લાગ્યાં અને ત્યાં તરતજ એક સ્ત્રી આખા સમૂહની ચીસો ના સંભળાય તેવા આક્રંદ રૂદન સાથે ચીસો પાડતી આવી. તે આદિત્યના લોહી લુહાણ ચહેરા પર ચુંબનની અને અશ્રુની વર્ષા વરસાવે છે. તે જોઈ, લોકોને એમ લાગ્યું કે આ છોકરાની મા હશે… પણ વાસ્તવમાં તે સ્ત્રી બગીચાની બાજુની સોસાયટીમાં રહેતી તેના પ્રિય શિક્ષિકા હેતલ હતી. પછી તેણે જ આદિત્યના માતા-પિતાને બગીચા પાસે બોલાવ્યા. સુર્યાસ્તના સમયે પોતાના આદિત્યનું અસ્ત થયેલું શરીર જોઈ તેના માતા, પિતા ઢગલો થઈ ગયા. તેમના રુદનની ગર્જના આસમાન સુધી પહોંચતી હોય તેવું લાગ્યું. પણ….! પણ….! પણ….! હવે શું ? આજે આસમાનમાં સૂર્ય અને આદિત્ય બન્ને અસ્ત થઈ ગયા હતાં ! આખો બગીચો જાણે સ્મશાન બની ગયો હોય તેવું માતમ છવાઈ ગયું. બગીચાના બધાં ફૂલો એક સાથે કરમાઈ ગયા હોય તેવું લાગતું હતું !

ધીરે..ધીરે..ધીરે … બધા વિખરાઈ ગયા માત્ર આદિત્યના માતા –પિતા અને તેની ટીચર ત્રણે કુમળી લાશ લઈને બેઠા હતા. કોણ, કોને, કઈ રીતે આશ્વાસન આપે ? રાત્રીનાં ૧૨:૦૦ વાગ્યા હતા. ભયંકર અંધકાર છવાયેલો હતો. અંધકાર આખા આદિત્યને ગળી ગયો હોય તેવો ઘેરો અને કરુણ હતો. સોસાયટીના લોકો આદિત્યને લેવા આવ્યા. લેવા આવનારા કશું બોલ્યા નહીં, કારણકે રોજ સાંજે આદિત્ય ઘરે સ્વયં આવી જતો, જયારે આજે આદિત્યને લાવવાનો હતો ! આદિત્યની લાશ સાથે તેના માતા-પિતા ગયા પણ પેલી શિક્ષિકાના ઘેર જવા પગ ઉપડતા ન હતા. તે આખરે ઉભી થઈ. જે બારી એ બેસીને રોજ સાંજે ૫ વાગ્યે આદિત્ય ‘બાય…! બાય…!’ કરતો તે બારી રાત્રે ૧૨-૦૦ વાગ્યે જોવાની કોણ જાણે તેને ઈચ્છા થઈ.

તે પોતાના ઘરે જતાં પહેલા બસની તે બારી તરફ ગઈ. એકસીડન્ટથી તૂટેલી-ફૂટેલી બારીમાં તેને પાંચ આંગળી સાથે આદિત્ય દેખાયાનો ભાસ થયો. અસ્વસ્થ શિક્ષિકા ભાનમાં આવી ફરી બારી જોઈ બારીની ઉપર ગુજરાતી ભાષામાં લખ્યું હતું…… “બસની બારીની બહાર શરીરનું કોઈ અંગ નીકાળવું નહીં “… પછી સ્વગત બોલી…. કદાચ આદિત્ય ગુજરાતી ભાષામાં લખેલું આ વિધાન સમજ્યો નહીં હોય ? અંગ્રેજી મીડિયમમાં ભણાવતા શિક્ષિકા બહેને વિચાર્યું કે જો આદિત્યને ગુજરાતી વાંચતા આવડતું હોત તો ?…તો ?… શિક્ષિકાબહેન ઘરે જતાં હતા ત્યાં રસ્તામાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં તેણીએ એક મોટું ઍડવરટાઈઝ હોર્ડીગ્સ જોયું, જેમાં એક ખિલખિલાટ સ્મિત સાથે એક બાળક હસી રહ્યો હતો. આ હોલ્ડીંગ્સ LIC,CHILDREN PLAN નું હતું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “કોમળ કરુણા – જગદીશ સોલંકી”

Copy Protected by Chetan's WP-Copyprotect.