પેઈંગગેસ્ટ – રમેશ. ર .દવે

[ ‘ખંડિયેર’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

પ્રિય નીરજ,

Image (42) (406x640)અશેષ સ્નેહ. ઘણા સમયે તને પત્ર લખું છું. એક વાત મનમાંય કયારનીય ઘોળાયા કરે છે પણ કહી શકાતી નથી. ભય છે કે હું વાત માંડું ને તું સાંભળે જ નહીં તો ! પણ વાત એવી છે અને એણે મનમાં પગદંડો પણ એવો જમાવ્યો છે કે કીધાય વિનાય આરો નથી. યાદ આવે છે, આપણાં પ્રેમ અને લગ્નના એક પડાવ પર મારે તને આમ જ પત્ર લખીને મારા મનની વાત કહેવી પડી હતી !

એક ઉનાળુ સાંજે, રતૂમડા થઈ ગયેલા વિકટોરિયા પાર્કના સૂના ધૂળિયા રસ્તે આપણે ચાલ્યાં જતાં હતાં અને તેં અચાનક ઉભા રહી, મને ખભે સહેજ સ્પર્શીને લગ્નની દરખાસ્ત મૂકી હતી. હું તો અચંબિત અવાક્ તને જોઈ જ રહેલી ! તારી એ વાતનો જવાબ હું તને મોઢામોઢ કેમેય કરીને આપી શકી નહોતી. એ વખતે પણ આજે છે – એવી જ આશકાં હતી કે હું લગ્નની ના પાડું ને તું સાંભળે જ નહીં તો ! એટલે પછી મેં, લાંબો પત્ર લખીને, ત્રીશ અને તેંતાલીશ વર્ષનાં તું અને હું લગ્ન કરીએ તો કેવાં ગાંડાં ગણાઈએ – એ વાત સમજાવી હતી પણ તેં મારી એકેય દલીલ કાને ધરી જ નહીં ને ! આજે પણ એવી જ એક મહત્વની વાત મારે તને કહેવી છે અને આજેય પેલી, તારી ના-ની દહેશત ઊભી છે – એટલે આ પત્ર !

નીરજ, પૂરાં પચીસ વર્ષોના લગીર કટુતિકત અને મધુમિષ્ટ લગ્નજીવન પછી આજે સવાલ થાય છે કે આપણો આ હુંફાળો સંગાથ હવે બહુ બહુ તો કેટલાં વર્ષ ? તને સતાવનમું ચાલે છે ને હું સિતેર પૂરાં કરી ચૂકી છું. આવતીકાલે હું નહીં હોઉં ને તારી સામે તો હશે લાંબાં વીસ-બાવીસ વર્ષો ! સાવ એકલો તું એ સમયને કેમ જીવીશ – એ ચિંતા હમણાં હમણાં મને બહુ સતાવે છે. મને ખબર છે, તું મારી આવી ચિંતાને નર્યું ગાંડપણ જ ગણી કાઢવાનો છે પણ ગાંડી ગાંડી તોય હું તારી સુજુ છું ને ! તારી વૃદ્ધાવસ્થામાં તને સાથ આપવા હું નહીં હોઉં – એ વાત હૈયું કોરી ખાય છે.

ના, તું સહેજે પરાધીન નથી. આપણી ઘરગૃહસ્થીનાં બધાં કામમાં તારી ભાગીદારી હોય છે એટલે એ દિશાની મને બહુ ચિંતા-ફિકર નથી પણ મને ખબર છે અને પૂર્વે તેં તારા વડીલને કહ્યું પણ હતું કે તારી આસપાસ કોઈ સ્ત્રી, હવાની જેમ હરતીફરતી હોય તો તને ગમે છે. એનાથી તું આશાયેસ અનુભવે છે. યુવાનીના વર્ષોમાં લીગલ સેપરેશનનાં અકળાવી નાખનારા અનુભવ પછી માણસ આવું સાહચર્ય ઝંખે એ સમજાય એવી વાત છે. આ સ્થિતિમાં હું તને એમ કહેવા-સમજાવવા માગું છું કે મારી આંખ મીંચાય એ પહેલાં હું તને ચૈતાલી સાથે મઝાથી જીવતો જોવા ઈચ્છુ છું. આ વાકય વાંચતાં તને ધરતીકંપ સમો આંચકો લાગશે. એ કલ્પી શકું છું. પણ અમે સ્ત્રીઓ આમ કયારેક નર્યા ગાંડપણમાં જ, તમને પુરુષોને કદી ન સમજાય તેવું અકળ શાણપણ દાખવીએ છીએ. પહેલાનાં જમાનામાં અમે, પતિને સંતાનસુખ આપવા, એમનો વંશવેલો આગળ વધે-એ માટે ફરી પરણાવીને શોકયનું સુખ-દુઃખ પામતાં. અલબત, આપણે એવી કોઈ સમસ્યા નથી કારણ કે તેં, ડૉકટરે જાણાવેલી, મોડી વયે મોટે ભાગે વિકલાંગ બાળક જન્મવાની શકયતાને સ્વીકારી લઈને,મને સંમત કરીને, લગ્ન પહેલાં જ ઑપરેશન કરાવી લીધું હતું.

તું જાણે છે નીરજ કે ચૈતાલી મારી માસીની દીકરી બહેન છે પણ એણે ગર્ભાશયનું ઓપરેશન કરાવવું પડયું છે ત્યારથી અમે બંને બહેનોથી ય વધારે આત્મીય થઈ ગયાં છીએ. પોતે કદી મા નથી થઈ શકવાની – એ વાસ્તવિકતાના સ્વીકારની સાથે જ એણે એક બીજી કટુ વાસ્તવિકતાના આગોતરો સ્વીકાર કરીને લગ્નનો વિચાર મનમાંથી હાંકી કાઢયો છે. કોઈ પ્ણ સ્ત્રી માટે આ બંને અભિશાપ કેવા કારમા હોય છે એનો મને જાત-અનુભવ છે નીરજ ! અને એટલે જ મારી આ દરખાસ્તથી હું એક સાથે બે સ્વાર્થ સાધવા માગું છું – એક તો આવનારી એકલવાયી જિન્દગીથી મારા નીરજને બચાવી લેવો અને પિસ્તાલીશમે વર્ષેય એકલી-અટૂલી જીવતી મારી નાની બહેન ચૈતાલીને, એણે કદી કલ્પ્યું ય ન હોય એવું સુનેરી ભવિષ્ય…

મને ખબર છે – હું નરી ભાવુક થઈ ગઈ છું પણ નીરજ, તેં તો લીગલ સેપરેશનનાં માત્ર પાંચ-છ વર્ષો જ એકાકી વીતાવ્યાં છે જયારે મારે તો ભરજુવાનીનાં બાવીસ વર્ષો, કશા ય વાંકગુના વિના, માત્ર ત્રણ દિવસના સાસરવાસ પછી, કશું ય કારણ બતાવ્યા વિના, પિયર ધકેલી દીધેલી ત્યકતા તરીકે જીવવાં-જીરવવાં પડયાં છે. બા-બાપુજીએ એમના ચારેય હાથનો છાંયો મારે માથે ધર્યો હતો, તેમ છતાં મારી એ વેદનાને, તારી સાથેનાં સુખભર્યાં પચીસ વર્ષો પછી ય વિસારે પાડી શકી નથી, તો જેણે પુરુષ નામનો સાથ-સંગાથ કદી જાણ્યો-માણ્યો નથી – એવી ચૈતાલીને, પાછલી જિન્દગીમાં મને સાંપડયું છે એ જ સદભાગ્ય સાંપડે એવી ઝંખના હું સેવું અને એમાં તારી મદદ માગું તો શું હું ખોટું કામ કરી રહી છું ?

મારી આ વાતને નકારવા તું એવો તર્ક કરીશ કે હું તારા એકાકી જીવનની ચિંતા કરીને જાણ્યે-અજાણ્યે ચૈતાલીને, એના આખરી દિવસોમાં એવું જ એકાકી જીવન જીવવાની સ્થિતિમાં ધકેલી રહી છું. તારો એ મુદ્દો સાવ સાચો છે પણ એમ હોય તોય હમણાં તો એ તારી સાથે ત્રીસ-પાંત્રીશ વર્ષો હર્યાંભર્યાં જીવશે ને ?

હવે છેલ્લી વાત – મારી આ દરખાસ્ત વિશે વિચારતાં તને સૌ પહેલી મૂંઝવણ – એક મ્યાનમાં બે તલવાર શેં સમાય – એ વાત થશે. પણ એવી શ્કયતાને મેં ચારેકોરથી જોઈ-તપાસી લીધી છે. મારી ખુદની વાત કરું છુ તો નીરજ, હું તો શરીરની બધી વાતે હવે થાકતી-હારતી જવાની અને બીજું – આ નવી પરિસ્થિતિ તો હું જ સામે ચાલીને સરજી રહી છું. એને તું કે ચૈતાલી કંઈ થોડાં મારી ઉપર લાદી રહ્યાં છો ? એટલે ભલો થઈને તું, હું અને ચૈતાલી તારે માટે ઝઘડીએ અને અમારી બેયની વચ્ચે તારે વહેંચાવું-વહેરાવું પડશે એવી લેશ માત્ર દહેશત રાખીશ નહીં. તમને બંનેને લહેરથી જીવતાં જોઈને હુંય બેચાર વર્ષ મોજથી કદાચ વધારે નહીં જીવું ? નીરજ, આ પત્ર ચૈતાલીને વંચાવ્યો છે. આવી વાત એને જણાવ્યા સિવાય તને કેમ કહું ? બસ, અમે બેય તો સંપી ગયાં છીએ. બાકી રહી વાત તારી, તો એ અંગે તો મને શ્રદ્ધા છે કે ચૈતાલી માટે તું અનુદાર નહીં બને !

-તારી સુજાતા

**************************************

પ્રિય સુજાતા,

તારો પત્ર વાંચ્યો. પોતાની વાત નિરાંતે કહેવા-સમજાવવા તું હંમેશ પત્ર લખે છે ને હંમેશ સફળ થતી નથી. આ વખતે પણ એમ જ થયું છે. મારી એકલવાયી પાછલી જિંદગીની ચિંતાથી મૂંઝાઈને તને આવી અશકય વાત સૂઝે અને તને ગમતું દિવાસ્વપ્ન તું જુએ – એને હું, તને ઓળખું છું એટલે ગાંડપણ તો શું ગણું પણ એને સ્વીકારી શકતો નથી.

એમ થવાનું કારણ બીજું કંઈ નહીં પણ હું સાવ રાન પંખેરું છું એ જ છે વાતને વધુ સ્પષ્ટ કરવી હોય તો પેલી મઝાની કહેવત વાપરવી પડે : ગામ ગાંડાને ગણે નહીં અને ગાંડો ગામને ગાંઠે નહીં ! દુનિયાદારીની વાતે હું સાચે જ ગાંડો માણસ ગણાઉં. આટલી ઉમ્મરેય મારા વડીલ-મુરબ્બીઓ મને અવ્યવહારુનો ઇલ્કાબ અવારનવાર આપે જ છે ને ? પણ મારું આમ જ ચાલવાનું ! જેની સાથે જેવી નિસબત એની સાથે એવો ને એટલો જ સંબંધ અનુભવું.

વર્ષો પહેલાં, તેં લખ્યું છે તેમ, એક સાંજે, તારી સાથે લગ્ન કરવાની વાત મેં કરી હતી ને તું ત્યારે મારી સામે – હું કયાંક ગાંડો તો નથી થઈ ગયો ને ! – એમ સાંશક બની અપલક આંખો તાકી નહોતી રહી ? પણ મને મનમાં જચી જાય-ગોઠી જાય એવા કોઈ પણ કામ માટે, લોકોની નજરે જે સાવ અવ્યવહારુ ને ઉટપટાંગ ગણાય એવું પગલું ભરતાં મને વાર ન લાગે ને એમાં કોઈના ગમા-અણગમાને ગાંઠું પણ નહીં ! આપણી વચ્ચેના ઉમ્મરના તફાવતને કારણે નર્યા કજોડા સમું લગ્ન પણ તને રાજી કરીને કર્યું જ ને ? એ વખતે આપણા ખોબા જેવડા ગામ માથે તો આભ તૂટી પડયું હતું ! એટલે ટૂંકમાં, હું કયારેય દુનિયાદારીનો માણસ થઈ શકવાનો નથી. તું તો જાણે છે સુજુ કે મૈત્રી અને પ્રેમ એ મારે માટે, ઘસઘસાટ ઊંઘતા બાળકના મોંએ ફરકતા મલકાટ સમી વાત છે. એ ભાવ તો સાવ અનાયાસ અને તેથી સ્વયંસ્ફૂર્ત જ ઉદ્દભવે ! એમ જ છે તેથી તું કરી રહી છે એવું આયોજન ભલા, શી રીતે સંભવે ?

ચૈતાલી તારી બહેન છે તો મારી વિદ્યાર્થીની પણ છે જ ને ? ભલે ને એક જ વર્ષ પણ મેં એને મઝાથી ભણાવી છે. આવી સરસ, મઝાની છોકરી માથે નિયતિએ કેવો કેર વરતાવ્યો છે ? એના વિશે જયારે જયારે વિચારાયું છે – પેલી પંક્તિ સ્મરણે ચડી આવી છે : ‘ખરે વિધાતા તુજ કૃત્ય ખામી !’ પણ સુજાતા, ચૈતાલી માટે એની આવી વિષમ પરિસ્થિતિમાં સહાનુભૂતિ અને અનુકંપા થવી – એ અને એની સાથે મૈત્રીભાવ અનુભવવો એ બંને સાવ અલગ વાત નથી ? વળી, હમણાં હમણાંથી દુનિયાદારીની બધી વાતોથી જયારે મારો પાછા ફરવાનો-વિડ્રોઅલનો મૂડ ચાલી રહ્યો છે ત્યારે ચૈતાલી સાથે, તું કલ્પે છે એવું સખ્ય હું શી રીતે અનુભવવાનો ?

ઓછું ન આણીશ સુજાતા, અષાઢની અણધારી, ભરીભાદરી વાદળી સમી તું વરસે છે ને ઉબડખાબડ વહેળો સમો છલકછલક છું હું ! આથી અદકી કશી અપેક્ષા કયાં છે મને ? તેં લખ્યું છે કે તારો પત્ર તેં ચૈતાલીને વંચાવ્યો છે. એમ કરીને તેં પૂર્વે કદી નહીં કરેલી ઉતાવળ-અધીરાઈ નથી કરી ? જો કે આ બધો તો હવે વાસી તિથિ વાંચવાનો ઉદ્યમ છે પણ તારા પત્રની જેમ, તું મારો આ પત્ર પણ એને વંચાવે તો એની સ્થિતિ શી થાય – એ તું ક્લ્પી શકે છે ? તમારું સ્ત્રીઓનું પેલું અકળ શાણપણ, આવી નાજુક વાતે તને ખપ કેમ ન લાગ્યું એનું મને દુઃખદ આશ્ર્ચર્ય છે પણ ખેર ! આપણે આવા-તેવા ક્શા આયોજનમાં ન પડીએ અને સામે આવેલી ક્ષણને આપણી મસ્તીથી જીવીએ તો કેવું ?

-તારો નીરજ
**************************************

મુરબ્બી પ્રિય જીજાજી,
વંદન.

પહેલાં તો એમ જ થયું કે તમારી સાળી છું એટલે અમારા કુટુંબનાં ધારાધોરણ મુજબ તમને ‘મુરબ્બી નીરજચંદ્ર’ – એવું શાસ્ત્રીય સંબોધન કરું પણ હું કંઈ તમારી સાળી માત્ર થોડી છું ? વિદ્યાર્થિની પણ છું – એટલે પેલી ગમ્મત જતી કરી. તમે જાણો છો તેમ, સુજુદીદીએ તમને લખેલો અને એના ઉતર રૂપે તમે દીદીને લખેલો – એ બંને પત્રો મેં વાંચ્યા છે. તમે ના પાડી છે છતાં દીદીએ તમારો પત્ર, હું ધારું છું – તમને પૂછીને જ મને વાંચવા આપ્યો હશે.

સુજુદીદીએ મૂકેલી દરખાસ્ત તમે ન સ્વીકારો એ જ વાજબી છે. એમ જ હોય. એમ ન થાય તો જ નવાઈ. વર્ષોથી તમને દીદીને મસ્તીથી જીવતાં – દૂર ઊભી ઊભી જોઉં છું. તમે બંને પરણ્યાં ત્યારે અમારી જ્ઞાતિ જ નહીં આખું ગામે ય તે – બાપ રે ! કેવાં અવળસવળ થઈ ગયાં હતાં ? જો કે હું ત્યારે બહુ નાની તો નહીં પણ તમારી જેવાં મોટેરાંઓની વાતમાં માથું મારવા જેવડી ય નહોતી. એટલે ત્યારે મારે, એ વાત આમ કે તેમ કંઈ કહેવાનું ન હતું. પણ એ વખતની એક વાત મને બહુ ગમી ગઈ હતી ને એટલે જ યાદ પણ રહી ગઈ છે : તમે બંને અમારે ઘેર કયારેય આવતાં ત્યારે પાછા જતી વેળા, તેંતાલીશ વર્ષની મારી સુજુદીદી, તમારી સાઇકલના કેરિયર પર, સહેજ અમસ્થો કૂદકો મારીને, કેવી મઝાથી બેસી જતી ?

દીદી તમારી ચિંતા આ રીતે કરે એ તો સમજાય એવું છે પણ લગભગ એ જીવ્યાં હતાં પૂર્વે, એવી જ જિન્દગી જીવી રહેલી એમની નાની બહેનને, તમે એમને લખ્યું છે એ સદ્દભાગ્ય તમારા સંગાથે મળી રહે – એવી ખેવના એમણે મારે માટે કરી છે. એ એમની વશેકાઈ છે. મારે માટે આવો ભાવ દાખવનારાં સુજુદીદી માટે શું કહું ? મનમાં ઘણું ઘણું ઉભરાય છે પણ હૈયે હોય એ બધું હોઠે કયાં આવે છે ?

મૈત્રી-પ્રેમની વાતે તમારું વલણ સમજી શકું છું અને હ્રદયપૂર્વક સ્વીકારું પણ છું. તમે એ વાત, ઊંઘતા બાળકના મોંએ ફરક્તા મલકાટની સાથે મૂકીને કેવી સરસ રીતે કહી છે ! લાગણીની બાબતે માણસ સૌ પહેલાં પોતાની આઝાદીની ખેવના કરે ને ? તમને તો, તમે અમને ભણાવતા હતા ત્યારથી ચાહું છું – પણ એ તો બધી મગ્ધાવસ્થાની વાતો ! અને એ વખતે તો તમને ય કયાં ખબર હતી કે પછીથી તમે દીદી સાથે આમ જોડાશો – ખરું ને ? પણ સર ! એ વખતે તમે, તમારી આગવી છતાં સાવ સરળ-સહજ રીતે બીજા બધાથી અલગ તરી આવતા – એ મને બહુ ગમતું. અમે બધાં તમારાં વખાણ કર્યાં કરતાં, એમાં સૌથી પહેલી વાત એ જ આવતી કે સર એમના મનમાં જેવું હોય છે એવું જ કહે છે અને કરે છે પણ એ જ !

મને મજા એ વાતની આવી કે આટલાં વર્ષો પછી પણ તમે જરા ય બદલાયા નથી. દીદીની વાતને તમે કેવી નાજુકાઈથી પાછી વાળી છે ! આ લખું છું ત્યારે, મેં પણ તમારી જેમ જ વિચાર્યું હતું – એમ કહું તો દંભ થશે… તમને લખેલો પત્ર દીદીએ એમની સામે બેસાડીને વંચાવ્યો હતો ત્યારે, સાચું કહું છું – મન ભર્યુંભર્યું થઈ ગયું હતું અને મારાં, પ્રૌઢ થઈ રહેલાં અંગાંઅંગમાં રોમાંચ થઈ આવ્યો હતો. તમને થશે કે આ ચૈતાલી તો મારી ભાષા બોલવા માંડી ! એમ જ હોય તો પણ વાજબી જ છે ને ?

સુજુદીદીએ આપણાં ત્રણેયનાં સહજીવનની કલ્પના ભલે કરી પણ કોઈને ય માથે ન પડું – એટલી સ્વમાની તો હું ય હોઉં જ ને ? એટલે મારા તરફથી તમે નચિંત રહેશો. આમ લખું છું ત્યારે, મનમાં આ ક્ષણે જ ઊગેલી એક વાત કરું ? મારાં આવાં દીદી અને જીજાજી સાથે, દીદીએ કરેલી દરખાસ્ત જાણે થઈ જ નથી – એમ માનીને, કંઈ કહેતાં કંઈ લાભલોભ વિના, તમે જેને સાવ નિરપેક્ષ કહો એવા હૈયે રહેવાનું સદ્દભાગ્ય મળે ? તમે મને તમારે ઘેર પેઇંગગેસ્ટ તરીકે સ્વીકારો ખરા ?

-તમારી ચૈતાલીનાં
સાદર વંદન

[ કુલ પાન: ૧૬૮. કિંમત રૂ. ૧૧૦. પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આઇ એમ સ્યોર… – નીલમ દોશી
પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર Next »   

8 પ્રતિભાવો : પેઈંગગેસ્ટ – રમેશ. ર .દવે

 1. kumar says:

  ખુબ સુંદર
  ત્રણે પાત્રો એ બહુજ ઉત્તમ પીઢતા બતાવી છે.

 2. pooja parikh says:

  ખૂબ સરસ પત્રો..

 3. jignisha patel says:

  ત્રણેય વ્યકિતઓ એક-બીજા ને ખુબ માન આપે છે અને ચાહે છે. તેની સુંદર રજુઆત કરી છે.સરસ છે.

 4. jignisha patel says:

  ત્રંણેય પાત્રોને એક-બીજા માટે પ્રેમ, સ્નેહ અને આદર છે. માટે દરેક જણ પોતાના સ્વાર્થ માટે નહિ પણા બીજા માટે વિચારે છે.ખુબ સુંદર રજુઆત.

 5. rajendra shah says:

  સુન્દર કલ્પના છૈ.—— પણા મારુ માનવુ છે અલગ કારણા કે સુજાતાનેી વય્થા ચેતાલિ અને નિરજ માટૈ યોગ્ય……..ઘઙપણ સહારો માગે છૈ…. but i must say its good discussion…..

 6. p j pandya says:

  ત્રિદલ ત્રિગુનાકાર જેવા પત્રો સરસ ર્હ્યા

 7. gopal khetani says:

  Cloud 9 પર બેસી ને વાર્તા લખી કે હો સાહેબ !!

 8. Ravi Dangar says:

  ત્રણેય પાત્રો ખૂબ જ ઉમદા વિચાર ધરાવે છે અને વાર્તા પણ પાત્રના સ્વરૂપમાં સુપેરે રજુ થઇ છે.

  પરંતુ……..બે માસીયાઈ બહેનની ઉંમરનો આટલો મોટો તફાવત વાસ્તવિક જીવનમાં કદાચ શક્ય ના જ બને. બે માસીયાઈ બહેનની ઉંમરમાં આટલો મોટો ફેર શક્ય નથી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.