પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર

[ ‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.]

જયારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદુરી ઠોકતો ચિંતન મંથનને કડવો ઝેર જેવો લાગતો. ચિંતન અને મંથન બેઉ પ્રત્યેકની પોતાની લાગણી સમજવામાં ઉન્નતિ હજુ સ્પષ્ટ નહોતી. ચિંતન કે મંથન, મંથન કે ચિંતન ? કયારેક પલ્લું આ તરફ નમતું તો કયારેક વળી પેલી તરફ પણ મંથને તો ઉન્નતિ મારી જ એવું માની લીધું હતું. એટલે જ ટાણે કટાણે વણનોતર્યાને વણજોઈતા પરોણાની જેમ આવી ચઢતો ચિંતન એને કાળ જેવો લાગતો.

‘ચિંતન, કોઈ બે જણ એકલા બેઠા હોત એમની વચ્ચે પહોંચી જાય એને શું કહેવાય, ખબર છે ? એને કહેવાય ‘કબાબમેં હડ્ડી.’ મંથન એની ઠેકડી ઉડાવતો. ચિંતન વાતને હંમેશાં હળવાશથી લેતો અને કહેતો, ‘ના રે, દોસ્તીમાં એવું ન હોય. આપણે તો હક્કથી આ બેઠા તમારા બંનેની વચ્ચે.’ ખરેખર જ એ બંનેની વચ્ચે જગ્યા કરીને ગોઠવાઈ જતો ત્યારે ફરજિયાત ખસવું પડે એ મંથનને બહુ આકરું લાગતું. એમ તો ચિંતને હસીમજાક કરતાં કયારેક ઉન્નતિના મનનો તાગ લેવાનો પ્રત્યન પણ કરેલો, ‘ઉન્નતિ, ચાલ , આ બેમાંથી એક આંગળી પકડ જોઉં. આપણે જોઈએ કે, તારો બેસ્ટ ફ્રૅન્ડ કોણ, હું કે મંથન ?’ પણ ઉન્નતિએ આજ સુધી કોઈ એક આંગળી પકડવાની હિંમત નહોતી કરી. મંથન ઘણીવાર ઉન્નતિને કહેતો, ‘આ ચિંતન છે ને, અદેખા કાગડા જેવો છે. એ પોતે પણ પૂરી ન ખાય ને બીજાને પણ ખાવા ન દે. સાલો જેલસ.’

ઉન્નતિને આવું સાંભળીને ગભરાટ થઈ આવતો. મારી હાલત પૂરી જેવી તો નહીં થાય ને ! નહીં આની કે નહીં પેલાની ને નીચે પડીને ધૂળમાં ભળી જવાનું આવું કંઈ થાય એ પહેલાં મારે નક્કી કરી લેવું જોઈએ. કશું નક્કી કરવાની ઝંઝટ ઉન્નતિએ ન કરવી પડી. ચિંતને આગળ અભ્યાસ માટે અમેરિક જવાનું નક્કી કરી લીધું. હવે કોઇ દ્વિધા નહોતી, કોઈ અવઢવ નહોતી. તો યે ચિંતન માટે ઉન્નતિનો જીવ તો બળતો જ. પોતે અમેરિકા જવા માગે છે એવી વાત એણે કોઇ દિવસ નહોતી કરી ને આમ અચાનક જ ? મારા અને મંથનના રસ્તામાંથી ખસી જવું એવું તો એના મનમાં નહીં હોય ને ! ખૂબ વિચાર્યા પછી વળી થતું, મૂકને માથાકૂટ ! જાય છે તો પોતાની મરજીથી જાય છે. કોઈ ધક્કો મારીને થોડું મોકલે છે ? આમ વિચારવા છતાં ચિંતન યાદ આવે ત્યારે જાણે ભાવતાં ભોજનમાં કાંકરી આવી ગઈ હોય કે કચડ કરતી ચવાઈ ગઈ હોય એવું એ અનુભવ્યા કરતી.

જયારે મંથનનો તો રસ્તો મોકળો થઈ ગયો હતો. અદેખો કાગડો ઊડી ગયો હતો. હવે કયારેય કા…કા… કરતો રંગમાં ભંગ પાડવા નહીં આવે એના ને ઉન્નતિના એક થવામાં હવે કોઈ અવરોધ નહોતો. બંને પરિવારોની સંમતિ હતી જ એટલે લાડો ને લાડી કંસાર જમે એટલી જ વાર હતી. આમ ઉન્નતિ અને મંથને સહજીવનનો આરંભ કર્યો. પણ આ શું ? જેને શુદ્ધ સોનું માન્યું હોય એની પરનો ગિલેટ ઊતરી જતાં ખબર પડે કે, આ તો પિતળ છે એવું જ કંઈક બન્યું. સૂર્યનાં કિરણો પડે ને આખી રાતનું ભેગું થયેલું ઝાકળ પલકવારમાં ઊડી જાય એમ આટલાં વર્ષોની એકમેકનો સહવાસ માણવાની ઈચ્છા, એની મસ્તી લગ્ન થતાંની સાથે કયાં અને કયારે અદ્દશ્ય થઈ ગયાં, ખબરે ન પડી. ‘ઉન્નતિ, કેટલી વાર કહ્યું છે ? ઘરમાંથી બહાર નીકળે તો અપ ટુ-ડેટ થઈને નીકળી જા. આ શું, ટીપીકલ મણિબેન જેવી નીકળી પડે છે !’ ‘અચ્છા, તો હવે મણિબેન લાગવા માંડી ? હજી કાલ સુધી તો માધુરી જેવી લાગતી હતી. સાચું જ કહેવાય છે કે, ઘરકી મુર્ગી દાલ બરાબર.’ ‘તને તો કંઈ કહેવાય જ નહીં. કંઈ કહેવા જઈએ એટલે કરવડા જ દોડે.’

પ્રેમના ઉન્માદનું આટલું જલદી બાષ્પીભવન થવા માંડશે એવું નહોતું ધાર્યું. ઘણીવાર એકલી પડે ત્યારે ઉન્નતિ વિચારતી, ધારો કે, ચિંતન અમેરિકા ન ગયો હોત, મેં એની સાથે લગ્ન કર્યા હોત તો શું જિંદગી કંઈક જુદી હોત ? તરત જ એ માથું ઝાટકીને આવા ફાલતું વિચારોને ખંખેરી નાખતી. હવે આ જો અને તો નો શો અર્થ છે ? ને મંથન સાથે મને શું દુઃખ છે ? આંગળી મૂકીને બતાવી શકાય એવું તો કશું દુઃખ નહોતું પણ મંથનની લહેરી લાલા જેવી વૃતિ હોતા હૈ ચલતા હૈ એવી માનસિકતા અને ઓછી મહેનહે વધુ પૈસો કમાઈ લેવાની દાનત ઉન્નતિ કેમે કરીને સહન નહોતી કરી શકતી. ઉપરથી બીનજરૂરી ખર્ચા કરવાની મંથનની આદત એને અકળાવતી હતી. ઑફિસમાંથી અચાનક ફોન આવતો, ‘ઉન્નતિ, હોમ થિયેટર જોઈ આવ્યો છું. હમણાં ડીસ્કાઉન્ટ ચાલે છે તે ઑર્ડર આપી જ દીધો. સાંજ સુધીમાં માણસ મૂકી જશે.’

‘પણ શું જરૂર છે હોમ થિયેટરની ? આ મહિને તેલના ડબ્બા પણ ભર્યા ને હજી અનાજ ભરવાનું તો બાકી છે ત્યાં…’ ‘બસ, જયારે હોય ત્યારે દરેક વસ્તુમાં કચક્ચ કરવાની. મારા મૂડની તો પતર ઠોકી નાખી. કેટલા વખતથી મને હોંશ હતી, હોમ થિયેટરમાં પિકચર જોવાની !’ હોંશ તો ઉન્નતિને ય ઘણી વસ્તુઓની હતી. ફ્રીઝ નાનું પડતું હતું તે મોટું લેવું હતું, કામવાળાના ધાંધિયા હતા એટલે વોશિંગ મશીન વસાવવું હતું, ઘરની ભીમ્ત પરથી પોપડા ઊખડી ગયા હતા તે કલર કરાવવો હતો… બનાવવું હોય તો કેટલું લાંબું લિસ્ટ બની શકે ! પણ મમ્મી-પપ્પાની હંમેશા એક જ શિખામણ રહેતી – ‘પછેડી હોય એટલી સોડ તાણવી.’ ખરેખર તો એને ખબર જ નહોતી કે, મંથનની પછેડી કેટલી લાંબી હતી ! વારંવાર નોકરીઓ બદલવી, કામચોરી કરવી, સહકર્મચારીઓ સાથે તડ ને ફડ કરી નાખવું- આ બધી મર્યાદાઓ હોવા છતાં એને કેટલો પગાર મળતો હશે અને ઘરમાં મોજ-શોખની વસ્તુઓ કયાંથી આવતી હશે એ તો મંથન જ જાણે !

એકવાર ઉન્નતિએ દોઢ-બે મહિના થયા હશે ને અચાનક સખત દુઃખાવો ચાલુ થયો. પેટમાં જાણે વલોણું ફરતું હોય એમ અમળાતું હતું. તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરી. ઑપરેશન કરાવવું પડયું. ફેલોપિયન ટયૂબ ફાટી જવાની તૈયારીમાં હતી. ઈન્ટરનલ બ્લીડિંગમાં ખૂબ લોહી વહી ગયું હતું. દસેક બૉટલ બ્લડ ચઢાવવું પડ્યું ત્યારે માંડ એ કટોકટીમાંથી ઊગરી શકી. પંદરેક દિવસ હૉસ્પિટલમાં રહેવાનો, ઑપરેશનનો, દવાનો અને બીજા કેટલાય ખર્ચાનો સરવાળો દોઢ-બે લાખથી ઓછો તો નહીં જ થયો હોય. ઘરે આવ્યા પછી એક દિવસ એણે મંથનને પૂછયું હતું: ‘મારી ટ્રીટમેન્ટનો આટલો બધો ખર્ચો તું કયાંથી કાઢશે ? મારો દાગીનો…’ ‘એ બધી ચિંતા તું છોડ તારે ફકત આરામ જ કરવાનો. બાકી બધું થઈ રહેશે.’

સાચે જ, હૉસ્પિટલનું બીલ પણ ભરાઈ ગયું હતું, સારામાં સારો પૌષ્ટિક ખોરાક, મોંઘી દવાઓ- તમામ સગવડોમાં કયાંય કશી કચાશ નહોતી. એટલે જ એને ફરીફરીને થતું કે, મંથન કેવી રીતે આ બધી ગોઠવણ કરતો હશે ? મંથનને તો આ સવાલ પૂછવાનો અર્થ જ નહોતો. કેમકે, હંમેશા એનો એક જ જવાબ રહેતો, ‘તારે રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે ? તું તારે જલસા કર જલસા.’

આજે પૂર્વીનો ફોન આવ્યો હતો, કૉલેજમાં પૂર્વી અને દીપેન એમના જ. ગ્રુપમાં હતા. ઉન્નતિ અને મંથનની જેમ એ બંનેની કૉલેજ ફ્રૅન્ડશીપ પણ જીવનભરના સાથમાં પરિણમી હતી. કયારેક ઉન્નતિ સાથે ગપ્પાં મારવા પૂર્વીના ફોન આવતા. ‘હલ્લો ઉન્નતિ, હું પૂર્વી બોલું છું.’ ‘હા ભઈ હા, તારો અવાજ હું ન ઓળખું ? આજે કેમ કંઈ ઓળખાણ આપવાની જરૂર પડી ગઈ ? ને તારો અવાજ આવો ભારેખમ કેમ છે ? તબિયત તો….’ ‘મારી તબિયત તો બરાબર છે પણ ઉન્નતિ, યુનો…એટલે કે, હું એમ કહેતી હતી કે, ચિંતન ઈઝ નોટ વેલ.’ ‘કોણ, આપણાવાળો ચિંતન ? શું થયું એને ? ને તને કયાંથી ખબર ?’ ‘હું અને દીપેન તો ચિંતન સાથે રેગ્યુલર કોન્ટેકટમાં હોઈએ છીએ પણ તને મંથને કશી વાત નથી કરી ?’ શું વાત ?’ ભય અને આશંકાથી ઉન્નતિનું હ્યદય ધડકવા લાગ્યું. ‘ચિંતનને તો લંગકેન્સર છે અને હવે હી ઈઝ વેરી ક્રીટીકલ’

‘ઓ માય ગૉડ ! હું આ બાબતમાં કંઈ નથી જાણતી ને મંથન પણ નહીં જ જાણતો હોત નહીં તો મને વાત તો કરે ને !’ કહેવું કે ન કહેવું એની દ્વિધામાં પૂર્વી થોડીવાર ચૂપ રહી. પછી જરા અચકાઈને બોલી, ‘ના, મંથન બધું જ જાણે છે, એને તો આ વાતની અમારા કરતાંય પહેલાં ખબર પડી હતી પણ એણે તને ચિંતનની આટલી સિરિયસ માંદગીની વાત ન કરી હોય તો પછી બીજું કંઈ તો નહીં જ કહ્યું હોય.’ ઉન્નતિ હવે અકળાઈ હતી. શું વાત છે કંઈ સમજ નહોતી પડતી. એણે કહ્યું, ‘પૂર્વી, મારી અને મંથનની વચ્ચે ચિંતનનો ટોપિક કોઈ દિવસ નહોતો નીકળતો. અમારા જીવનમાંથી એની બાદબાકી થઈ ગઈ છે એમ કહું તો ચાલે.’

‘એવું તું માને છે ઉન્નતિ, પણ હકીકત સાવ જુદી છે. એ હંમેશા તારા જીવન સાથે, તારા સુખદુઃખ સાથે જોડાયેલા જ રહ્યો છે.’ પૂર્વી, દીપેન અને ચિંતન કાયમ એકબીજાના સંર્પકમાં રહેતા એટલે પૂર્વીને બધી જ વાતની ખબર હતી. અહીંથી અમેરિકા ભલે જતો રહ્યો પણ ચિંતન ઉન્નતિને કદી ભૂલી શક્યો નહોતો. એની હંમેશા એક જ ઈચ્છા રહેતી –ઉન્નતિ સુખી રહેવી જોઈએ, એને કોઈ વાતની તકલીફ ન પડવી જોઈએ. એ મંથનને કહેતો, કંઈ પણ જરૂર પડે તો કહેજે દોસ્ત, સંકોચ નહીં રાખતો. અહીં હજારો ડૉલર કમાઉં છું, કોઈ કમી નથી. તમને લોકોને કામ આવી શકીશ તો મને આનંદ થશે. મંથનને તો આટલું જ જોઈતું હતું. ઉન્નતિ પ્રત્યેના ચિંતનના પ્રેમનો એણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. છાશવારે સ્વમાનને ઠેસ ન પહોંચવી જોઈએ, એને ભૂલેચૂકે આ વાતની ખબર ન પડવી જોઈએ એવી એણે પૂર્વી અને દીપેનને તાકીદ કરેલી.

ઉન્નતિને થયું કે, જાણે બધું ગોળગોળ ફરી રહ્યું છે. હમણાં એ ચક્કર ખાઈને પડશે. જેમતેમ પોતાની જાતને સંભાળતાં સાવ ધીમા સ્વરે એણે પૂછયું, ‘એની પત્નીને કોઈ દિવસ ખબર ન પડી ? એણે વાંધો ન ઉઠાવ્યો ?’
‘એણે લગ્ન કયાં કર્યા હતા ? અહીંથી ગયો ત્યારે જ એણે નક્કી કરી લીધું હતું કે, એ અપરિણીત રહેશે.’ ઉન્નતિને સમજાતું નહોતું કે, એને ગુસ્સો આવતો હતો, રડવું આવતું હતું કે શરમ આવતી હતી ! શા માટે ચિંતને એને અંધારામાં રાખીને એને માટે આ બધું કરવું જોઈએ ? એ શું સગી થતી હતી એની ? આંખમાં આંખ પરોવીને કોઈ દિવસ પૂછવાની હિંમત તો ન કરી કે, ડુ યુ લવ મી ? અને પછી આટલે દૂર બેઠા બેઠા પણ મારા જીવનમાં ચંચુપાત કરવાનું ક છોડયું. આઈ હેટ યુ, ચિંતન, આઈ હેટ યુ. આક્રોશ તો એટલો ભભૂકતો હતો કે એને થતું હતું કે, ઘરમાંની એકેએક ચીજ- ટી.વી., ફ્રીઝ, વૉશીંગ મશીન બધું તોડીફોડી નાખે, બધું નામશેષ કરી નાખે પણ… શું સાચે જ બધું નામશેષ થઈ શકે ?

એકાએક મંથનનો વિચાર આવતાં એનું બધું ધ્યાન હવે એ તરફ વળ્યું. ચાલો ચિંતન તો કહે એ સમજયા પણ મંથનને શરમ ન આવી. આવા તાગડધિન્ના કરતા કેટલો સ્વાર્થીને ગરજુ માણસ ! પાછું આટઆટલાં વર્ષો સુધી મારાથી બધું છુપાવી રાખ્યું. પોતાના મોજશોખ પોષાવા એણે મારો ઉપયોગ કર્યો, બીજી રીતે કહીએ તો મારો ધંધો કર્યો એમ જ ને ! યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી હતી ને મંથને મને મૂકી.. છી, છી…હવે મંથનનું મોઢું જોતાં ય નફરત થશે.

ત્રણ-ચાર દિવસ પછીની સવારે પેપર હાથમાં લીધું ત્યાં જ ઉન્નતિએ મરણનોંધમાં ચિંતનનો ફોટો જોયો – અમારા વહાલા પુત્ર ચિંતનનું દુઃખદ અવસાન અમેરિકા ખાતે થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા… ઘડીભર એ ફોટામાં હસી રહેલા ચિંતન સામે જોઈ રહી પછી ઝનૂનભેર એણે પેપર ફાડી નાખ્યું. ફાટેલું પેપર કચરા બાસ્કેટમાં નાખવા ગઈ ત્યારે એનું ધ્યાન પાળી પર બેઠેલા કાગડા તરફ ગયું. એની ચાંચમાં પૂરી હતી. ઉન્નતિ પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી. એને થયું હમણાં એ કા…કા…કરશે ને પૂરી ધબ્બ દઈને નીચે પડશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પેઈંગગેસ્ટ – રમેશ. ર .દવે
ત્રીજા વાલી ! – હરેશ ધોળકિયા Next »   

9 પ્રતિભાવો : પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર

 1. rajendra shah says:

  good story

 2. Mishti says:

  ઘણુ જ સરસ…

 3. kirti says:

  ઇમોશનલ વાર્તા

 4. jignisha patel says:

  મજા પડી ગઈ. કંઈક નવુ વાંચવા મળ્યુ. ખુબ ગમી.
  ધન્યવાદ મ્રુગેશજી, આપના લીધે અમને રોજ-રોજ કાંઈક નવુ વાંચવા મળે છે.આશા વિરેન્દ્ર જી, આપ ક્યાંથી આવુ નવુ નવુ શોધી લાવ છો?

 5. yagnesh rajput says:

  ઘણુ સરસ

 6. Yatindra Bhatt says:

  GOOD ONE

 7. હીરક says:

  પ્રેમ ક્યારેય મરતો નથી, પ્રેમ ની પરાકાષ્ઠા છે ચિંતન નો પ્રેમ….

 8. p j pandya says:

  બબુસરસ નબવાર ખુબ મ્ઝા આવિ

 9. Kalidas V. Patel {Vagosana} says:

  આશાબેન,
  બિલકુલ નવી તરાહની વાર્તા આપવા બદલ આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.