ત્રીજા વાલી ! – હરેશ ધોળકિયા

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી.]

બાળક ઊછરે છે ત્યારે મહતમ કોની પાસે રહે છે ? સીધો જવાબ છે : માતા અને પિતા પાસે એટલે કે માતા પિતા બાળકના પહેલા અને મુખ્ય વાલી છે. તે જ તેને, ઈચ્છે તો, સારી રીતે ઉછેરી શકે છે. તે જ તેનું ઘડતર કરી શકે છે. બાળક ભવિષ્યમાં જેવું પણ થાય છે, અથવા દેખાય છે, તે તેનાં આ બે વાલીઓના ઉછેરનું જ સીધું પરિણામ હોય છે. બાળકને જે કંઇ પણ સૂચનો, ઉપદેશ, માર્ગદર્શન મળે છે, તે આ બે પાસેથી જ મળે છે.

પણ હવે બાળકના જીવનમાં ત્રીજા વાલીએ પ્રવેશ કર્યો છે. આ બે વાલીઓના હરીફ બની શકે તેવા વાલીએ આગમન કર્યું છે. તે ત્રીજા વાલી આ બે વાલીઓના માર્ગદર્શનને પણ હચમચાવી શકે તેવી તાકાત ધરાવે છે. કયારેક તો, મા-બાપ ધ્યાન ન રાખે, તો આ ત્રીજા વાલી તેમના વાલી બની જાય એવી શકિત ધરાવે છે. આ ત્રીજા વાલી માતા પિતા માટે પડકારરૂપ બની ગયેલ છે. અને ધ્યાન નહીં રાખે, અને કમનસીબે ધ્યાન ઘટતું જાય છે. અને ધ્યાન નહીં રાખે, અને કમનસીબે ધ્યાન ઘટતું જાય છે –માતા-પિતાનું, તો આ ત્રીજા વાલી મુખ્ય બની જશે અને આ બે વાલીઓ ગૌણ બની જશે તેવો ડર છે. શહેરોમા તો શરૂઆત થઈ જ ગઈ છે. જે રીતે આ ત્રીજા વાલીની જાળ પથરાતી જાય છે, તે જોતાં ગામડાઓમાં પણ વાર નહીં લાગે.

કોણ છે આ ત્રીજા વાલી ? દાદા-દાદી ? નાના-નાની ? કે કાકા-મામા વગેરે ? કે પડોશી ? ના, આમાંથી કોઈ જ નહીં. તે બધાને પણ ગૌણ બનાવે છે આ આપણા ત્રીજા વાલી. તે છે ‘ટેલિવિઝન’ નવાઈ લાગે છે ? નથી માની શકાતું ? તો ચિંતા કરવાનું શરૂ કરી દો. આ તદ્દન સાચી વાત છે. તેનો વ્યાપક રીતે અભ્યાસ થઇ રહ્યો છે. અને દરેક અભ્યાસમાં આ જ તથ્યો બહાર આવી રહ્યાં છે.

ટી.વી. ની શરૂઆત તો માહિતી-પ્રસારણ કરવા માટે જ થઈ હતી. ભારતમાં સિતેરના દાયકામાં જયારે તેણે પ્રસારણ કરવાની શરૂઆત કરી, ત્યારના કાર્યક્રમો આજે યાદ કરીએ, અથવા આજે બતાવાય, તો દર્શકો હસી હસીને લોથ થઈ જવાના. ગ્રામ્ય પ્રજાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો તૈયાર થતા. તેમાં ભેંસ કેમ દોહવાય કે ગાયની પ્રસૂતિ કેમ થાય તેવા કાર્યક્રમો બતાવતા. અને લોકો હોંશથી જોતા. શરુ થવાની રાહ જોતા. અને ત્યારે એક જ ચેનલ હતી- દૂરદર્શન ! પછી દૂરદર્શને પણ પ્રગતિ કરવા માંડી. સીરિયલો શરૂ કરી. તેમાં પહેલી અને મહત્વની હતી ‘હમ-લોગ.’ ત્યારથી મનોરંજન આપવાની શરૂઆત થઈ. પણ ત્યારે દૂરદર્શન પણ ખ્યાલ રાખતું કે ટી.વી આખું કુટુંબ બેસી જુવે છે. એટલે તે બહુ જ મર્યાદિત રીતે બધું બતાવતું હતું. સંદેશ આપતી સીરિયલો આપતું હતું. ત્યારના ટેલિવિઝની ભૂમિકા વિશે કહેવાયું કે ‘દરેક ઘરના અમુક ચોક્ક્સ રીતરીવાજો હોય છે. દરેક જણ તેનાથી બંધાયેલ હોય છે. ટેલિવિઝને પણ હવે કુટુંબ સાથે જ તેમના લિવીંગ રૂમમાં અને બેડરૂમમાં રહેવાનું શરૂ કર્યું છે. તે ઘરનું એક મહેમાન છે. તેણે એક સદગૃહસ્થ અને શિસ્તબદ્ધ મહેમાન જેમ રહેવાનું છે. તેણે પણ સરાસરી કુટુંબના બધા જ નિયમો પાળવાના રહે છે. કુટુંબના બધી જ વયજૂથના લોકોને તેણે સ્વસ્થ દર્શન આપવાનું છે.’ આ ખ્યાલને ધ્યાનમાં રાખીને દૂરદર્શન કાર્યક્રમો આપતું હતું.

રાજીવ ગાંધીના આગમન પછી તેનો વિસ્તાર શરૂ થયો. તેણે ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરીયલો દ્વારા ટી.વી. ને ઘેર ઘેર પહોંચાડી દીધું. ટી.વી. વ્યાપક બની ગયું. પણ તેના કાર્યક્રમો હજી પણ સ્વસ્થ જ રહ્યા હતા. તેથી વાંધો આવતો ન હતો. કુટુંબની પરંપરા જળવાતી હતી.પણ ૧૯૯૦થી કેબલની ટેકનોલોજી આવવી શરૂ થઈ અને હવે બીજી ચેનલો શરૂ થવા લાગી. ૧૯૯૦ સુધી એક જ દૂરદર્શન ચેનલ હતી. ૧૯૯૦ના વર્ષ દરમ્યાન સો થઇ ગઇ. આજે તો લગભગ સાતસો જેટલી થઇ ગઇ છે. સ્ટાર નેટર્વક અને ઝી નેટર્વક આવવાની સાથે જ કાર્યક્રમોની રીતભાત બદલવા લાગી. આ બધી ચેનલોને તો કમાણી કરવી હતી. એટલે સંદેશ આપવો તેમનો હેતુ ન હતો. માત્ર મનોરંજન આપવું એ જ તેમનું ધ્યેય હતું. એટલે તેમના કાર્યક્રમો, ખાસ કરીને સિરીયલો, બદલવા માંડી. શરૂઆત તો કૌટુંબિકથી જ થઇ. પણ પછી તેમાં સનસનાટીનું તત્વ આપવાનું શરૂ થયું. તેમાં એકતા કપૂરે જયારથી સીરિયલો બનાવવાની શરૂઆત કરી જે પાછી સાતસો-આઠસો હપ્તા ચાલતી, તેમાં તો કૌટુંબિક વેરઝેર જ મુખ્ય વિષય બન્યા. કુટુંબના આદર્શ હોય એ વાત ભૂલવા લાગી. તેને બદલે પૈસા ખાતર, ઘર ખાતર, સતા ખાતર જે ખટપટો રમાતી હોય છે તે બતાવતી શરૂ થઇ. કુટુંબ વિશેના ખ્યાલો જ બદલાવા લાગ્યા. અત્યંત નકારાત્મક દ્દશ્યો શરૂ થયાં. આજ સુધી તે ચાલુ છે.

તેમાં થોડાં વર્ષોથી વળી રિયાલિટી શો શરૂ થયા છે. શું છે આ રિયાલિટી શો ? સંગીત કે નૃત્ય જેવા શો બાદ કરતાં નકારાત્મક જ છે. આ કાર્યક્રમો હવે કુટુંબના સભ્યો સાથે બેસીને જોઇ શકાય તેવું નથી. ‘બિગ બોસ’ માં મારામારી, ગાળાગાળી જ દેખાડાય છે. તદ્દન હલકી કક્ષાનું મનોરંજન પીરસાય છે. જોતાં શરમ આવે. પણ તેને ટેલિવિઝન ટી.આર.પી. (રેટિંગ પોઇન્ટસ-કોઇ કાર્યક્ર્મ કેટલો લોકપ્રિય છે તેનું સૂચક) વધારે છે એમ કહી બતાવાય છે. હજી પણ નવા નવા વિષયો શોધી તેવા કાર્યક્રમો બતાવવાની તૈયારીઓ ચાલે છે.

સાથે ફિલ્મો બતાવાય છે. એડલ્ટ ફિલ્મો રાતે અગિયાર વાગ્યા પછી, બાળકો સૂઇ જાય પછી, વડીલો જોઇ શકે એમ શરૂ થતી. ધીમે ધીમે સ્વાતંત્ર્યના બહાના હેઠળ તે આખો દિવસ બતાવવી શરૂ થઇ છે અને આજે તો અનેક ચેનલો માત્ર ફિલ્મો પર જ ચાલે છે. જીવનની હલકી બાબતો પણ ચાલે છે. વધે છે. લોકપ્રિય બને છે. અને હવે તો ટી.વી. માત્ર એક જ રૂમમાં નથી, દરેક રૂમમાં આવતું જાય છે, વ્યક્તિ દીઠ અલગ થતું જાય છે. આગળ તો રાતે જ જોવાતું. હવે તો આખો દિવસ જોવાય છે. જોવાય કે નહીં, ચાલુ તો રહે જ છે. વડીલો બાળક તોફાન કરતું હોય, તો તેને ટી.વી. સામે બેસાડી કાર્ટુન ચેનલો બતાવે છે. અથવા ગમે તે ચાલુ કરી દે છે અને બાળક ખાતા ખાતા નિરાંતે જોયા કરે છે.

અને ટેલિવિઝન તો, આગળ કહ્યું તેમ, પ્રત્યાયનનું સૌથી અગત્યનું સાધન છે. તે દ્દશ્યો દ્વારા પ્રબળ અને પ્રભાવક રીતે સંદેશા આપે છે. કુટુંબ એટલે ઝઘડા, ખટપટ, ખૂન-ખરાબા, લગ્નની હાંસી, સ્ત્રી-પુરુષ વચ્ચેના અસ્વસ્થ સંબંધો, સતા માટે ખટપટો અને ખૂનો આ બધું બાળક જુએ છે. બાળકનું મન તો મીણ જેવું છે. દરેક દ્દશ્ય તેનાં મનમાં છપાઇ જાય છે. તે તેને સાચું માની લે છે. જાહેરખબરો પણ તેના મનમાં વ્યક્તિત્વ વિકાસ વિશે ખોટા ખ્યાલો આપે છે કે કેવળ બાહ્મ પ્રસાધનોથી જ વ્યક્તિત્વ વિકસી શકે. આમ, સીરિયલો, ફિલ્મો, જાહેરાતો, સમાચારો-બધાંનો તેના કુમળા મન પર સતત હુમલો થતો રહે છે.

સમાંતરે, હવેનાં માતા પિતા ‘બીઝી’ છે. બાળક માટે તેમની પાસે ઓછો સમય છે. એટલે બાળક મહતમ સમય ટી.વી. સામે જ ગાળે છે. એટલે તે જ તેનું ત્રીજું મુખ્ય વાલી બની જાય છે. તે જ તેને માર્ગદર્શન આપે છે. અને તેનો પ્રભાવ એટલો રંગીન હોય છે કે તે સાચું લાગે છે. એટલે બાળક જાણતાં-અજાણતાં તેને અનુઅસરવાનું શરૂ કરે છે. તે પ્રમાણે જ વિચારવા લાગે છે. કોઇ પર વિશ્વાસ રાખતાં ગભરાય છે. શાળા કોલેજમં ગમે તેમ વર્તી શકાય છે તેમ તે સીરિયલોમાં જુવે છે. કાયદાની હાંસી થતી જૂવે છે. સજ્જ્નોને હેરાન થતા જુવે છે. તેથી સજ્જ્નતા ન રાખવી એમ શીખે છે.

આ બધી વાતો કપોળકલ્પિત ન માનવી. તેના અભ્યાસો શરૂ થઇ ગયા છે. અને આમ પણ રોજ છાપાં વાંચશું તો પણ આ દેખાશે. બળાત્કારો કેમ વધે છે, કાનૂન તોડવાના બનાવો કેમ વધે છે, કુટુંબો કેમ તૂટવાં શરૂ થઇ ગયાં છે, ‘લીવ ઇન રિલેશનશિપ’ કેમ વધતી જાય છે, વડીલો કેમ ધુત્કારાય છે ? આ બધું, માનીએ કે ન માનીએ, ટી.વી.નું જ આડકતરું પરિણામ છે. માતાપિતા સમયના અભાવે બાળકોને શું જોવું ને શું ન જોવું તેની
સલાહ આપી શકતા નથી. એક દુષ્ચક્ર ઊભું થઇ ગયું છે. તેમાં હવે નેટ, મોબાઇલ, પોર્નોગ્રાફી વગેરે ભળે છે. ભયંકર સ્થિતિ થઇ ગઇ છે. સમાજ તો મૂઢ છે, તેને તાત્કાલિક સુખ મળે તેમાં રસ છે, બાળકોના લાબાં ગાળાના સ્વસ્થ ઉછેરમાં રસ નથી. ‘ચલતા હૈ’ નું માનસ ધરાવે છે.

એટલે શાહમૃગવૃતિ છોડવાની તાતી જરુર છે. જો આ ત્રીજા વાલી વધારે પ્રબળ બનશે, તો શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ બધાં ખલાસ થઇ જશે. એક જબરો પતનયુગ શરુ થશે. ગમે તેમ કરીને આ ત્રીજા વાલીને હટાવવાની જરૂર છે. તે કેવળ માતા-પિતા જ કરી શકશે. સરકાર તો નીંભર હોય છે. તેને સમાજ મૂઢ રહે તેમાં જ રસ હોય છે. તો જ તે ભ્રષ્ટાચાર વગેરે કરી શકે. એટલે તે તો આવા કાર્યક્રમોને પ્રોત્સાહન જ આપશે.

અને હા, ટી.વી. પોતે નહીં હટે, તે તો રહેશે જ. પણ તેને કેમ જોવું, બાળક સામે કેવા કાર્યક્રમો મૂકવા તે મા-બાપોએ વિચારવાનું છે. જો ચૂકયાં, તો બધી ઘટનાઓની તૈયારી રાખવી. પછી અફસોસ ન કરવાનો અર્થ નહીં રહે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર
પાછા તમે…. – સંદિપ એ. નાયી Next »   

6 પ્રતિભાવો : ત્રીજા વાલી ! – હરેશ ધોળકિયા

 1. JAYSHREE SHAH says:

  ખુબ જ સરસ અને સાચિ વાત કહિ

 2. sandip says:

  welcome….

 3. Kaushik says:

  ત્રીજો વાલી ટિ. વી. અને ચૌથો વાલી અત્યારે ઈન્ટરનેટ

 4. Mamtora Raxa says:

  ખૂબ સરસ લેખ આપણા સમાજે આ દિશામાં જાગ્રુત થઇ ટીવી કાર્યક્રમો ઉપર યોગ્ય નિયંત્રણ લાવવા જરૂરી.

 5. Rupal says:

  Very nice article.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.