પ્રેમ:સાંજનો દીવો – ભરત એસ. ભૂપતાણી

[ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

પ્રેમ વિશે ઘણાએ લખ્યું છે. ઘણાં ગીતો લખાયાં છે. નાટકો અને ફિલ્મોમાં પણ પ્રેમનો ધોધ વહે છે. છતાંય પ્રેમ અવર્ણનીય જ રહ્યો છે. મુગ્ધાવસ્થામાં કોઈ અચાનક ગમવા માંડે અને તે વ્યકતિમય થઈ જવાય. આવો જ મેં પણ અનુભવ કરેલ. આજે જિંદગીના છ દાયકા બાદ પણ એ યાદોના પટારા ખોલતા રોમાંચિત થઈ જવાય છે. અને પત્ની ‘સાઠે બુદ્ધિ નાઠી’ જેવી ટકોર કરે છે.

બન્યું હતું એવું કે મેં મલાડાની શાળામાંથી સારી ટકાવારીમાં પાસ થઈ અંધેરીની ચિનાઈ કૉલેજમાં પ્રવેશ લીધો, ઘરની પરિસ્થિતિ નબળી હતી. પપ્પાનો સ્ટેશન રોડ પર નાનકડો બાંકડો હતો. ખાવા-પીવાનો ખર્ચ નીકળી જતો. મલાડમાં જ માર્વે રોડ પર એક ચાલીમાં નાનકડી રૂમમાં રહેતા હતા. કૉલેજમાં નવી દુનિયાનો થનગનાટ હતો, પણ નબળી સ્થિતિને કારણે એક જ પેન્ટ અને શાળાના યુનિફૉર્મના શર્ટથી ચલાવવું પડતું.

કૉલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળ ચાલતું તેનો હું સભ્ય બન્યો અને તેમાંની એક છોકરી મને ગમવા માંડી. એટલી રૂપાળી પણ નહીં છતાં પણ નમણી, સપ્ર્માણ દેહ અને લાંબો ચોટલો વાળે. પૂનમ તેનું નામ, પણ એ સમયે એક મર્યાદા રહેતી હતી. બહુ વાતચીત નહીં પણ તેને મળવાનો, તેને ટીકીટીકી જોઇ આંખમાં ભરી લેવાનો તલસાટ રહેતો હતો. ધીમે ધીમે હું પ્રેમમાં ડૂબવા લાગ્યો. પ્રાધ્યાપક ભણાવે છે તેના તરફ ધ્યાન રહેતું નહિ. તે સ્મિત આપતી. તો જાણે લૉટરી લાગી હોય તેવો આનંદ થતો. પણ સ્વભાવ થોડોક ડરપોક, વળી કયારેય તેને કોઈની સાથે વાત કરતા જોઈ ન હતી. (આ વાત ચાલીસ વર્ષ પહેલાંની છે સાહેબ) ઘરમાં પણ હું મારા સ્વપ્નમાં ખોવાયેલ રહેતો હતો. બધાને મારા વિચિત્ર વર્તનની નવાઈ લાગતી હતી.

એવામાં મારા ઘરની સામે બંધાતી કૉલેજમાં ઑફિસમાં નોકરી મળી, હવે કૉલેજ, નોકરી અને દુકાન એમ ત્રણેય જગ્યાએ દોડાદોડી કરતો પણ કોઈપણ સંજોગોમાં કૉલેજમાં ગેરહાજર ન રહેતો. રવિવારે રજાઓ અને વેકેશન ખૂંચતા. કયારેક તે ન આવતી તો ઉદાસ થઈ જતો, મનમાં જાતજાતના વિચારો આવતા અને એ વમળમાં ઘરમાં અને ઑફિસમાં તેમ જ દુકાનમાં છબરડા થઈ જતા. એક દિવસ મનની વાત મારા મિત્ર વિપુલને જણાવી, મન હળવું કરવા વિચાર્યું. તેવામાં તેણે જ સામેથી કહ્યું : ‘યાર ! મારે તને એક વાત કહેવી છે. આજે કેન્ટિનમાં મળીએ. કેન્ટિનમાં મેં વિપુલને કહ્યું : ‘યાર ! મારે પણ મનની એક વાત કહેવી છે.’ ‘તો બતાવ ને.’ ‘ના પહેલે આપ…’ આમ ખેંચતાણમાં વિપુલે પોતાની વાત એકદમ ઉતેજના સાથે કહી, ‘યાર, આપણા સાહિત્યમંડળની એક સભ્ય છે. થોડી રૂપાળી અને લાંબાવાળ વાળી.’

મારા દિલની ધડકન વધી ગઈ, કયાંય આ મારી પૂનમની તો વાત નહિ કરતો હોય ! મેં કહ્યું, ‘હા, કેમ ?’ ‘યાર ! મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે. અને…! મારા દિલ પર વીજળી પડી, મારા સ્વપ્નની પરી જેને કેટલાય સમયથી મનોમન પ્રેમ કરતો હતો. મારી જ સમજતો હતો, તેની જ આ વાત કરતો હતો. હું કંઈ જ ન બોલી શક્યો, પણ મારું મન ગ્લાનીથી ભરાઈ ગયું. જીવન નીરસ લાગવા લાગ્યું. શુંકરું… મરી જાઉં ? ત્યાં મગજે આદેશ દીધો : ‘મૂરખા તારા ઘરમાં તું એકનો એક છે, બેન છે અને તું તો તેમનો આધાર છે. પ્રેમમાં તું શહીદ થઈશ તો આ લોકોનું કોણ… ઘરે આવ્યો. શરીરની શક્તિ જ જતી રહી હોઈ એવું લાગ્યું. એકાંતમાં ખૂબ જ રડવું હતું, પણ માતાજીના મંદિર પાસે બેઠો. આંખમાં આંસુ આવ્યા હતા. મમ્મી તરત જ પામી ગયા કે આજે હું ઉદાસ છું. દુઃખી છું. ‘શું થયું બેટા ! કૉલેજમાં કઈ થયું ? ઑફિસમાં કોઈ બોલ્યું ? કે તારા પપ્પા તને વઢયા…?’

હું માને કેમ કહું, પણ મારું હૈયું ભરાઈ આવ્યું. માના ખોળામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. માનો હાથ માથા પર ફરતો હતો. ખૂબ જ સારું લાગ્યું, પણ કેટલુંય પૂછવા છતાં હું કહી ન શકયો કે પ્રેમમાં રમતની શરૂઆત પહેલાં જ હારી ગયો છું. કૉલેજ જવાનો ઉત્સાહ રહ્યો નહીં, પણ બધી જ ફરજો કૉલેજમાં, ઑફિસમાં કે દુકાને નીભાવતો, એક જીવતી લાશની જેમ ફરતો. ફરી પાછો વિપુલ મળ્યો. ખૂબ જ ખુશ હતો. ‘યાર ! મે પૂનમને મારા મનની વાત પત્ર લખીને કહી દીધી અને તને ખબર છે. આ પત્ર બાદ મને સામી મળી અને સ્મિત આપી આંખો ઢાળી દીધી. તે પણ મને પ્રેમ કરે છે’ ઉત્સાહમાં તે તો મને વળગી પડયો.

એક ક્ષણે તો મને તેનું ગળું દબાવવાનું મન થઈ ગયું, પણ પછી લાગ્યું કે તેનો શો વાંક ? મેં તેને અભિનંદન આપ્યા અને બન્નેના પ્રેમસંબંધનો હું સાક્ષી બની ગયો. મને આગ્રહ કરી તે મને બહાર લઈ જતા. તેમના સંદેશાનું આદાનપ્રદાન મારા દ્વારા જ થતું. તે જમાનો ખૂબ જ મર્યાદાવાળો અને ખાસ કરીને છોકરીઓને આજના જેવી આઝાદી ન હતી. પૂનમને પણ સમાજ અને કુટુંબનો ડર રહેતો. તેમનો પ્રેમ કેન્ટિનમાં, પિકનિકમાં કે વાર્ષિક ઉત્સવમાં જ વિકસતો. ભાગ્યે જ બહારની હૉટેલ કે ફિલ્મ જોવા તેઓ જતા. સમય વીતતો ગયો, મેં પણ મારા પહેલી ઝાકળ જેવા પ્રેમની નિષ્ફળતાને પચાવી દીધી. કૉલેજના છેલ્લાં વર્ષમાં અમે બધા છેલ્લીવાર મળ્યા.

ચોક્ક્સ મળીશું એવા વાયદાઓ સાથે જુદા પડયા. પાછળથી ખબર પડી કે વિપુલ વધુ અભ્યાસ માટે લંડન ગયો. તેણે લગ્ન કર્યા કે નહિ તે રહસ્ય જ રહ્યું. સમય વહેતો ગયો. ઘરની પરિસ્થિતિ પણ થોડી સારી થઈ. મારા લગ્ન સુંદર અને સંસ્કારી છોકરી સાથે થયા. મારા ઘરને તેણે સાચવી લીધું. તેના સારા પગલાંને કારણે ધીમે ધીમે હું લૅકચરર સુધી પહોંચ્યો. અને ચાલીની રૂમમાંથી ફલૅટમાં રહેવા ગયા. બે પુત્રો હાર્દિક અને યશનો જન્મ થયો. દુકાન વેચાઈ ગઈ, છોકરાઓ મોટા થઈ ગયા, પપ્પાનું અવસાન થયું. બેનના પણ લગ્ન લેવાઈ ગયા.

અને વૃદ્ધાવસ્થા તરફ ડગ માંડતા નોકરીમાંથી નિવૃત થઈ ગયા. તમને નવાઈ લાગશે કે આ સંસારના મહાસાગરમાં મને કયારેય નથી પૂનમ મળી અને તેના કોઈ ખબર.. તેવું જ વિપુલનું છે. એક વખતના જીગર અને જાન આજે કયાંય દૂર ફેંકાઈ ગયા છે, પણ કયારેક એકાંતમાં ભૂતકાળના પોપડા ઉખેડીએ ત્યારે કૉલેજની વાતો, યુવાવસ્થાની ઘેલછા, પહેલો પ્રેમ આંખો ભરી દે. આજે મારા આયખાના સાઠ વર્ષ બાદ પણ પૂનમ મારા હ્રદયના એક ખૂણે બિરાજમાન છે અને એક અફસોસ પણ છે કદાચ વિપુલ પહેલા મેં પણ પ્રેમનો એકરાર તેની સમક્ષ કર્યો હોત તો…

કદાચ આ જ પ્રેમ હશે. મેં પ્રેમની અનુભૂતિ કરી છે, પ્રેમથી હું રડયો છું. હસ્યો છું. અરે પાગલ જેવી સ્થિતિમાં પણ રહ્યો છું. આજે પણ એ પ્રેમની યાદનું અમૃત મારા મનમાં એક અનોખી શક્તિ આપે છે. તમે પણ જિંદગીમાં એ દિવસોમાં કોઈકને મનમાં બેસાડયા હશે, નસીબ હશે તો સાથે ફર્યા પણ હશો. એકબીજાનો તલસાટ અનુભવ્યો હશે અને કુદરતની વધારે મહેરબાની હશે તો લગ્ન પણ થયા હશે. ખરેખર જિંદગીના સંધ્યાકાળે જયારે અનેક મુસીબતો અને રોગોથી ઘેરાયેલા હો ત્યારે એકલા ઘરની બાલ્કનીમાં, કે રાત્રિની શાંતિમાં મનનો પટારો ખોલજો, ખૂબ જ ગમશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પ્રેમ:સાંજનો દીવો – ભરત એસ. ભૂપતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.