એક આહલાદક અનુભવ – દિવ્યા જોષી

[‘અંખડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

આજે આપણે આધુનિક વિકાસની દ્રષ્ટીએ ઘણા આગળ વધ્યા છીએ, પરંતુ પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ભારતીય પરંપરાથી તેટલા જ દૂર ધકેલાતા જઈએ છીએ. જીવનનાં પાયાનાં મૂલ્યોને આજે હ્રાસ થતો જણાય છે. પશ્ચિમની અસર તળે અંજાઈને સારાસારના વિવેક વગર, પશ્ચિમનું બધું ઉતમ માની, આંધળું અનુકરણ કરતાં અચકાતા નથી.

હાલમાં પશ્ચિમમાં લોકો ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત જીવનમૂલ્યો અને તત્વોને ઝડપથી સ્વીકારવા લાગ્યા છે. જયારે આપણે ત્યાં ઊલટી ગંગા વહે છે ! ત્યાં અયોગ્ય સમજી જે છોડે તે આપણે અપનાવીએ, બુદ્ધિ ગિરવે મૂકીને ! વળી, અધૂરામાં પૂરું નકલ કરવામાં ગર્વ અનુભવીએ, ભાષા, ખોરાક, પોષાક, રહેણીકરણીથી માંડી દરેક ચીજમાં. એ વિચાર્યા સિવાય કે આપણા દેશની ભૌગોલિક સ્થિતિ, આબોહવા, સંસ્કૃતિ કે સમાજવ્યવસ્થા સાથે તે કેટલું અનુકૂળ કે સુસંગત છે !

પશ્ચિમમાં તો આજે ઘણા લોકો શાકાહાર તરફ વળ્યા છે. શરીર અને મનની તંદુરસ્તી અને શાંતિ માટે ધ્યાન, યોગ વગેરે પણ ત્યાં ઘણું પ્રચલિત થતું જાય છે. જયારે આપણે ત્યાં અનેક લોકો શરાબ, ધૂમ્રપાન અને માંસાહારને રવાડે ચડયા છે. જેથી કૅન્સર, હ્યદયરોગ, ડાયાબિટીસ જેવા જીવનપદ્ધતિ સાથે જોડાયેલા રોગોએ માઝા મૂકી છે. ઠંડા પ્રદેશમાં તો માંસાહાર શારીરિક જરૂરિયાત છે. પણ આપણે ત્યાં તેની આવશ્યકતા નથી. છતાં ત્યાં પણ હવે તો જાગૃતિ આવતાં આરોગ્યને ધ્યાનમાં લઈને લોકો માંસાહાર છોડી શાકાહારી થતા જાય છે. અંગ્રેજી ભાષાનું તો એટલું બધું ઘેલું લાગેલું છે કે, આવડે કે ન આવડે પણ સામાને ઇમ્પ્રેસ કરવા વાત વાતમાં અંગ્રેજી શબ્દો અને વાકયોનો પ્રયોગ કરતા લોકો સાંભળવા મળે છે. તેમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતી લોકો પોતાની માતૃભાષા ગુજરાતીમાં બોલતાં નાનપ અનુભવે છે. બીજી બાજુ, મરાઠી, બંગાળી કે દક્ષિણના લોકો મળે ત્યારે અંગ્રેજી જાણવા છતાં, તેઓ પોતાની માતૃભાષામાં જ બોલવાનો આગ્રહ રાખે છે તે પણ નજરે જોયું છે. એવો અનુભવ છે કે, ઘણા શિક્ષિત ગુજરાતીઓ મળે ત્યારે અંદરઅંદર અંગ્રેજીમાં જ વાતચીત કરે અને તમે ગુજરાતીમાં કંઈ પૂછો તો પણ તે જવાબ અંગ્રેજીમાં આપે. એનો અર્થ એ નહીં જ કે, અંગ્રેજી આવડવું કે શીખવું એ ખરાબ વસ્તુ છે. પરંતુ આ દેખાદેખીમાંથી બહાર નીકળવાની અને આત્મગૌરવ જાળવવાની વાત છે.

આ બધા વિચારો મનમાં ચાલતા હતા તે દરમિયાન એક સુંદર ઘટના બની. અમેરિકાની, પ્રતિષ્ઠિત પ્રિન્સટન યુનિવર્સિટીના ગણિતના પ્રોફેસર મંજુલ ભાર્ગવ તાજેતરમાં મુંબઈની કોલાબા સ્થિત ટાટા ઇન્સિટયૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચની મુલાકાતે આવ્યા. તેમની ઉંમર ત્રીસની આસપાસ. પરંતુ નાની વયે ઘણી સિદ્ધિ અને પ્રસિદ્ધિ મેળવી લીધી છે. હાલમાં જ તેમના ગણિતના સંશોધન કાર્યની ઘણી પ્રશંસા થઈ છે. ગણિતમાં નંબર થિયરીમાં નિષ્ણાત પ્રો. ભાર્ગવે ૨૦૦ વર્ષ જૂના ગણિતના કોયડાઓ ઉકેલીને ટોચનું સ્થાન મેળવ્યું છે. આ માટે તેમને કલે ઇન્સિટયૂટ તરફથી ૧૦,૦૦૦ ડૉલરનું ઈનામ પણ મળેલું. જો કે તેમણે તે ઈનામની રકમ રામાનુજન મૅથેમેટિકસ સોસાયટીને ગણિતમાં આગળ વધવા ઈચ્છતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા આપી દીધી.

અમે પ્રો.ભાર્ગવ અને તેમનાં માતુશ્રીને અમારે ત્યાં આમંત્રિત કર્યાં હતાં. નિયત સમયે તેઓ આવી પહોંચ્યાં. બંનેએ અમારા અંગ્રેજીના આવકારના બદલામાં હાથ જોડીને ‘નમસ્તે’ કહ્યું. અમેરિકાના રહેવાસી તેથી સ્વાભાવિક રીતે એમ હોય કે ઇંગ્લિશમાં બોલવા ટેવાયેલા હશે. પણ વાતચીતનો દોર શરૂ થતાં ખ્યાલ આવ્યો કે તેઓ ભારતીય મૂળનાં (જયપુરનાં), પણ વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલાં. જન્મ કૅનેડામાં. પ્રો .ભાર્ગવ સંસ્કૃત પણ શીખ્યા છે અને ઉસ્તાદ ઝાકીરહુસેન પાસે તબલાં શીખે છે. તેમનાં માતા ગણિતનાં પ્રોફેસર છે અને સંસ્કૃતના વિદ્વાન છે. બીજી નવાઈ પમાડે તેવી વાત એ બની કે તેઓએ, જેટલોં સમય અમારી સાથે હતાં તે દરમિયાન શુદ્ધ અને સહજ હિંદી ભાષામાં જ વાતો કરી, અને તેમાં કયાંય જરા પણ દંભ, દેખાડો, મોટાઈ કે ત્યાંના ભભકાથી આંજી દેવાનો પ્રયાસ કે વૃતિ ન દેખાણી. તેમનાં વર્તન અને વ્યવહારની સરળતા અને સાહજિકતા પ્રસન્ન અને પ્રભાવિત કરનારાં હતાં. ભરતગૂંથણ, સંગીત, લોકક્લા, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જેવા અવનવા અનેક વિષયોને આવરી લેતી વાતચીત દરમિયાન એ સ્પષ્ટ જણાઈ આવતું હતું કે, ભારતીય સંસ્કૃતિથી તેઓ બંને ખૂબ પ્રભાવિત અને આકર્ષિત હતાં. એટલું જ નહીં, તેને ખરા અર્થમાં આત્મસાત પણ કરી હતી. ખરું જોતાં આપણાથી પણ તેઓ વધુ ભારતીય જણાતાં હતાં ! સમગ્ર વાતચીત દરમિયાન તેમણે ભાગ્યે જ અંગ્રેજીનો ઉપયોગ કર્યો.

તેમનાં માતુશ્રીએ અણગમો વ્યકત કરતાં કહ્યું કે આપણે ત્યાં પણ સંયુકત કુટુંબો તૂટવા લાગ્યાં છે. ઘરડાં ઘરોની સંખ્યા વધતી ચાલી છે, છૂટાછેડાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. પશ્ચિમ સંસ્કૃતિની નકલ કરી આપણે આપણી પરંપરાઓ અને મૂલ્યોનો ખાતમો કરી નાખ્યો છે. આજે યુવાપેઢી મીડયાની અસર નીચે આવી આધુનિકતા અને સ્વતંત્રતાના અંચળા હેઠળ ઉચ્છૃંખલ બની, અંગપ્રદર્શન તરફ વળી છે. જેનાં દુષ્પરિણામો (બળાત્કાર, હિંસા) એ હાલમાં કાળો કેર વર્તાવ્યો છે જેનાં આપણે સહુ મૂક સાક્ષી છીએ.

પ્રો.ભાર્ગવ ભારતમાં સ્થાયી થવા ઈચ્છે છે. પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની તમન્ના છે. પરંતુ, તેમની કારકિર્દી થોડી સ્થિર થઈ જાય પછી આવી શકે. એક વાર તમારા કામને ત્યાંનો સ્ટેમ્પ લાગી જાય ત્યાર પછી જ અહીં (ઘર આંગણે) ભારતમાં તમારું કામ સ્વીકારાય. તેમના મતે પરદેશમાં ગુણવતાની સાચી કદર થાય છે ? જવાનો સમય થતાં ‘નમસ્તે’ અને ‘શુભ રાત્રિ’ કહી વિદાય લીધી. જાણે કે ભારતીય સંસ્કૃતિને તેઓ સાચા અર્થમાં જીવી રહ્યાં હતાં. ઉપરનો પ્રસંગ ઘણું શીખવી જાય છે. કમળ જેમ કાદવ વચ્ચે રહેવા છતાં તેને ગંદકી સ્પર્શતી નથી તેમ અમેરિકામાં રહેવા છતાં તેમણે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી તેનું સાક્ષાત્ત્ દર્શન થયું.

અત્યારે આપણે સામાજિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને તેમાંથી બહાર આવવું એ આપણી સામેનો મોટો પડકાર છે. ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાનું જતન કરી તેને મજબૂત કરવાનો સમય આવી ગયો છે !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગુજરાતી ભાષા…બકરી બેં – ડો. ગુણવંત શાહ
રોમેરોમ સ્પંદન – જયવતી કાજી Next »   

5 પ્રતિભાવો : એક આહલાદક અનુભવ – દિવ્યા જોષી

 1. Vishal says:

  ખુબ જ સાચુ. હુ અમેરિકા મા રહુ છુ. મે દેખ્યુ છે કે આપણા ગુજરાતી લોકો મદિર મા ભેગા થાય ત્યારે કેવુ વર્તન કરે છે.ગુજરાતી મા બોલવુ જાણે કે હલ્કુ કામ હોય તેવુ સમજે છે. અન્ગ્રેજિ મા અમેરિકન ની જેમ બોલવુ અને વાતે વાતે “યા” “યા” કરવા મા પોતની જાત ને મોટી સમ્જે છે.

 2. Tarun says:

  વધારે દુખ તો ત્યાર થાય છે જ્યારે ગુજરાત સમાજ ના સમેલન મા લોકો ગુજરાતી નથી બોલતા.

 3. Nitin says:

  લેખિકા નુ કથન સાચુ છે અન્ગ્રેજિ ભાશા થી પ્રભાવિત થઇ ને આપણૅ આપણા ગૌરવ નુ હનન કરિએ છિએ. અન્ગ્રેજિબોલિ ને કોઇ ને આજિ
  નાખવો ક ચડીયાતા દેખાવાનો પ્રયત્ન બાલિશતા છે.પુરો ભરેલ ઘડૉ ઉભરાય નહિ.આપણી ભાશા નુ જે લાલિત્ય છે તેવુ બિજે નથી

 4. jignisha patel says:

  ચોટદાર રજુઆત. આપણી સંસ્ક્રૂતિની કદર આપણે નથી કરતા જ્યારે બીજા દેશ ના લોકો ને તેનુ મુલ્ય કરતા આવડે છે.

 5. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  દિવ્યાબેન,
  સાચી વાત છે. કોઈપણ સંસ્કૃતિનો નાશ કરવો હોય તો, તેની માતૃભાષાને ખતમ કરી દો … પછી, આપમેળે તેની પરંપરા, ક્લ્ચર, સમજણ , સંસ્કૃતિ … બધું જ નાશ પામશે. આ સનાતન સત્ય હોવા છતાં આપણે એવું કહેતા ફરીએ છીએ કે … મારો બાબો ઈંગ્લીશ મીડિયમમાં ભણે છે, અને તેને ગુજરાતી નથી આવડતું… યુ નો ! … અને પાછા આવું કહેવામાં ગૌરવ અનુભવીએ છીએ ! ખરેખર તો આ , આપણા લોહીમાં વણાઈ ગયેલી ” ગુલામી ” બોલે છે.
  મેં અહીં ઓસ્ટ્રેલિયામાં ઘણાં બધાં કુટુંબોને જોયાં છે, જેમણે આપણી સંસ્કૃતિની મશાલ જલતી રાખી છે અને જરા પણ બદલાયાં નથી. તેમના ઘરમાં અને તેમની હાજરીમાં આપણને ‘ ભારત ‘નાં દર્શન થાય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.