પાંદડે પાંદડે ટહુકો – સ.મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે ટહુકો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સંસ્કારના પાઠ

Image (43) (538x1024)રમેશ અને એના પપ્પા યોગેન્દ્ર કયારનાયે આવી ગયા હતા. ભૂખ્યાડાંસ હતા. પણ એમનાથી વહેલી આવી જનારી રમેશની મમ્મી નીના હજી આવી નહોતી. નાસ્તાના ડબ્બા ફંફોસ્યા, પણ કંઈ મળ્યું નહીં. દેવેન્દ્રે ગપ્પાંઓ ને તરેહતરેહની વાતોથી રમેશને બહેલાવે રાખ્યો. ત્યાં નીના આવી ગઈ. આજે એને ઓફિસમાં કામ વધારે હતું. બોસ સાથે થોડી ચણભણ પણ થયેલી. વચ્ચે રસ્તામાંથી થોડી ખરીદી, ખાસ કરીને નાસ્તાઓની કરવાની હતી. ટ્રાફિક બહુ હૅવી હતો. નીના થાકી ગઈ હતી, ધૂંઆપૂઆ હતી. આવીને એણે ઝડપથી રસોડું સંભાળ્યું.

યોગેન્દ્ર દીકરા રમેશની આંખ વાંચી શક્યો. દીકરો નીનાને કંઈક ખરુંખોટું સંભળાવવા જતો હતો. ત્યાં યોગેન્દ્ર મોટેથી નીનાને કહ્યું, ‘ટેઈક ઈટ ઇઝી, નીના. હું રમેશ ગપસપ માણીએ છીએ. તું તારે આરામથી રસોઈ કર. થઈ જાય એટલે કહેજે. આપણે સાથે જ જમીશું.’ એ પાછો રમેશ સાથે વાતે વળગ્યો. રમેશ કઈ બોલ્યો નહીં, પણ પપ્પાનું વલણ એને ઢીલું લાગ્યું. એને એ ગમ્યું નહીં. વચ્ચે વચ્ચે યોગેન્દ્ર કોઈક વાત મોટેથી બોલી કિચનમાં કામ કરતી નીનાને સાંભળવા કહેતો હતો.

ખીચડી-શાક થઈ ગયાં એટલે નીનાએ યોગેન્દ્ર-રમેશને બોલાવ્યા અને કહ્યું કે ચાલો, ગરમાગરમ પરોઠા ઉતારી આપું. યોગેન્દ્ર કહ્યું, એમ નહીં. તું બધા પરોઠા કરી નાખ. પછી સાથે જમવા બેસીએ.’ રમેશ મનમાં ને મનમાં વધુ ભડકયો. ત્રણે જણ સાથે જમવા બેઠાં. નીનાએ પીરસતાં પીરસતાં અપરાધભાવ સાથે કહ્યું, ‘સૉરી, આજે મોડું થયું ને ઉતાવળમાં રીંગણ-બટાકાનું શાક સહેજ દાઝી ગયું.’ ‘યોગેન્દ્ર કહ્યું, ‘ઓ ! ધેટ ઈઝ ગ્રેટ ! મને રીંગણાં, ભીંડા, કારેલાં જેવાં શાક સહેજ બળેલાં હોય તો વધારે ભાવે !’ એણે રમેશને કહ્યું, ‘શાકમાં જરા દહીં નાખીને ખાજે. નવો જ ટેસ્ટ મળશે.’

જમ્યા પછી બાપદીકરો વાતો કરતાં બેઠા હતા. રમેશે પૂછયું, ‘પપ્પા તમને ખરેખર દાઝેલાં રીંગણાં ભાવે છે.’ યોગેન્દ્રે જવાબ આપ્યો, ‘બેટા, ટેસ્ટ હંમેશાં વિકસાવી શકાય છે, ડેવલપ કરી શકાય છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ કે બંને લગ્નસાથીઓએ કામ કરવું પડે છે. એક લગ્નસાથી નોકરી ઉપરાંત ઘરકામ પણ કરે છે. એ વ્યવસ્થામાં ડબલ બોજો ઉપાડનારને હળવાશ બક્ષવી જોઈએ. કદાચ થોડુંઘણું નિભાવી લેવું પડે, ચલાવી લેવું પડે, પણ ઘરમાં શાંતિ અને પ્રેમ માટે એવા મનસમાધાન નહીં કરીએ તો નહી ચાલે.’

રમેશના બધાંય વાંધા-વચકા ખરી પડયા. મમ્મીનો વિચાર કરતાં, એને મદદ અને પ્રેમ આપવાનું એણે નક્કી કર્યું ! સંસ્કારો કહેવાથી, ઉપદેશથી સિંચાતા નથી. એને જીવવા પડે છે. તો જ એ સંતાનોમાં ઊતરે.
.

[૨] ચિત્તની શાંતિ

તળાવને કિનારે ઘેઘૂર વૃક્ષ નીચે ઝેનગુરુ બેઠા હતા. એકીનજરે, એકી ચિત્તે એ તળાવના સ્થિર નીરને જોઈ રહ્યા હતા. આજુબાજુ તેમના અનુયાયીઓ બેઠા હતા. થોડી વાર પછી ઝેનગુરુએ નજર ફેરવી અને અનુયાયીઓ તરફ જોયું. એક અનુયાયીએ કહ્યું, ‘ગુરુજી, આપ જળ તરફ એકચિત્તે જોઈ રહ્યા હતા. હું પણ એમ જ કરી રહ્યો હતો. પણ મારા મનમાં અનેક વિચારોનું ઘમાસણ ચાલી રહ્યું હતું. મેં તમારા તરફ જોયું. તમારો ચહેરો તો જાણે મનમાં કંઈ ન ચાલી રહ્યું હોય તેમ સાવ શાંત હતો. શું તમારા મનમાં કશું જ ચાલતું નહોતું ?’

ઝેનગુરુએ બાજુમાંથી કાંકરો ઉપાડયો અને તળાવમાં કિનારા પરના પાણીમાં ફેંકયો. પાણીમાં પરપોટા થયા અને લહેરનું વર્તુળ ફેલાયું. એક વર્તુળ પૂરું થતાં કિનારે અથડાઈને આવેલી લહેરનું વર્તુળ શરૂ થયું. પછી જળ સ્થિર થઈ ગયું. ઝેનગુરુએ ફરી એક કાંકરો ફેંકયો. ફરી એ જ પ્રમાણે પરપોટા અને લહેરોના વર્તુળનું પુનરાવર્તન થયું. ગુરુએ ત્રીજો કાંકરો ફેંકયો અને અનુયાયીને કહ્યું કે પાણીમાં હાથ નાખીને કાંકરો કિનારા પરથી કાઢી લાવ. અનુયાયીએ એ પ્રમાણે કાંકરો કાઢી લીધો, પણ તેથી પાણીમાં ખળભળાટ અને વર્તુળો વધ્યાં. અસ્થિરતા બંધ ન થઈ.

ગુરુએ કહ્યું, ‘જેવો તમે બહારથી કોઈ નવો પદાર્થ તળાવમાં નાખો છો કે ખળભળાટ અને વર્તુળોની શૃંખલા શરૂ થાય છે. તમારું ચિત્ત તળાવના શાંત જળ જેવું છે. તેમાં બહારથી કોઈ વિચારનો પ્રક્ષેપ થાય એટલે સળવળાટ થવા લાગે છે અને વર્તુળો થવા માંડે છે. પ્રયત્નપૂર્વક તમે એ વિચારને કાઢવા પ્રયાસ કરો તો વધારે ગરબડ થાય છે. ઉપચારને બદલે વ્યાધિને પહેલાંથી જ રોકવો – Prevention is better than cure. એટલે બહારનો વિચાર આવવા જ ન દો. આવી જાય તો કાઢવા કોશિશ ન કરો. એની મેળે શમી જવા દો.’

અનુયાયીએ કહ્યું, ‘પણ ઘણી વાર એની મેળે જ વિચાર આવી ચડે છે.’ ગુરુએ જવાબ આપ્યો, ‘એ રીતે વિચાર આવતો હોય તો તેની ત્રણ ગળણે પરીક્ષા કરો – એ મૂળભૂત બાબત અંગેનો છે ? એ શુભ માટેનો છે ? અને એ કોઈ વૈશ્વિક મૂલ્યો આગળ વધારે તેવો છે ? આ પરીક્ષામાંથી વિચાર પાર ઊતરે તો એને આવવા દો. એ કલ્યાણ તરફ દોરી જશે. એ કસોટીમાંથી વિચાર પાર ન ઊતરે એને ચિતમાં પ્રવેશ ન આપો. એની ઉપેક્ષા કરો.’

[ કુલ પાન. ૪૩. કિંમત રૂ. ૩૫. પ્રાપ્તિસ્થાન: ૧૨, સુહાસનગર, આલ્ફા ભવન, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ‘સંકલ્પ’ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-૩૮૦૦૦૯. મો. ૯૪૨૭૬૦૬૯૫૬. ઈ-મેઈલઃ mdave.swaman@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “પાંદડે પાંદડે ટહુકો – સ.મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.