મૂળ સોતાં ઊખડેલાં – શંભુભાઈ યોગી

[ જન્મભૂમિ પ્રવાસી – ‘મધુવન પૂર્તિ’ માંથી સાભાર.]

રસ્તા પહોળા કરવાની કામગીરીમાં અનેક મોટાં વૃક્ષો આડે આવતા હોય છે ત્યારે, જેસીબીનાં ઉપકરણોથી અને અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીને તેનું પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટિંગ) અન્યત્ર કરવામાં આવે છે, જેનું ઉત્સાહજનક પરિણામ મળે છે. અચલ એવાં વૃક્ષોને તેમની શાખાઓ અને મૂળિયાં સહિત અન્યત્ર પુન: સ્થાપિત કરવાં એ ખૂબ આવકારદાયક અને આનંદની ઘટના હોય છે. માણસની બાબતમાં પણ આમ બને તો ?

ભારતના ભાગલા પડયા ત્યારે કેટલાયે સમુદાયોને હાલના પાકિસ્તાનની સરહદમાંથી ભાગવું પડયું હતું. ધંધો, રોજગાર, મકાન, મિલકત… બધું જ મૂકીને ભારત આવવું પડયું હતું. આ મૂળ સોતાં ઊખડેલાંઓને ભારત સરકારે શરણાર્થી તરીકે સ્વીકાર્યા હતા. તેઓ સાહસિક, મહેનતુ અને ખંતીલા શરણાર્થી તરીકે રહ્યા. બજારમાં કે દુકાનો આગળ પાથરણાં પાથરીને કે રેંકડીઓમાં નાના વેપારથી શરૂઆત કરીને આગળ જતાં વિકાસમાં હરણફાળ ભરીને ભારતમાં તેઓ સમાઈ ગયા.

ભારતની મૂળ પ્રજા એક મોટો સમુદાય ધંધાની શોધમાં દર દર ને ગામેગામ ભટકતો રહ્યો. અસ્થિર જીવન જાણે કે તેમને કોઠે પડી ગયું હતું. આજે પણ અનેક કોમ અને કબીલા એવા છે, થોડાંક ઘેટાં-બકરાં, ઊંટ, પાળેલાં અને વફાદાર એવાં ૨-૩ કૂતરાં, થોડીક ગોદડીઓ અને ખપપૂરતો સામાન જેની મિલકત છે તેવી વિચરતી જાતિઓ રોજગારીની અને કામની તલાશમાં ઠેર ઠેર ભટકતી હોય છે. ઉપર આભ અને નીચે ધરતી તેમનો આશરો હોય છે. ઉનાળો ભલે આગ વરસાવતો હોય, શિયાળો ગાત્રો થીજી એવી ઠંડી વેરતો હોય અને ચોમાસામાં અનરાધાર વરસાદ તથા વાવાઝોડાની આપતિનો માહોલ હોય… આ જાતિઓ માટે તો કુદરત સિવાય કોઈનોય આશરો હોતો નથી. ગામના પાદરમાં, ખેતરમાં કે ખુલ્લી જગ્યામાં કોઈ એકાદ વૃક્ષની છાયામાં તેમનો પડાવ હોય છે. અનેક વિટંબણા અને મુશ્કેલીઓ વચ્ચેય મસ્તીથી રહેતા હોય છે, જાણે કે વિપદાઓ સામે ઝઝૂમતા રહેવાની તેમને ટેવ પડી ગઈ હોય છે.

વિચરતી જાતિઓમાં કેટલીક કળા-કારીગરી અને હુન્નર વંશપરંપરાગત રીતે ઊતરી આવેલ હોય છે. આ પ્રજા ઉત્સવધેલી પ્રજા છે. તેનામાં ગીત-નૃત્ય છે, તો ગાવા-વગાડવામાં નિપુણ છે. ઘરવખરી લઈને ઊંટ કે ગધેડાં પર નાનકડાં બાળુડાંને બેસાડીને નાનકડી વણઝારો રસ્તા ઉપર જતી જોવા મળે છે ત્યારે બે ઘડી તેમની જિંદગી અચરજભરી લાગે છે, પણ તેમની વ્યથાઓ કોઈને દેખાતી નથી. આપણે રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ અને આઝાદી મળ્યાનો હરખ માણીએ છીએ, પરંતુ આ વિચારતા સમુદાયોને આઝાદી મળ્યાનો અહેસાસ થયો નથી. આઝાદી બાદ ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ એ ઉક્તિ અવળી પડી. હરતીફરતી, વિચરતી પ્રજા ફરતી જ રહી ગઈ અને સ્થિર થયેલા અને જાગેલા જીવી ગયા.

આજે તો મદારી માંકડું લઈને ફરી શકતા નથી. વાદી કરંડિયામાં સાપ લઈને ગામેગામ ફરતા તેય બંધ થયા. વનવિભાગના કાયદા તેમને નડે છે. નટ-બજાણિયાના ખેલ કયાંક જોવા મળે છે ખરા પણ તેમાંય ભણવાની જેની ઉંમર છે તેવાં બાળકોનો ઉપયોગ થાય છે. આ બાળકો દોરડા ઉપર સમતોલન જાળવીને ચાલે છે અને પોતાને જે આવડે છે તે કળા પ્રેક્ષકોને બતાડે છે. તેમનો ખેલ જોઈ તાળીઓનો ગડગડાટ જરૂર થાય છે પણ એક દિવસના રોટલાનો મેળ પડે તેટલુંય વળતર મળતું નથી. ચપ્પુ, છરી, કાતર, તલવારને ધાર કાઢી સજાવનારા સરાણિયાને પણ કામ મળતું નથી. ઘેર ઘેર ફરીને ઘંટી ટાંકનારાઓ છે પણ ધ્રાંગધ્રાના પથ્થરની એ ઘંટીઓ કયાં છે ? બધે જ ચક્કીઓ કે ઘરઘંટીઓ આવી ગઈ છે.

લુહારિયાં ગાડાં ગામના ગોંદરે ધામા નાખી કોસ, પાવડા, ત્રિકમ, કુહાડી, ધારિયાં અને બીજાં ખેત ઓજારોને ટીપી આપે છે ખેતી ઉપયોગી કામ કરનારા આ કારીગરો હવે ઓછા થતા જાય છે. પિતળના વાસણોને કલાઈ કરનારાઓ સ્ટીલ અને એલ્યુમિનિયમના આગમનથી વારસાગત ધંધો ખોઈ બેઠા છે. તૂરી, નાયક અને તરગાળાના ખેલ ટેલિવિઝને પડાવી લીધા છે. કાંસકી અને કાચની પેટીમાં બંગડીઓ વેચતી કાંગસિયા બહેનોને શોપિંગ સેન્ટરો અને ‘મોલ’ કલ્ચરે બેકાર બનાવી દીધી છે. દેવીપૂજકો ભંગાર એકઠો કરવા, શાક-બકાલું વેચવા કે ડબ્બા રિપેર કરવાનું કામ કરે છે પણ તે માટે તેમને કેટલુંયે રખડવું પડે છે.

આ વિચરતી પ્રજાનો આહાર રોટલો, દાળ, શાક, કઢી, ચટણી, ડુંગળી અને કયારેક ખીચડી છે. ગરીબોની કસ્તૂરી કહેવાતી રોજેરોજ ફલોર મિલમાંથી બાજરીનો કે કવચિત ઘઉંનો દોઢા ભાવે લેવો પડે છે. ઉપરાંત ચોખા-દાળનો ઊંચો ભાવ આપવો પડે છે અને તે સામે હલકી ગુણવતાનો માલ મળે છે. બજારમાં તેમની ઉધાડી લૂંટ થાય છે. વિચરતા સમુદાયોનાં બાળકો કે જેમની ઉંમર શાળાએ જવાની હોય છે તેમને શાળા નસીબ થતી નથી પણ નસીબ થાય છે બાળમજૂરી. આજે અહીં ને કાલે કયાં તેની જ કોઈ જાણ ન હોય ત્યાં શાળાની વાત તેમના માટે અસ્થાને હોય છે. રાવળ લોકોની ઉતર ગુજરાતમાં મોટી વસતિ છે. સમગ્ર ગુજરાતમાં પથરાયેલી આ પ્રજા છે. ઊંટલારી લઈને જયાં મજૂરી મળે ત્યાં જનારો આ વર્ગ ઘણીવાર રોજગારીની તલાશમાં ગામ છોડીને શહેરમાં જઈ પહોંચે છે અને શહેરના કોઈ ખૂણામાં છાપરાં બાંધીને રહે છે અથવા તો રોજગારી મળે ત્યાં છાપરું ભાડે રાખીને પણ તે રહે છે.

મોટી જમીન ધરાવનારા દેશ-વિદેશમાં જઈને એનઆરઆઈ બની ગયા છે. તેમનાં ખેતરોમાં કામ કરીને કે બાગ-બગીચાના ક્મ્પાઓ સિઝન પૂરતા ઉચ્ચક કિંમતથી રાખીને તેમાં કામ કરનાર આ પરિવારો ઉત્પાદન વેચવા બજારમાં જાય છે ત્યારે પણ વેપારીઓ દ્વારા તેમની લૂંટ થાય છે. આ પરિવારોને જો બાગાયતી આધુનિક તાલીમ મળે અને યોગ્ય બજારવ્યવસ્થા સુલભ થાય તો તેઓ ટૂંકા સમયગાળામાં બે પાંદડે થઈ શકે બાકી આ વર્ગ ઓશિયાળો છે. તેને વર્ષે, બે વર્ષે વાડી બદલાવી પડે છે. વાડી મેળવવા પણ ફાંફાં મારવાં પડે છે અને તેમનું શોષણ સતત થતું રહે છે.

આપણને ઠેર ઠેર ગાંડા બાવળનાં ઝૂંડના ઝૂંડ દેખાય છે. આવી ધરતી ચરાણ માટેની પણ રહેતી નથી, ત્યાં કશું ઉત્પન્ન થતું નથી. આવી જમીનો આ વર્ગને ભાડા પટ્ટેથી આપવાનો સમય આવી ગયો છે. આનાથી બાવળ કાઢવાનો ખર્ચ પણ બચી જશે. આ જગ્યાઓ ખુલ્લી કરીને ત્યાં પરિશ્રમ કરીને બોરડી અને લીંબુની ફળવાડીઓ બનશે જેનાથી પ્રદેશ હર્યોભર્યો બનશે અને મહેનતકશ પરિવારોને રોજી મળશે.

કયાંક કયાંક પોતાની નાનકડી જમીન હોય ત્યાં બાગાયતી પાક કરવા ઈચ્છતો વિચરતો વર્ગ પણ છે, પરંતુ તેને બાગાયતી પાક માટે સહાય મળતી નથી. ખેતીવાડી ખાતું કે વનવિભાગ આ પરિવારોને કલમી રોપા આપવા માટે આગળ આવતું નથી. સરકારશ્રીની યોજનાઓમાંથી આ આખો ને આખો વર્ગ બાકાત રહી જવા પામે છે અને તેની કોઈ નોંધ પણ લેતું નથી !

આ સમુદાયો માટે શિક્ષણનાં મૂળિયા નખાય તેમના બાળકો માટે ભણવાની પડાપડી થાય તેવી સમજ અને આકર્ષણો ઊભા કરવાં આ માટે બજેટની મર્યાદાઓ બાજુ પર મૂકવી પડે તો મૂકીને પણ અગ્રેસર થવું પડશે. વિચરતી જાતિઓ પણ ભારતીય છે. આ ધરતીમાં તેમના મૂળ છે તેમ છતાં ઘરની ધરતી પર વિદેશી હોય તેમ રહે છે. વેરવિખેર વગડામાં વસતો આ વર્ગ એ આપણું જ માનવધન છે. તેને રઝળતી હાલતમાં રાખવો એ સ્વરાજની શોભા નથી. ખરેખર તો આ વર્ગના વિકાસ માટેનો એમઓયુ (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) સરકારશ્રીએ કરવો જોઈએ.

હજારો પરિવારો જે વિચરતી-વિમુક્ત જાતિના છે તે ફળવાડીઓમાં ઊભડિયા ખેતમજૂરો તરીકે કામ કરી રહ્યા છે અને તેઓમાં ઊંચા પ્રમાણમાં ગુપ્ત બેકારી પ્રવર્તે છે. તે પ્રત્યે સૌનું ધ્યાન ખેંચાય તે જરૂરી છે. હજારો ટન, લીંબું, આમળાં, ચીકુ, જામફળ, બોર…ઉત્પન્ન કરતો અને પકવતો આ વર્ગ ગરીબ કેમ હોઈ શકે તે મસમોટો સવાલ વર્ષોથી ઉંમરની રાહ જોતો બેઠો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “મૂળ સોતાં ઊખડેલાં – શંભુભાઈ યોગી”

Copy Protected by Chetan's WP-Copyprotect.