નિત્ય નવા ગાંધીજી – ગુણવંત શાહ

[ ‘ગાંધીની ચંપલ’ પુસ્તકમાંથી સાભાર.]

સુરતના સ્ટેશનથી થોડેક છેટે ન્યૂ લક્ષ્મી ટૉકીઝ આવેલી છે. અમે નાના હતા ત્યારે એ ફરીથી બંધાયેલી તેથી એનું નામ ન્યૂ લક્ષ્મી રાખવામાં આવેલું. આજે લગભગ અડધી સદી પછી એ મકાન સાવ જૂનું થઈ ગયું છે તોય એકે લોકો ‘ન્યૂ લક્ષ્મી ટૉકીઝ’ તરીકે જ ઓળખે છે. સન ૧૯૩૭માં જેની શરૂઆત થઈ તે નઈ તાલીમ આજે પણ नइ तालीम કહેવાય તેમાં રિવાજ સિવાય બીજું શું શું છે તે વિચારવા જેવું છે. ગાંધીજીનું જીવન નિત્ય વર્ધમાન હતું. ૧૯૦૯માં ‘હિંદ સ્વરાજ’ પુસ્તક લખ્યા પછી પણ તેઓ સતત વિકસતા રહ્યા, પરંતુ કેટલાક સજ્જ્નો ૧૯૦૯ પર જ અટકી ગયા અને લટકી ગયા !

નઈ તાલીમ એટલે શું ? નઈ તાલીમ એટલે નિત્ય નવી એવી તાલીમ. ગાંધીજી નિત્ય નવા હતા. સત્ય સતત વહેતું જ રહે છે. જે થીજી જાય તે કેવળ આગ્રહ હોય છે, સત્યાગ્રહ નથી હોતો. નિત્ય નવા ગાંધીજીને ન પામનારો શિક્ષક કહેવાતી નઈ તાલીમને પણ વાસી બનાવી દે તેવો સંભવ છે. આ જગતમાં વાસી સત્ય જેવી કોઈ ચીજનું અસ્તિત્વ નથી. તળાવ વહી ન શકે. નદી વહ્યા વિના રહી ન શકે. જીવન સતત વહેતું રહે છે. નદી વહેતી રહે તોય શાશ્વત છે. સત્ય વહેતું રહે તોય શાશ્વત છે. પરમ સત્ય શાશ્વત છે, તેથી ગાંધીજીનું સત્ય સદીઓને ગાંઠે તેમ નથી. મારી દ્રષ્ટીએ નઈ તાલીમનું આધારબિદું सत्य છે.

નછૂટકે એક સાવ સાચો પ્રસંગ કહું છું. ગુજરાતની એક યુનિવર્સિટીના કુલપતિશ્રી સંપૂર્ણ ખાદીધારી હતા. તેઓ માથે ગાંધીટોપી પહેરતા અને ખાદીના ઝભ્ભા સાથે ખાદીનું ધોતિયું પહેરતા. એમને જોઈને પ્રથમ છાપ એવી પડતી કે તેઓ ગાંધીવિચારને વરેલા સીધાસાદા કુલપતિ હતા. તેમની યુનિવર્સિટીમાં લાખો ઉતરવહીઓ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને આપવી પડતી અને એ બધી ઉતરવહીઓ પર લીટી દોરવા માટેનો કોન્ટ્રાક્ટ દિલ્હીના એક પંજાબી વેપારીને આપવામાં આવતો. ગુજરાતના બધા કુલપતિઓ કોઈ કામે દિલ્હી જાય ત્યારે ગુજરાત સરકારના ગુજરાત ભવનમાં રહેવાનું રાખતા. ગુજરાત ભવનનું ભાડું સાવ ઓછું અને વળી ત્યાં ગુજરાતી ભોજન મળે. પેલા ખાદીધારી કુલપતિશ્રી ગુજરાત ભવનની પાછળ આવેલી ફાઈવ-સ્ટાર અશોક હોટેલમાં રહેવાનું રાખતા. પેલો પંજાબી વેપારી જ એ હોટેલનું મોટુંમસ બિલ ચૂકવતો. કુલપતિશ્રીની સેવામાં એ વેપારી પૂરા સમય માટે કાર અને ડ્રાઈવર તૈયાર રાખતો. ઍરપૉર્ટ પર તેઓ ઊતરે ત્યારથી એમની સગવડ એ વેપારી સાચવતો અને તેઓ ઍરપૉર્ટ છોડે ત્યાં સુધી અઢળક ખર્ચ કરવાની અસ્વચ્છ હોંશ બતાવતો. ઝૂકી ઝૂકીને બહારની સાદગી જાળવનારા કુલપતિશ્રીની બધી સગવડ સાચવતા એ વેપારીને મેં સગી આંખો જોયો હતો. અશોક હોટેલની એક કપ ચાનો ખર્ચ ગુજરાત ભવનના આખા દિવસના કુલ ખર્ચ જેટલો રહેતો.

વિચારવા જેવું છે. બે કુલપતિની કલ્પના કરો. એક કુલપતિ ખાદી પહેરે છે અને ગાંધીવાદીમાં ખપે છે. બીજા કુલપતિ ખાદી નથી પહેરતા, પણ સાધનશુદ્ધિ માટે આગ્રહ રાખનારા છે. કયા કુલપતિ ગાંધીજીની વધારે નજીક ગણાય ? ખાદીના પોશાક વિનાની સાધનશુદ્ધિ અને ખાદીના પોશાક સાથે વળગેલી સાધન-અશુદ્ધિ વચ્ચે કઈ બાબત પસંદ કરવી ? પાયાની વાત ગૌણ ગણવી અને ગૌણ વાતને પાયાની ગણવી એ એક એવી લોકપ્રિય ભૂલે છે, જે અનુયાયીઓ સદીઓથી કરતા રહ્યા છે. બધા મહામાનવોને અનુયાયીઓ તરફથી આવો સંનિષ્ઠ અન્યાય કાયમ થતો રહ્યો છે. ગાંધીજી આ બાબતે અપવાદરૂપ નથી. મૂળ બાબત ઉપેક્ષાયા કરે છે અને ડાળપાંખડાંને પાણી પિવડાવાતું રહે છે. ચીનના સામ્યવાદી સરમુખત્યાર માઓ ઝેડોંગ નાના હતા ત્યારે આવી જ ભૂલ કરી બેઠા હતા. એમના ઘરના વાડમાં એક છોડ હતો. બાળક માઓ રોજ છોડનાં પાંદડાંને પાણી પિવડાવતો. છોડ સુકાવા લાગ્યો ત્યારે માતાએ એણે કહ્યું : ‘બેટા ! તું પાંદડે પાંદડે પાણી પિવડાવે તેને બદલે છોડના મૂળને પાણી પિવડાવ.’ બસ, આ જ ભૂલ હવે નઈ તાલીમની નિશાળોમાં થતી રહે છે. નઈ તાલીમના છોડનું મૂળ सत्य છે.

નઈ તાલીમની નિશાળ સત્યની, અહિંસાની, અભયની અને સાધનશુદ્ધિની પાઠશાળા છે. સદીઓ આવશે અને જશે. સરકારો આવશે અને જશે. આપણા જીવનની શૈલી બદલાશે. નવાં નવાં ઉપકરણો ઘરમાં અને નિશાળમાં આવશે. બધું બદલાશે, પરંતુ ઉપર ગણાવ્યાં તે ચાર મૂલ્યો કાયમ રહેશે. આ ચાર બાબતો કાયમ રાખીને બીજાં પરીવર્તનોને આપણે આવકારવાં પડશે. એ પરીવર્તનોને આવકારવામાં કયાંય ગાંધીદ્રોહ થતો નથી. જૂઠું બોલનારો સેવક રોજ રેંટિયો કાંતે તોય તેનું જીવન બેકાર છે. કોઈ લોકસેવક આર્થિક ગોટાળા કરે તો તેની સેવા બેકાર છે. નઈ તાલીમના પાયામાં सत्य છે, રેંટિયો નથી. રેંટિયો ઉપકરણ છે. ઉપકરણ બદલાતું રહે છે. ખાદી ઇકોવસ્ત્ર છે. આમ છતાં રેંટિયો નિત્ય નઈ એવી તાલીમનો આધારસ્તંભ ન બની શકે. આવું કહેવામાં રેંટિયાનું અવમૂલ્યન નથી. આંબાનું सत्य આંબાનું મૂળ છે, પાંદડાં નથી. કેરીનું સત્ય વિટામિન ‘એ’ છે. નઈ તાલીમનું વિટામિન सत्य છે. સત્યનિષ્ઠા એટલે જ ગાંધીનિષ્ઠા. બાકીની બધી વાતો ગૌણ છે.

ઉપનિષદ એટલે શું ? નઈ તાલીમ પામેલો વિદ્યાર્થી જૂઠું નહીં બોલે, જૂઠું નહીં આચરે અને જૂઠું ચલાવી નહીં લે. આવી ગાંધીગીરી કેળવે તેવી નિશાળ એટલે નઈ તાલીમની નિશાળ. મારી ઝંખના તો એવી છે કે દેશની બધી જ નિશાળ એટલે નઈ તાલીમ આપનારી જ હોવી જોઈએ. જો સત્ય એ જ નઈ તાલીમનો પ્રાણ હોય તો શું અન્ય નિશાળો અસત્યની આરાધનાનું શિક્ષણ આપશે ? કૉમ્પ્યૂટરનો ખરો આધાર સત્ય છે. કૉમ્પ્યૂટર માનવ-માનવને જોડનારું દિવ્ય ઉપકરણ છે. કોઈ પણ કૉમ્પ્યૂટરનો પ્રાણ છે, connectivity યાને સંયુકતતા. કૉમ્પ્યૂટર સ્વભાવે વૈશ્વિક છે અને એ અભેદમાં માને છે. આવું કૉમ્પ્યૂટર ગાંધીવિરોધી ઘટના નથી. એ રાષ્ટ્રીય સરહદોને સ્વીકારતું નથી. એ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદ સ્વીકારતું નથી. ઝૂંપડપટ્ટીમાં મોટો થયેલો બાળક પણ એનો વિનિયોગ કરીને દુનિયાના સંર્પકમાં આવી શકે છે. જો ગાંધીજી આજે જીવતા હોત તો એમણે જે કામ બે પૈસાના પોસ્ટકાર્ડ પાસેથી લીધું એવું જ કામ મોબાઈલ ફોન પર SMS પાસેથી પણ લીધું હોત. અગ્નિની શોધ પછી માનવ-ઇતિહાસમાં થયેલી સૌથી મહાન શોધ કૉમ્પ્યૂટરની શોધ ગણાય. નઈ તાલીમની નિશાળ જો કૉમ્પ્યૂટરની તાલીમ વિના ચાલે, તો તેને જૂની તાલીમની નિશાળ ગણવી જોઈએ.

સમાજ પરિવર્તનશીલ છે. ભગવાન બુદ્ધ કહીં ગયા કે પરિવર્તન એ જ કાયમી છે. ગ્રીક તત્વચિંતક હિરેક્લિટસે કહ્યું : ‘તમે એક નદીમાં બે વાર સ્નાન કરી શકો નહીં.’ વાત સાચી છે. નદી નિત્યનૂતન છે. પરિવર્તનશીલ સમાજમાં તળાવનું બંધિયાર સત્ય છોભીલું પડી જાય છે. થીજી ગયેલુમ સત્ય એટલે જ કટ્ટરતા. થીજી ગયેલા સત્યને કારણે હુલ્લડો અને યુદ્ધો થાય છે. થીજી ગયેલો ધર્મ ભારે ઉત્પાત મચાવે છે. આજે રામના ધનુષ્યનું અને કૃષ્ણના સુદર્શનચક્રનું સ્થાન કયાં હશે ? આજે પીતાંબર પહેરીને કોઈ વિદ્યાર્થી આવી ચડે તો ગુજરાત વિદ્યાપીઠમાં એને પ્રવેશ મળશે ? નઈ તાલીમ પરિવર્તન-વિરોધી બાબત નથી. ગાંધીજી પોતે પરિવર્તન-વિરોધી મહાત્મા ન હતા. પરિવર્તનના પ્રતિક્ષણ વહેતા પ્રવાહ વચ્ચે પણ જે બાબત શાશ્વત છે તેને ઉપનિષદના ઋષિએ सत्यस्य सत्यम् કહ્યું છે. નદી વહી જાય છે અને છતાં પણ નદી તરીકે મટી જાતી નથી. નદીનું નદીપણું શાશ્વત છે.

ભાવનગરમાં કવિ પ્રજારામ રાવળને મળવાનું બનતું ત્યારે તેઓ વૈદરાજ તરીકે એક વાકય કાયમ બોલતા : ‘તમારે ત્યાં જયારે ફ્રિજ આવે ત્યારે અંદર નજર કરો તો જરૂર તમને એક ડૉકટર બેઠેલો દેખાશે.’ તેઓ ઊંચા ગજાના વૈદ હતા અને ધીરુભાઈની વાત મારા હૈયે પણ વસી ગયેલી. મારે ત્યાં ૧૯૯૬માં પહેલી વાર ફ્રિજ (રેફ્રિજરેટર) આવ્યું ત્યારે મારી બાએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવેલો. ફ્રિજ આયુર્વેદની દ્રષ્ટીએ હિતકર નથી એ વાત મારા મનમાંથી પણ જતી ન હતી.

થોડાક સમય પર ડૉ. સ્ટીવન ગેરેટનું એક વિધાન વાંચીને ફ્રિજના ઉપકારો વિષે મન વિચારે ચડી ગયું. એમણે લખ્યું : ‘છેલ્લાં ૧૦૦ વર્ષમાં રેફ્રિજરેટર્સને કારણે બચી ગયેલા મનુષ્યોની સંખ્યા, સર્જરીને કારણે બચી ગયેલા મનુષ્યોની સંખ્યા કરતાં પણ વધારે છે.’ (‘National Geographic,’ October,2005) આ વિધાન વાંચીને થયું કે કોઈ પણ માનવીય સત્યને આખરી સત્ય માની લેવાની ભૂલ કરવા જેવી નથી. પરિવર્તનશીલ જગતનું સત્ય પ્રવાહમુકત નથી હોતુ. નર્મદા વહેતી રહે છે, પરંતુ કબીરવડ તો નદી વચ્ચે પહાડ-સરખો નિર્ભયપણે ઊભો છે, એવું કવિ નર્મદ કહી ગયો છે. (‘નદી વચ્ચે ઊભો નિર્ભયપણે પહાડ સરખો’) પરિવર્તનતા પ્રવાહશીલ છે, પણ કબીરવડ પ્રવાહાનુસારી નથી. નિરપેક્ષ સત્ય શાશ્વત છે, પરંતુ સાપેક્ષ સત્ય પ્રવાહાનુસારી છે.

આજની દુનિયાને એક સમસ્યા સતાવી રહી છે. વાતાવરણમાં ઓઝોનના થરમાં ગાબડું પડયું છે. પૃથ્વી પર ક્લોરો-ફલોરો-કાર્બન્સનું પ્રમાણ વધ્યું છે. ગ્રીનહાઉસ ઇફેકટને કારણે ગ્લોબલ વૉર્મિંગનો વિકટ પ્રશ્ન મોં ફાડીને આપણને ડરાવી રહ્યો છે. સમસ્યા તાકીદની છે. ઉપાય કરવામાં ઢીલ ચાલે તેમ નથી. પૃથ્વીય ઉષ્ણતામાન વધ્યું છે અને ધ્રુવપ્રદેશની હિમશીલાઓ પીગળે તેથી દરિયાની સપાટી ઊંચે આવી રહી છે. જો સમયસર પૃથ્વીય ઉષ્ણતામાન વધતું ન અટકે તો આપણા આંગણામાં સુધી દરિયાનાં પાણી આવી જાય તેવી સંભાવના છે. કાર્બનનો જથ્થો ન વધે તે માટે ઔદ્યોગિક ક્ષેત્રમાં કેટલાંક પગલાં ભરવાં પડશે. વડોદરાથી થોડેક દૂર હાલોલ ખાતે અમેરિકાની જનરલ મોટર્સનો ઓટોમોબાઇલ પ્લાનટ છે. વળી ત્યામ ગુજરાત ફલોરોકેમિકલ્સ નામની કંપનીનો રેફ્રિજરેશન ગૅસ બનાવવાનો પ્લાનટ પણ છે. આ કંપની હાલ ‘કાર્બન ક્રેડિટ’ વેચીને કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મેળવે છે. દુનિયાના ૧૪૧ દેશોએ ભેગા મળીને કરાર કર્યો છે, જે ‘કયોટો પ્રોટોકલ’ તરીકે જાણીતો છે. આ દેશોએ સ્વૈચ્છિક રીતે કાર્બન એમિસન ઘટાડવાનું નક્કી કર્યું છે. અમેરિકા એ કરારમાંથી પાછળથી ખસી ગયું એ જુદી વાત છે. વાતાવરણમાં વધારે કાર્બન વછૂટે તેથી પણ પૃથ્વીય ઉષ્ણતામાન વધે છે.

પૃથ્વીય ઉષ્ણતામાન ઘટે તે માટે બીજી પ્રયુક્તિનો વિચાર પણ વૈશ્વિક કક્ષાએ ચાલી રહ્યો છે. એને કહે છે : ‘Albedo Effect.’ દુનિયાનાં બધાં ઘરોનાં છાપરાં પર સફેદ રંગ લાગી જાય તો કિરણોના પરાવર્તનને કારણે ઉષ્ણતામાન ઓછું થાય તેમ છે. દુનિયાનાં બધાં ઍરપૉર્ટ પરના રનવે સફેદ રંગની સપાટીવાળાં થાય તેવું પણ વિચારાય છે. બધાં ઘરો, બધી મોટરગાડીઓ, બધા ખટારાઓ અને રેલવેના બધા ડબ્બાઓ પણ ભવિષ્યમાં સફેદ છાપરાવાળાં થાય તેવી શકયતા છે. આ વિચાર જોર પકડતો જશે એમ લાગે છે. દરેક બાબતમાં સર્વનાશની શકયતા જોવાની અને ગાંધીજીને નામે નિરાશાના સૂર વહેતા મૂકવાની પણ જરૂર નથી. વિજ્ઞાન પાસે આવી ઘણી સમસ્યાઓને થાળે પાડવની અપાર ક્ષમતા છે. ધરતીમાં ઓગળી જાય તેવું બાયો-ડીગ્રેડેબલ પ્લાસ્ટિક પણ શોધાઈ ચૂકયું છે. પરિવર્તનની ઝડપ વધી ગઈ છે તેથી આપણી જાગૃતિ પણ ધીમી ઝડપે વધે તે ન ચાલે.

નઈ તાલીમની નિશાળમાં અંગ્રેજી માધ્યમ નહીં ચાલે. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય. આવો આગ્રહ રાખ્યા પછી પણ એક વિષય તરીકે અંગ્રેજી ભાષા ભણવાની જરૂર ઓછી નથી. નઈ તાલીમની શાળા હવે કૉમ્પ્યૂટર વિનાની નહીં હોય. આપણી યુનિવર્સિટીઓમાં જયારે ક્યાંય કૉમ્પ્યૂટર્સ આવ્યાં ન હતાં, ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી રામલાલ પરીખના આગ્રહથી કૉમ્પ્યૂટર આવી ગયું હતું. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં અને કૉલેજમાં કવિ વર્ડ્ઝવર્થની જન્મતિથિ ઊજવાતી ન હતી ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં એની ઊજવણી થતી હતી. આપણી બુનિયાદ શાળાઓમાં વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ અન્ય નિશાળોથી ઊતરતું હોય એવું શા માટે ? જો આજે આ બાબતે ન જાગીએ તો આપણી નિશાળોના વિદ્યાર્થીઓ મોટા થાય ત્યારે આપણને માફ નહીં કરે. આદિવાસી વિદ્યાર્થીના હાથમાં લૅપટૉપ કૉમ્પ્યૂટર હશે ત્યારી ગરીબ નહીં હોય. આદિવાસી ક્ન્યાના વ્યાપક સશક્તિકરણ માટે ઇન્ટરનેટ અને સેલફોન જરૂરી છે. આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

આફ્રિકાના આદિવાસીઓનું સૌથી પ્રિય રમકડું સેલફોન છે. એ રમકડુમ રોમૅન્ટિક છે, કારણકે એના દ્વારા જંગલનો રહેવાસી બાકીની દુનિયા સાથે જોડાય છે. વળી ઘણુંખરું એનો સેલફોન ચોરેલો હોય છે તેથી પણ રોમાન્સની માત્રા વધે છે. આવી પરિવર્તનશીલ દુનિયામાં નઈ તાલીમ કેવળ ટકી જાય તે પૂરતું નથી. નઈ તાલીમની નિશાળોએ દાખલો બેસાડવાનો છે. ચારિત્ર્યનું ઘડતર કરવામાં કયાંય કૉમ્પ્યૂટરનું નડતર નહીં હોય. પરિવર્તનનો આ પડકાર શિક્ષકોએ ઝીલવાનો છે.

મૂળભૂત મૂલ્યોને કબીરવડની માફક અવિચલ રાખીને સમયના પ્રવાહમાં આવી પડેલાં પરિવર્તનોને સ્વીકારવાની તૈયારી કેળવવી પડશે. યુગે યુગે પરિસ્થિતિ પલટાય છે અને નવી પરિસ્થિતિ નવો પ્રતિસાદ માગે છે. ગાંધીજનો આવો પ્રતિસાદ આપવામાં મોળા અને મોડા પડી રહ્યા છે, એવી છાપ ખોટી પાડવાનો સૌ ગાંધીજનોનો ધર્મ છે. ટૅકનૉલૉજીના અતિરેકોની સહજ પ્રતિક્રિયારૂપે અનુ-આધુનિક (post-modern) વિચારધારા વહેતી થઈ છે. ટૅકનૉલૉજી સાથે વણાઈ ગયેલા વિરાટ અવિવેકની સામે ગ્રીન જીવનશૈલી અને ડીપ ઇકૉલૉજી જેવી અનુ-આધુનિક વિચારધારા ધીરે ધીરે લોકોને ગમતી જાય છે. આવી અનુ-આધુનિક વિચારધારામાં મહાત્મા ગાંધી અવિચલપણે કબીરવડની માફક સ્થિર ઊભા છે. તેઓ સત્ય, અહિંસા, અભય અને સાધનશુદ્ધિ જેવાં સનાતન મૂલ્યોના ઍવરેસ્ટ પર ઊભા ઊભા પોતાનું બોખું સ્મિત વેરી રહ્યા છે. તેઓ જાણે આપણને કહી રહ્યા છે : ‘હે પૃથ્વીપુત્રો ! આ ચાર શાશ્વત મૂલ્યો જાળવીને જેટલાં પરિવર્તનો વિવેકપૂર્વક પ્રવર્તમાન પરિસ્થિતિ સાથે કરવાં હોય તેટલાં કરો.’

વિખ્યાત કેળવણીકાર જહૉન ડયુઈના વિખ્યાત વિધાન દ્વારા વાતને વિરામ આપીએ. ડયુઈએ કહેલું : ‘Democracy is born anem with every generation and education is the midwife.’ ડયુઈ કહે છે :

પ્રત્યેક યુગે લોક્તંત્ર
નૂતન જન્મ ધારણ કરે છે
અને શિક્ષણ તેમાં
દાયણનું કામ કરતું હોય છે.

યાદ રહે કે પૃથ્વી પર જન્મેલો સૌથી મહાન શિક્ષક સૉક્રેટિસ હતો અને એ દાયણનો દીકરો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “નિત્ય નવા ગાંધીજી – ગુણવંત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.