- ReadGujarati.com - http://www.readgujarati.com -

આજકાલ સગાઈ તૂટવાના કિસ્સા કેમ વધુ બની રહ્યા છે ? – રોહિત શાહ

[‘મુઝ કો યારો માફ કરના’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

એક યંગ ગર્લનો ઈ-મેલ દ્વારા લેટર આવ્યો છે. એ યંગ ગર્લનું નામ બદલીને લખવું પડે એમ હોવાથી લખવું જ નથી, પણ તેનો ઈ-મેલનો જવાબ મેં તેને ઈ-મેલથી મોકલી આપ્યો છે એ વાત અહીં જરૂર ઉલ્લેખવી છે. પહેલાં તેનો પત્ર થોડોક એડિટ કરીને મૂકું છું :

‘મારી ઉંમર ૨૩વર્ષ અને ત્રણ મહિનાની છે. બી.કૉમ. છું. સાતેક મહિના પહેલાં મારી સગાઈ ૨૪ વર્ષના છોકરા સાથે થઈ હતી. બીજું બધું બરાબર છે, પણ મને એમ લાગ્યા કરે છે કે છોકરો મેચ્યોર નથી. કાં તો મારી હાઈ એકસ્પેકટેશન હશે કાં તો ખરેખર તેની પાત્રતા ઓછી હશે, જે હોય એ, પણ મને ઊંડે-ઊંડે ચપટી અસંતોષ છે. કયારેક મનમાં સવાલ થાય છે કે આ છોકરાની સાથે આખી લાઈફ હું વિતાવી શકીશ ખરી ? મૅરેજ પછી સંબંધ તોડવો પડે તો કેવી બદનામી થઈ જાય ! સગાઈ તોડી નાખવાના વિચારો વારંવાર આવ્યા કરે છે. આ વાત મેં મારી ફૅમિલીમાં પણ કહી છે. તેઓ કહે છે કે અમને તો છોકરો શાંત, ડાહ્યો અને ખાનદાન લાગે છે. તું હવાઈ ખ્વાબોમાં રાચે છે. સગાઈ તોડવાની જરૂર નથી. એક વખત સગાઈ તૂટયા પછી છોકરીને ફરીથી સારું પાત્ર મળવામાં વિલંબ થાય છે. લોકો હજારો શંકાઓ કરે છે. લોકો એમ કહેશે કે સાત-સાત મહિનાથી બન્ને જણ સાથે ફરતાં હતાં. તેમણે આટલા સમયમાં નજીક આવવામાં શું બાકી રાખ્યું હશે ? ભલે આપણે ગમેતેટલાં ચોખ્ખાં હોઈએ તોય સમાજ મહેણાં-ટોણા મારશે. તારે સગાઈ તોડવી ન જોઈએ. સર, મારે મારી ફૅમિલીની સલાહ માનવી કે મારા હૈયાની બળતરા શાંત કરવી ? હું કન્ફયુઝ થઈ ગઈ છું. પ્લીઝ, મને ગાઈડન્સ આપો કે મારે શું કરવું જોઈએ ?’

ફરીથી જણાવી દઉં કે આ પત્ર એડિટ કરેલો છે. મૂળ પત્રમાં તો તેણે ઘણી નિખાલસ વાતો લખી છે.

હવે મેં આપેલો જવાબ :
‘આજકાલ સગાઈ તોડવાની વરની ફૅશન કે ભૂંડી સ્પર્ધા જાણે ચાલી રહી છે. સહેજ કંઈક અણગમતું બન્યું નથી કે તરત બનેના રસ્તા અલગ થઈ જાય છે. એનું મારી દ્રષ્ટીએ એક કારણ એ છે કે આજની યુવતીઓ એજયુકેટેડ અને સેલ્ફ-ડિપેન્ડન્ટ બની ચૂકી છે. તેમને કોઈની તાબેદારી કે વેઠવાની જરૂર નથી. સેલ્ફ-ડિપેન્ડન્ટ હોવું એ ખરેખર ગૌરવની ઘટના છે, પરંતુ મહત્વની વાત લાઈફની છે, ફયુચરની છે.

તારા પત્રમાં તેં તારી ફૅમિલીનો પ્રતિભાવ જણાવ્યો ન હોત તો કદાચ હું મિસગાઈડ થઈ ગયો હોત અને તેને સગાઈ તોડવાની સલાહ આપી બેઠો હોત. આખી જિંદગી રિબાઈ-રિબાઈને જીવવું પડે એના કરતાં એક વખત જલદ ફેંસલો કરવો પડે તો ભલે- એમ જ મેં પણ કહ્યું હોત, પણ તને જે પાત્રમાં મેચ્યોરિટીનો અભાવ લાગે છે એ જ પાત્રમાં તારી ફૅમિલીને સારા ગુણો દેખાય છે.

પૉસિબલ છે કે તેં જણાવ્યું છે એ પ્રમાણે કદાચ તારી ઊંચી અપેક્ષાઓને કારણે તને છોકરો મેચ્યોર નથી લાગતો. એવી જ રીતે તારી ફૅમિલીને સગાઈ તોડવાથી થનારી સંભવિત બદનામીના ભયને કારણે છોકરામાં સારા ગુણો દેખાતા હોય એ પણ પૉસિબલ છે. હું સંપૂર્ણ ન્યુટ્ર્લ છું. હવે તારી લાગણી સમજીને, તને મારે કહેવું છે કે તારો ફિયાન્સે તારી દ્રષ્ટીએ પૂરો મેચ્યોર નથી એટલું જ ને ? તેનામાં બીજાં કોઈ અપલક્ષણો નથી એવું તેં જ લખ્યું છે. શું હૅપી લાઈફ માટે આટલું ઈનફ નથી ? તું કહે છે કે છોકરો મેચ્યોર નથી લાગતો એ વાત સાવ સાચી જ હોય તોય તારે સગાઈ તોડવાની જરૂર નથી. સપોઝ, તને ઉગ્ર સ્વભાવનો કે જોહુકમી કરનારો હશે તો તને ગમશે ? ગરીબ અને ઓછું ભણેલો હશે તો ચાલશે ?

તેની ફૅમિલીના બીજા પ્રૉબ્લેમ્સ હશે તો એ બધું તું સહન કરી શકીશ ? તું પત્રમાં લખે છે કે લાઈફ અનમૅરિડ રહેવાની પણ તૈયારી છે. શું એ હૅપી લાઈફ હશે ? હૅપીનો અર્થ એ નથી કે અનહૅપી ન હોવું. હૅપીનો અર્થ છે અનહૅપીનેસ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું. ફિલ્મ ‘સરસ્વતીચન્દ્ર’ ના એક ગીતની પંક્તિ તારા કાનમાં કહીને મારી વાત પૂરી કરીશ. નિર્ણય તો તારે પોતે જ લેવાનો રહેશે, ઓકે ? પેલા ગીતની પંક્તિ વારંવાર યાદ કરીને ફેંસલો કરજે-

ચાંદ મિલતા નહીં, સબકો સંસાર મેં,
હૈ દિયા હી બહુત, રોશની કે લિએ….

શું કરવું જોઈએ ?

સગાઈ કરતાં પહેલાં યુવક-યુવતીઓએ ખૂબ ધીરજ રાખવી જોઈએ, ઉતાવળે નિર્ણય ન કરવો જોઈએ. એકબીજાને મળીને પોતપોતાનાં રસ-રુચિ તથા અપેક્ષાઓ સંપૂર્ણ નિખાલસપણે જણાવવાં જોઈએ. કોઈના આગ્રહ કે દબાણથી ‘હા’ ન પાડવી જોઈએ. ગાઈડન્સ ભલે અનેકનું લઈએ, પણ નિર્ણય પોતાનો જ હોવો જોઈએ. સગાઈ પહેલાં કોઈ કૉમ્પ્રોમાઈઝ ન કરો તો ચાલે, પણ સગાઈ પછી થોડું લેટ-ગો કરતાં શીખવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. મૅરેજ પછી તો ડગલે ને પગલે લેટ-ગો કરવું જ પડવાનું રહે છે. ભવિષ્યમાં પોતે કઈ બાબતે કૉમ્પ્રોમાઈક્ષ કરવા તૈયાર છે એ વિચારીને જ સગાઈ કરવી જોઈએ.

હા, સગાઈ થયા પછી જો કોઈ એક પાત્ર ખોટી માગણીઓ (દહેજ વગેરે) રજૂ કરે કે ખોટી અપેક્ષાઓ (મૅરેજ પહેલાં સેકસ વગેરેની) માટે જિદ્દ કરે તો કદાચ નિર્ણય બદલવો પડે, પરંતુ નાની-નાની બાબતમાં સગાઈ તોડવા ઉશ્કેરાઈ જવાનું ઠીક નથી. સગાઈને હાફ-મૅરેજ કહેવાય છે. સગાઈનો નિર્ણય ભલે થોડો વિલંબથી થાય, પણ શકય હોય ત્યાં સુધી એ નિર્ણયને વફાદાર રહેવું જોઈએ.

સગાઈ કેમ તૂટે છે ?

સગાઈ તૂટવાના કિસ્સા આજના યુગમાં વધી પડયા છે એ ભારે ચિંતાનો વિષય છે. પહેલાંના જમાનામાં યુવક-યુવતી પરસ્પર મળી શક્તાં નહોતાં. બન્નેની ફૅમિલી તરફથી જ સગાઈ નક્કી થઈ જતી. હવે તો યુવક-યુવતી એકબીજાને મળી શકે છે, ચાર-પાંચ વખત મીટિંગ કરી શકે છે. પર્સનલી મળીને પરસ્પરનાં રસ-રુચિ જાણી-સમજી શકે એવી અનુકૂળતા તેમને આપવામાં આવે છે. તો પછી સગાઈ કેમ તૂટે છે ? બે મુખ્ય કારણો છે : એક તો લાઈફ-પાર્ટનર પ્રત્યેની વધુપડતી અપેક્ષાઓ અને બીજું કારણ સમાધાનવૃતિનો અભાવ. સગાઈ કરનારાં દરેક યુવક-યુવતીએ એટલો વિચાર કરવો જોઈએ કે સામેના પાત્રમાં એક-બે ખામીઓ છે, તો પોતે કાંઈ સર્વગુણસંપન્ન તો નથી જ. વ્યક્તિ કાંઈ ઈશ્વર નથી. પોતાની નબળાઈઓ કે ખામીઓનો વિચાર કર્યા વગર માત્ર સામેની વ્યક્તિના દોષો કે તેની ઊણપો જોવાનું ઠીક નથી.

[ કુલ પાન: ૧૪૪. કિંમત રૂ. ૧૦૦. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]