માટીમાંથી માનવી – રામનારાયણ નાગરદાસ પાઠક

[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]

એક વાર ગાંધીજી ઓરિસ્સામાં પ્રવાસ કરતા હતા. ગામને પાદર નાની ઝૂંપડીમાં બાપુનો ઉતારો હતો. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો બાપુનાં દર્શન કરવા આવ્યાં હતાં. એમાં એક ડોસો ઝૂપડીમાં દાખલ થયો. બાપુની સામે ઘૂંટણિયે બેઠો. માથાબંધાણામાંથી ઘાસનું એક તરણું લઈ તેણે મોંમાં મૂકયું પછી પગે લાગ્યો. બાપુ તેની સામે નીરખી રહ્યા. એણે ફકત લંગોટી પહેરી હતી. માથે એવો જ ફાટેલો લીરો વીંટયો હતો. એના ઉઘાડા શરીર અંદરની પાંસળીઓ ગણી શકાતી હતી. બાપુને પગે લાગી તેણે કમરેથી એક પૈસો કાઢી બાપુની આગળ મૂકયો. એ જોતાં જ બાપુની આંખ ચમકી ઊઠી. તેમણે એ ડોસાને પૂછયું : ‘તમે મોંમાં તરણું શા માટે લીધું ?’ ‘બાપજી, તમ જેવા મોટા માણસ પાસે એટલી માનમરજાદ રાખવી પડે.’

એ જમાનો જુદો હતો. ગરીબ ખેડૂતો, હરિજનો, આદિવાસીઓ જયારે મોટા અમલદારને કે જમીનદારને મળવા જતા ત્યારે મોંમાં ઘાસનું તરણું લેતા. બાપુએ ફરીથી પૂછયું : ‘અને આ પૈસા શા માટે મૂકયો ?’
‘બાપજી, દેવદર્શને જઈએ ત્યારે ખાલી હાથે નો જવાય.’
‘તમારો આ પૈસો મને નહીં ખપે.’
‘કેમ બાપજી ?’
‘તમે મને એક વચન આપો.’
‘શાનું વચન આલું ?’ આમ પૂછતાં એ ડોસાની આંખોમાં નવું તેજ આવ્યું. એને મનમાં થયું કે, આવા મોટા મહાત્માને આપવા જેવી કોઈક વસ્તુ મારી પાસે છે. એ વિચારે એની આંખ ચમકી ઊઠી.

માણસ જયારે કંઈલ લેવા માંગે છે, ત્યારે એની આંખમાં ગરજ દેખાય છે, પણ જયારે બીજાને આપવાની વાત હોય છે, ત્યારે ત્યાગનો ભાવ દેખાય છે, એવે વખતે એની આંખનું તેજ ચમકી ઊઠે છે. ડોસો એકીટશે બાપુ સામે નીરખી રહ્યો. બાપુ બોલ્યા : ‘કહો, હું માગું તે આપશોને ?’ ‘હું ગરીબ માણસ તમ જેવા મા’ત્માને શું આલું ?’ બાપુએ કહ્યું : ‘જુઓ, આજથી કોઈપણ માણસને આ રીતે પગે ન લાગશો. અને મોંમાં ઘાસનું તરણું ન લેશો.’ બાપુ પાસે પ્રતિજ્ઞા લેતાં એ પ્રમાણિક વૃદ્ધ અચકાયો. ઠક્કબાપા અને બીજા સાથીઓ જોઈ રહ્યા. પળવારમાં ડોસાનો ચહેરો ખીલી ઊઠયો અને તેણે કહ્યું : ‘જાઓ, બાપજી ! આજથી મોંમાં તરણું નહીં લઉં.’

એની બહારની સંપત્તિ કશી વધી ન હતી. તેની લંગોટી અમે માથાનો લીરો એનાં એ જ હતાં. એના ઉઘાડા દેહની પાંસળીઓ હજી ગણી શકાતી હતી, છતાં તેના નિશ્ચયબળથી એના મોં ઉપર અલૌકિક આંનદ છવાયો. બાપુએ માટીમાંથી માનવી કેવી રીતે ઘડયાં તે સૌ નજરે જોઈ રહ્યાં. બાપુ બોલ્યા : ‘હજી તમારે મને બે વસ્તુ આપવાની છે.’ ‘હજી ?’ કહેતાં એ હસીને બાપુ સામે તાકી રહ્યો. ‘જુઓ તમારું મોં ગંધાય છે. તમે છાંટોપાણી લીધાં લાગે છે, એ બૂરી આદત છે, એમાં પૈસાની તથા શરીરની ખુવારી છે. દારૂતાડી ન પીવાનું વચન આપો.’

વળી ડોસો મૂંઝાયો, થોડી વાર વિચાર કર્યો ન કર્યો, ને બોલ્યો : ‘જાઓ બાપજી આજથી નહીં પીઉં.’ ‘અને કદી ગાળો ન બોલશો.’ ડોસો નવાઈ પામીને સામે જોઈ રહ્યો. એના મનમાં થયું કે હું ઘરમાં ગાળો દઉં છું તેની આ મહાત્માને કેમ ખબર પડી હશે ? બાપુએ કહ્યું : ‘જે જીભેથી રામનામ લઈએ તે જીભે ખરાબ શબ્દ ન બોલાય.’ ‘હવેથી ગાળ નહીં બોલું, બાપજી !’ બાપુ રાજી થઈને બોલ્યા : ‘ઠીક ત્યારે, લાવો તમારી ભેટ, પણ તમે આ કયાંથી લાવ્યા ?’ ‘જંગલમાંથી લાકડાં કાપી ભારો કટકમાં વેચી આવ્યો. પાંચ પૈસા મળ્યા, તેમાંથી ચાર પૈસાના ચણા ખાધા, એક પૈસો તમારે પગે મૂકવા લાવ્યો .’ ‘પણ હું પૈસાનું શું કરીશ ?’ ‘કઈક ગરીબને આલજો.’ ‘બરાબર.’ એમ બોલી બાપુએ પૈસો લીધો અને ઠક્કરબાપા વગેરે તરફ ફરીને કહ્યું : ‘જુઓ, ભારતની આ ખૂબી છે, ચીંથરે હાલ કંગાળમાં પણ ત્યાગની ભાવના છે. આ માણસે જે નિર્ણય કર્યો છે તે એ પાળવાનો પણ ખરો.’

સાંજે કટકથી દૂર કેન્દ્રપાડા નામના ગામમાં મોટી સભા મળી. બાપુએ ભાષણ કર્યું. પછી હરિજનફાળો ઉઘરાવવા લાગ્યા, પાઈ પૈસાનો વરસાદ વરસ્યો. એમાં એક ખૂણેથી એક છોકરો આગળ આવ્યો. બાપુની સામે આવીને તેણે તાજું મોટું કોળું ઊંચે ધર્યું. બાપુએ નીચા વળી એ લઈ લીધું અને છોકરાને પૂછયું : ‘તું આ કયાંથી લાવ્યો ?’ ‘મારી છાપરી ઉપર કોળાના વેલા છે.’ ‘તો તું શાક શાનું કરીશ ?’ ‘મારી માએ કીધું કે, કોળું મા’ત્માને ધરજે. આજ શાક વિના ખાઈ લેશું.’

બસ બાપુએ હાથ ઊંચો કરી સભાની સામે કોળું ધર્યું. બાપુ હિંદીમાં બોલતા જાય, તેનું ઉડિયા ભાષામાં ભાષાંતર થતું જાય. સાંભળનારા એકકાન થઈ ગયા. બાપુ કહે : ‘આપણો દેશ સેંકડો વરસથી પરદેશના હુમલા સામે ટકી રહેલો છે તેનું કારણ આ ત્યાગભાવના છે. પોતે ના ખાઈને બીજાને ખવડાવાની ભાવનાથી જ દેશ ગમે તેવાં ભારે સંકટો સામે ટકી શકશે.’ દેવોને દુર્લભ એવું દ્રશ્ય જોઈને તે દિવસે સૌ પાવન થયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “માટીમાંથી માનવી – રામનારાયણ નાગરદાસ પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.