મેરુ – યોગેશ જોષી

[‘અઢારમો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (41) (425x640)‘જઉં કે ના જઉં ?’ તન્વીનું હૈયું ભારે થઈ ગયું… ભીતર ગોરંભો ઘેરાતો ગયો… પગ જાણે પાણી પાણી થઈ ગયા… શરીર અંદરથી સૂકા પાંદડાની જેમ ધ્રૂજવા લાગ્યું… હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યું… તાળવામાંય જાણે કશાક થડકારા થવા લાગ્યા… અત્યાર સુધી તો તન્વી મેરુ જેવી મક્ક્મ હતી. પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું : ‘હું માનવને ચાહું છું અને લગ્ન કરીશ તો માનવ સાથે જ.’ પપ્પાય મેરુ જેવા જ અડગ હતા :
‘કુટુંબની ઇજ્જ્ત-આબરૂનું શું ? ઇન્ટરકાસ્ટ મૅરેજ કોઈ સંજોગોમાં ન ચાલે.’

પપ્પા ન હોય ત્યારે મમ્મી તન્વીના માથે હાથ ફેરવીને કહેતી : ‘તું ધીરજ રાખ બેટા… તારા પપ્પા તું ધારે છે તેવા કઠોર નથી. એ નારિયેળની જેમ બહારથી કઠોર છે. તું માનવને ખરેખર ચાહે છે. એવું તમને લાગશે એ પછી એ તારું દુઃખ જોઈ નહી શકે… માનવ સાથેના લગ્ન માટે ચોક્ક્સ હા પાડશે…’ તન્વી પોતાના નિર્ણયને વળગી રહી. પપ્પા મુરતિયા જોતા રહ્યા… જન્માક્ષર મેળવતા રહ્યા… પણ તન્વી ના જ પાડતી રહી… એક પણ છોકરો જોવાય એ તૈયાર ન થઈ. છેવટે પપ્પાએ છોકરાઓ જોવાનું બંધ કર્યું : ‘ભલે રહેતી કુંવારી. નસીબ એનું.’

તન્વીની હતાશા પપ્પાને પીગળાવી ન શકી. મમ્મી ઘરમાંના મંદિરમાંના માતાજીના ફોટાને વીનવતી રહી કે તન્વીના પપ્પા માનવ માટે ‘હા’ પાડે. પણ માતાજીના ફોટા પર મૂકેલું કોઈ ફૂલ મમ્મીના ખોબામાં ન પડયું. પપ્પા પીગળે એ માટે તન્વીએ પૂરતી રાહ જોઈ, પણ છેવટે માનવ સાથે નાસી જઈને લગ્ન કરવા સિવાય તન્વી પાસે બીજો કોઈ જ વિક્લ્પ બાકી ન રહ્યો. મમ્મીની મૂંગી સંમતિ હતી. આથી મમ્મીએ પપ્પાને ખબર ન પડે તેમ માનવ-તન્વીના જન્માક્ષર જયોતિષીને બતાવેલા. જયોતિષી કહેલું, ‘જન્માક્ષર જરીકે મળતા નથી. જો લગ્ન થશે તો તમારી દીકરી કયાંક વિધવા…’ એ પછી મમ્મી માનવ સાથે લગ્ન નહિ કરવા તન્વીને સતત સમજાવ્યા કરતી. તન્વી માની જાય એ માટે બાધા-આખડીય કરતી… ‘લે બેટા, માતાજી તારી રક્ષા કરે એ માટે આ માદળિયું પહેર.’ આમ કહીને મમ્મીએ તન્વીને એક માદળિયું મંતરાવેલું. પણ મંતરાવેલા માદળિયાની તન્વી પર કોઈ જ અસર ન થઈ. તન્વીએ ભાગી જઈને માનવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. મુહૂર્ત જોવડાવ્યું. ‘શુભ’ ચોઘડિયું પણ જોયું. તન્વી તથા માનવે ભાગી જવાની યોજના ઘડી.

તન્વીના પપ્પા બિઝનેસ ટૂરમાં આઉટ ઑફ સ્ટેટ હોય એ સમયનો ઉપયોગ કરી લેવો. મમ્મી સાંજની આરતી પતાવે એ પછી માતાજીના ફોટા નીચે દેખાય તેમ ચિઠ્ઠી મૂકવી…. બીજા દિવસે સવારે મમ્મી પૂજા કરવા જાય ત્યારે ચિઠ્ઠી જુએ… અથવા તો મોડી રાત થવા છતાં દીકરી પાછી ન ફરે ને મમ્મી માતાજી પાસે પ્રાર્થના કરવા આવે કે ચિઠ્ઠી જુએ. કૉલેજલાઈફ દરમિયાન રજાના દિવસોએ જે બસ-સ્ટેન્ડે હંમેશાં મળતાં ત્યાં મળવું. પછી રિક્ષા, પછી રેલવેસ્ટેશન. પછી મમ્મીને કે કોઈને શંકા ન પડે તેવું સ્થળ ને પછી કોર્ટમાં લગ્ન નોંધાવી દેવાં ને પછી મમ્મીને ફોન કરી આશીર્વાદ મેળવવા….

પ્લાન મુજબનો દિવસ આવ્યો. એ અગાઉ જ તન્વી મમ્મીને ગંધ ન આવે તેમ એકેક-બબ્બે કરીને પોતાનાં કપડાં તથા વસ્તુઓ એની બહેનપણીને ત્યાં મૂકી આવેલી. એક મોટો ખાલી થેલો તો સૌથી પહેલાં બહેનપણીને ત્યાં પહોંચાડી દીધેલો. મમ્મીને કહેલું ધરાને ટૂરમાં જવાનું છે એટલે આ થેલો એને આપું છું પોતાની સોનાની કોઈ જ ચીજ સાથે નહિ લેવી. કાનમાં પહેરેલી સોનાની કડીઓ પણ ધરાના ઘરે પહોંચ્યા પછી કાઢી નાખવી ધરા એ કડીઓ મમ્મીને પહોંચાડશે…. થોડો સમય ગયા પછી બધું ઠરીઠામ થઈ જશે ને પપ્પા માનવ સાથેનાં લગ્ન સ્વીકારશે !

પ્લાન મુજબના દિવસની સાંજ પડી. તન્વીની વ્યાકુળતા વધતી ગઈ. ઘડિયાળ બંધ નહોતી પડી, પાવર પણ નવા જ હતા… છતાં ઘડિયાળના કાંટા જાણે આગળ ખસતા જ નહોતા. સમય જાણે થંભી ગયેલો. બારીમાંથી ઘરમાં આવીને લંબાઈને પડેલો તડકોય જાણે ઊંધી ગયેલો, આગળ ખસવાનું નામ નહોતો લેતો. તન્વીના શ્વાસ અધ્ધર હતા, જીવ પવનમાં ફરફરતી જયોત જેવો થઈ ગયેલો. બે ધબકારા વચ્ચેનું અંતર જાણે વધતું જતું હતું… છેવટે આરતીનો સમય થયો. તન્વી પણ આરતી ગાતી મમ્મી પાસે બેઠી. આરતી પૂરી થયા પછી મમ્મીએ માતાજીને ચડાવેલું ફૂલ તન્વીની આંખે-કપાળે અડકાડયું.

તન્વીને લાગ્યું, આ ક્ષણ જાણે કન્યાવિદાયની ક્ષણ હતી. આ ક્ષણે જાણે મમ્મીના તથા માતાજીનાય આશીર્વાદ મળી ગયા… થતું, હમણાં આસુંઓ દડ દડ દડી પડશે… માંડ આસુંઓ રોકયાં… રસોડામાંથી મમ્મીનો અવાજ આવ્યો : ‘ચલો, તન્વી બેટા જમી લઈશું ?’ મુઠ્ઠીમાં સાચવી રાખેલી ચિઠ્ઠી તન્વીએ ઝટ માતાજીના ફોટા નીચે મૂકી; પછી કહ્યું : ‘મને ભૂખ નથી મમ્મી… પેટમાં ગડબડ છે… તું જમી લે… હું મારી બહેનપણીના ઘેર જઉં છું…’ રસોડામાંથી અવાજ આવ્યો : ‘કેટલા વાગે પાછી આવીશ કહેતી જા…’ સૅન્ડલ પહેરતાં તન્વીએ કહ્યું. ‘દસ-સાડાદસે, મમ્મી…’ વળી રસોડામાંથી મમ્મીનો સહેજ ઊંચો, ચિંતાભર્યો અવાજ આવ્યો : ‘બહુ મોડું ન કરતી બેટા…’ ‘સા…રું ! કહેતીક તન્વી ચાલી. સડસડાટ પગથિયાં ઊતરી તો ગઈ, પણ આંગણ છોડતાં થયું…
‘જઉં કે ના જઉં ?’ આ તે કેવી કન્યાવિદાય ?! ન મમ્મીને બાઝી રડવાનું, ન મુરબ્બીઓના આશીર્વાદ લેવાના, ન તો શણગારેલી કારનાં પૈડાં પાસે શ્રીફળ મૂકવાનું, ન તો ગોરમહારાજના મંત્રોચ્ચાર… ન મેંદી, ન શણગાર, ન પાનેતર…. તન્વીના હ્યદયમાંથી જાણે કોઈ ગાંડુતૂર પૂર ઊમટયું. પાછી ઉપર જઉં… મમ્મીને બાઝીને ધ્રુસકે ધ્રુસકે રડી લઉં… મમ્મીનો હાથ પકડીને મારા માથે મૂકુંને પછી નીકળું… પણ તન્વીએ આવું ગાંડપણ કર્યું નહિ. આવુંઆવું થતાં આસુંઓ આડે બંધ બાંધી દીધો. પાણી પાણી થઈ જતા પગ પરાણે ઝડપભેર ઉપાડયા…

ઘર તરફ છેલ્લી નજર કરી લેવાનું મન થયું… પણ પછી થયું, ઘર તરફ નજર કરતાં જ કયાંક ચરણ થંભી જશે તો ? ઘર તરફ જોયા વિના જ વધારે ઝડપથી પગ ઉપાડયા. નાકેથી જ રિક્ષા મળી ગઈ. રિક્ષાની પાછલી બારીમાંથી ઘર ભણી નજર નાખવાનું મન થયું… કદાચ બાલ્કનીમાં ઊભેલી મમ્મી નજરે પડે… પણ પાછળ જોવાને બદલે તન્વીએ જોરથી આંખો મીંચી દીધી… રિક્ષા કેરોસીનની તીવ્ર ગંધવાળો ધુમાડો પાછળ છોડતી રહી…

તન્વી ધરાના ઘેર પહોંચી. આગલી સાંજે જ ધરાના ઘરે તન્વીએ પોતાનો થેલો ભરીને તૈયાર રાખેલો. ધરાને જોતાં જ તન્વી ધરાને બાઝીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મમ્મીનું નામ લખેલાં આંસુઓ તન્વીની આંખોમાંથી વહેવા લાગ્યાં… તન્વી ધરાની મમ્મીને પગે લાગી. એમણે તન્વીને આશીર્વાદ આપ્યા : ‘સુખી થજે…’ ‘હું આવું તારી સાથે ?’ ધરાએ પૂછયું. ‘ના,’ મક્ક્મ અવાજે તન્વી બોલી, ‘મોડી રાત સુધી હું ઘરે નહિ પહોંચું એટલે મમ્મીનો અહીં ફોન આવશે. કહી દેજે, તન્વી અહીં નથી આવી…’

થેલો ઊંચકીને તન્વી ચાલી. પગથિયાં ઓળગ્યાં. પછી અટકી. પાછી ફરી. થેલો નીચે મૂકયો. ધરા તથા એની મમ્મી પ્રશ્નસૂચક નજરે તન્વી સામે તાકી રહ્યાં. તન્વીએ કાનમાંથી સોનાની કડીઓ કાઢી ને ધરાના હાથમાં મૂકતાં કહ્યું, ‘લે, બે-ચાર દિવસ પછી મમ્મીને પહોંચાડજે.’ પછી ગળગળા સાદે ઉમેર્યું, ‘કન્યાવિદાયની ક્ષણે બધાએ કેવા શણગાર સજયા હોય… જયારે મારે તો આ કડીઓ પણ ઉતારવાની…’ ને તન્વી પાછળ જોયા વિના જ પગથિયાં ઊતરીને સડસડાટ ચાલી ગઈ… ધરા તથા એની મમ્મીને લાગ્યું, પોતાના હૈયામાંથીય જાણે કંઈક ઓછું થઈ ગયું… તન્વી નક્કી કરેલા બસ-સ્ટૅન્ડ પાસે આવી. ભીડની પાછળ ઊભી રહી… બસ-સ્ટૅન્ડ તન્વીને ‘ઘર’ જેવું વહાલું લાગ્યું ! તન્વી-માનવ હંમેશાં આ બસ-સ્ટૅન્ડે મળતાં. પછી માનવના સ્કૂટર પાછળ તન્વી બેસતી. સ્કૂટર દોડવા લાગતું. તન્વી ઊડવા લાગતી. આકાશમાં એને અનેક કેડીઓ દેખાતી… કયારેક છૂટીછવાઈ વાદળીઓમાંય એને અનેક ચમકીલાં શિખર દેખાતાં. શરૂશરૂમાં એ બંને કોઈ કૉફી હાઉસમાં જતાં. પછી રેસ્ટોરાંમાં… પછી થિયેટરોમાં. ખોબોએક એકાંત કર્યા મળે એની શોધ ચાલતી… પછી તો ખોબોએક બ્લૂ અંધારુંય મળી રહે તેવી જગ્યાઓ પણ જડી આવતી…

એ બધાં જૂનાં સ્મરણો મમળાવતી તન્વી ઊભી રહી, બસ-સ્ટૅન્ડે, માનવની રાહ જોતી… ઊંચે આકાશમાં અંધારું ઘટ્ટ થતું ગયું… ને રસ્તા પરની નિયોન લાઇટ્સ વધારે તેજસ્વી… લાલ બસો આવતી. થોડી ક્ષણ ઊભતી… ને ઊપડી જતી… બસ-સ્ટૅન્ડ પર ઊભેલા લોકો બદલાતા જતા… બસ-સ્ટૅન્ડ પરની ભીડ હવે ખાસ્સી ઓછી થઈ ગઈ. તન્વીને થયું, બધાયને પોતપોતાની બસ મળી ગઈ… હજી માનવ કેમ ન આવ્યો ?

હવે ટ્રાફિક સિગ્નલ ‘ગ્રીન’ થાય કે વાહનોનું ઝુંડ ધસી આવશે એમાં એકાદ રિક્ષામાં માનવ દેખાશે… પણ થોડી ક્ષણોમાં જ સિગ્નલ ‘રેડ’ થઈ જતું. ધસી આવતાં વાહનોનો પ્રવાહ અટકી જતો… એક ઊંચા થાંભલા પરના નાના બૉકસમાં ડિજિટલ કાઉન્ટ-ડાઉન દેખાતું… સેકન્ડે સેકન્ડે એ આંકડો ઘટતો જતો… ૫,૪,૩,૨,૧,૦… અનેક વાર આમ કાઉન્ટ-ડાઉન ઝીરો સુધી પહોંચ્યું, પણ માન્વ આવ્યો નહિ… આટલું મોડું તો ન થાય… શું થયું હશે ? લાવ, માનવને ફોન કરી જોઉં ? પાછળના ટેલિફોન બૂથમાંથી તન્વીએ ફોન જોડયો… રિંગ બૅક ટોન સંભળાતો રહ્યો… કેમ કોઈ ફોન ઉપાડતું નથી ? માનવ ન હોય, પણ બીજું કોક તો ઘરમાં હોય ને ? રિસીવર મૂકી દીધું. વળી તન્વી ટ્રાફિકનો પ્રવાહ જોતી રહી… થતું, હવે પછીની રિક્ષામાં તો માનવ દેખાશે… હવે આ રિક્ષામાં તો માનવ હશે જ હશે… ટ્રાફિકનો પ્રવાહ ક્ષીણ થઈને અટકી જતો… વારે વારે તન્વી ઘડિયાળ તરફ જોતી. પાંચેક મિનિટમાં જો માનવ ન આવે તો નક્કી કરેલી ટ્રેન પણ ચૂકી જવાશે… ના, ના, હવે આ રિક્ષામાં તો માનવ હોવો જ જોઈએ… ટ્રેન ચૂકી જવી એ માનવ ના સ્વભાવમાં નથી… ઓચિંતુ તન્વીને યાદ આવ્યું :

છેલ્લે આ જ બસ-સ્ટૅન્ડે મળેલાં ત્યારે માનવે મૂછમાં મલકાતાં મલકાતાં કહેલું : ‘ફોરૅનથી લગ્ન માટે અહીં આવેલી એક છોકરીનું માગું આવ્યું છે…’ પોતે મજાક કરતાં કહેલું : ‘તો પરણી જા એની સાથે… ને પછી ઊડી જા…’ વળી તન્વીએ ઘડિયાળમાં જોયું… હવે તો નક્કી કરેલી ટ્રેન પણ ગઈ. અહીં આ બસ-સ્ટૅન્ડ પરની ભીડ પણ ખાલી થઈ ગઈ… મમ્મી હવે ચિંતા કરવા લાગી હશે… મારા મિત્રોને ફોન કરી જોતી હશે… કયાંયથી મારી ભાળ ન મળતાં એ ભગવાનનાં નાના દેરા પાસે ગઈ હશે… માતાજીના ફોટા નીચેથી ચિઠ્ઠી મળી હશે … ને…

શું શું ગુજરતું હશે મમ્મી પર ? મમ્મીએ માસી તથા બંને મામાને ફોન કર્યા હશે ? એ લોકો મને શોધવા માટે નીકળ્યા હશે ? તન્વી આમ વિચારોમાં ડૂબેલી હતી ત્યાં જ એક કાર છેક એના પગ પાસે આવીને ઊભી રહી… બારીનો કાચ જરી નીચે ઊતર્યો… અંદર દેખાતા અડધા ચહેરાએ તન્વીએ પૂછયું : ‘આવવું છે ?’ બાપ રે ! તન્વીના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું… પછી તન્વીના ચહેરા પરની રેખાઓ જોઈ પેલો અડધો ચહેરો ભોંઠો પડયો… બારીનો કાચ પાછો ઉપર ચડયો… ને કાર ચાલી ગઈ… તન્વીને થયું, હવે અહીં ઊભું ન રહેવાય…. તો કયાં જઉં અડધી રાતે ?! લાવ, ફરી માનવના ઘરે ફોન કરી જોઉં… આ વખતે ફોન માનવે જ ઉપાડયો ! ‘હું કયારની અહીં રાહ જોતી ઊભી છું… માનવ, એક થેલામાં મારી બાકીની જિંદગી ભરીને…’

‘સૉરી તન્વી, હું નહીં આવી શકું.’ તન્વીએ ફટ દઈને રિસીવર મૂકયું એ અગાઉ તન્વીના કાને માનવના દોસ્તોનો ખડખડાટ હસવાનો અવાજ પડયો. હવે ?! વીજળી પડેને જમીનમાં પ્રસરી જાય તેમ તન્વીના માથે જાણે કાળો ડિબાંગ અંધકાર પડયો ને લોહીમાં પ્રસરી ગયો…! ત્રિભેટે આવેલા બસ-સ્ટૅન્ડે ઊભેલી તન્વીએ ત્રણે રસ્તા તરફ નજર કરી. એક રસ્તો રેલવેસ્ટેશને જતો હતો, બીજો રસ્તો કાંકરિયા તળાવ અને ત્રીજો ઘર તરફ…

[ કુલ પાન: ૧૬૬. કિંમત રૂ. ૧૨૫. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]

Leave a Reply to umeshk Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “મેરુ – યોગેશ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.