બાળ-મન ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

‘કેમ, ડેડી પાસે જવાનું એટલે ગટુજી ખુશ છે ને !’ છ-સાત વરસના વિનુને ગાલે ટપલીમાં રશ્મિએ હસતાં-હસતાં કહ્યું, અને તે જલદી-જલદી અંદર જતી રહી. વિનુ ખુશ તો હતો જ, પણ એનાં મનમાં કાંઈક ગોંધળ ચાલતું હતું. તેણે અંદર જઈને પૂછયું, ‘ડેડી આવશે ને આપણને લેવા ?’ ‘નહીં રે ! એમને કયાંથી વખત હોય ? આપણે આવ્યા, ત્યારે સાથે આવ્યા હતા ને ! હવે આપણને બેઉ જ જઈશું.’

રશ્મિના અવાજથી વિનુ મૂંઝાયો. તેને નિશાળમાં છુટ્ટી પડી એટલે રશ્મિ દસ-બાર દિવસ માટે પિયર આવેલી. તે વખતે ‘ચાલ, મને પણ એટલો ચેન્જ મળશે’ – કહી રમેશ પણ સાથે આવેલો. શનિ-રવિ રહી એ પાછો ગયો. રશ્મિ પિયરમાં મોજથી નિરાંતે રહી. હવે કાલે પાછી જવાની હતી. આમ તો વડોદરાથી અમદાવાદ જવું એટલે પરામાં જવા જેવું. શરૂમાં વિનુના જન્મ પહેલાં તો અવારનવાર પિયર જઈ આવતી, પણ હમણાંનું તેમ બનતું નહોતું. આ વખતે તો છએક મહિને આવવાનું થયેલું. એટલે મા ‘આ લઈ જા’ ને ‘તે લઈ જા’, કહી એક એક ચીજ આપતી જતી હતી. એ બધું પેકિંગ કરવામાં રશ્મિ વ્યસ્ત હતી.

વિનુ ત્યાં ઊભો-ઊભો તેને જોતો રહ્યો. મમ્મી ખૂબ સુંદર લાગે છે, નહીં ?- પહેલી વાર વિનુના ધ્યાનમાં આવ્યું. દાદી કહે છે તે વાર્તાની રાજકુમારી જેવી ! પણ આ વિચાર આવતાં તે ખચકાયો. આવી રાજકુમારીને હંમેશા રાક્ષસ ઉપાડી જાય છે. ‘છટ્ ! એ તો વાર્તામાં.’ – તેણે મનોમન સમાધાન કર્યુ, પણ દાદી રામની વાત કહે છે ને ! તેમાંયે નથી આવતું કે રાવણ સીતાને ઉપાડી ગયો ? પોતે દાદીને પૂછયું પણ હતું કે, ‘રાવણ શા માટે ઉપાડી ગયો ?’ તો દાદી બોલ્યાં, ‘સીતા ખૂબ સુંદર હતી માટે.’ ‘હં ! તો છોકરી સુંદર હોય તેને ઉપાડી જાય. ટીવી ઉપર પણ સિનેમામાં સુંદર છોકરીને ઉપાડી જાય છે !’ – વિનુ એકદમ ભારે ચિંતામાં પડી ગયો.
‘મમ્મી !….’ તે બોલ્યો. ‘હા, બેટા !….’ પોતાનું કામ કરતાં –કરતાં રશ્મિ બોલી.

ઘડીક અંદર ને અંદર મૂંઝાતો વિનુ બોલ્યો, ‘મમ્મી, તું ખૂબ સુંદર લાગે છે !’ રશ્મિ અચાનક ઊભી રહીને વિનુ તરફ જોઈ રહી. પછી હસીને એના ગાલે ચૂમી લઈ પાછી પોતાના કામે વળગી. વિનુને આગળ શું કહેવું, તે સમજાય નહીં. તેને કહેવું તો ઘણું-ઘણું હતું….. રશ્મિના હાથ પરની સોનાની બંગડી ઉપર-નીચે થઈને ખણકતી હતી. તે જોઈ વિનુને ફરી યાદ આવ્યું – પડોશનાં કાકી અને દાદી હંમેશા છાપાંની વાત કરતાં હોય છે. તે દિવસ દાદી કહેતાં હતાં – ‘આજકાલ સોનું પહેરવાના દિવસો રહ્યા નથી. સોનાનો દાગીનો આંચકી લેવા ગુંડા હુમલો કરે છે, કયારેક તો મારીયે નાખે છે.’ આ યાદ આવતાં વિનુને વિચાર આવ્યો, ‘મમ્મીની બંગડી સોનાની છે કે, કોને ખબર, પણ સોનાની હોય તો દાદી તેને પહેરવા જ નહીં દે ને ! છતાં લાવ ને પૂછી લઉં !’

‘મમ્મી, આ તારી બંગડી સોનાની છે કે ?’ ‘હા,’ તેણે સહજ કહ્યું. બાપ રે ! વિનુના પેટમાં ફાળ પડી. એની આંખ સામે ગુંડા આવ્યા. તેમણે મમ્મીને ઘેરી લીધી છે… વિનુ હેબતાઈ જ ગયો. તેનો પડેલો ચહેરો જોઈ રશ્મિએ પૂછયું, ‘કેમ બેટા ! ભૂખ લાગી છે મારા વહાલુડાને ? કે પછી નાના-નાનીને છોડીને જવાનું ગમતું નથી ?’ ‘છટ્ ! મમ્મીને મારે કેમ કહેવું ?’ થોડી વારે મમ્મીની રસોડામાં જઈ બોલ્યો, ‘મમ્મી ! તું આ સોનાની બંગડી ઉતારી નાખ ને !’ ‘કેમ રે ?’ ગુંડા લઈ જાય છે.’ નાનીએ તેને વહાલથી ગોદમાં લીધો, અને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘તું છે ને મમ્મીની સાથે. ગુંડા આવે તો ઢિસુમ્… ઢિસુમ્… એમને ભગાડી મૂકવાના.’

વિનુએ હવામાં હાથ વીંઝ્યા અને તત્પૂરતું તેને સારું લાગ્યું, પણ બીજે દિવસે ટ્રેનમાં બેઠા, ત્યારે ફરી એનું મન ચકડોળે ચઢયું. ઘણી વારે તેણે મમ્મીની સોડમાં સરતાં કહ્યું, ‘મમ્મી, ડેડી આવ્યા હોત તો સારું થાત ને !’
‘કેમ રે ?’
‘મને બીક લાગે છે.’
‘શાની ?’ શાની બીક લાગે છે, તે તો તેનેય ખબર નહોતી, પણ મનમાં મૂંઝવણ થતી હતી. તે મમ્મીને કહેવું કે નહીં, તેનીય સમજ પડતી નહોતી. મમ્મીને કહીશ અને મમ્મી ગભરાશે તો ?
‘ધાર કે લાગે, તો ડેડી હોત તો સારું ને !’ રશ્મિ હસી.
‘ડેડી પણ આપણી જેમ જ ટ્રેનમાં બેઠા હોત ને ! એ શું કરત ?’

છટ્ ! મમ્મીને ડેડી ઉપર વિશ્વાસ કેમ નથી ? ડેડી હોત તો કાંઈ પણ કરત. વાર્તામાં નથી આવતુ ? રાજકુમાર હંમેશા શૂરવીર હોય છે. રાજકુમારીને એ બચાવી લે છે… અને કાલે ટીવી ઉપર સિનેમામાં નહોતું આવ્યું ? ભારે આગ લાગેલી. હીરોએ તેમાં કૂદીને હીરોઈનને બચાવી લીધેલી ! ડેડી હોય તો કાંઈ પણ કરી શકે. વડોદરા સ્ટેશને તેડવા આવેલા ડેડીને જોઈને વિનુને એટલી ‘હાશ’ થઈ !

બે-ચાર મહિને ફરી વડોદરા જવાનું થયું. મમ્મીની બહેનના લગ્ન હતાં. રમેશથી નીકળી શકાય તેમ નહોતું. એટલે મા-દીકરાને ફરી એકલા જવું પડયું. વિનુ માટે થોડા દિવસ પહેલાં જ નવા બૂટ લીધેલા. તે પહેરીને વિનુ રૂઆબભેર બેઠો હતો. આ વખતે એને બીક નહોતી. મમ્મીને કહેતો હતો, ‘ આ બૂટ તો એવા જોરદાર છે કે ભલભલાને કચડી નાખે. પેલા ‘શોલે’ માં સંજીવકુમારે પહેર્યા હતા ને, તેવા છે !’ પછી મનમાં ને મનમાં કાંઈક વિચારતો રહ્યો. થોડી વારે ફરી કહે, ‘મમ્મી, હવે તને ઉપાડી જવા ગુંડા આવે ને, તો હું આ બૂટથી તેને એવી લાત મારીશ, એવી લાત મારીશ કે બસ્સ !…..’

રશ્મિ પહેલાં તો કશું સમજી નહીં. જયારે એના ધ્યાનમાં આવ્યું ત્યારે એને એટલું અચરજ થયું ! આ આવડો અમથો છોકરો ! તેના મનમાં અત્યારથી આવું કેમ ધૂસી ગયું છે કે મમ્મી એક ‘સ્ત્રી’ છે અને પોતે એક ‘પુરુષ’, અને પુરુષે કાયમ સ્ત્રીનું રક્ષણ કરવાનું હોય છે ? છ-સાત વરસના છોકરા ઉપર પણ શું સ્ત્રીને બચાવવાની જવાબદારી હોય છે ? મમ્મીનું રક્ષણ પોતે કરી શકે છે, એવા આત્મવિશ્વાસમાં વિનુ મગ્ન હતો. રશ્મિએ કુતૂહલથી તેના તરફ જોતાં તેને પોતાની ‘સુરક્ષિત’ બાથમાં લઈ લીધો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “બાળ-મન ! – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.