તમારે આવા નેટવર્કિંગ મિત્રો છે ? – મોના કાણકિયા

[‘ચિત્રલેખા’માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણીનો તેમજ સમગ્ર ‘ચિત્રલેખા પરિવાર’નો ખૂબ ખૂબ આભાર.]

ગયા અઠવાડિયે એક પાર્ટીમાં જવાનું થયું. આ પાર્ટી કોઈ નવીનવાઈ નહોતી. એ જ રુટિન બર્થ-ડે પાર્ટી જેવી હતી, પણ મિત્ર પૂજાના બે-ચાર ફોન આવ્યા એટલે એને ના ન પાડી શકી. હવે આ પાર્ટીમાં પૂજાનાં ઘણાં બધાં મિત્રોને પણ આમંત્રવામાં આવ્યાં હતાં. જો કે આ એક હાઉસ પાર્ટી હતી એટલે રેગ્યુલર પાર્ટી સેટઅપ જેવું ખાસ કશું નહોતું. પરિણામે એકબીજાની સાથે મળીને ગામગપાટાં જ મારવાનાં હતાં.

પૂજાએ અમને બધાંને સાથે ઓળખાણ કરાવી. એમાં હતી ખ્યાતિ, જે પૂજાની બિલ્ડિંગની મિત્ર હતી. એ ફૅશન ડિઝાઈનર છે તો વળી પૂજાની બાજુમાં જ રહેતી પડોશણ આરતી હોમમેકર છે. સામેની બિલ્ડિંગમાં રહેતી કવિતા પ્રોફેસર છે તો વળી, પૂજાની એક કઝિન કૃતિ બૅન્કમાં જૉબ કરે છે, વગેરે વગેરે. ઈન શૉર્ટ, પાર્ટીમાં આવેલાં પૂજાનાં મિત્રમાં મોટા ભાગની વર્કિંગ વીમેન હતી. બીજી બે-ચાર સ્ત્રી જ ગૃહિણી હતી. પરિણામે વર્કિંગ વીમેન અને હોમમેકર વચ્ચે કયાંક દલીલબાજી થઈ જતી તો વળી, કયાંક એક અલગ જ પ્રકારની શાંતિ છવાઈ જતી. મજાક-મશ્કરીમાં કયાંક ટોણો પણ મરાઈ જતો તો વળી, બીજી વાર મળવાના પ્લાન્સ પણ બની રહ્યા હતા. ફોન નંબર, ઈ-મેલની આપ-લે થઈ રહી હતી. અંતે ખાઈ-પીને બધાંએ પૂજાનો બર્થ-ડે મનાવ્યો અને છૂટાં પડયાં !

બીજા જ દિવસે પૂજાનો સવારના પહોરમાં ફોન આવ્યો. એ કહે : ‘મજા આવી ને ? છે ને મારી ફ્રેન્ડ બધી એકથી એક ચઢિયાતી ? હા, પણ સાચ્ચું કહું આમાંથી કોઈ મારી ગાઢ મિત્ર નથી. તું છે, જે મને વર્ષોથી ઓળખે છે અને તારી સાથે મારી ફ્રેન્ડશિપ આમ ટકી છે ! બાકી, આ બધી તો ટાઈમપાસ ફ્રેન્ડ્સ છે એટલે કે નેટવર્કિંગ ફ્રેન્ડ્સ !’
‘નેટવર્કિંગ ફ્રેન્ડ્સ એટલે ?’ મારાથી સહજતાથી પુછાઈ ગયું.
‘અરે, યાર ! નેટવર્કિંગ ફ્રેન્ડ્સ એટલે આપણને કામ લાગે એવા મિત્ર. કૉન્ટેકટ બનાવવાના અને પછી આપણને કામ લાગે એ રીતે એમનો ઉપયોગ કરવાનો ! હવે જો, ખ્યાતિને મળી તું કાલે… એ ફૅશન ડિઝાઈનર છે. પોતાનું લેબલ છે. હવે એને ફૅશન શૉમાં જવાનાં આમંત્રણ મળતાં જ હોય છે તો આપણી સાથે દોસ્તી હોય તો આપણને પણ જવાનો ચાન્સ મળે, સમજી ? એવી જ રીતે મારી પડોશી આરતી છે ને એ ઘરમાં જ રહે છે. મારી જેમ ઑફિસ નથી જતી એટલે કયારેક મારે લેટ થવાનું હોય તો મારાં બાળકો એના ઘરે સચવાઈ જાય છે. કવિતા ઈંગ્લિશની લેકચરર છે તો મારા દીકરાને કયારેક ડિફિકલ્ટી હોય તો એની પાસે સમજવા-શીખવા જઈ આવે છે. ટૂંકમાં, આ બધી જ ફ્રેન્ડ્સ સાથે સુખ-દુઃખની વાત ન થાય, સમજી ?’ પૂજા હસતાં હસતાં બોલી પડી.

‘પણ નેટવર્કિંગ તો બિઝનેસમાં, જૉબમાં થતું હોય અને એને આપણે મિત્રો તરીકે નથી સંબોધતાં. આ બધી તો તારી ફ્રેન્ડ્સ છે. તને મદદરૂપ થાય છે અને કયારેક તું પણ એમને મદદ કરતી હશે. નેટવર્કિંગ જેવો શબ્દ વાપરવો મને બરાબર નથી લાગતો, પૂજા ?’ મેં પૂછયું.
‘ના, જરા પણ નહીં. અમારાં બધાં વચ્ચે આ સ્પષ્ટતા છે. કોઈ પોતાનું અહીં દિલ નથી દેતું. કામ પૂરતી વાત કરો, બેઘડી ગૉસિપ કરો. સાંજે મળો ત્યારે પાર્ટીના પ્લાન્સ બનાવો. શૉપિંગ કરવા જાઓ. ધૅટ’સ ઈટ ! સુખ-દુઃખની વાત કરવા જેવાં આ મિત્રો નથી. ઊલટાનું કયારેક કશુંક અંગત શૅર થઈ ગયું તો ખબર નહીં કે એ માહિતીનો કોઈ કેવો ઉપયોગ કરશે… સો, વી આર કિલયર હિયર… આજનો જમાનો મતલબનો છે. મિત્ર… મિત્ર કહીને અંતે તો બધા એકબીજાનો લાભ જ લેતા હોય છે એટલે બહુ ઈમોશનલ થવામાં માલ કે મજા નથી…’

વેલ, શું ખરેખર તમને લાગે છે કે ઈમોશનલ થવામાં મજા નથી ? અને આ દુનિયા સ્વાર્થીઓથી ભરેલી છે. તમને મળતી દરેક વ્યક્તિ તમારામાં કોઈ મતલબ જ શોધે છે ? આવી તે કેવી આજની ફ્રેન્ડશિપ ? પહેલાંના વખતમાં અડોશીપડોશી એકબીજાને મદદરૂપ થતા. સુખ-દુઃખમાં સાથ આપતા. ઉપરાંત, મિત્રોની વાત કરીએ તો એ તો એવા હોય કે રાતે બે વાગે પણ કારણ પૂછયા વગર તમારી પડખે ઊભા રહે. તમે એમની સાથે કશું પણ શૅર કરી શકો અને કંઈ પણ માગી શકો. કારણ ન હોય તો પણ મળી શકો અને હક જતાવી શકો.

જો કે આજે નેટવર્કિંગ ફ્રેન્ડ્સ બનાવતાં પૂજા જેવાં ઘણાં લોકોને તમે તમારી આજુબાજુ જોયાં હશે. મિત્રોના કાફલામાં રચ્યાંપચ્યાં રહેતાં પૂજા જેવાં લોકોને આવું નેટવર્કિંગ તો કરવા મળતું હશે, પણ શું સાચ્ચો દોસ્ત આ બધામાં મળે ખરો ? આજના વખતમાં ઘણા એવું પણ માને છે કે આ જ, આવા જ એમના સાચ્ચા મિત્રો છે. એકબીજાના ખભા પર ઊભા રહીને, કોઈને સીડી બનાવીને વપરાતા સંબંધ જ રિયલ છે.

શું તમને એવું લાગે છે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “તમારે આવા નેટવર્કિંગ મિત્રો છે ? – મોના કાણકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.