દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૮૩૫૯૪૮ સંપર્ક કરી શકો છો.]

૧૨૧ વર્ષ પહેલાંની આ વાત છે. દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ રેલ્વે સ્ટેશન. ઈ.સ. ૧૮૯૩ના જૂન મહિનાની સાતમી તારીખ. રાત્રે નવ વાગે પ્રિટોરિયા જતી ટ્રેન આ સ્ટેશનના પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી. પ્લેટફોર્મ પરથી એક જુવાન ભારતીય મુસાફર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યો. પોતાનો સીટ નંબર શોધીને તે પોતાની જગાએ બેસવા જતો હતો, તેવામાં બીજો એક ધોળો અંગ્રેજ પણ આ ડબ્બામાં ચડ્યો. આ ધોળિયાએ પેલા ભારતીય મુસાફર તરફ તુચ્છકારભરી નજરે જોયું. એક ભારતીય મુસાફર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસે, એ પેલા અંગ્રેજથી સહન થયું નહિ. તેણે ભારતીયને ગંદી જબાનમાં કહ્યું, “તું નીચ ઇન્ડીયન, આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તાબડતોબ થર્ડ ક્લાસના ડબ્બામાં ચાલ્યો જા. ફર્સ્ટ ક્લાસ તો ફક્ત અમારા જેવા ગોરા અંગ્રેજો માટે જ છે.”

પેલા ભારતીયે નમ્રતાથી કહ્યું, “મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હુ આ ડબ્બામાં જ બેસીશ. અંગ્રેજે ફરીથી કહ્યું, ‘આ ડબ્બામાં તને બેસવાનો અધિકાર નથી. તું થર્ડ ક્લાસમાં ચાલ્યો જા.’ ભારતીય મક્કમ હતો. તેણે પોતાનો જવાબ દોહરાવ્યો, ‘મેં ફર્સ્ટ ક્લાસની ટીકીટ લીધી છે, એટલે હું આ ડબ્બામાં જ બેસીશ.’

ત્રીજી વાર અંગ્રેજનો એ જ હુકમ, અને ભારતીય મુસાફરનો એ જ જવાબ. એટલે પેલો અંગ્રેજ અકળાયો. તે પોલીસને બોલાવી લાવ્યો. પોલીસના કહેવાથી પણ પેલો ભારતીય ઉતર્યો નહિ, એટલે પોલીસે તેને ધક્કો મારીને પ્લેટફોર્મ પર ગબડાવી દીધો. તેનો સામાન પણ પ્લેટફોર્મ પર ફેંકી દીધો. આ ભારતીય મુસાફર કોણ હતો, તે તો આપ સૌ જાણો છો. એ મુસાફર હતા મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી.

પ્લેટફોર્મ પરથી ઉભા થઇ, ગાંધીજી સ્ટેશન પરની વેઈટીંગ રૂમમાં ગયા. ત્યાં આખી રાત એક બાંકડા પર ઠંડીથી ધ્રુજતા બેસી રહ્યા. તેમના મનમાં ગડમથલ ચાલી. આવો અન્યાય કઈ રીતે સહન થાય ? અંગ્રેજો સામે લડવું જ જોઈએ, પણ કઈ રીતે ? તેમના મને જવાબ આપ્યો, ‘આપણે સાચા હોઈએ, તો સત્યનો આગ્રહ રાખીને.’ એમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. અંગ્રેજો સામે હથિયારોથી કે મારામારી કરીને નહિ લડી શકાય. અંગ્રેજો પાસે મોટું લશ્કર હોવાથી, એમાં તો તેઓ જ જીતે, અને માનવ સંહાર થાય. તેમના મનમાં સ્ફુરણા થઇ, ‘અહિંસક લડતથી અંગ્રેજોને જીતવા.’ બસ, તેમણે નક્કી કરી નાખ્યું, ‘સત્ય, અહિંસાના માર્ગે અન્યાય સામે લડવું.’ ગાંધીજી પીટરમેરીટઝબર્ગ સ્ટેશન પર બેસી જ રહ્યા. છેવટે બીજા દિવસે પ્રિટોરિયાની ટ્રેન આવી, તેમાં તેમને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જ, સ્ટેશન માસ્ટરે જવા દેવા પડ્યા. એક અંગ્રેજે મારેલા ધક્કામાંથી, ગાંધીજીએ આખા ભારત દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા.

આ પીટરમેરીટઝબર્ગ સ્ટેશનનું નામ ત્યારે કોઈ જાણતું ન હતું. પણ આ બનાવને લીધે દુનિયાભરમાં તે પ્રખ્યાત થઇ ગયું છે. દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરથી જોહાનીસબર્ગ જવાના રેલ્વે રસ્તે, તે ડરબનથી ૮૦ કી.મી. દૂર આવેલું છે. આ સ્ટેશનના પ્લેટફોર્મ પર, જે જગાએ ગાંધીજીને ફેંકી દેવાયા હતા, ત્યાં એક તકતી મૂકેલી છે. તેમાં નીચે મૂજબનું લખાણ છે.

In the vicinity of this plaque
M. K. GANDHI
was evicted from a first class
compartment on the night of
7 June 1893
This incident changed
the course of his life
He took up the fight
against racial oppression
His active non-violence
started from that date.

1_Pietermaritzburg station (630x434)

3_plaque on the platform (320x240)

4_Station (634x286)

5_Gandhiji statue (512x384)

6_Pietermaritzburg, Gandhi statue (640x428)

2_Pietermaritzburg station (630x391)

સ્ટેશનના વેઇટીંગ રૂમમાં ગાંધીજીની છબી મૂકેલી છે. ભારતનાં માજી રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ તારીખ ૮ મે, ૨૦૧૨ના રોજ આ શહેરની મુલાકાતે આવેલાં, ત્યારે તેમણે આ જગાએ જઇ, ત્યાંની વિઝીટર બુકમાં ગાંધીજીની મહાનતા અંગે નોંધ લખી હતી. તેમણે ડરબનથી જોહાનીસબર્ગ જવાના રસ્તે, ગાંધીજીના વખતના જેવી જ કોલસાવાળી ટ્રેનમાં મુસાફરી કરી હતી. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી, દક્ષિણ આફ્રિકામાં જયારે ભારતના હાઈ કમીશનર હતા ત્યારે તેમને ગાંધીજીના માનમાં ‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ ઓન ગાંધી’ આપવામાં આવ્યો હતો.

પીટરમેરીટઝબર્ગ શહેરમાં ચર્ચ સ્ટ્રીટમાં ગાંધીજીનું સ્ટેચ્યુ મૂકેલું છે. તેનું ઉદઘાટન, ગાંધીજીને ટ્રેનમાંથી ફેંકી દેવાયાના ૧૦૦ વર્ષ પછી, તારીખ ૬ જૂન, ૧૯૯૩ના રોજ, આર્ક બીશપ દેસમોન્ડ ટુટુએ કર્યું હતું. વડાપ્રધાન મનમોહનસીંગે પણ પીટરમેરીટઝબર્ગની મુલાકાત લીધી છે. ગાંધીજીએ આ શહેરની નજીક ૧૯૦૪માં ફીનીક્સ વસાહત શરુ કરેલી. મનમોહનસીંગ ફીનીક્સની મુલાકાતે પણ ગયેલા. ગાંધીજીને જે ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા, તે અસલી ટ્રેન પીટરમેરીટઝબર્ગના મ્યુઝીયમમાં સાચવી રખાઈ છે.

એવું લાગે છે કે દરેક ભારતીયે પીટરમેરીટઝબર્ગ શહેર જોવા જવું જોઈએ. અને ત્યાંના સ્ટેશન પર જઇ, ગાંધીજીને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ સ્ટેશન – પ્રવીણ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.