એક ટેકસીડ્રાઇવર – તેજલ પરિમલ ભટ્ટ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ નવસર્જક તેજલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tejal.bhatt.29@gmail.com સંપર્ક કરી શકો છો.]

રિધ્ધિ મુંબઈની મુલગી જેના નામે વિદેશની સફર કરવાની સિધ્ધિ હતી.નોકરીના કામે તેને અવારનવાર અમેરિકાની ધરતી પર ડગ માંડવા મળતા. અમેરિકાના એક શહેર સાથે તો તેને ઘરનો સંબંધ. વારંવાર તે એક શહેરમાં જવા મળવાથી તે તેનું ઘર બની ગયું હતું. આજે એક મહિનાના મુકામ પછી સ્વદેશ પાછા ફરવાનો દિવસ આવી ગયો. એ જ એરપોર્ટ, એ જ રસ્તાઓ , એ જ ફ્લાઇટ…કેટલી ટેવાયેલી હતી તે આ બધાથી. આજે ખૂબ ખુશ હતી. વિદેશથી સ્વદેશ આવવાનો આનંદ જ અનેરો હોય છે.

વિદેશનો મુકામ પછી ૧૦ દિવસનો હોય કે ૧ મહિનાનો કે પછી ૧ વર્ષનો. દર વખતની જેમ તેણે એરપોર્ટ જવા ટેકસી બુક કરી. આ શહેરની એક ખૂબી હતી, મોડા આવતા ટેક્સીવાળાઓ. ટેક્સીવાળાઓનો તેને એટલીવાર અનુભવ થઇ ચૂકુયો હતો કે તેણે આજે પણ ૧ કલાકનો સમય મોડી આવતી ટેકસી માટે રાખ્યો હતો. ઇન્ટરનેશનલ ફ્લાઇટ જો ચૂકી જવાય તો જે હેરાનગતી થાય તે મુસાફર જ જાણતો હોય છે. આજે તેને એક નવા ટેકસીવાળાનો નંબર મળ્યો હતો. દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીએ તે મુજબ રિધ્ધિએ આજે પણ ૧ કલાક્નો વધારાનો સમય રાખી ટેકસીને બોલાવી હતી.

બધો સામાન પેક કરી, હજી તૈયાર થઇને તેણે ટેકસીને યાદ અપાવવા ફોન કર્યો. તેના આશ્ચર્ય વચ્ચે જવાબ મળ્યો કે, ‘હું તો હોટેલના પાર્કિગમાં જ છું.’ રિધ્ધિને ખરેખર નવાઇ લાગી. તેણે બેવાર તો હોટેલનું સરનામું ટેકસી ડ્રાઇવર સાથે પાક્કું કર્યું. આપણે સૌ અનુભવથી એવા ઘડાઇ જઇએ છીએ કે અનુભવથી વિપરિત કામ થાય તો વિશ્વાસ જ ન આવે. આવું જ કાંઇ વિચારતા રિધ્ધિ ટેકસીમાં બેઠી. આજે ટેક્સી ડ્રાઇવર કોઇ વિદેશી નહિ પરંતુ એક પાકિસ્તાની મુસલમાન હતો, જે છેલ્લા ૧૦ વર્ષોથી અમેરિકામાં લીમો ડ્રાઇવર હતો. (લીમો એટલે કે લાંબી અને મોટી કાર જે ટેકસી કરતાં વધુ મોભાદાર ગણાય છે.) વિદેશની ધરતી પર ભારતીય જ નહિ પરંતુ કોઇ હિન્દીભાષી મળી જાય તો આનંદ આવે. ઘરે જવાનો ઉત્સાહ કરતાં સમયથી પહેલા આવેલ લીમોએ તેને આનંદિત કરી મૂકી. તે પાકિસ્તાની ડ્રાઇવર સાથે વાતોએ વળગી. તેને થયેલા ટેકસી મોડા આવવાના અનુભવ વિશે વાતો કરી. એરપોર્ટ સુધીનો ૧ કલાકનો સમય ક્યાં નીકળી ગયો તેની ખબર જ ના પડી.

રિધ્ધિએ લીમોનું મીટર જોયું અને મીટર કરતા ૯ ડોલર વધારે ટીપ તરીકે પાકિસ્તાની ડ્રાઇવરને આપ્યાં. તે ડ્રાઇવર પણ નવાઇ પામ્યો કે આટલી બધી ટીપ ? સામાન્ય રીતે ૨-૩ ડોલર ટીપ તરીકે આપવાનો અમેરિકામાં રિવાજ છે. પાકિસ્તાનીભાઇની નવાઇ જોઇ તે બોલી , ‘આ તમે આપેલી ઉત્તમ સર્વિસ બદલ છે. બીજા ટેકસીવાળાઓ સમયથી ઘણા મોડા આવે અને પૂછીએ તો કહે બસ પાંચ મિનિટમાં આવું છું. અને તે પાંચ મિનિટ એટલે અડધો કલાક. જ્યારે તમે તો ફ્કત સમયસર જ નહિ પરંતુ સમયથી વહેલા આવ્યા તેની કદરરુપે આ ટીપ છે. પાકિસ્તાન અને હિંદુસ્તાન એ સરહદોએ લડતા દેશો છે જ્યારે પ્રજા તો આજે પણ શાંતિથી જીવવા ઇચ્છે છે. એક ભારતીય નાગરિક તરીકે કદાચ મને પાકિસ્તાનની સરકારની કોઇ નીતિ માટે મતભેદ હોય પરંતુ તમે કરેલા કામ બદલ મારા મનમાં તમારા માટે માન અને સદભાવ છે. એક ’રિસ્પેક્ટ’ છે.આ સન્માન તમારા કામનું છે.’ આ વાત સાંભળી ભાઇ પણ મુખ પર સ્મિત સાથે ’થેંકયુ અને હેપી જર્ની’ કહીને નીકળ્યા. સરહદે લડતા બે દેશોના બે નાગરિકો વિદેશની ધરતી પર એકબીજાનું સન્માન કરતા શીખી જાય તે શાંતિ અને સદાચારના ભાવિ એંધાણ છે.

આપણે રિધ્ધિના આ વિચારનો કદાચ વિરોધ કરીએ કે પાકિસ્તાનીને સન્માન અપાય? દ્રષ્ટિકોણ બદલની વિચારશો તો આ એક કર્તવ્યનિષ્ઠ કામ કરનારનું સન્માન હતું, કોઇ દેશના નાગરિકનું નહિ. તમને શું લાગે છે રિધ્ધિનો દ્રષ્ટિકોણ સાચ્ચો હતો કે નહિ ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “એક ટેકસીડ્રાઇવર – તેજલ પરિમલ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.