હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૫ : સમાપ્ત) – અરવિંદ પટેલ

[આજના સમયમાં લગ્નને લગતાં અનેક વિકટ પ્રશ્નો છે. ખુદ લગ્નસંસ્થાને પ્રશ્નાર્થચિન્હ લાગી જાય એવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યાં છે. આ સમયમાં યુવાપેઢીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી સુરતના સર્જક શ્રી અરવિંદ ભાઈએ એક સુંદર લેખમાળા લખી છે. અગાઉ આપણે તેના ભાગ-૧ થી ૪ વાંચ્યા છે. આજે તેમાંનો અંતિમ ભાગ પ્રકાશિત કર્યો છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે abpatel50@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૭૧૦૭૬૨૭ સંપર્ક કરી શકો છો.]

પુત્રવધુના આગમનને આનંદથી આવકારીએ !

આપણે વહુએ સાસરે જઈ કઈ રીતે તેની જવાબદારી, ફરજ નિભાવવા, કેવી રીતે રહેવું, બોલવું ચાલવું, વર્તવું વગેરેની ચર્ચા કરતાં રહીએ છીએ, માતા પણ પોતાની પુત્રીને આ વાતનું ધ્યાનમાં રાખી કેળવતી રહે છે, સંસ્કારિત કરતી રહે છે, ટોકતી રહે છે. આ બાબતે સદાયે ચિંતિત રહેતી હોય છે. પરંતુ સાસરે આવેલી વહુને પરિવારજનોએ કેવી રીતે સાચવવી, સંભાળવી તેની વાતને સાંભળવી તેની ચર્ચા ઓછી થતી હોય છે. સામાન્ય રીતે એવું જ માની લેવામાં આવેલુ છે કે જે કંઈ એડજસ્ટમેન્ટ કરવાનું છે, તાલમેલ બેસાડવાનો છે તે ફક્ત વહુએ જ કરવાનો છે. દરેક માતાપિતાને પોતાના પુત્ર માટે પુત્રની પાત્રતા, યોગ્યતા, કાબેલિયત વગર પણ સુંદર, સુસંસ્કારી, સુશિક્ષિત, સુશીલ, ચારિત્રવાન, ગુણીયલ પણ આજ્ઞાંકિત પુત્રવધુની તલાશ હોય છે. જોકે પુત્રની તેમજ ઘરની, કૌટુંબિક, સામાજિક, આર્થિક, યોગ્યતા, પાત્રતા પ્રમાણે અનેક સમાધાન સાધી પુત્રવધુની પસંદગી કરવી પડતી હોય છે.

પુત્રને હરખભેર પરણાવી, પુત્રવધુને પ્રેમથી સાસરે લઈ આવ્યા. પુત્રવધુ પિતૃગૃહ છોડી અનેક અરમાનોને ઉરમાં લઇ પુત્રની પત્ની બની પતિગૃહે પગલા માંડી આવી પહોંચી છે. લગ્ન પ્રસંગ પુરો થયો, મોજ મઝા મસ્તી જેટલા કરવા હતાં તેટલા કરી લીધા. વહુ પોતાના પિયરેથી શું ભેટસોગાદ લાવી, તેના માતાપિતાએ કેવો કેટલો વ્યવહાર કર્યો તેના લેખાજોખા મંડાતા રહે છે. વહુના કેવા પગલા છે, શુભ અશુભ પગલા વિશે ઘરમાં ખૂણેખાંચરે ગુપચુપ ચર્ચા ચાલતી રહેતી હોય છે. વહુને કાને કર્ણોપકર્ણ વાત પહોંચતી રહે છે. પુત્રવધુ નવા ઘરમાં પોતાને એડજેસ્ટ કરવા પ્રયત્ન કરતી રહેતી હોય છે. શરૂઆતમાં જ્યાં હજુ પોતાના પતિ સાથે પણ પુરો પરિચય નથી કેળવાયો ત્યાં તે ઘરમાં સાસરે થોડી અસલામતી, થોડો અવિશ્વાસ, એકલી હોવાનું અનુભવી રહી હોય છે. જે ઘરે પુત્રવધુ તરીકે આવી છે તે ઘરના સહુ અજાણ્યા પરિવારજનો વચ્ચે આજીવન રહેવાનું છે તેમના વિશે થોડો મનમાં ફફડાટ પણ છે. સાસરે સહુ પ્રેમથી, તેને સ્વીકારી લેશે કે કેમ તેની થોડી આશંકા હોય છે.

બીજી બાજુ પુત્રના માતાપિતાને, (ખાસ કરીને સાસુને) પણ પોતાની પુત્રવધુ માટે થોડીઘણી આશંકા, અને અવિશ્વાસ હોય છે, પોતાનો પુત્ર હવે વહુનો થઈ જશે એ પ્રકારની અસલામતી અનુભવતા હોય છે, કારણકે સાસુને ખબર હોય છે કે જયારે વહુ બનીને આ ઘરમાં આવી ત્યારે કેવા કેવા પેંતરા કરી પોતાના પતિને તેના માતાપિતાથી અળગા કરવાના પ્રયત્નો કર્યાં હતાં આજે એજ અપરાધભાવથી પીડાઈ સાસુ પોતાના પુત્રને વહુ છીનવી ન લે તેને લગતી અસલામતી અનુભવી રહી છે. પરંતુ એ ભુલવાનું નથીકે પુત્રવધુ પોતાના પતિ સિવાય એ અજાણ્યા ઘરમાં સાવ એકલી છે જયારે એની સામે ઘરનો પુરો પરિવાર હોય છે, તેની અસલામતી, અવિશ્વાસ, આશંકા થોડાઘણા અંશે વ્યાજબી પણ છે.

જે રીતે નવા ઘરમાં, નવા વાતાવરણમાં વહુએ ઘરના, કુટુંબના સહુ સભ્યોના, સગાસંબંધીઓ, મિત્રો પરિવારજનો, કુટુંબીજનોના અલગ અલગ સ્વભાવ સાથે તાલમેલ બેસાડવાનો હોય છે, તેઓ સાથે હળી, મળી, ભળી જવાનું છે. તેજ રીતે ઘરના કુટુંબીજનોએ વહુના વિશ્વાસને પણ જીતી લેવાનો છે. તેના અવિશ્વાસ, અસલામતી, આશંકા ઓછાં થાય એ માટે પરિવારના સહુ સભ્યો સઘન પ્રયત્ન કરવાના છે. નવી આવનાર વહુને કુટુંબના પરમ્પરાગત રીતરીવાજથી, કાર્યપદ્ધતિથી, સહુના રસ રુચિ શોખ સ્વભાવથી અવગત કરાવી વહુના પણ રસ રુચિ શોખ અને સ્વભાવને ઓળખી લેવાનો હોય છે. બીજી બાજુ પોતાનો લાડકોડથી ઉછરેલો પુત્ર તેની પત્નીનો ન થઈ જાય એવો ડર, ભય કોરી ખાવાથી પોતાના પુત્ર ઉપરની પકડ મજબુત કરવાના પ્રયત્નોમા માતાપિતા લાગી જતાં હોય છે. માતાપિતાનો ડર કે પત્નીના પ્રેમ અને જાતીય આકર્ષણ આગળ પુત્ર સંપૂર્ણ રીતે ક્યાંક પત્નીનો ન થઈ જાય. બીજીબાજુ પત્નીનો એ ડર કે માતાપિતા જોડેનો પતિનો લોહીનો સંબંધ અને પરિવારના સહુ સભ્યો સાથેના લાગણીના સંબંધો પતિને પોતાનો કરવામાં અવરોધરૂપ છે. જાણે અજાણે પત્ની પતિને પોતાના કરવાના પ્રયત્નમાં પરિવારથી અળગો કરવાના, તેઓનાથી વિમુખ થઈ જાય એવાં પ્રયત્નો કરતી રહે છે આ બાજુ જો પતિ ફક્ત માતાપિતાની જ ફરિયાદ સાંભળતો રહે, તેમનો જ પક્ષ લેતો રહે તો માવડિયા હોવાનું લેબલ પત્ની તરફથી લાગી જવામાં વાર નથી લાગતી. તો બીજી બાજુ, પતિ પત્ની પ્રત્યેની પોતાની ફરજ, જવાબદારી જો સભાનતાપૂર્વક નિભાવવાના પ્રયત્નો કરવા જતાં વહુઘેલો હોવાનું લેબલ લાગવાની સંભાવના રહેતી હોય છે. આવા સંજોગોમા પતિની હાલત, સુડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હોય છે. પતિ જો નિષ્પક્ષ રહી કશું કોઈને કહે તો બીજા પક્ષને ખોટું લાગતું હોઈ છે. આમ પતિ માટે ઘરપરિવાર અને પત્ની વચ્ચે સંતુલન સાધવું ખુબ અઘરું થઈ જતું હોય છે.

આ રીતે બંને બાજુની અસલામતીનો ભાવ બધા વચ્ચે મનમેળ સાધવામાં અડચણ રૂપ થઈ જતો હોય છે. વહુની નાની અમસ્તી ભૂલને પણ જો મેગ્નીફાયિંગ ગ્લાસની જેમ મોટી કરી જોવામાં, કે પછી તે ભૂલને ભૂલી માફ કરવામાં ન આવે, અન્યના દોષનો ટોપલો પણ વહુ પર ઢોળવામાં આવે ત્યારે સમજી લેવાનું કે પરિવારમાં આંધી આવવાના બીજ રોપાય રહ્યાં છે. પરંતુ વહુની કોઈ ભૂલને એ રીતે મૂલવવામાં આવે કે જો અમારી દીકરીથી આ રીતે કોઈ ભૂલ થઈ હોત તો તેની પ્રત્યે અમારું વર્તન કેવું હોત? એ પ્રકારની સમજણ સાથેનું વહુ સાથેનું વર્તન વહુના દિલમાં સાસુ સસરા પ્રત્યે અહોભાવનું સર્જન કરશે. તેજ રીતે કોઈ વાર સાસુસસરા તરફથી મળતો ઠપકો, કહેવામાં આવતી સાચી વાતને જો વહુ દ્વારા એ રીતે લેવામાં આવે કે જો આ વાત મારા જ સગાં માતાપિતા એ કરી હોત, તો મારું વર્તન કેવું હોત? માતાપિતાની જે વાતને જે સહજતાથી અને સરળતાથી સ્વીકારી લેતી હતી તેજ વાત સાસુસસરા કહે તો એમાં વહુએ ખોટું લગાડવાનું ન હોય આ પ્રકારની સમજણ જો વહુએ પોતાનામાં વિકસાવી હોય તો સાસુસસરા પુરા દિલથી વહુને સ્વીકારી લેતા વાર નહીં લાગે.

સમય જતાં નજીકના સગાસંબંધી, મિત્રો, પરિવારજનો, કુટુંબીજનો સાથે વહુના ઓળખાણ પરિચય થતો જાય છે. ઘરના સભ્યોના સ્વભાવનો પરિચય થતો જાય છે. કોણ કેવું છે, કોણ કોની સાથે કેવી રીતે વર્તે છે, કોનો કેવો અભિગમ છે તે સઘળાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે પરિચય મેળવી રહી છે. પોતાની જાતને સાસરે ઓતપ્રોત કરવા, સહુ સાથે ભળવા પ્રયત્ન કરી રહી છે. ધીરે ધીરે પિયર અને પતિગૃહમા રહેલાં વિરોધાભાસને સમજવા ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પિયરમાં માતાપિતાના જે લાડકોડ, મમતા મળતા હતાં તેને અહીં સાસરામાં શોધી રહી છે. સાસુ, સસરા, પતિ તેમજ પરિવારના અન્ય સભ્યો જો સમજદાર, સંસ્કારી, સુશિક્ષિત, આધુનિક વિચારોવાળા હોય તો વહુને પરિવારમાં ભળી જતાં વાર નથી લાગતી, પણ જ્યાં આનાથી થોડીક પણ વિપરીત પરિસ્થિતિ હોય તો વહુને ધીરે ધીરે એવું લાગતું હોય છે કે તેની પર વધતે ઓછે અંશે કઈંક ને કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ મુકવામાં આવી રહ્યાં છે. તેના પહેરવેશ, પહેરવા ઓઢવા, હરવા ફરવા, ઉઠવા બેસવા, ખાનપાન પરના અંકુશો તેને સમજાતા નથી. પિયરમાં જે સ્વતંત્રતા હતી તે સાસરે છીનવાય રહી છે એવું તેણીને લાગતું હોય છે. જો પુત્રવધુ સમજદાર હોય, સંસ્કારી ઘરની હોય તો પરિસ્થિતિને સંભાળી લેતાં વાર નથી લાગતી. પોતાની સહનશીલતા અને સંસ્કારિતા અને સમાધાનકારી સ્વભાવનો પરિચય આપી સંઘર્ષને ટાળી લેવામા તેની આકરી કસોટી થઈ જતી હોય છે. પણ જો જે પુત્રવધુ પોતાના હક, અધિકાર અને સ્વતંત્રતા માટે વધુ જાગૃત હશે, સમાધાનવૃત્તિ, સહિષ્ણુતા, સંસ્કારિતાનો અભાવ હશે તો સાસરું સમરાંગણમાં પલટાઈ જતાં વાર નથી લાગતી.

પરંતુ જો માતાપિતામાં એવો ભાવ કેળવાય કે પોતાના પુત્ર માટે એક પત્ની નથી લાવ્યા, પોતાના માટે પુત્રવધુ નથી લાવ્યા પણ એક માતાપિતાની દીકરીને ઘરે લાવ્યા છે, જે પ્રકારે પિયરમાં તેના માતાપિતા તેનું જતન કરતાં હતાં તેવું જતન કરવાની ફરજ હવે સાસુસસરાનો સંબંધ ભૂલી માતાપિતા જેવો વ્યવહાર કરી પોતાની દીકરીના જેવો અને જેટલો પ્રેમ આપવાનો છે. તેણીની સુરક્ષા અને શીલની જાણવણી ફરજ હવે ઘરના તમામ સભ્યોની થઈ જાય છે. પુત્રવધુને પુરા પ્રેમથી વાત્સલ્યથી, લાગણીથી આવકારવાની છે. સ્નેહથી અને હેતથી સાચવી લેવાની છે. સંસ્કારી કુટુંબમાં ઉછરેલી, વિનયી, વિવેકી, સંસ્કારી, કહ્યાગરી દીકરી વીસ એકવીસ વર્ષ માતાપિતાનો સહારે ઉછરેલી, ભાઈ બહેનના નિર્દોષ પ્રેમને છોડીને આવેલી વહુને અહંકાર અને આધિપત્ય જમાવવાના અધિકારને અવગણી તેના આગમનને વધાવી લેવાનું છે. માળી જેમ તાજા અંકુરને પ્રેમથી જાળવી લે છે, તાજા જન્મેલા બાળક પર માતા જેમ લાડથી હેત વરસાવતી રહે છે, તેમ વહુને પણ સાચવી લેવાની છે સંભાળી લેવાની છે. નવવધુને કદાચ કબાટની ચાવી સાથે લેવાદેવા નથી, હરવા ફરવા માટે કાર કે બાઈક વિના ચાલી જશે, રહેવા માટે સ્વતંત્ર બગલો કે ફલેટ ન હોયતો પણ નાનકડા ઘરમાં પોતાનો સમાવેશ કરી લેશે. પણ સાસરે જો પરિવારનો પ્રેમ ન મળે, દિલમાં લાગણી ન જણાય, ઘરમાં તો પુત્રવધુ તરીકે જોકે સ્થાન તો આપી દીધું પણ હૃદયમાં જો ‘દીકરી’નું સ્થાન ન આપ્યું હોય તો, મનમાં પુત્રવધુ માટે પુત્રી જેવો ભાવ ન કેળવાય તો પરિવારમાં વહુને ઓતપ્રોત થઈ એકબીજા સાથે ભળવું કઠીન થઈ જતું હોય છે.

વહુના અજાણતા થયેલ ગલત, ખોટા વર્તનને આંખ આડા કાન કરી હૈયામાં સમાવી લેવાની છે. વહુને તેની ખૂબીઓ ખામીઓ, ખાસિયતો સહીત સ્વીકારી લેવાની છે. વહુની ખૂબીઓને ઓળખવાની છે, ખામીઓને અવગણવાની છે, ખાસિયતોને જાણી લેવાની જરૂર હોય છે. વહુમાં જે કંઈ આવડતનો અભાવ હોય તેની પરખ કરી તેની આવડતને વધુને વધુ કેળવવાની છે, વહુમાં રહેલી કોઈ વિશિષ્ટ ટેલેન્ટ, પ્રતિભાને પ્રોત્સાહિત કરી બહાર લાવવાની જરૂર હોય છે. તેના સુખની અને પ્રસન્નતાની કાળજી લેવાની છે. વહુ પર સખ્ત નિયત્રણ રાખતા પહેલાં એટલું વિચારી જોજો કે એ નિયંત્રણ એનાં હિત માટે છે કે, તમારા અહંકાર માટે છે. સમ્યક સમજ દ્વારા અહંકારને અલવિદા કરી વહુ કેટલાં અરમાનો લઈને પુત્રવધુ તમારા ઘરે આવી છે તેનું ધ્યાન પણ હોવું જરૂરી છે. તમારા અરમાનોને પુરા કરવાની અપેક્ષા રાખતા પહેલાં વહુના અરમાનોને પણ જાણી લેવાની પણ જરૂર હોવી જોઈએ. પરિવારના સહુના હૃદયમાં વહુ માટે અપાર લાગણી, અને પ્રેમની પ્રતીતિ કરાવી દેવાની જરૂર હોય છે. સાસરિયામાં મળેલો પ્રેમ વહુને સહુના થઈ જવામાં જરાયે કસર નહીં રાખે એટલું ખાતરીપૂર્વક કહી શકાય, વહુને સાસરે ‘દીકરીનું’ સંબોધન ઘણું વહાલું લાગતું હોય, દીકરીનું સંબોધન કરી તમારા વાત્સલ્યનું દર્શન કરાવજો. જોજો કદાચ એવું ન થાય કે પ્રેમ આપવાના બદલે વહુને તિરસ્કાર મળે, જેથી વહુ પિયરને ભૂલવાના બદલે પિયરને સતત યાદ કરતી રહે, સાસુને મમ્મી માનવાને બદલે કંઈ બીજું જ માની લે! સાસરે ગયેલી તમારી દીકરીના દર્શન તમારે ઘરે આવેલી વહુમાં કરજો! જે કામ અહંકાર સાચવી, અધિકાર જમાવવા દ્વારા નથી થઈ શકતું તે અંત:કરણને જીવંત બનાવી કરી શકાય છે. વાસ્તવમાં માતાપિતા પોતાના પુત્ર પ્રત્યેની જે જવાબદારી, ફરજ અત્યાર સુધી નિભાવતા હતાં તે જો આ પ્રકારની તમામ જવાબદારી વહુને સોંપી દે, વહુ અને દીકરા વચ્ચે વધુને વધુ નિકટતા કેળવાય એવાં જો પ્રયત્ન કરવામાં આવે તો વહુમા વિશ્વાસનું સિંચન થશે.

સાસુસસરા જો વહુને પોતાના દીકરાને સામે ચાલીને વહુને સોંપી દે અને એ પ્રકારે વિશ્વાસ બંધાવે કે જે પુત્રને અમે અમારો આધાર ગણીએ છીએ એ હવે તારો પણ આધાર છે. તું એકલી નથી પણ અમે પણ તારી સઘળી જરૂરિયાતનું ધ્યાન રાખનાર તારા માતાપિતા જેવા જ છે, આ પ્રકારનો વિશ્વાસ સાચા અંતકરણથી વહુને બંધાવી દેવામાં આવે તો ઘર, પરિવારના સુખ, શાંતિ, ચેન આજીવન અકબંધ રહેશે. ઘરે નવી આવેલી વહુ અને અન્ય વહુઓમા ભેદભાવ ઉભો કરવાના બદલે, કોઈ એક વહુનો પક્ષપાત કરવાના બદલે સાસુએ નિષ્પક્ષ વર્તનની પ્રતીતિ કરાવવાની છે. દેરાણી, જેઠાણી, નણંદ એકબીજાના સ્પર્ધક સમજવાના બદલે સહયોગી સમજી જો આપસમાં મૈત્રીભાવ કેળવી લે તો સોનામાં સુગંધ ભળી જાય. અપરિણીત નણંદ કે પરિણીત નણંદની પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપની સાસરે આવેલી વહુના(ભાઈભાભી) અંગત જીવનમાં ડખલ, તેમજ સાસુસસરાનું પણ વહુ કરતાં પોતાની પુત્રીને જ વધુ મહત્તવ આપવું મોડે વહેલે પુત્ર પુત્રવધુના જીવનમાં આગ ચાંપી શકે છે. વહુ પર અધિકારના સુખનો ઉપયોગ કરવા જતાં વહુ તરફથી ધિક્કારનું દુઃખ ન મળે તે જોજો. વહુને જો વડીલ તરફથી વહાલનું સુખ મળતું રહે તો બદલામાં વહુ તરફથી વડીલોને માન સન્માનનું સુખ મળવાનું જ છે.

મા બાપનું ઘર છોડી કોક અપરિચિતના ઘરમાં આજીવન રહેવા આવનાર વહુના મનમાં પ્રેમ અને હુંફ પામવાના કેવા ઓરતા હોય છે એનાથી સાસુ અજાણ તો નથી જ હોતી. સાસરિયા તરફથી થતી નાની મોટી ઉપેક્ષા, કે અવગણના વહુના દિલને તોડી ન નાખે તે જોવું રહ્યું. સાસુ વહુ બનીને જ્યારે સાસરે સહુ પ્રથમ આવી હતીને જે જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેવી સમસ્યાઓનો સામનો તમારા ઘરે આવેલી પુત્રવધુને ન કરવો પડે તેનો તો સાસુએ ખાસ ખ્યાલ રાખવાનો છે. ઘરમાં સમસ્યા ત્યારે સર્જાય છે જયારે વહુ ‘દીકરીની’ જેમ સાસરે રહેવા તત્પર હોય પણ સાસુસસરા ‘દીકરીની’ જેમ રાખવાની તત્પરતા ના દાખવે અને એમ માની લેકે જો વહુને દીકરીની જેમ રાખીશું, અપનાવી લઈશું તો તેના પર હક, આધિપત્ય, અંકુશ જમાવવાનો અમારો અધિકાર જતો કરવો પડશે ઉલટાનું પ્રેમ અને લાગણી દર્શાવવા પડશે ત્યારે અહમનો પ્રશ્ન નડી જવાથી સાસુસસરા વહુને ‘દીકરી’ જેમ અપનાવી લેવામાં નિષ્ફળ જાય છે, આજ રીતે જયારે સાસુસસરા વહુને પોતાની ‘દીકરીની’ જેમ રાખવા તત્પર હોય પણ વહુને ‘દીકરી’ જેમ રહેવાની તત્પરતા ન હોય તેમાં ફક્ત એટલું જ કારણ હોય શકે કે જો હું ‘દીકરીની’ માફક સાસરે રહેવા માંડીશ તો માતાપિતાને જે માનસન્માન આપતી હતી, જે રીતે તેમની આજ્ઞા માનતી હતી તે રીતે સાસરે સાસુસસરાને પણ માનસન્માન આપવા પડશે, તેમની આજ્ઞા માનવી પડશે તો પછી સાસરે મારા વહુ તરીકેના હક, અધિકાર, સ્વતંત્રતા, જોખમાય જશે આ પ્રકારની વહુની વિચારસરણીથી સાસુસસરાના લાખ પ્રયત્નો પછી પણ વહુ સાસરે ભળી નહીં શકે પરંતુ અધિકાર, આધિપત્ય, હકની લડાઈમાં વહુ તરીકેની તેની ફરજ જવાબદારી તો ભૂલી જવાવાના એટલું જરૂર સમજી લેવું રહ્યું. જો આ પ્રકારનો વહેવાર ચાલુ રહ્યો તો વહેલામોડા કુટુંબમાં કલહ, કંકાશ, કકળાટનું વાતાવરણ સર્જાવાનું એ નક્કી હોય છે. વહુના સારા વર્તનમાં પણ ખરાબ શોધતાં રહેવું અને દીકરીના ખરાબ વર્તનમાં સારું શોધવાની મનોવૃત્તિ કુટુંબ માટે હાનીકારક સાબિત થતી હોય છે. દીકરીને જો સાસરિયામાં સુખી જોવાની ઝંખના હોય તો કોકની દીકરી જે વહુ બનીને આવી છે તેને પણ સુખી કરવાની તમારી ફરજ, કર્તવ્ય અને જવાબદારી સમજજો. દીકરાની વહુને પોતાના હૃદયમાં દીકરીનું સ્થાન આપવામાં નિષ્ફળ જનાર સાસુસસરા વહુ પાસે માતાપિતા જેવું માનસન્માન મેળવવામાં પણ સફળ થઈ શકતા નથી. વહુએ અજાણતા કરેલી ભૂલોનું લીસ્ટ બનાવી ફરિયાદ કરતાં રહી કર્કશ વ્યવહાર કરી વહુનું દિલ તોડતા રહેવામાં કોઈનું પણ હિત જળવાતું નથી. વહુની ભૂલોને સમજણ સાથે માર્ગદર્શન આપી શાંતિથી પણ ભૂલો સુધારવા જણાવી શકાય છે.

ટૂંકમાં એટલું જ કહેવાનું કે વહુ પિયરેથી શું શું લાવી છે તેના કરતાં તે પોતે શું શું, કેટકેટલું છોડીને આવી છે તે વિચારવું રહ્યું. વહુમા દોષ જોવાના બદલે તેના સારા ગુણોને શોધતાં રહેવાથી વહુને તમારી થઈ જતાં વાર નહિ લાગે. સાસરે ગયેલી પોતાની દીકરી સાથે તેના સાસરિયાના વ્યવહારની જે પ્રકારની અપેક્ષા રાખતા હો તે જ પ્રકારે બલકે તેનાથી વધુ સારો વ્યવહાર જો પુત્રવધુ સાથે કરવામાં આવશે તો ઘરમાં સુખ શાંતિ અને સ્વસ્થતાની જાળવણી થશે બદલામાં તમારી દીકરીને પણ સાસરે વધુ સારું સુખ મળતું જ રહેશે એની સો ટકા ગેરંટી રાખજો. પોતાની દીકરી માટે જે પ્રકારના વ્યવહારની અપેક્ષા તેના સાસરિયા પાસે રાખતા હો તેનાથી પણ વધુ સારો વ્યવહાર તમારી પુત્રવધુ જોડે કરશો, તો તમારું ઘર સ્વર્ગ જેવું સોહામણું થઈ જશે. દીકરી સાથે જેટલા ભાવાત્મક લાગણીના તંતુથી જોડાયેલા રહો તેજ ભાવાત્મક લાગણીનો વ્યવહાર વહુ સાથે કરવાથી પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ સદાયે છવાયેલું રહેશે. તેજ રીતે પુત્રવધુ જે માનસન્માન પિયરમાં માતાપિતાને, તેમજ ઘરના અન્ય સભ્યોને આપતી હતી તેવાજ અને તેટલાથી પણ વધુ માન સન્માન સાસરે પરિવારના સહુ સભ્યોને આપશે તો સાસરું રળિયામણું લાગવા માંડશે. માતાપિતાના જે નિયંત્રણો પુત્રી તરીકે પોતાના હિત માટે જે સ્વાભાવિકતાથી સ્વીકારી લેતી હતી તેવાજ નિયંત્રણો સાસરે સાસુસસરા દ્વારા પુત્રવધુ પર તેના હિત માટે રક્ષા માટે મુકવામાં આવે તો સહજતાથી સ્વીકાર કરી લેવામાં આવે તો તેમાંજ વહુની પણ ભલાઈ હોય છે. પોતાની સાસરે વળાવેલી દીકરીના દર્શન ઘરની પુત્રવધુમાં જો કરવામાં આવશે, પોતાની દીકરીને જેટલો પ્રેમ લાગણી અને આત્મીયતા આપતાં હતાં તેનાથી પણ વધુ વહાલ પ્રેમ, લાગણી આત્મીયતા ઘરની પુત્રવધુને આપતાં રહેશો તો ઘરની રોનક જળવાય રહેશે.

જે ઘરમાં સાચા દિલથી વહુને પોતાના હૃદયમાં ‘દીકરીનું’ સ્થાન આપવામાં આવે છે તેમજ જે પુત્રવધુ પોતાના સાસુસસરાને ખરા દિલથી માતાપિતા જેટલા માનસન્માન આપે છે તે ઘર સુખ, શાંતિ સંપ જળવાય રહે છે. માતાપિતાએ પણ યાદ રાખવું રહ્યું કે વૃદ્ધાવસ્થામાં જયારે હાથપગથી પાંગળા થઈ જવાશે ત્યારે જે વહુનો હાથ પકડી જિંદગીના દિવસો પસાર કરવાના છે. તે વહુના હાથને આજે તરછોડવાની ભૂલ ન થવી જોઈએ. જો અશક્તાવસ્થામાં વહુ તરફથી સાંત્વનના બે શબ્દો સાંભળવાની અપેક્ષા રાખતા હો, તમારી હૃદયથી સેવા ચાકરી કરશે એવી અપેક્ષા રાખતા હો તો આજની સશક્તાવસ્થામાં વહુને તિરસ્કાર કરી, ધુત્કારશો નહીં. એક સમયની જે વહુએ કોઈપણ જાતના દેખીતા કારણ વગર સાસુસસરાને હેરાન પરેશાન કરી તેમનાં દીકરાથી તેઓને અલગ કરી નાખ્યા છે તે જ જયારે સાસુ બની પોતાની પુત્રવધુને હેરાન પરેશાન કરી પોતાનો દીકરો વહુનો ન થઈ જાય તેવા પ્લાન કરતી રહે તો ઘરમા અશાંતિ અજંપો સર્જાવાના એ નક્કી હોય છે. વહુને સામે ચાલીને સ્વતંત્રતા આપવામાં આવે અને જરૂર પડે યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વછંદ બનતા અહિતના માર્ગે જતાં રોકવી એનાં સુખ અને શીલની રક્ષા કરવી એ પણ સાસુ સસરાનું કર્તવ્ય થઈ જાય છે. વધુમાં વહુ જયારે સગર્ભા હોય કે બાળ ઉછેરની જવાબદારી પણ સાથે હોય ઘરને આર્થિક ઉપાર્જનમાં પણ મદદરૂપ થતી હોય, સાથે કૌટુંબિક જવાબદારી પણ નિભાવવાની હોય ત્યારે પરિવારમાં સહુની વહુ પ્રત્યેની જવાબદારી, કર્તવ્ય વિશેષ ધ્યાન માંગી લે છે. ખાસ કરીને પતિ પત્ની જયારે એકલા રહેતાં હોય ત્યારે આ બાબતમાં પત્નીને મદદરૂપ થવામાં પતિને કોઈ શરમ સંકોચ હોવો જોઈએ નહીં. વિશેષ સાસરે વહુને એટલી સ્વતંત્રતા તો મળવી જ જોઈએકે તેના વ્યક્તિત્વનો વિકાસ થાય. એટલું બધું નિયંત્રણ ન હોવું જોઈએ કે તેણીનો વિકાસ કુંઠિત થઈ જાય. જે પુત્રવધુને ઘરનો હિસ્સો બનાવવાની છે તેને હાંસિયામા ધકેલવાના પ્રયત્નો થવા ન જોઈએ. જે પુત્રવધુને ઘરની સભ્ય બનાવવાની છે તેના પ્રત્યે અસભ્ય વર્તન પરિવારના કોઈ પણ સભ્ય તરફથી ન થવું જોવું જોઈએ, જે વહુ ઘરનો વધારાનો હાથ બનવા આવી રહી છે તેનો હાથ અને સાથ છૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. જે વહુ પર રહેમ દ્રષ્ટિ રાખવાની છે તે વહુ ને વહેમની નજરે જોવાથી બચવાનું છે. જે વહુને પ્રસન્ન રાખવાની જવાબદારી સાથે લઈ આવ્યા છીએ તેની પ્રસન્નતા છીનવાય ન જાય તેની કાળજી રાખવાની છે. જે વહુ જે ઘરનો વંશવેલો આગળ વધારવા આવી છે તેણીએ તે ઘરના વંશ એવાં તેના પતિને પરિવારના સભ્યોથી છીનવી લેવાના પ્રયત્નો નથી કરવાના. જે વહુ પોતાના હક માટે સભાન છે તેણીએ પોતાની શું ફરજ છે તે પણ ભૂલવાનું નથી. જે વહુ પોતાની સ્વતંત્રતા સાસરે છીનવાય ન જાય તેની સતત કાળજી રાખે છે તે વહુ સાસરે સન્માનને પાત્ર નથી રહેતી એ ચોક્કસ સમજવું. જે વહુ પોતાના અધિકારના ઉપભોગ માટેજ સાસરે આવી હોય તે વહુ સાસરે ધિક્કારને પાત્ર બનતા વાર નથી લાગતી.

જે પત્ની પોતાના પતિ પર જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે આધિપત્ય જાળવવા પ્રયત્ન કરતી રહે છે તે વહુ પતિની પ્રિયતમા નથી બની શકતી. જે વહુ સાસરે સહુને શંકાની નજરે જ નિહાળ્યા કરશે તે ઘરમાં કંકાશને ઘર પ્રવેશ કરતાં વાર નથી લાગતી. જે પત્ની પતિને વહેમની દ્રષ્ટીએ જ નીરખ્યા કરે છે તેને પતિપ્રેમની રહેમ મળવાથી વંચિત રહી જવાનું સૌભાગ્ય જ પ્રાપ્ત થવાનું છે. સંસારપથ પર જે પતિ હવે પત્નીનો હાથ, સાથ અને નાથ છે તેનો સંગાથ ગાઢ બનાવવાનો પત્નીએ પ્રયત્ન કરવાનો છે. એટલું સમજી લેવાની જરૂર છે કે પરિવારમાં સુખ, શાંતિ, પ્રગતિ એકબીજા પર આધારિત, અવલંબિત છે જો જરા સરખો પણ લય ખોરવાયો તો ઘરને નર્ક બનતા વાર નથી લાગવાની એ સહુએ સમજવું રહ્યું. પરિવારમા સહુએ એકબીજાના પડખે ઊભા રહેવાનું છે. પોતાના હક, અધિકાર અને સ્વતંત્રતાની અવગણના કરી દરેકને પોતપોતાની જવાબદારી અને ફરજ પ્રત્યે સભાનતા દાખવવાની છે. જે પરિવારમાં એકબીજા માટે ઘસાઈ છૂટવાની પ્રબળ ભાવના હશે, જેટલી જતું કરવાની પ્રામાણિક ઉદારતા હશે, એકબીજા માટે ત્યાગ કરવાની પ્રગાઢ લાગણી હશે, એકબીજા સાથે સહયોગ કરી પરિવારને જોડી રાખવાની ભાવના હશે તો તે પરિવારને કોઈ તોડી નહીં શકે. જો સ્વકેન્દ્રિત કે સ્વાર્થકેન્દ્રીત સ્વભાવનો ત્યાગ કરવા જેટલી પણ ઉદારતા હશે તે પરિવારમાં મારું તારું નહીં હોય પણ આપણું હોવાની ભાવના જાગ્રત થશે. જે પરિવારમાં ભોગ આપવાના બદલે દરેક જણમા ફક્ત એકલાએ જ ભોગ ભોગવવાની ભાવના હશે તો તે પરિવારની કૌટુંબિક ભાવનાનો ભોગ લેવાય જતાં વાર નથી લાગતી. પરિવારમાં ઈર્ષ્યા, રાગદ્વેષ, ધિક્કાર, ધૃણા નફરતનો ભાવ પરિવારને વેરવિખેર કરી નાખવામાં કોઈ કસર નથી છોડતો. જે પરિવારમાં એકબીજા સાથેના વાણી, વર્તન, વ્યવહારમાં તોછડાઈ, તિરસ્કાર, અને તુચ્છતા છલકાતા હશે તે પરિવારના સભ્યોને ધીરે ધીરે એકબીજાથી દુર થઈ જતાં વાર નથી લાગતી. તેથી જે પરિવારના સભ્યોમાં આપસના સગપણના સંબંધોમાં ડહાપણ, સમજણ, શાણપણ જાળવવા માટેનું મેળવણ અને ગળપણની સાથે થોડુંક વળગણ પણ હશે તેજ પરિવારમા સુખ, શાંતિ, પ્રેમ, આનંદના પગરણ પણ મંડાતા રહે છે, એ ભુલવા જેવું નથી. તેજ ઘરમાં રોજે આનંદોત્સવ ઉજવાતો રહે છે. તેજ પરિવારમાં પ્રસન્નતા, પુલ્કીતતા, પ્રફૂલીતતાનો પમરાટ પ્રસરેલો રહે છે. તેજ કુટુંબમાં ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસનો ઉત્સવ સદા ઉજવાતો રહે છે. તે જ પરિવાર પ્રગતિના પંથે પ્રયાણ કરતો રહે છે એમ કહેવામાં કશું ખોટું નથી. આ કુટુંબમાં સપ્તાહના સાત વાર નથી હોતાં પણ એક આઠમો વાર પણ હોય છે તે હોય છે પરિવાર!

(આ આર્ટીકલનું વિચારબીજ પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયરત્ન સુંદરસુરીજીના પુસ્તક ‘અમૃત જ્યારે આંખમાં વસે છે’ પરથી પ્રેરિત છે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “હસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૫ : સમાપ્ત) – અરવિંદ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.