ભિખારી – જેકબ ડેવિસ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે જેકબભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jacobdavis2305@gmail.com સંપર્ક કરી શકો છો.]

હું અને મારી પત્‍ની અમદાવાદથી સુરત આવતાં હતાં. ટ્રેનમાં સીટીંગનું રીઝર્વેશન કરાવેલું હતું. પણ આમ તો અમદાવાદથી વલસાડ સુધી જતી ટ્રેન કવીનમાં રીઝર્વેશન ડબ્‍બામાં પણ ગીરદી પાર વગરની હોય. એમાંય સ્‍ટેશન ૫ર ગાડી આવે ત્‍યારે કીડીયારું ઉભરાયું હોય ! અજગરને કીડીઓએ ભરડો લીઘો હોય એમ ડબ્‍બે ડબ્‍બે માણસો તૂટી ૫ડે ! હા, તમે રીઝર્વેશન કરાવેલું હોય તો તમને તમારી સીટ મળે ખરી. અમે કંપાર્ટમેન્‍ટમાં દાખલ થયાં ત્‍યારે લગભગ બધાં પોતપોતાની સીટ ઉ૫ર ગોઠવાઇ ગયા હતાં. એક ભાઇ અમારી એક સીટ ઉપર બેઠા હતા, તેમને ઉભા થવા કહયું તો મોં બગાડીને માંડ માંડ ઉભા થયા. અમારી સામેની સીટ ઉપર બેઠા હતા તે ભાઇએ અમારી એક સીટ ઉ૫ર પગ લાંબા કર્યા હતા. જાણે બાપના બગીચામાં બેઠા હોય ! મેં સીટના નંબર જોઇને તેમને પગ લેવા કહયું, પણ એ પગ લેવાના મુડમાં નહોતા. મને કહે : ‘પછી શું છે કે લાંબી મુસાફરીમાં પગ જકડાઇ જાય છે.’
‘અરે પણ તમે મારી સીટ ઉપર પગ મૂકો તો મને બેસવાનું ના ફાવે, ભલા માણસ !’
‘ભઇ, એ તો સાંકડમાંકડ ફવડાવવું ૫ડે.’
મેં મોઢું બગાડયું : ‘અરે તારી ભલી થાય, તારી સવલત માટે કોઇએ ફવડાવવાનું ?’ કોઇના પડખે પગ ના ઘલાય, તે આ ભાઇને કેમ સમજાવવું ? જો કે પછી લાંબા પગ કરીને થાકયા એટલે એમણે પગ લઇ લીધા. પછી એ પગ લાંબા જ ના કરી શકે એવી રીતે મેં જગ્‍યા પૂરી દીધી.

ગાડી પ્‍લેટફોર્મ પર આવે કે રીઝર્વેશન કે ના-રીઝર્વેશન, બધાં લગભગ તૂટી જ ૫ડે. પેટી પટારા, બેગ બિસ્‍તરાની ફેંકાફેંક ચાલ્‍યા કરે. જગાની માથાકૂટ ચાલે. ને ત્‍યાં સુધીમાં બેગ બિસ્‍તરા ઉ૫ર આલમારીમાં કે સીટની નીચે સાંકડમાંકડ ગોઠવાઇ જાય. બીજું સ્‍ટેશન આવે ત્‍યાં સુધીમાં બધાં જેમ તેમ જગા મેળવી ઠરીઠામ થઇ ગયાં હોય, ને ફીલસુફી ઝાડતાં હોય કે કયાં ગાડી લઇને ઘેર જાવું છે, આ તો પંખીનો મેળો છે વિગેરે. પણ ત્‍યાં સુધીમાં એમનામાંના દરેક જણે એવી ધમાચકડી મચાવી હોય કે ઢીલાપોચા મુસાફરી પડતી મેલવાનું જ વિચારે. વિચારે કે આના કરતાં બસ સારી.

મારા હાથમાં છાપું હતું. હું જરા નિરાતે બેસી વાંચવાનું વિચારતો જ હતો ત્‍યાં સામે બેઠેલા ભાઇએ મારી બગલમાં દબાવેલું છાપું ખેંચી લીધું. ‘અરે, અરે, ભાઇ, હજું મારે વાંચવાનું બાકી છે,’ એમ કહયું તો કહે : ‘અરે જરા ઉપર ઉપરથી જોઇને આપી દઉં છું ભલા માણસ. તમારું છાપું લઇને ભાગી નહીં જાઉં.’ એમ કહી ઉપરથી મને દબડાવ્‍યો. ત્‍યાં તો એમની પાડોશમાં બેઠેલા ભાઇએ એમાંથી શબ્દ રમતવાળું કાગળ બારોબાર ખેંચી લીધું. છાપું જુદું થઇ ગયું, ને હું જોતો રહયો. પેલા ભાઇએ ખિસ્‍સામાંથી બોલપેન કાઢી ને શબ્‍દ રમતનાં ચોકઠાં પુરવા લાગ્‍યા. મેં કહયું: ‘અરે, ભઇ, મારું છાપું છે, હું શબ્‍દ રમત ભરવાનો છું.’ તો કહે: ‘અરે તમને બે મિનીટમાં ભરી આપું જુઓ ને ! અમારા અ૫ડાઉન વાળા બેઠા હોય એ ડબ્‍બામાં તો કોઇ છાપું લઇને આવે એ છાપું અમે લઇ જ લઇએ. વાંચવું હોય એ વાંચી લઇએ, ફાડવું હોય એ ફાડી લઇએ, ને વધે ને ના ઉતર્યો હોય તો એ છાપું લઇ જાય, એની હિંમત ના ચાલે માગવાની. માગે તો છાપા સાથે ઉતારી દઇએ ! આજે કોઇ નથી એટલે તમે આટલું ય બોલ્‍યા ભઇ, હમજયા?’ હું સમજી ગયો, એ છાપું માગીને વાંચે છે, પણ દાદાગીરીથી માગે છે. માગણ બનવાની આ બી એક નવી રીત જ ગણાય ને ? ભિખારીદાદા કહીશું કે દાદા ભિખારી !!!

જેમ જેમ સ્‍ટેશન આવતાં જાય, તેમ અલગ અલગ વેરાયટી તમારી સમક્ષ પેશ થતી જાય. નાટકમાં તમે સ્થિર બેસો ને મંચ પર નાટકનાં દશ્‍યો બદલાય. અહીં ગાડી ચાલતી રહે, ને બહાર અને અંદર દ્રશ્યો બદલાતાં રહે. તમે બેઠક ઉપર હો અને દ્રશ્‍ય દોડતાં તમારી સમક્ષ આવતાં જાય ! આણંદ આવે એટલે અમુલ દૂધની બોટલ અને ગોટાવાળા આવે. અમુલનું લેબલ હોય, દૂધ નકલી પણ હોય ! વાસદ આવતાં ચણાની દાળ વેચનારા ફેરિયા ચડે. કેરીની સીઝનમાં કાચી કેરીવાળી દાળ અને એ સિવાય લીંબુ મસાલાવાળી દાળ મળે. ગાડીમાં જ સાંભળવા મળે એવા આલાપે ‘લીંબુ મસાલા દાળ,’ કે ‘કેરી મસાલા દાળ’ નો રાગ આલાપે. આપણા જોખમે ખાઇ નાખવાની ! મારી બાજુમાં બેઠેલાં બેને દાળ લીઘી, એમને ખાતાં જોઇ બાજુમાં બેઠેલાં બે છોકરાં એની મમ્‍મીને દાળ લઇ આપવા કરગરવા લાગ્‍યાં. મમ્‍મીએ મચક ના આપી તો રોકકળ મચાવી. બાજુવાળાં બેને બંને છોકરાને હાથમાં કાગળની ચમચીથી ચપટી ચપટી દાળ આપી. એની મમ્‍મી કહે ‘હવે ધીમે ધીમે ખાવ ને ચુપ થઇ જાવ.’ છોકરાં એક એક દાણો ખાવા લાગ્‍યાં.

ભરૂચમાં ગરમા ગરમ ખારીસીંગવાળા સેવામાં હાજર હોય. ચણાવાળા ભાઇ તો ડબ્‍બામાં આવતાં જ મુઠઠી ભરી ભરીને પહેલાં વહેંચવા માંડે. ના લે તો સમ દઇને આપે. ‘તારી હાહુના હમ જો ના લે ! લે ખા, ખાધેલું ખપ લાગશે, હાથે હું લઇ જવાનો છે ?’ એક વાર મુઠઠી ચણા ખાઘા પછી થોડું બેસી રહેવાય ? લોકોની મફત ખાવાની ટેવનું એણે બિઝનેસમાં રૂપાંતર કર્યું હતું. એનો સારામાં સારો વેપાર થાય. બોલો , વેપારની આ અફલાતુન રીત સેલ્‍સમેનશીપના અભ્‍યાસક્રમમાં ભણાવવામાં આવે છે ? દરમિયાન દરેક સ્‍ટેશન પર ચા કોફીવાળાના આંટા તો હોય જ ! એ ય ના ભાવે તો બારી બહાર ફેંકી દેવાની (અલબત ચા કે કોફી ) તમને છૂટ આપતા હોય. એમણે તો પૈસા વસુલી લીધા હોય ને ! લોક પણ માથાના હોય, ના ભાવે તોય ગાળો બોલતા જાય ને પી જાય ! મોંઘા ભાવની ચા ફેંકાય ? એમાં ઠંડા પાણીના પાઉચવાળા પણ ફરતા રહે. પાણીના પાઉચવાળો અમારી આગળ આવીને ઉભો રહયો. એ પોતે પાણીમાં સાબોળ થઇ ગયેલો. એ પેગ મારી ગયેલો, એટલે પાણીનું પોટલું વ્‍યવ‍સ્‍થિત પકડી શકતો નહોતો, ને ભીંજાતો હતો. બાજુમાં બેઠેલા ભાઇએ મજાક કરી : ‘અલ્‍યા, પાણી નથી પીવું, તેં પીધું છે એ લાવની ! ને હાસ્‍યની છોળ ઉડી.’

એટલામાં એક ભિખારી આવ્‍યો. વૃધ્ધ અને અંધ હતો. લાકડી ફરસ પર ઠોકતો જાય અને હિન્‍દી ફિલ્‍મનું સદાબહાર ગીત ગાતો જાય : ‘ગરીબોંકી સુનો, વો તુમ્‍હારી સુનેગા.’ એ ચારેક સીટ આઘો ના જાય ને ગીત સંભળાતું બંધ થાય તોય લાકડીના ઠક ઠક કર્કસ ઠેકા સાંભળ્‍યા કરવાના. એ જાય ને થોડી વારમાં ભિખારણ બાઇ સાહેબ આવે. એ સદાની પ્રસુતા. મારે સતત આ રૂટ ઉપર આવવાનું બને છે. છેલ્‍લાં પંદર વરસથી જોઉં છું કે આ બાઇના હાથમાં કાયમ તાજું જન્‍મેલું બાળક જ હોય ! પ્રસુતિમાંથી ઉઠીને આવી હોય એવો આબાદ દેખાવ કરવા કપડાં પણ એવાં ડાઘાડૂઘીવાળાં જ પહેરેલાં હોય ! રડતી હોય એવો રાગડો ખેંચીને ગાતી હોય. તાજું જન્‍મેલું છોકરૂં ય કમાવા લાગે. કેમકે એને જે કંઇ મળે તેમાં એ છોકરૂંના માબાપનો પણ ભાગ હોય. સૌ સૌના ભાગ્‍યનું રળે ભાઇ ! માસીઓ પણ સવાર સવારમાં બની ઠનીને દાપું ઉઘરાવવા નીકળી ૫ડે. તાબોટા પાડીને ઉછીના આપેલા પાછા લેવા નીકળી હોય એમ હકથી ઉઘરાવવા માંડે. કાયમી અપડાઉનવાળા એમાંથી બાકાત. એમનું નામ એ ના દે. એમાંના કોઇ કોઇ તો હસીને માસી સાથે હાથ મિલાવી લે. એ જાય એટલે જાણતલ વાતો કરવા માંડે કે આ માસીઓમાં નકલી માસીઓ પણ આવી જાય છે. કેમકે કમાણી ઘણી સારી, ને બીજી કંઇ બહુ માથાકૂટ હોય નહીં. તાબોટા પાડી ઉઘરાણું કરી લેવાનું. જો કે અસલી ઉઘરાવી જાય કે નકલી ઉઘરાવી જાય આપણને શો ફેર પડે !

એટલામાં ટિકીટ ચેકર આવ્‍યો. દરેકની ટિકીટ ચેક કરી એ ભાઇ પાછી આપતા જાય, ને એમના હાથમાં રહેલા ચાર્ટમાં ટીક કરતા જાય. રીઝર્વેશન ડબ્‍બામાં આટલી ગીરદી કેમ એ તેમનો વિષય જ નહોતો. અમારી સામે બેઠેલાની ટિકીટ માગી તો ખબર પડી કે એમનો પાસ તો છ દિવસ પહેલાંનો એકસપાયર્ડ થઇ ગયેલો છે. મારા છાપામાં શબ્‍દ રમત ભરનાર અને પગ લાંબા કરીને બેસનાર બેઉ જણને ઉઠાડી ચેકર એમની જોડે લઇ ગયા. બે જણ ઓછા થવાથી મોકળાશ થઇ ગઇ. મારી જોડે બેઠેલા ભાઇએ કોમેન્‍ટ કરી : ‘આપણે પ૦ રૂપીયા ટીકીટના આપીએ ને આ પાસવાળાને માંડ પાંચ રૂપીયા પડે. પણ એય કાઢવા નથી. ને વગર ટીકિટે દાદાગીરી કરવી છે !’ મેં કહયું : ‘ભાઇ, ચાલ્‍યા કરે. મેરા ભારત મહાન !’

એટલામાં એક છોકરો એનું શર્ટ કાઢી નાખી ઉઘાડા ડીલે એના શર્ટ વડે ડબ્‍બાનો કચરો ખૂણે ખાંચરેથી સાફ કરતો આવ્‍યો. મુંડી નીચી ને દયામણો ચહેરો. નીચે ઘસડાતો જાય ને એના શર્ટ વડે કચરો આગળ ધકેલતો જાય. જેવી એક લાઇન પુરી થાય કે એનું મહેનતાણું માગતો જાય. મહેનતાણું જ કહેવાય સ્‍તો ! રેલ્‍વે ચાલુમાં કચરો કાઢવાની વ્‍યવસ્‍થા કરતી નથી, એટલે આ બાપડો કચરો કાઢે તો મહેનતાણું માગે જ ને ! કોઇ આપે, કોઇ ના આપે. હું જોતો હતો કે મારા જેવા ના આ૫નારાની સંખ્‍યા વધારે હતી. આખા ડબ્બામાંથી માંડ બેચાર જણે એને ભીખના પૈસા આપ્યા હતા. એટલે એના ચહેરાના ભાવ બદલાતા હતા. છોકરો શર્ટ વડે કચરો ખેંચતો બારણા સુધી આવી ગયો ત્‍યાં સુધીમાં એક સ્‍ટેશન આવ્‍યું, ને ગાડી ઉભી રહી. જેવી ગાડી ઉભી રહી કે પેલા છોકરાએ જે કચરો એકઠો કર્યો હતો, તે શર્ટના એક ગોદાએ અડધા ડબ્‍બા સુધી પહોંચે એ રીતે વિખેરી નાખ્‍યો, ને કૂદકો મારી ઉતરી ગયો. બધા હતપ્રભ થઇ આ શું ઉડયું ને કોણે ઉડાડયું, એ વિચારે ત્‍યાં એ છોકરો બાજુમાં રેલના પાટા હતા એના ઉપર બેસી ગયો, ને ખિસ્‍સામાંથી ભજીયાનું પડીકું કાઢી ભજીયાં ખાવા માડયો. ડબ્‍બામાં છોકરાએ કચરો ઉડાડયો એનો ગણગણાટ ચાલુ થયો. કેટલાકે મોં ઢાંકયાં. બધા કહેવા માંડયા : ‘જોયું આ ભિખારવાનું કામ ? દયાની માને ડાકણ ખાય તે આનું નામ !’

ત્‍યાં સુધીમાં ગાડી ચાલુ થઇ ગઇ, ને પેલો છોકરો ઉભો થઇ ગયો. બે હાથ પહોળા કરી કરી ડબ્‍બામાં બેઠેલા પેસેન્‍જરો તરફ બુમો પાડી કહેતો હતો : ‘સાલાઓ, હરામજાદીનાઓ, ભિખારવાઓ…….. ઓ ભિખારવાઓ………ભિખારવાઓ…………..’ બધાં બહાર જોવા લાગ્‍યા, પછી એકબીજા સામે જોવા લાગ્‍યા. ત્‍યાં સુધીમાં ગાડીએ વેગ પકડી લીધો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ભિખારી – જેકબ ડેવિસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.