કોશેટો તૂટવાની પળ- સોનલ પરીખ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

motion-poster‘મુજે ભી કુછ કરના હૈ. આઈ ઓલ્સો વૉન્ટ ટુ ડુ સમથિંગ.’
‘વૉટ સ્ટૉપ્સ યુ ?’ એટલી સહજતાથી આ સવાલ પૂછાય છે કે પ્રેક્ષક જો સજાગ અને સંવેદનશીલ હોય તો તરત તેના મનમાં પ્રકાશ થાય માણસને રોકનાર બીજું કશું નથી, તેનું પોતાનું જ મન છે. અસીમ અનંત બ્રહ્માંડ. તેમાં અનેક આકાશગંગા. દરેકમાં અનેક સૂર્યમાળા. તેમાં અનેકાનેક ગ્રહોની વચ્ચે કયાંક આપણી પૃથ્વી અને તેના કોઈ એક ખૂણે આપણું અસ્તિત્વ. કેટલું નાનું.

તેને પણ અનેક બંધનોથી બાંધી વધુ ને વધુ સાંકડું કરવાની કોશેટો રચી તેમાં જ રાચવાની ટેવ આપણને કેમ હશે ? આ બાબતમાં ઇયળ વધારે અક્ક્લવાળી નહીં ? જરૂરી હોય છે ત્યારે પોતાની આજુબાજુ કોશેટો રચે છે. પછી વિકાસના એક તબક્કે તે પોતે જ કોશેટો તોડીને પતંગિયારૂપે બહાર આવે છે. કોશેટો તોડવામાં જોખમ છે, પણ તેમાં પુરાઇ રહેવામાં વધારે જોખમ છે તેવું ઇયળને પણ સમજાય છે. અને આપણે ? રિવાજો, વિચારો, માન્યતાઓ આ બધુ આપણને રક્ષે છે, વ્યવસ્થા આપે છે, એની પણ એક મહતા છે જિંદગીમાં, કબૂલ, પણ પછી આપણે પોતાને એના સંદર્ભે જ જોવા લાગીએ છીએ – જાણે તેનું પાલન કરવા માટે જ આપણો જન્મ ન થયો હોય ! ઘેરા વચ્ચેથી નીકળી પોતાની જાતને કોઈ સાપેક્ષતાથી નહીં, નિરપેક્ષતાથી જોવી મુશ્કેલ જ નહીં, અશકયવત્ થઈ જાય છે. અંદર કશુંક ગૂંગળાય છે, તેની પરવા રહેતી નથી. પછી તે મરી જાય છે, તેની સમજ પડતી નથી. મરતાં પહેલાં આપણે કેટલી વાર મર્યા તેનો હિસાબ કરી જોયો છે ?

યુવાન સર્જકોએ બનાવેલી એક હિન્દી ફિલ્મ હસતા-હસાવતા, કોઈ ઉપદેશ આપ્યા વિના પ્રેક્ષકના મનમાં આ અનુભૂતિનો એક દીવો પ્રગટાવી જાય એવું બને ? હા. આ અનોખી ફિલ્મ છે આ જ મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘કવીન’. વાર્તા નાનીસરખી છે : દિલ્હીના એક પંજાબી પરિવારમાં લગ્રની ઉત્સાહપૂર્વક તૈયારી થઈ રહી છે. મહેમાનો, મેંદી, ડેકોરેશન, ખાણીપીણી, આનંદ, ઉત્સાહ. ભાવિ વધૂ રાની, લંડનરિટર્ન હેન્ડસમ વિજય સાથે ફર્સ્ટ નાઇટ ને પૅરિસ-એમ્સ્ટર્ડમમાં ગોઠવાયેલા હનીમૂનના મીઠા ટેન્શનમાં છે. લગ્નને આગલે દિવસે વિજય તેને રેસ્ટોરાંમાં બોલાવે છે ને કહે છે કે આ લગ્ન નહીં થઈ શકે. કદાચ તેને લંડન ગયા પછી રાની દેશી, કંટાળાજનક, બુદ્ધુ લાગવા માંડી છે.

ભાંગી પડેલી રાની આખી રાત રૂમમાં પુરાઈ રહે છે. તેને યાદ આવે છે કે કેવી રીતે વિજયે તેની આસપાસ ચક્કર માર્યા હતા. આજે એ જ વિજય તેને આવી ખરાબ રીતે છોડી રહ્યો છે ! ફિલ્મની આ એકમાત્ર ગંભીર સિચ્યુએશનને પૂરતો ન્યાય મળ્યો છે, પણ કોઈ રોતુંધોતું નથી. દાદી કહે છે, ‘મારો પણ એક બૉયફ્રેન્ડ હતો, પાકિસ્તાનમાં રહી ગયો. સારું જ થયું ને, નહીં તો રૅફયુજી કૅમ્પમાં તારા દાદા સાથે મન કયાંથી મળત ? તું દુઃખી ન થા. આરામથી તારી જિંદગી જીવ.’ બીજે દિવસે બહાર આવીને રાની કહે છે, ‘હું હનીમૂન પર જઈશ એકલી.’ તેની ભીની આંખોમાં આ વાતાવરણમાંથી બહાર નીકળવાની અનિવાર્યતા છે. પિતા પૂછે છે, ‘જવાનું જરૂરી છે ?’ રાની કહે છે, ‘તમે ના કહેશો તો નહીં જાઉં.’ માતા-પિતા કદી દિલ્હીની બહાર એકલી ન ગયેલી દીકરીને ચિંતા સાથે ઍરપોર્ટ મૂકી આવે છે, ત્યારે પણ લાંબા ઇમોશનલ સંવાદો કે આસું નથી. આ જ સુંદરતા છે ફિલ્મની. મૌન, વિરામ, ઓછા-સાદા શબ્દો અને અસરકારક કૉમ્યુનિકેશન.

‘સાયે સાયે ફિરતે હૈં જિધર મૂડું, ધૂંધલી ધૂંધલી સી મૈં તો ઇધર ઉધર ફિરું રૂઠીરૂઠી સી, બહલાફુસલા કે ખુદ કો નસીહતેં દૂં જૂઠીમૂઠી સી, ટૂટીફૂટી સી, હરજાઇયાં મિલા વો હોને કો જુદા કયોં, પરછાઇયાં દે કે હી મુજે વો ગયા કયોં.’ આ મૂડથી શરૂ થાય છે ગુસ્સે થયેલી, ઘવાયેલી, છેતરાયેલી, હતાશ રાનીની વિદેશયાત્રા, પણ તરત એ બની જાય છે જાતજાતના અનુભવોથી ભરપૂર, કયારેક ખડખડાટ તો કયારેક મરકમરક હસાવતી એક મજાની યાત્રા – સ્ટોરી ઑફ અનલિમિટેડ ફન. પૅરિસમાં તેને મળે છે વિજયલક્ષ્મી. ભારતીય પિતા અને ફ્રેન્ચ-સ્પૅનિશ માની દીકરી, રાની જે હોટેલમાં રહે છે તેની વેઇટ્રેસ. બૉલ્ડ, બિન્ધાસ્ત, ઘણાબધા પુરુષમિત્રોવાળી સિંગલ મધર વિજયલક્ષ્મી લૂંટારા અને પોલીસના કડવા અનુભવ પછી ભારત પાછી ફરવા ઇચ્છતી રાનીને મદદ કરે છે. ઉતર-દક્ષિણ ધ્રુવ જેવી આ બંને છોકરીઓ પૅરિસમાં ફરે છે, શોપિંગ કરે છે, ડિસ્કોમાં જાય છે. આધુનિક પોષાકમાં મોબાઈલ પર પોતાની સેલ્ફઇમેજ લઈ રાની ભૂલથી વિજયલક્ષ્મીને બદલે વિજયને મોકલે છે ને
વિજયનો રાની માટેનો અભિપ્રાય બદલાઈ જાય છે. વિજયલકક્ષ્મીની ઉષ્માપૂર્ણ વિદાય લઈ તે એમ્સ્ટર્ડમ જતી ટ્રેનમાં બેસે છે ત્યાં તેના પર વિજયનો ફોન આવે છે, તે લેતી નથી.

એમ્સ્ટર્ડમમાં રાનીને આફ્રિકન ટિમ, લડાઈઅમાં બરબાદ થયેલા રશિયન ચિત્રકાર એલેક્ઝાંડર અને સુનામીમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા જાપાની ટાકા નામના યુવાનો સાથે રૂમમાં રહેવાનું થાય છે. ભાષા-સંસ્કૃતિના અનેક ભેદ છતાં ચારે મિત્રો બની જાય છે અને સાથે એમ્સ્ટર્ડમ ઘૂમે છે. મા-બહેનો માટે કમાવા આવેલી ને મંદીને લીધે યોગ્ય જૉબ ન મળવાથી સ્ટ્રિપડાન્સ કરતી પાકિસ્તાની રૂખસાનાને મળે છે. એક હેન્ડસમ ઇટાલિયન શેફનો પડકાર ઝીલી તેની રેસ્ટોરાંમાં ગોલગપ્પાનું કાઉન્ટર ખોલી કમાય છે, તેને ચુંબન કરીને બહાર આવે છે ત્યારે મિત્રો નશામાં સૂઈ ગયા છે એટલે ભાડે લીધેલી કાર ડ્રાઇવ કરે છે. યાદ આવે છે તેને કાર શીખવતો અને ભૂલો થવાથી ગુસ્સો કરી તેનો આત્મવિશ્વાસ તોડી નાખતો વિજય. તે એક્સિલેટર પર પગ દબાવે છે, બાજુમાં વિજયનો ફોન વાગતો રહે છે.

ચર્ચમાંથી આવ્યા પછી એલેકઝાંડરની ચિત્રપોથી જોઈ રાની તેને પૂછે છે, ‘તું ચિત્રો શા માટે દોરે છે ?’
‘ગુસ્સો ભૂલવા.’
‘મારે પણ કંઈક કરવું છે. આઈ ઓલ્સો વૉન્ટ ટુ ડુ સમથિંગ.’
‘વૉટ સ્ટૉપ્સ યુ ?’ વિજય રાનીને શોધી કાઢે છે, માફી માગે છે. તેને દિલ્હીમાં મળવાનું વચન આપી રાની કદી ન મળનારા મિત્રોની લાગણીભરી વિદાય લે છે અને દિલ્હી આવીને વિજયને સગાઈની અંગૂઠી પરત કરે છે.

એવું નથી કે હવે બધું પાર પડી ગયું છે ને રાનીને ખાઈપીને રાજ કરવાનું છે. સમસ્યાઓ તો છે, આવશે, પણ હવે રાની આત્મનિર્ભર છે. કોશેટો તોડી તેણે નવા રંગ, નવી પાંખ પ્રાપ્ત કર્યાં છે અને કરી લીધી છે પોતાના આ નવા સ્વરૂપ સાથે દોસ્તી. જિંદગીની આંખોમાં આંખો નાખવાના ઉત્સાહ સાથે ઊપડતાં તેનાં પગલાં સાથે બૅકગ્રાઉન્ડમાં ગીત આવે છે : ‘ઔરોં સે કયા ખુદ હી સે પૂછ લેંગે રાહેં, યહીં કહીં મૌજોં મેં હી ઢૂંઢ લેંગેં લહરેં, ખુદ હી તો હૈં હમ કિનારેં…’

‘કવીન’ નાં સંગીત, દિગ્દર્શન, પાત્રો, સંવાદો, અભિનય, તેમાંથી ઝલકતી નારીમુકિત-તંદુરસ્ત સ્ત્રીપુરુષ સંબંધો-માનવીય સ્પર્શની વિભાવના આ બધાં વિશે એક એક લેખ લખી શકાય. થોડી નબળી કડીઓ પણ શોધી શકાય, પણ આજે આટલું બસ. મહત્વનું છે એ સ્મિત, જે થિયેટર છોડતા, ટ્રાફિકભર્યો રસ્તો ઓળંગતા પ્રેક્ષકના હોઠ પર રમતું હોય છે. અગત્યનું છે એ ગુંજન, જે તેના મનમાં રમતું હોય છે. માહાત્મ્ય છે એ પાંખોનું જે તેના હ્રદયને હળવાશથી ફૂટી હોય છે….

Leave a Reply to Anil & Jayshree Gandhi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “કોશેટો તૂટવાની પળ- સોનલ પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.