મહુવા મધૂરમ્ – શશીકાંત દવે

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

જમાદાર કેરીના આંબા, કેળા, ચીકુ ઝાડની લીલીછમ વાડીઓથી ઘેરાયેલું અને દખણાદા દરિયા પરથી આવતા શીળા વાયરાના વીંઝણા ઝીલતા મહુવાને ‘સૌરાષ્ટ્રના કાશ્મીર’ તરીકેની અપાયેલી ઓળખ યથાર્થ હતી. માલણ નદીના બંને કાંઠે આંકડા ભીડીને સખીઓની જેમ હારબંધ ઊભેલી નાળિયેરીઓ કેરળની યાદ અપાવે. જમાદાર કેરીનો સ્વાદ માણવા અને કુદરતી ઠંડકના આહલાદ માટે ઉનાળામાં ઘરે ઘરે મહેમાનોની પધરામણી થઈ હોય. જમાદાર, પાયરી અને રસની કેરીના દાબા નાખી પકાવેલી હોય. કેળાં પણ ભઠ્ઠીના બાફમાં પકવવામાં આવતાં.

પૂર્વ દિશાએ બે વિદ્યાર્થીગૃહો પછી માત્ર ખેતરો જ હતાં. રેલવે સ્ટેશનની કાચી સડક માત્ર ખેતરો જ હતાં. રેલવે સ્ટેશનની કાચી સડક પણ વાડી-ખેતરો વચ્ચેથી પસાર થતી. મહુવા-ભાવનગર વચ્ચે નૅરોગેજ ટ્રેન અને ટ્રોલી ચાલતાં. ટ્રેન સવારે ઊપડી સાંજે આવતી-જતી. ટ્રોલીમાં થોડો ઓછો સમય લાગતો. મહુવા-ધોળા વચ્ચે મીટરગેજ લાઈન હતી. વહેલી સવારે અને રાત્રે મેલ ટ્રેન જતી-આવતી. વહેલી ટ્રેનમાં જવું હોયતો ઘોડાગાડીવાળાને અગાઉથી કહેવું પડતું. સ્ટેશનથી બંદર સુધી રેલવે લાઈન હતી. ફરવાના શોખીન માટે એ લાઈન ફરવાનું સ્થળ હતું. વેપારીઓનાં વહાણ મીઠું, ઈમારતી લાકડું, વિલાયતી નળિયાં, ખજૂર, અનાજ, ખાંડની ખેપ કરતાં. દરિયા કાંઠે પૌરાણિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્વ છે. મંદિરે જવાનો કાચો રસ્તો બાવળ અને પીલુડીનાં ઝૂંડ વચ્ચે હતો. ગાડા કે ઘોડાગાડીમાં જવાતું. મંદિરથી દૂર રાજબાઈ માતાને સ્થાનકે વાહનો રોકાતાં અને ત્યાંથી રેતીના ઢગ ખૂંદતા મંદિરે પહોંચી શકાતું. પગથિયાં ચડી અંદર થોડું ચાલી ફરી પગથિયાં ઊતરી જવું પડતું. બહારના પ્રકાશમાંથી અંદર આવીએ એટલો થોડો સમય સર્વત્ર અંધારું અંધારું જ લાગતું.

વીજળી નહોતી. ઘરમાં ફાનસનાં અને શેરીઓમાં સુધરાઈના ઘાસલેટના દીવાનાં પીળાં અજવાળાં રેલાતાં. શેરીમાં ઘોડાગાડીના ઘોડાના ડાબલા સંભળાય એટાલે રાત્રે આવતા મેલ/ટ્રોલીનાં છડિયાંનાં આગમન અને રાતના સમયનો અંદાજ લોકો મેળવી લેતા. લગ્નગાળામાં ઢોલ, ત્રાંસાં અને શરણાઈના સૂરથી શેરીઓ ગાજતી. સંપન્ન માણસોના પ્રસંગો પર મહુવાનું બેન્ડ હિંદી-ગુજરાતી ગીતોની સૂરાવલી રેલાવતું.

તોરણિયો, નારિયેલિયો, મીઠો, ફૂલવાડી, જસરાજિયો- એ નામે ઓળખાતા કૂવા શેરીએ શેરીએ હતા. આ કૂવાઓનું પાણી ખારાશવાળું હતું એટલે બહેનો, નદીકાંઠાની લીંબુવાડીનાં પીવા માટે પાણીનાં બેડાં ભરી આવતી. ભાવનગર રાજયે બંધાવેલો ‘વૉશિંગઘાટ’ પણ આજે સૂકોભઠ્ઠ ઊભો છે. દરબારી બાગની સિંચાઈ માટે માલણ નદીમાંથી નહેર વાટે પાણી પહોંચતું જે સારણ કહેવાતી. મોટા મહારાજનના ડેલામાં અને ગોપનાથ મંદિરની ભીંતો પર કલાત્મક ચિત્રોની ઝાંખી આજે પણ થઈ શકે છે. ફરસાણ કે કોઈ વસ્તુનું પડીકું સાચવવામાં બેદરકાર રહ્યા તો આકાશમાં ચકરાવા લેતી સમડીઓ ઝૂંટવી જતી. ગામની વચ્ચે ગઢ હતો એમાં ન્યાય કોર્ટ, વહીવટદાર, ટ્રેઝરી ઈજનેરની ઑફિસો હતી. એક ખૂણામાં જેલ અને એની સામે ટેનિસ કોર્ટ અને પાનાં રમનારા માટે ટેબલ-ખુરશીઓ રહેતી. અમલદારો, વકીલો વગેરે એ કલબમાં રમતા બેસતા. વહીવટીદારની ખુરશી ઉપર કપડાંની ઝૂલવાળો મોટો પંખો રહેતો જે બહાર બેઠેલો ચપરાશી દોરી ખેંચી ઝૂલાવ્યા કરતા. એમ.એન. હાઈસ્કૂલનું સ્થાપત્યસમું સંકુલ અને મિડલ સ્કૂલ આજેય અડીખમ ઊભાં છે. વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગો હતી. પાંચ લાઈબ્રેરીઓ હતી. લાકડાંનાં રમકડાં માટે મહુવાનું નામ હતું. સંઘેડા માનવ સંચાલિત હતા. ચૂડા પહેરનારી બહેનોને ચૂડા ચડાવવાનું કષ્ટદાયક કામ જોવા કિશોરો દુકાન સામે ટોળે વળતા.

ગઢ પાસે વચ્ચે કૅબિનચોક. ચોકને જોડતી ચાર બઝારો પૈકી એક વહોરા અને સંઘેડિયા, બીજી કાપડ, શરાફ, દાણા, ત્રીજી ડૉકટરો અને પરચૂરણ અને ચોથી દૂધ, મીઠાઈ, મોચી-દરજીની દુકાનોની બજાર હતી. માથે પાઘડી, ધોતિયું અને ઉપવસ્ત્ર ઓઢીને પૂ. શિવશંકર શાસ્ત્રીબાપા રોજ રાત્રે પાઠશાળામાં ગીતાનો સ્વાધ્યાય કરાવતા. જૈન દેરાસર, હવેલી, સ્વામિનારાયણ મંદિર અને શિવાલયો સમયાંતરે થોડાં પરિવર્તનો સાથે હજુય દર્શનીય છે. બહારથી નોકરી કે ધંધાર્થે આવેલા પણ મહુવાને મધુરમ્ ગણી અહીં સ્થાયી થયા છે. ભાગલા પછી આવેલા સિંધીભાઈઓ કપરા સંઘર્ષ પછી ધંધામાં સારી રીતે સ્થિર થયા છે.

જૈનાચાર્ય પૂ. નેમિસૂરિજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ભગતજી મહારાજ, શ્રી વીરચંદભાઈ ગાંધી, સાહિત્યક્ષેત્રે શ્રી હરગોવિંદ કવિ, ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણીસાહેબ, શ્રી હરકિશન મહેતા વગેરે મહુવાની મધુર ભૂમિની દેણ છે. પૂ. મોરારીબાપુએ પણ હમણાં સુધી મહુવામાં જ વસવાટ કર્યો અને તેમના દ્વારા યોજાતાં જુદાં જુદાં પર્વો થકી વિદ્વાનો, સંગીતજ્ઞો, નૃત્યકારો, લોકસાહિત્યકારો, કવિઓ, લેખકો અને મર્મજ્ઞોનો લાભ મહુવાને પ્રાપ્ત થયા કરે છે. ફિલ્મ ક્ષેત્રે શ્રી આશા પારેખનું નામ પણ કેમ ભુલાય ? ફિલ્મ શોખીનો માટે એક માત્ર ગ્લોબ ટૉકીઝ હતું. પિકચર શરૂ થાય ત્યારે ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીનો ફોટો આવતો અને થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠતું.

આજે મહુવાનાં વસ્તી-વિસ્તાર વધ્યાં છે. વાડીઓની રોનક પાણીની ખેંચના કારણે ઘટી છે. ચોમાસા પછી નદી સૂકીભઠ્ઠ થઈ જાય છે. નળ છે પણ પાણી ચાર-પાંચ દિવસે આવે છે. પ્લાસ્ટિકનો કચરો ઠેર ઠેર પથરાયેલો રહે છે. મહુવા છોડી ગયેલી વ્યક્તિની ત્રીજી પેઢીની વ્યક્તિ મહુવા આવે અને એનાં વડીલો કયાં રહેતાં હતાં એ સ્થળ જોવાની જિજ્ઞાસા કરે તો એ કામ એને માટે કપરું થઈ પડે. મહુવા-ભાવનગર વચ્ચેનું નૅરોગેજ ટ્રેનનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. મીટર ગેજ લાઈન બ્રૉડગેજમાં પરિવર્તિત થઈ છે. પણ ટ્રેનની સુવિધામાં વધારો થયો નથી. ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ ગરમ રહે છે. આજે ઊંઘતો પ્રવાસી મહુવામાં પ્રવેશે તો ડુંગળી/લસણ (ડિહાયડ્રેશનનાં કારખાનાં) અને મરઘાંની (પૉલ્ટ્રી ફાર્મ) હધારની વાસથી આંખ ખોલ્યા વિના કહી શકે કે એ મહુવામાં આવી ચૂકયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મહુવા મધૂરમ્ – શશીકાંત દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.