- ReadGujarati.com - http://www.readgujarati.com -

પાંદડે પાંદડે લીલા – સં.મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે લીલા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ઈશ્વરનો ઈશારો

ઘનશ્યામ અને ભરત સારા મિત્રો હતા. અવારનવાર મળતા. એકબીજાને ઘરે જતા. ઘનશ્યામને બે પુત્રીઓ હતી. ભરતને ત્યાં બાળક નહોતું. તેથી હોય કે તેના પ્રેમાળ સ્વભાવને કારણે ભરત ઘનશ્યામની નાની ૮ અને ૧૦ વર્ષની દીકરીઓ સાથે મીઠી મજાકો કરતો, વાતો કરતો અને દીકરીઓ માટે સોગાદો લઈ આવતો. થોડા સમયમાં ભરતને બીજા શહેરમાં મોટી તક મળી. એ સારા પગારે ત્યાં ગયો. થોડો સમય પત્રવ્યવહાર અને ફોન પર વાતો ચાલી. ધીમે ધીમે સંબંધ આછો થતો ગયો અને અંતે પત્રવ્યવહાર ને ફોન બંધ થયા.

દરમિયાન ઘનશ્યામનું અવસાન થયું. સારી એવી દોલત મૂકી ગયો હતો. દીકરીઓ પણ મોટી થઈ ગઈ હતી. ભણીગણીને તૈયાર થઈ ગઈ હતી. નોકરી કરતી હતી. સારું કમાતી હતી. બંને સાથે જ રહેતી હતી. બંનેને એકબીજાની હૂંફ હતી. મોટી દીકરી રંજનને કૉલેજના મિત્ર રાકેશ સાથે સારો મેળ હતો. બંને સાથે હરતાં-ફરતાં, સિનેમા જોતાં, સાથે જમવા જતાં. નાની દીકરી ક્રિના પણ ઘણીવાર સાથે જોડાતી. બહાર કયાંય ટૂર પર જાય તો ત્રણે સાથે જ જાય.

રંજન શરમાળ અને સંકોચશીલ હતી. રાકેશ સાથે લગ્ન કરવાની વાત જીભ પર લાવી શકતી નહોતી. રાકેશ પણ એવો જ મૂંજી હતો. એ પણ કંઈ આગળ વધતો નહોતો. બધું એમ ને એમ ચાલ્યે જતું હતું. મજા હતી, દુઃખ નહોતું, પણ કાયમી સુખ અને સંબંધ માટે બંને પક્ષે તલસાટ હતો. દૂરના શહેરમાં રહેતો ભરત ઘનશ્યામ અને તેની દીકરીઓને લગભગ ભૂલી ગયો હતો. ત્યાં એકાએક એક રાતે તેને સપનું આવ્યું. સપનામાં ઘનશ્યામ દેખાયો. બરાબર પહેલાં જેવો આબેહૂબ ઘનશ્યામ ! ઘનશ્યામે સપનામાં ભરતને કહ્યું, કેમ દીકરીઓને ભૂલી ગયો ને… ? જા… જઈને રંજનને કહે કે રાકેશને પરણી જાય. સુખી થશે.’ ભરત ઝબકીને જાગી ગયો. ‘રંજનને કેવી રીતે કહેવું ? છેલ્લાં દસ વર્ષથી એની સાથે વાત પણ કરી નથી કે દિવાળીકાર્ડ પણ લખ્યું નથી.’ ભરતે પત્નીને ઉઠાડી વાત કરી. પત્નીએ કહ્યું, ‘ગાંડો થયો છે શું ? સપનાં તો આવ્યાં કરે. બીજાની વાતમાં ડખલ ન કરીશ. કોણ જાણે કોણ છે રાકેશ ? પેલી છોકરી તારી ધૂળ કાઢી નાખશે.’

બીજે અઠવાડિયે ભરતને ફરી ઘનશ્યામ સપનામાં દેખાયો, વઢયો, ‘હજી તેં રંજનને વાત નથી કરી ? મિત્રનું આટલું કામ પણ નહીં કરે ?’ આ વખતે ભરતે મંદિરના બાપુઅની સલાહ લીધી. બાપુએ સૂચવ્યું, ‘ફોન કરી જો. પૂછજે, લગ્ન કર્યું કે નહીં, કોઈ છોકરો શોધ્યો કે નહીં ? જે હશે તે આપોઆપ બહાર આવશે.’ રંજનના ફોનની ઘંટડી રણકી. રંજને કાલની આખી રાત રડી રડીને ગુજારી હતી. નાની બહેન ક્રિનાએ ધડાકો કર્યો હતો. એક નવા જ મિત્ર શેખર સાથે સગપણની સરપ્રાઈઝ જાહેરાત કરી હતી. થોડા વખતમાં પરણવાની હતી. શેખર સારો હતો. રંજનને ઈર્ષ્યા નહોતી, પણ એકલા પડી જવાનું દુઃખ હતું. ત્યાં ભરતકાકાનો ફોન આવ્યો. ભરતને ફેરવી ફેરવીને કહેતાં ન આવડયું. તેણે તો સીધી જ સપનાની વાત કરી દીધી. રંજનને લાગ્યું કે પોતે આવા કોઈ સંકેતની રાહ જોતી હતી. સંકેત મળી ગયો. એ રાકેશ સાથે પરણી ગઈ. સુખી થઈ.

.

[2] અભી ખોયા અભી પાયા

અમેરિકામાં બનેલી ઘટના છે. ગેરી નામનો યુવાન ઈલેક્ટ્રિક સાધનોનો સેલ્સમૅન હતો. પોતાની કંપનીનાં બધાં સાધનોના નમૂના એ તેની મોટી કેડિલેક કારની ડિકીમાં અને પાછલી સીટ પર રાખતો. નમૂના બતાવે તો વેચાણમાં ફેર પડે. કોઈક વાર નમૂનાનું સાધન જ વેચાણમાં ખપી જાય. બીજો ધક્કો બચી જાય. શનિ-રવિ કેડિલેકમાંથી બધાં સાધનો ઘરે ખાલી કરી નાખે અને એનું મોટું કુટુંબ તેમાં લહેર કરવા વીક-એન્ડ પર બહાર જાય કે શહેરમાં ખરીદી કરવા નીકળી પડે.

રોજની જેમ ગેરી સેલ્સમૅનશિપ માટે નીકળ્યો હતો. એ ‘બૉબ ઈલેક્ટ્રોનિકસ’ ની દુકાન પર આવ્યો. બૉબ એનો મિત્ર હતો. રસ્તા પરથી એણે બૉબને બારી આગળ જોયો. એ ટેબલ પરના ચોપડા જોતો હતો. આજે બૉબ કંઈ લે એવું લાગતું નહોતું, કારણકે ગયા અઠવાડિયે જ તેણે ઘણો માલ લીધો હતો. છતાં નીકળ્યો જ છું તો બૉબને ‘હાય, હૅલો’ કરતો જાઉં અને કંઈ જરૂર હોય તો પૂછી લઉં. બે મિનિટ થશે’, એમ વિચારી કેડિલેકને પાર્ક કરવાને બદલે, ગાડી ન્યુટ્રલમાં નાખી, મશીન ચાલુ રાખી, ગેરી બૉબની દુકાનની બારી પાસે ગયો. બારીમાંથી જ વાતચીત કરી. પાંચેક મિનિટ જ પસાર થઈ હશે. એ પાછો ફર્યો ત્યારે ગાડી ગુમ. ગેરી હાંફળો-ફાફળો થઈ ગયો. આમ જોયું, તેમ જોયું, પણ ગાડી હોય તો દેખાય ને ! ગાડીના ચોરને ચાવી અને ચાલુ મશીન સાથે ગાડી મળી. એં તો કયાંય સડસડાટ નીકળી ગયો હશે.

સૌ પહેલાં ગેરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે બધી વિગત લખી અને કહ્યું કે બધી તપાસ કરીશું. ગેરીને કંઈ સંતોષ ન થયો. એ ‘ડિપ્રેસ’ (વિષાદમાં ગરકાવ) થઈ ગયો. તેણે મિત્ર માઈકને ફોન કર્યો, ‘માઈક, સાલાઓ મારી કેડિલેક ઉપાડી ગયા.’ ‘એટલે ?’ માઈકે આશ્ચર્યથી પૂછયું. ગેરીએ બધી વાત કરી. માઈકે કહ્યું, ‘ત્યાં જ રહેજે, હું આવું છું.’ માઈકે આવી ‘આમ કરીએ, તેમ કરીએ’ એવા તડાકા માર્યા, પણ વાતમાં કંઈ માલ નહોતો. માઈકે કહ્યું, ‘મારે થોડી ખરીદી કરવી છે. મૉલ પર જઈએ. પછી ઘરે જઈ એકાદ બે પૅગ લગાવી હળવા થઈએ.’ મૉલ પર ગયા. ગેરીને અંદર જવાનું મન નહોતું. માઈક એકલો જ મૉલમાં ગયો. મૉલની બહાર ગાડીઓની લાંબી કતાર હતી – સિતેર-એંસી ગાડીઓઅનું ધાડું ! વાદળિયો દિવસ હતો. બધી ગાડીઓના રંગ એકસરખા દેખાતા હતા. વાદળ સહેજ હટયું, એકાએક તડકાનાં કિરણ પડયાં અને ગેરીની લાલ રંગની કેડિલેક જેવી જ એક ગાડી ચમકી ઊઠી. ‘એવી તો ઘણી લાલ કેડિલેક હોય’ – આવું વિચારતો હતો તોય ગેરી કેડિલેક પાસે ગયો. એની જ ગાડી, એનો જ નંબર, કી-ચેઈન સાથે જ ગાડીની ચાવી મશીનમાં ઝૂલતી હતી. ગેરી તો રાજીનો રેડ !

અમેરિકામાં ઘણી વાર લબરમૂછિયા છોકરાઓ આવી મશ્કરી કરતા હોય છે. એવું પણ બને કે કોઈક ગાડી લઈ જાય પોતાનું કામ પતાવી પછી ગાડી જાણીતા જાહેર સ્થળે મૂકી જાય.

[ કુલ પાન. ૪૪. કિંમત રૂ. ૫૦. પ્રાપ્તિસ્થાન: ૧૨, સુહાસનગર, આલ્ફા ભવન, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ‘સંકલ્પ’ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-૩૮૦૦૦૯. મો. ૯૪૨૭૬૦૬૯૫૬. ઈ-મેઈલઃ mdave.swaman@gmail.com ]