પત્નીનો પિયર પ્રેમ – ડૉ. કિષ્ના હસમુખ ગાંધી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

મને ઘણીવાર વિચાર આવે કે સ્ત્રીઓને પિયરનો આટલો બધો મોહ કેમ હશે ? લગ્નજીવનના દસકાઓ વીતી ગયા પછી, ઘરમાં દીકરાની વહુ પણ આવી ગઈ હોય, છતાં પિયરનું નામ પડે ને પત્નીને જાણે પાંખ આવે. પિયર જો શહેરમાં જ હોય તો વારે તહેવારે કે મન થાય ત્યારે પિયર ઉપડયાં જ હોય. રોજેરોજનો રિપોર્ટ ફોનથી લેવાય ને અપાય તે તો અલગ જ.

જો પિયર બહારગામ હોય તો વરસમાં એકાદ વાર તો એને પિયર જવું જ હોય. પાછું ચાર-છ દિવસ માટે નહીં-એકાદ મહિનો તો જોઈએ જ. મોટાભાગના પતિઓને પત્નીનું આમ વારંવાર પિયર જવું ગમતું તો ન જ હોય પણ લગ્નજીવનમાં કલેશ ન થાય એટલા માટે બિચારા ચલાવી લેતા હોય. તમે કોઈ દિવસ સાંભળ્યું કે પતિ એને પિયર જવામાં-એટલે કે પોતાના માબાપને મળવા માટે-આટલો ઉત્સાહ બતાવે ? પત્નીને ઘરે મૂકીને પતિ પોતાના માબાપને ત્યાં રહેવા કે આરામ કરવા જાય ?

એમાંય પિયર જઈને પાછી પતિઘેલી પત્નીઓ દિવસમાં ઓછામાં ઓછો એકવાર તો પતિને ફોન કરી અડધો કલાક સુધી લાંબી લાંબી વાતો કરી રિપોર્ટ આપે અને પૂછે ‘શું જમ્યા ? જો જો બહારનું બહુ નહીં ખાતા હં ! માંદા પડશો. તેમ જ અન્ય સૂચનાઓ પણ આપે કે ઘર ચોખ્ખું રાખજો. કામવાળા પર ધ્યાન રાખજો. કાંઈ રેઢુ નહીં મૂકતાં. ચાવી સંભાળજો. વિ.વિ. મારી પત્નીનું પિયર બહારગામ છે. એટલે જયારે જયારે તે પિયર જવાનું નામ લે ને મને અકળામણ થાય. ઘણા પ્રયત્નો કરું કે તે ન જાય. અથવા જાય તો ચાર-પાંચ દિવસમાં આવી જાય. પણ પિયરઘેલાં શ્રીમતીજી એમ કંઈ માને ખરાં ?

સવારમાં હજી તો ચાનો ઘૂંટડો ભરું છું ત્યાં શ્રીમતીજી ટહુકયા ‘કહું છું, મારે માટે ભાવનગરની આવવા-જવાની ટિકિટ બુક કરાવવાની છે. તમારી ઑફિસના માણસને કહી હું કહું એ દિવસની ટિકિટ બુક કરાવી નાખજો.’ મેં કહ્યું ‘કેમ ? હજી ચાર-પાંચ મહિના પહેલાં તો જઈ આવી, એમ વારેઘડીએ જવાતું હશે ?’ ત્યાં તો શ્રીમતીજી મોઢું ફુલાવીને બોલ્યાં ‘તમને તો મારા પિયર જવાની વાતથી જ પેટમાં ચૂક આવે છે. મારા ભાઈના દીકરાને ત્યાં દીકરો આવ્યો એને મહિનો થઈ ગયો પણ જવાયું જ નથી. કાલે જ મારા ભાઈનો ફોન હતો કે ‘કેમ બહેના ! અમારા પોતરાને રમાડવાનું મન નથી થતું કે ? કયારે આવે છે ?’ એટલે મારે જવું તો પડશે જ. આ વખતે પંદર જ દિવસ રોકાઇશ, બસ ? અને પ્લેનની ટિકિટ કઢાવજો. સમજયા ને ? મારાથી હવે હાડમારી સહન નથી થતી.’

મારાથી રહેવાયું નહીં. મેં કહ્યું ‘લગ્નનાં આટલાં વર્ષો પછી આ હાલતાં ને ચાલતાં પિયર આટલા બધા દિવસો રોકાવું એ સારું ન કહેવાય. એ લોકોને પણ અગવડ પડે. આ તારા દીકરાની વહુ પિયર જવાનું નામ લે ત્યારે તો તું જ શિખામણ આપે છે ને કે ‘એમ વારે ઘડીએ પિયર જાવ તો સાસરામાં મન કેમ લાગે ? તો તું કેમ સમજતી નથી ?’ શ્રીમતીજી મંદ મંદ હસતાં મને કહે કે ‘નવા પરણેલાં ને તો એમ જ કહેવાય. નહીં તો સાસરામાં મન ચોંટે જ નહીં. અને એને તો પિયર ગામમાં છે, વારેઘડીએ મા-બાપને મળ્યા તો કરે જ છે. પછી રાત ન રોકાય તો ચાલે. દીકરાને પણ ગમે નહીં ને એના વગર ! આપણાં બા પણ મને કયાં જલદી જવા દેતાં હતાં?’ મને હસવું આવ્યું. ‘એટલે તું તારી સાસુએ ચીલો પાડયો એ ચાલુ રાખવા માગે છે ?’ ‘નારે ! સાવ એવું નથી ! આપણાં બા જેટલી કંઈ હું સ્ટ્રીકટ નથી, પણ એક વાત કહું ? સાસુ ના પાડે, વર ના પાડે-પછી પત્ની રિસાય, અબોલાં લે – અને પછી પિયર જવા મળે એની મજા જ કંઈ અલગ છે.’

મેં હસતાં હસતાં કહ્યું ‘તો તો હું તને દસ વાર ના પાડયા પછી જવા દઉં તો વધુ મજા આવે ને ?’ ‘અરે હોતું હશે કંઈ ? આટલાં વર્ષે-હવે તમે ના પાડો ને હું ન જાઉં-એવું કંઈ બને ખરું ? જાવ જાવ હવે.’ ‘અચ્છા ! તો હું હા પાડું કે ના પાડું – તું જવાની તો ખરી જ, કેમ ? તો પછી મને પૂછે છે જ શું કામ ?’ શ્રીમતીજી ઉપાલંભભર્યું હસ્યાં અને કહે ‘મેં કયાં તમને પૂછ્યું કે રજા માગી ? મેં તો તમને ટિકિટ મગાવવાનું કહ્યું. સમજયા ?’ ‘હા, ભઈ, હા ! તું તારે પિયર જઈ આવ ને મજા કર. પણ મને એ તો કહે કે પિયર જઈને તમે લોકો રાતના ઉજાગરા કરી, વાતોના ગપાટાં મારતાં હો છો તે એવી કેટલીક વાતો ભેગી થઈ ગઈ હોય કે રાતોની રાતો વાતો ખૂટે જ નહીં. ?’

શ્રીમતીજીએ ઉત્સાહમાં આવી જઈ ગૂગલી બોલ ફેંકયો. ‘એ તમને નહીં સમજાય. એ માટે તો તમારે સ્ત્રીનો અવતાર લેવો પડે. અમારે તો એકબીજાં સાથે સુખદુઃખની વાતો કરવાની હોય, પતિ-બાળકો, સાસુ-સસરા, નણંદ, દિયર-જેઠ, બીજાં સગાવહાલાંની વાતો પણ થાય, બાળપણની વાતો થાય, બેનપણીઓની વાતો પણ થાય. કોનાં છોકરા-છોકરી પરણવાલાયક છે, કોનાં પ્રેમપ્રકરણ ચાલે છે, કોણે ભાગીને લગ્ન કર્યાથી માંડીને ગામ આખાની પંચાત પણ થાય. તમારી જેમ હરીફરીને ક્રિકેટ, રાજકારણ કે શૅરબજાર ફકત એટલી જ વાતો અમારે ન હોય.’

મને તો રમૂજ થઈ. મેં કહ્યું ‘તું પિયર જઈને વર કે સાસરાની બદબોઈ કરતી હોય એ જ રીતે તારી ભાભી કે આપણા દીકરાની વહુ પણ એને પિયર જઈઅને એમ જ કરતી હશે ને ? એ જ રીતે મારી બહેન પણ અહીં આવી એના સાસરાના ઘરની વગોવણી કરતી હશે ને ? આ તો બહુ ખોટું કહેવાય કે નહીં ?’ ‘તમે તો ભાઈસાબ, સાવ વેદિયા જ રહ્યા. સ્ત્રીઓને કોઈપણ તકલીફ હોય, દુઃખ હોય, હેરાનગતિ થતી હોય તો એ કયાં જઈને પોતાના હ્રદયની વ્યથા ઠાલવે ? પિયરમાં કે બેનપણીઓને કહે તો મન હળવું થાય, બીજું શું ?

મેં કહ્યું ‘કેમ, સ્ત્રીઓને જ તકલીફ થતી હોય ? પુરુષોને કોઈ વ્યથા ન હોય ? તો શું એ કોઈ પોતાનાં માબાપ કે ભાઈને ત્યાં જઈ પોતાનું દિલ હળવું કરવા જાય છે ?’ ત્યાં તો શ્રીમતીજી લડાયક મિજાજમાં આવી જઈ બોલ્યા. ‘કેવી નાખી દેવા જેવી વાત કરો છો ? શું પુરુષો સાસરે જાય છે ? સાસરમાં રહી આટલાં સમાધાનો કરવા પડે છે ? હવે મને વધારે બોલાવતાં જ નહીં. પિયર એ તો સ્ત્રીને માટે મીઠા પાણીના વીરડા જેવું છે. થોડા દિવસ રહી આવે, મન હળવું કરી આવે, ફ્રેશ થઈ જાય પછી પાછી સાસરામાં સંસારરથની ઘૂંસરીમાં જોડાવાં તૈયાર !’
આવું સાંભળી મારુંયે મગજ જરા ગરમ થઈ ગયું. મેં કહ્યું ‘એમ ? તો આવી સાસરાની ઘૂંસરી ગળે બાંધવાની જરૂર જ શું ? પરણવાનું જ નહીં ને ! એય ને સ્વતંત્ર, બિન્દાસ જિંદગી જીવવાની અને જલસા કરવાના ! મારા તરફથી તમને છૂટ છે. આ ઘૂંસરી ફગાવીને લહેરથી કાયમ માટે સ્વતંત્ર જિંદગી જીવો. માથાકૂટ જ નહીં ને !

હવે શ્રીમતીજીની કમાન છટકી. ‘હવે આવાં ત્રાગાં કરવાં રહેવા દો. શોભતા નથી આ ઉંમરે આવી વાતો કરતા. કયાંની વાત કયાં લઈ જાવ છો ? તમને જ બહુ જિજ્ઞાસા હતી કે પિયરમાં જઈને તમે શું કરો ને શું વાતો કરો – તો મેં તમને કહ્યું. હવે જાવ છાનામાના ઑફિસે ને મને મારું કામ કરવા દો. આ છેલ્લે છેલ્લે તમને એક દાખલો આપી દઉં કે તમારીએ આંખો ઊઘડે. આપણી સોસાયટીના આ જમ જેવા સેક્રેટરી ત્રિવેદી સાહેબ છે ને, એની વહુ કેટલાં વરસના છે ખબર છે ? આ હમણાં એને ૭૪ વર્ષ પૂરાં થયાં. એમને એક જ ભાઈ છે અને એ પણ ઑસ્ટ્રેલિયામાં . માબાપ તો કયારના ગુજરી ગયાં. એમને બે દીકરીઓ જ છે. એક બેંગલોરમાં અને બીજી લંડનમાં. એને ગામમાં કોઈ પિયરના સગાંવહાલાં નથી એટલ અમરી લેડિઝની કિટીપાર્ટી હોય ત્યારે એ કાયમ વસવસો કરતાં હોય કે મારે તો પિયરમાં અહીં કોઈ ન મળે.

બિચારાં થોડો વખત થાય કે બેંગ્લોર દીકરીને ત્યાં થોડા દિવસ રહી આવે. આટલી મોટી ઉંમરે જો પુષ્પાબેનને પિયર ન હોવાનો અફસોસ હોય તો મારે હજી મા બેઠી છે, ભાઈ-ભાભી પ્રેમથી બોલાવે છે અને પ્રસંગે થોડા દિવસ જવાની વાત કરૂ છું તો આવી અવળવાણી કાઢો છો ? તમારી સાથે તો નિરાંતે દિલ ખોલીને વાત જ કરવા જેવી નથી. ઊંઘા ઊંઘા અર્થ કાઢો છો’ કહીને રડતાં રડતાં બેડરૂમમાં જતાં રહ્યાં.

હું તો વિમાસણમાં પડી ગયો કે હવે શું કરવું ? શ્રીમતીજીને મનાવવા માટે તરત બેડરૂમમાં જાઉં કે તેમનો ગુસ્સો ઠંડો થાય તેની રાહ જોઉં. આ તો હસવામાંથી ખસવું થઈ ગયું. મનેય કયાં વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂઝી. આજે તો કસમ ખાધી કે પત્નીને પિયર માટે કોઈ દિવસ કંઈ કહેવું નહીં. શું કહો છો ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “પત્નીનો પિયર પ્રેમ – ડૉ. કિષ્ના હસમુખ ગાંધી”

Copy Protected by Chetan's WP-Copyprotect.