લેખ કયાંથી આવે છે ? – કલ્પના દેસાઈ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

‘હવે ખબર પડી તમારા લેખ કયાંથી આવે છે તે.’ એક બહેન ફોન પર, એમના મનમાં ઊઠેલા સવાલનો જવાબ મારી વાત પરથી મેળવી લીધો. મેં તો ફકત એમને મારા ઘેર આવવાનું આમંત્રણ જ આપેલું ને થોડું ઘણુ ઘરની આજુબાજુના વાતાવરણનું વર્ણન કરેલું એટલું જ. પણ એમણે તો એમના મનમાં શું નું શું ધારી લીધું ? એમણે જે ધાર્યું હોય તે પણ એમના પ્રશ્ને મને તો વગર શિયાળાએ ધ્રુજાવી કાઢી. વીજળીનો કરંટ લાગ્યો હોય એમ મારા માથાથી પગ સુધી ઝણઝણાટી ફરી વળી. એટલું સારું કે, પ્રશ્ન હસતાં હસતાં પુછાયેલો એટલે મારાં રૂંવાડાંએ ઊભા થવાની તસ્દી ના લીધી. શું મારા લેખ કશેકથી ઉડાવેલા, ઉઠાવેલા, તફડાવેલા, ચોરેલા, મારી લીધેલા કે અવતરિત કરેલા લાગ્યા હશે ? કયા ખૂણેથી કે કઈ લીટીથી કે કયા ફકરાથી કે કયું, કઈ, કયો… ફલાણાની ઢીંકણાથી એમને મારા લેખનું જન્મસ્થળ ખબર પડી ગઈ ? જાણે કે, મેં બહુ મોટી ચોરી કરી હોયને પકડાઈ ગઈ હોઉં, મારાથી એમના પ્રશ્નનો જવાબ ન અપાયો ને તદ્દન ક્ષીણ થયેલા અવાજે મેં વાત અટકાવી.

ખરેખર તો વાત અટકી નહોતી, વાત ત્યાંથી જ શરૂ થઈ હતી. પેલાં બહેનના મનમાં મારા માટે કેવી કેવી ગલત ધારણાઓ બંધાઈ હશે ! એમને કેવા કેવા વિચારો આવ્યા હશે ? મારા લેખ કયાંથી આવે છે ? એમને તો એમ જ ને કે… જાણે કે… હું આંબાવાડીમાં એકાદ આંબાના ઝાડ નીચે-આમ્રવૃક્ષની છાંવ તળે-કાથીનો ખાટલો ઢાળીને એના પર પલાંઠી મારીને બેઠી હોઈશ, કે પછી, આરામખુરશીમાં નિરાંતે લંબાઈને બેઠી હોઈશ. મારી નજીક લાકડાંના આડાં અવળાં પાટિયાં ઠોકીને બનાવેલા એકાદ ઢચુપચુ ટેબલ પર બે-ચાર ચોપડીઓ, પાનાંની થપ્પી, બે-ચાર આધી-અધૂરી, ચાલતી-ન ચાલતી પેન ને ચાનું થર્મસ પડયું હશે. મારા એક હાથમાં ઠરી ગયેલી ચાનો કપ હશે ને બીજા હાથમાંની પેન, લેખના વિચારોમાં ગળાડૂબ કપાળ પર ફરતી કે ઠોકાતી હશે ? લેખ અડધે પહોંચી ગયો હોવાથી ને આગળ શું લખવું તે સૂઝતું ન હોવાથી હું આમતેમ ફાંફાં મારતી હોઈશ. લેખને આગળ વધારવા હું કયાં કયાં નજર નાંખતી હોઈશ ?

આંબાનાં લીલાં પાન પર ? કે પીળાં પાન પર ? ઝાડ પર ફરતા મંકોડાની હાર પર ? કે પાંદડાંઓની વચ્ચે બાઝેલાં જાળાં પર ? આંબા પર સુકાઈ ગયેલા મોર પર કે ઝૂલતી કેરીઓના ઝૂમખા પર ? ના, ના. મૉરે એમનો ભ્રમ ભાંગવો જ રહ્યો. ડુંગરની જેમ જંગલ પણ દૂરથી જ રળિયામણાં લાગે ! ઉનાળામાં તો ગરમ ગરમ લૂ વાતી હોય ને સૂરજ આગ ઓકતો હોય ત્યારે આમ્રફળોથી લચેલી ડાળીઓની વચ્ચે બેસીને લેખ લખવાનું ઘરમાં બેઠાં બેઠાં ઘણુંયે મન થાય તોય ત્યાં કેમનું ઠરાય ? માખીઓનું મારી ફરતે સતત ઘુમરાવું લેખના વિચારોનેય ઘુમાવી કાઢે. રખે ને વાડની પેલી તરફ છુપાઈને કેરીને નિશાન બનાવવાની તાકમાં ફરતાં બાળકોના એકાદ પથ્થરનો ભોગ હું બની ગઈ તો ? ના, ના. આંબા નીચે બેસવામાં તો જોખમ !

તો પછી આંબાડાળે કેવું રહે ? આંબાડાળે તો કોયલ સાથે બેસીને ટહૂકવાનું કોને ન ગમે ? પણ પછી લેખનું શું ? ઘરની ખુરશી પર પાંચ મિનિટ માટે પણ સખણી ન બેસનારી ઝાડની ડાળી પર કઈ રીતે ટકી શકે ? ને એવી કઈ મજબૂત ડાળી છે જે મારું વજન ખમી શકે ? એ તો માંચડો બાંધીને બધી સગવડ કરી હોય તો કંઈ મેળ પડે. પણ એવો એકાદ અધૂરો લેખ લખવા આટલી બધી માથાકૂટ ? તે પણ હું કરું ? બિચારાં પેલાં બહેન ! મારા માટે શુંય ધારે છે ?

એમને તો એમ જ હશે ને કે, હું તો ઓટલા પર એ…ય ત્યારે આરામખુરશી (બધે આરામખુરશી હોવી જરૂરી છે.) પર લંબાઈને બેઠી હોઈશ. એ જ કાગળ-પેન-ચોપડા ને ચાનું થર્મસ ને કપમાં ચા તો ખરી જ ને લમણે પેન ? એ પણ, મંદ મંદ શીતળ પવનની લહેરોથી પાનાં ફરફરતાં હશે ને તેના પર એકાદ-બે કાંકરા મૂકીને હું લેખ વિશે વિચારતી હોઈશ. દૂ…ર દૂ…ર દેખાતી નાની નાની ટેકરીઓની હાર પર નજર ટેકવવા, પહેલાં નજરને ઓટલા પરથી કુદાવીને સીધી કમ્પાઉન્ડની વાડ કુદાવતી ને વચ્ચે આવતાં સોયાબીન ને શેરડીના ખેતરને કુદાવતી સિધ્ધી….. ટેકરી પર જ ટેકવી દેતી હોઈશ !

જાણે કે, ટેકરી પરથી આવતો પવન એની સાથે મારા માટે લેખની સામ્રગી લાવતો હોય એમ હરખાતો હરખાતો હરિયાળાં સોયાબીન ને શેરડીનાં ખેતરોને કુદાવીને સીધો વાડ ઠેકીને ઓટલા પર આવીને મારા માથે બધું ઠાલવીને દીવાલ સાથે થોડી ગૂફતગુ કરીને દિશા બદલી પાછો જતો હશે ! આહાહાહા !! આવું જો થતું હોય તો ? રોજ એક લેખ ટેકરી પરથી આવતો પવન લેતો આવે ને મારા માથે ઠાલવી જાય ! વાહ વાહ ! પણ એવું કયાં બને છે ?

એમણે તો નક્કી એવું જ ધાર્યું હશે કે… ઘરની સામે આવેલી ઝૂલતી નાળિયેરી પર કૂદમકૂદ કરતી પકડાપકડી રમતી ખિસકોલીને જોતાં જોતાં મને લેખના અદ્દભુત વિચારો આવતા હશે ! એમને બિચારાંને શું ખબર નાળિયેરીના સાન્નિધ્યની વાત ? નાળિયરી તો દૂરથી રળિયામણી ! દિવસોથી સુકાઈ ગયેલા ને મારા નાળિયેરી નીચે જવાની જ રાહ જોઈ રહેલા એકાદ તરોપાનું મારા માથા પર પડવું, બધાં આગલા-પાછલા લેખનો હિસાબ ચૂકતે કરી નાખે કે નહીં ? ને ધારો કે તરોપો નિમિત બનવા ના માગે તો એનું ભારેખમ પર્ણ ધમ્મ કરતુંકને પડે ને મને પણ ગબડાવી દે તો ? ને ગબડતાંની સાથે જમીન પર પડેલા પથ્થર સાથે અફળાઈને મારું માથું ફાટ્યું તો ? લેખ-બેખ બધું બાજુ પર રહી જાય કે નહીં ? ને પછી…..? ‘લેખ લખવાની લ્હાયમાં નાળિયેરી નીચે ઊભેલી લેખિકાનું માથા પર તરોપો પડવાથી….!’ અથવા તો ‘….. વજનદાર પર્ણ પડવાથી…! જોયું ? મોત શબ્દ લખતાં પણ ડર લાગે તો ઝાડ નીચે ? ના, ના.

લોકો લેખકો માટે કેવું કેવું વિચારી લે છે ? તેમાં પણ મારા માટે આવું બધું વિચારવાવાળા પણ છે ખરાં એમ ને ? એમને તો એવુંય થતું હશે કે, કદાચ બગીચામાં હીંચકે ઝૂલતાં ઝૂલતાં, પગની ઠેસ મારતાં મારતાં મારા મગજમાં લેખો ઝૂલવા માંડતા હશે ! ને કેમ ન થાય ? આંબા ને આંબલીની ડાળે હીંચકા બંધાય તો બગીચામાં નહીં ? વહેલી સવારમાં મજાની ઠંડકમાં હીંચકે ઝૂલતાં લેખના વિચારો કરવાનીને ચા પીવાની અનેરી મજા છે એની ના નહીં પણ… આસપાસની ઝાડીઓમાં લપાયેલા મચ્છરનાં ઝૂંડના ઝૂંડ મને જોતાં જ ખુશ થઈને મારા કાનમાં વાત કરવા કે મને હાથ પકડીને કે ન માનું તો બોચી પકડીને કે છેલ્લે પગ પકડીને પણ ઊઠવા મજબૂર કરી નાખે ને એમનું ગણગણમન મને કયાં કંઈ વિચારવા દે ? સાંજે પણ તેવું જ ! દિવસના ભર તાપમાં, લોકોની અવરજવરમાં, મોટરસાઈકલ ને રિક્ષાની ઘરઘરાટીમાં ને કંઈ નહીં તો આખરે કૂતરાઓના સમૂહ આલાપોમાં ભાંગી પડેલું મન ને મજબૂર બનેલું મગજ જો લેખ વિશે કંઈ વિચારી પણ શકે તો હરામ બરાબર !

મને પોતાને પણ હવે લાગે છે કે, મારે મારું જ ધ્યાન રાખવું પડશે. આખરે મારા દિમાગમાં લેખ આવે છે કયાંથી ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous થોડામાં ઘણું – છોટુભાઈ જો. ભટ્ટ
ઈનફ ઈઝ નેવર ઈનફ – માવજી કે. સાવલા Next »   

3 પ્રતિભાવો : લેખ કયાંથી આવે છે ? – કલ્પના દેસાઈ

 1. p j paandya says:

  મનનુ વિચાર વલોનુ સરસ રજુ કર્યુ

 2. Harsha Mehta says:

  હેય કલ્લુ,
  your school friend, harsha-Navapur…….. ફોન # મોકલ મારિ ઇ-મેઇલ પર. આભાર. Will talk more on the phone.

 3. S.R.MAKWANA says:

  ખુબ સરસ્… વાચવા ની મઝા આવી આભાર કલ્પના બેન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.