- ReadGujarati.com - http://www.readgujarati.com -

થોડામાં ઘણું – છોટુભાઈ જો. ભટ્ટ

[‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.]

અમારા માધવકાકા આખા ગામમાં જાણીતા. કોઈ તેમને એક વખતેય જુએ, તો પણ કાકા યાદ રહી જાય અને જો વળી તેમને કંઈ કામ કરતા કોઈ જુએ, તો તો તેમને કદી ભુલાય નહીં. કંઈ પણ કામ આવી પડે, તો તે તુરંત કહે, ‘તમે બધા ખસી જાઓ, મને તે કરવા દો.’ તે કંઈ પણ કરવાની શરૂઆત કરે, એટલે આખા ઘરમાં ધમાલ ધમાલ થઈ રહે.

એક દિવસ મારા દાદાની છબી જડાઈને આવી. એટલે રાધાકાકીએ તેમને પૂછયું, ‘આ છબીનું શું કરવું છે ? તે ઊંચે કેવી રીતે ટીંગાડીશું ?’ માધવકાકા તરત બોલી ઊઠયા, ‘ઓહો, એમાં તે શું કરવાનું છે ? રહેવા દો એ, એ હું કરી લઈશ, તમારે તેની ચિંતા કરવી નહીં.’ એટલું બોલી તેમણે કોટ ઉતાર્યો. દસ વરસના દીકરા રમણને બોલાવ્યો અને કહ્યું, ‘બેટા રમણ, જરી દોડ ને, પાસે બજારમાંથી ચાર આનાની ખીલીઓ લઈ આવ ને.’ ચાર આની લઈ રમણ ઊપડયો.

તેને ગયે બેત્રણ મિનિટ થઈ, અને તેમણે મનુને બોલાવી કહ્યું, ‘અરે, ઓ મનુ, બેટા, જરા દોડ તો, રમણને કહેતો આવને કે અર્ધા ઈંચની ખીલીઓ લાવજે. મનુ ગયો, અને કાકાએ કામની શરૂઆત કરી. ‘અરે, અહીં કોણ છે ? અરે ઓ… કનુ, પેલી ઓજારોની પેટીમાંથી મારી હથોડી લાવ તો.’ ‘અને બેટા શાન્તા, તું મારી ફૂટપટી શોધી કાઢ. અરે, જુઓ ને, કોઠારમાંથી કોઈ મને સ્ટૂલ આણી આપો તો. સ્ટૂલ સાથે નિસરણી પણ કદાચ જોઈશે.’ જો ને, બેટા નારણ, તું આપણા ગોવિંદકાકા પાસે જા, ને ત્યાં જઈ કહે કે મારા બાપુએ તમારી તબિયતની ખબર પૂછવા મોકલ્યો છે. અને પછી એની નિસરણી માગજે. જા, જલદી દોડ.’

‘અને ઓ સુશીલા, તું અહીં જ રહેજે, કંઈ બહાર ના જતી. તારે મને દીવો ધરવો પડશે. આ ભીંત ઉપર બહુ અંધારું પડે છે. એટલામાં રમણ ખીલીઓ લઈને આવ્યો. તેને માધવકાકાએ કહ્યું, ‘બેટા જરા બજારમાં ફરી દોડને સૂતરની મજબૂત દોરી લાવવી પડશે. અરે, પેલો કનવો કયાં દોડી ગયો ? આ હમણાં મને નિસરણી ઉપર છબી કોણ આપશે ? એક જણ તો છબી આપવા જોઈશે ને ?’ આટલી બધી ધમાધમ પછી ખીલા, હથોડી, નિસરણી, સ્ટૂલ, દોરી અને બધું આવ્યું અને માધવકાકાએ છબી ટંગાવવાનું મહાભારત કામ આરંભ્યું. કાકાની કામ કરવાની હોશિયારી જોઈ અમે દંગ થઈ ગયા. મોઢું વકાસી બધા આજુબાજુ વીંટળાઈ વળ્યા.

એક જાણે નિસરણી પકડી રાખી અને કાકા ઉપર ચડયા. કનુએ કાકાને હાથમાં છબી આપી અને એ છબી ભીંત ઉપર કેવી સારી શોભશે એમ વિચારતા હતા, એટલામાં તો તેમના હાથમાંથી તે પડી ગઈ અને તેનો કાચ તૂટી ગયો. હવે માધવકાકા કોનો વાંક કાંઢે ? એક પણ શબ્દ બોલ્યા વિના નીચે ઊતર્યા. કાચના એક મોટા ટૂકડાને સાચવીને કાઢવા જતાં, આંગળી કાપી બેઠા. આંગળીએ પાટો બાંધતાં અર્ધો કલાક ગયો. નવો કાચ મંગાવ્યો, અને તે આવતાં બીજો અર્ધો કલાક થયો. માધવકાકાએ ફરીથી આ મહાન કામનો આરંભ કર્યો. નિસરણી, સ્ટૂલ અને ઓજારો, ફાનસ અને ફૂટપટ્ટી બધાં સાધનો તૈયાર કર્યાં.

બધાં છોકરાં, ઘરની નોકર બાઈ અને રાધાકાકી સુદ્ધાં મદદ માટે ફરતાં ઊભાં. બે જણે નિસરણી પકડી અને કાકા પગથિયાં ચડવા લાગ્યા. એટલે બીજાએ તેમને ટેકો આપવા માંડયો, ચોથાએ તેમને ખીલી આપી, પાંચમાએ તેમના હાથમાં હથોડી આપી ! અને છઠ્ઠાએ ફાનસ ધરી રાખ્યું, પણ એટલામાં તો કાકાના હાથમાંથી ખીલી પડી ગઈ. બેત્રણ જણ ખીલી શોધવા લાગ્યા. શોધી કાઢતાં જરા વાર થઈ, એટલે માધવકાકા ઉપરથી તડૂકવા લાગ્યા, ‘તમે લોકોએ આ શું ધાર્યું છે ? શું મને આમ આખો દિવસ ઊભો રાખવો છે ? એક ખીલી શોધતાં કેટલી વાર ?’ કાકાએ સપાટો લગાવ્યો, એટલે બધાં ઊલટાં ગભરાયાં.

છેવટે ખીલી જડી. કાકાએ તે હાથમાં લીધી, ત્યાં તો હથોડી ન મળે. એટલે માધવકાકાનો ફરીથી મિજાજ ગયો. ‘તમે તે કેવા માણસ છો ? સાત-આઠ જણ તમે બધાં અહીં છો, અને મેં હથોડી કયાં મૂકી દીધી એટલુંયે તમને કોઈને ભાન રહેતું નથી ! તમારાથી તો તોબા !’ છેવટે નિસરણીના પગ પાસેથી તે મળી આવી. કાકાએ ખીલી અને હથોડી લીધાં. ત્યાં તો ખીલી કયાં લગાવવી, તે માટે દીવાલ ઉપર કરેલી નિશાની કાકા ભૂલી ગયા. ફાનસના પ્રકાશમાં તે ધારી ધારીને જોવા લાગ્યા, પણ નિશાની દેખાય જ નહીં. પછી અમે કહ્યું કે, ‘કાકા, તમે નીચે ઊતરો, અમે તે શોધી કાઢીશું.’ એક પછી એક અમે તે શોધવા લાગ્યા. દરેક જણ જુદી જુદી જગ્યાએ તે બતાવવા લાગ્યા. એટલે માધવકાકા ફરીથી ગર્જી ઊઠયા, ‘તમે તે કેવા અણઘડ આદમી છો ! તમને ન જડે ખીલી, ન જડે હથોડી કે ન જડે નિશાની. ચાલો, ઊતરી પડો. તમે તે જિંદગીમાં શું ઘોળવાના છો ? ચાલ, સુશીલા, લાવ પેલી ફૂટપટ્ટી, ભીંતની લંબાઈ લઈને બરાબર વચ્ચે, ભોંયતળિયેથી સાત ફૂટ ઊંચે નિશાની કરું.’ કાકાએ દીવાલની લંબાઈ માપી, તો ઓગણીસ ફૂટ અને પોણા સાત ઈંચની લંબાઈ થઈ. મનુ કહે, ‘કાકા, ફરી માપો ને, ભૂલ ન થાય.’ કાકા કહે, ‘હું તો થાક્યો, લે હવે તું માપ.’

મનુએ માપી, તો ઓગણીસ ફૂટ અને સાત ઈંચ થઈ. આથી તો કાકા ગુસ્સે થયા, તે બોલ્યા, ‘લાવો, લાવો, તમને તે શું કરવાના હતા !’ એમ કહી તેમણે દીવાલ ફરીથી માપી. તો તેમનું મૂળનું માપ ખરું નીકળ્યું. ઓગણીસ ફૂટ અને પોણા સાત ઈંચની લંબાઈ થઈ. બરાબર વચમાં ખીલી ઠોકવા માટે આ લંબાઈનું અરધ કરવું જોઈએ. કાકાથી કેમે કરીને અરધ નીકળે નહીં. મનથી હિસાબ ગણે, અને દરેક વખતે જવાબ જુદો આવે ! અમે બધાં પણ અરધ કરવા મંડી પડયાં. અમારા દરેકનો પણ જવાબ જુદો આવે ! આથી કાકા અમારા ઉપર ખિજાઈ ગયા. તે બોલી ઊઠયા, ‘અરે તમે તે કંઈ નિશાળે જાઓ છો કે પછી રખડતાં જ ફરો છો અને તમારા માસ્તરોયે કેવા ? ભલા ભગવાન, આજની નિશાળોથી તો તોબા ! આ જમાનામાં ગણતરને માથે મીડું. અમારા માસ્તરો તો અમને એવું ફક્ક્ડ ગણિત ભણાવતા ! થયું ! તમે બધાં હિસાબ કરવાનું રહેવા દો. લાવ સુશીલા, કાગળ અને પેન્સિલ.’ દોડતી દોડતી સુશીલા નોટમાંથી એક પાનું ફાડી લાવી અને દફતરમાંથી પેન્સિલ લાવી.

કાકા ઓગણીસ ફૂટ અને પોણા સાત ઈંચનું અર્ધું કરવા બેઠા. એમને તો કંઈ ફાવ્યું નહીં. ફૂટના ઈંચ કર્યા, તો તેમાંયે છેવટે અપૂર્ણાંક આવ્યો. કાકા માથું ખંજવાળવા લાગ્યા. ત્યાં તો રાધાકાકીએ રંગ રાખ્યો. તે બોલ્યાં, ‘હવે બધું તમારું ભણતર જવા દો એ કાગળ-પેન્સિલ ઊંચાં મૂકો અને એક લાંબી દોરી લાવો, ભીંતની લંબાઈ ભરો. પછી એને બેવડી કરી, ભીંત ભરી કાઢો. આમાં તે શા મોટા દાખલા ગણવાના હતા !’ બેવડી દોરી વતી ફરીથી ભીંતનું અરધ કાઢયું, અને ઊંચાઈનું માપ પણ લીધું. નિશાની કરી, કાકાએ ધીમેધીમે ખીલી ઠોકી. તે બરાબર ઠોકાઈ ગઈ. ત્રણ-ચાર કલાકની ધમાલને અંતે કાકાએ છબી લટકાવી.

અમારાં બધાં તરફ ગર્વથી જોતાં જોતાં તે નીચે ઊતર્યા અને કહેવા લાગ્યા. ‘કેમ, છબી લટકાવી આપીને ! આ તમારા માધવકાકા તે કંઈ જેવાતેવા છે?’