ઈનફ ઈઝ નેવર ઈનફ – માવજી કે. સાવલા

[‘આપણું વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

રજનીશજી એમના પ્રત્યેક પ્રવચનના સમાપનમાં કહેતા – ‘ઈનફ ઈઝ ઈનફ.’ વાસ્તવિકતા એ છે કે ‘ઈનફ ઈઝ નેવર ઈનફ !’ કારણ કે મનનું સ્વરૂપ આકાશ તત્વ છે. આકાશને જાણે કોઈ દિશા જ નથી. કોઈ નકશો પણ નથી – અનાદિ, અનંત જેવું. જમ્યા પછી મને કોઈ ભાવતી વાનગી આગ્રહપૂર્વક ધરે તો હું વધુમાં વધુ કેટલું ખાઈ શકું ? શરીર પોતે જ આપણને અંકુશમાં રાખે છે અને હદ વટાવો તો સજા પણ કરે છે – ચેતવે પણ છે. પરંતુ મન ? પ્રત્યેક શ્વાસે એ તો એક વિચાર – એક ઈચ્છાને આપણા મગજમાં સંગ્રહિત કરે છે. અર્થાત્ત્ એક મિનિટમાં આશરે એક હજાર ઈચ્છાઓ કે વિચારો !

કહેવાય છે કે અસંતોષ એ વિકાસ –પ્રગતિની જનની છે –પ્રેરકબળ છે – ચાલક્બળ છે. સોક્રેટિસનું સૂત્ર સહેજે યાદ આવે, ‘ઘરાયેલા – તૃપ્ત જાનવર કરતાં અસંતુષ્ટ સોક્રેટિસ થવું બહેતર છે !’ વિકાસ અને પ્રગતિના તોલમાપ, મર્યાદાઓ, મૂલ્યાંકનો માટે આપણી પાસે શું છે ? માણસના આંતરિક વિકાસ, ગુણવિકાસ, શાણપણના વિકાસની સાથોસાથ જ સપ્રમાણ અને માનવીય મૂલ્યોના સંવર્ધન સાથે સંવાદી એવો વિકાસ કે પ્રગતિની મર્યાદા ચુસ્તપણે સ્વીકારી શકાય – એનો અમલ કરી શકાય તો જ માનવજાતિના અસ્તિત્વની અને આ ધરતી પર એક સુંદર જીવનની આશા રાખી શકાય.

આનો અર્થ એમ નથી કે કઠોર, શુષ્ક, વૈરાગી જીવનશૈલી તરફ વળવું. ભર્તૃહરિએ એક સુભાષિતમાં રાજાને સંબોધતા કહ્યું છે – ‘તમને રાજમહેલમાં તથા ભોગવિલાસમાં આનંદ આવે છે. જયારે અમને આ વૈરાગ્યમાં આનંદ આવે છે. અર્થાત આપણને બંનેને ખપે તો આનંદ જ છે.’ ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ એ આપણી સંસ્કૃતિનું પારંપારિક મૂલ્ય રહ્યું છે. હજી માત્ર સો વર્ષ પહેલાં ગાંધીજીએ આ સૂત્રને ચરિતાર્થ કરી બતાવ્યું એટલું જ નહિ પરંતુ ગાંધીજીની હાકલ સૂણીને હજારો-લાખો લોકોએ આવા પ્રકારની જીવનશૈલી વ્યક્તિગત રૂપે આનંદપૂર્વક સ્વીકારી. સાદગીનું પણ એક સૌંદર્ય હોય છે. નિર્મળ આનંદની એમાં અસીમ સંભાવનાઓ પણ હોય છે.

છેલ્લાં સો વર્ષમાં વિશ્વભરમાં રાજકીય સ્વતંત્રતાનો પવન ઝંઝાવાતની જેમ ફૂંકાયો છે, પરંતુ ‘રાજકીય સ્વતંત્રતા’ પોતે શું છે ? સ્વતંત્રતા છતાં માનવી વધુ ને વધુ ગુલામીના પિંજરામાં – સુવર્ણપિંજરમાં ફસાતો ગયો છે. રોજિંદા જીવનમાં જેની જરૂરિયાતો જેટલા પ્રમાણમાં ઓછી એ એટલા જ પ્રમાણમાં વધુ સ્વતંત્રતાનો અહેસાસ કરી શકે. સાવ સામાન્ય શિક્ષણ પામેલ પરંતુ સાહિત્યપ્રેમી એક બહેને (શાંતાબહેન ગાલા, હવે સ્વર્ગસ્થ) આજથી પંદરેક વર્ષ પૂર્વે મને પ્રશ્ન કરેલ – ‘માવજીભાઈ, ભારતભરમાં જો માત્ર પંદર દિવસ માટે વીજપુરવઠો ખોરવાઈ જાય તો કેવાં કેવાં પરિણામો આવે ?’ મારો જવાબ હતો – ‘માત્ર પાણીના એક લોટા માટે શહેરોમાં ચારેતરફ મારામારી થાય, વાહનવ્યવહાર સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ જાય – તબીબી સેવાઓના પણ એવા જ હાલ થાય.’
સને ૧૯૪૨ આસપાસનો સમય – મારી બાર વર્ષની ઉંમરે છએક મહિના માટે અમારે ગામડે રહેવાનું થયું, ત્યારનું ચિત્ર આ સંદર્ભે મને આજે પણ તાદ્દશ્ય છે. કચ્છનાં નવસો ગામડાંઓમાં વીજળી પુરવઠો તો હતો જ નહી, પાણી તેમજ ઘણીખરી બાબતોમાં ગામડાંઓ સ્વનિર્ભર હતાં. વાહનમાં પગ હતા અને વધારામાં બળદ ગાડા, ઊંટ, ઘોડા વગેરે હતા. ગરીબઘરમાં પણ દૂધ-છાશ પહોંચતા. જેને ત્યાં ગાય-ભેંસ કે બકરી ન હોય તો પણ છાશ પૂરતા પ્રમાણમાં મફત મળી જ રહેતી. સંપન્ન પરિવારોમાં પણ થીંગડાવાળા વસ્ત્રો પહેરવામાં જરાપણ સંકોચ નહતો. વળી ગરીગ કે સંપન્ન સૌને રોજિંદુ જીવન નિરાંતવાળું હતું.

નિરાંત ? અરે નિરાંત શું કયાંય હાટબજારે વેચાતી મળે છે ? સહેજ અલપઝલપ પરિચયવાળા કોઈ સામાન્યજનના સુખદુઃખની વાતો, એની નાની નાની ખુશીઓની વાત સાંભળવાની કોઈને નિરાંત છે ખરી ? નથી જ, કારણ કે ઈનફની બધી જ સુંદરતાને ગીરવી મૂકીને બેફામ મહત્વાકાંક્ષાઓનો ધૂણો ચારેતરફ ધખી રહ્યો છે. સાવ ક્ષુદ્ર બાબતો-સસ્તા મનોરંજનો પાછળ એ ધૂણામાં આપણે મૂલ્યવાન સમય હોમતા રહીએ છીએ. શું ઈનફની નાનકડી કયારીઓમાં સુંદર, સુમેળભર્યું અને નિરાંતભર્યું જીવન શકય જ નથી કે ? ના, સાવ એવું નથી જ. મારે આ એકવીસમી સદીની જ એક વાસ્તવિક વાત અહીં કરવી જ જોઈએ.

સીલીકોન વેલીની સફળતાના શિખરો સર કરનાર મુકુંદે (એવા ટૂંકા સંબોધનથી જ એમની ઓળખ સ્થાપિત થયેલી છે.) સને ૨૦૦૧માં કોઈક સુભગ પળે નિર્ણય કરી લીધો કે શકય એટલી સાદગીથી, ઓછી જીવન જરૂરિયાતોથી જીવન નવેસરથી જીવવું. તે સમયે એમનાં ચાર સંતનોમાં ૧૧ વર્ષની મોટી પુત્રી, નવ વરસનો પુત્ર અને સાત વરસની બે જોડિયા પુત્રીઓ, એ સૌ ઘરમાં ટીવી વગર જ ઉછર્યાં છે. સૂટ-બૂટ-ટાઈનો લેબાશ એમણે ખંખેરી નાખ્યો. એ પછીનાં બીજાં બે વરસોમાં થોડાક સાદા શર્ટ-પેન્ટ અને ફકત એક જોડી ચંપલથી ચલાવવાનું એમણે અમલમાં મૂકયું. શ્રી મુકુંદ કહે છે કે, ‘હવે મને જીવન સુખદ અને નિરાંતભર્યું લાગે છે.’ માઈક્રોસોફટ કંપનીના બેંગ્લોર ખાતેના નિવાસી સી.ઈ.ઓ. મુકુંદના આ ઉદ્દગાર છે.

સને ૨૦૦૮માં ભારત-બેંગ્લોર આવ્યા પછી મુકુંદની સાદગી તરફની ગતિ વધુ વેગવંતી થઈ. મોંઘી ‘ઓડી’ અને ‘બી.એમ.ડબલ્યુ.’ કારને બદલે હવે તેઓ મારુતિ ‘અલ્ટો ‘થી જ ચલાવે છે. વળી એમણે કારનો ઉપયોગ સાવ જ ઓછો કરી નાખ્યો છે. વીસ કિમી. દૂર આવેલ ઓફિસ તેઓ સીટી બસમાં જ જાય છે. હસતાં હસતાં તેઓ કહે છે કે, ‘મને સીટી બસમાં જવાનું ગમે છે, સામાન્ય લોકોને મળવાનું થાય, એમની સાથે વાતો થાય, બસની રાહ જોવામાં ધૈર્યનો ગુણ કેળવાય, બસ સ્ટોપ સુધી ચાલીને જવામાં, કયારેક દોડીને પહોંચવામાં રસપ્રદ વ્યાયામ પણ થાય છે !’

સવારના નાસ્તામાં એમને ત્યાં હવે માત્ર ઈડલી તથા બ્રેડ હોય. મુકુંદ કહે છે – ‘નાસ્તાની પાંચ-દસ વાનગીઓનું આયોજન કરવા પાછળનો ૯૦ ટકા સમય અને ખર્ચ અમે બચાવ્યો છે, સાંજના જમવામાં માત્ર દાળ અને રોટલી.’ મુકુંદ પરિવાર જયાં રહે છે એ વિસ્તારમાં વીજળીકાપના ધાંધિયાથી તેઓ ટેવાઈ ગયા છે, મીણબતીઓથી તેઓ પ્રસન્નતાપૂર્વક ચલાવી લે છે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મૂર્તિકાર શ્રી કાન્તિભાઈ પટેલને પણ યાદ કરીએ. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં નાનકડું સાદું ફાર્મહાઉસ – એમાં જ એમનો સ્ટુડિયો. સ્ટુડિયોમાં મૂર્તિ ઢાળવાનું કામ કરતા હોય ત્યારે હાફપેન્ટ અને બાંડિયું શર્ટ પહેરે. આમ પણ એમની જીવનશૈલી એટલે સાદગીનું એક મોડેલ. એમના બહેન જયશ્રીબહેન એમની સાથે રહે. કાન્તિભાઈ પોતાનાં કપડાં જાતે જ ધોઈ લે. દુનિયાભરના કલાકારો ભારત આવે ત્યારે એમની મુલાકાતે અવશ્ય આવે. જયશ્રીબહેનનું પણ એવું જ વ્યક્તિત્વ. ખાનપાનમાં પણ અત્યંત સાદગી. હવે નેવું વર્ષ નજીક પહોંચેલા કાન્તિભાઈ અમદાવાદ શહેરમાં જયશ્રીબહેન સાથે રહે છે અને બંને જણ પોતાનો નિવૃતિકાળ સત્સંગપ્રવૃતિમાં ગાળે છે. સાધના-અધ્યાત્મની જયશ્રીબહેનની પણ ઊંડી સમજણ અને પ્રીતિ. નિસર્ગદત મહારાજની વાણીના પુસ્તક ‘આત્મબોધ’ સંદર્ભે વીસેક વર્ષ પૂર્વે મારે જયશ્રીબહેન સાથે સહજ સંવાદરૂપે પત્ર સંપર્ક થયેલો.

આપણને સહેજે હાલના એક સાંસદ યાદ આવે ! ચૂંટાયા પછી એમને બંગલો ફાળવાયો નહોતો એટલે તેઓ કેટલોક સમય ફાઈવ સ્ટાર હોટેલમાં રહ્યા. એમનું રોજનું હોટેલ ભાડું દોઢેક લાખ રૂપિયાનું આપણી સરકારે (એટલે કે અનેકવિધ કરવેરા ભરતા આપણે) ચૂકવ્યું ! ટાગોરની લઘુનવલ ‘શેષેર કવિતા’ માંનો ચરિત્રનાયક ‘સ્ટાઈલ અને ફેશન’ વચ્ચેનો ભેદ સુંદર રીતે સ્પષ્ટ કરે છે – ‘સ્ટાઈલ’ એ વ્યક્તિનો નિજી અને અનન્ય એવો ચહેરો છે. જયારે ગરીબથી અમીર સુધીના મહદ્અંશે સૌ કોઈ ફેશનની જેમ જીવનશૈલીમાં પણ સતત બીજાઓને અનુસારે છે.

હું વ્યક્તિગત રીતે માનવીય મૂલ્યોમાં આંતરિક સ્વતંત્રતાને સર્વોચ્ચ મૂલ્ય તરીકે સમજયો છું ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ થકી જ આવા મૂલ્યોને આત્મસાત કરી શકાય. ‘હજી વધુ’ – ‘વધુ ને વધુ’ માટેની લાલસા માનવીને સતત બીજા ઘણા બધા લોકો ઉપર આધારિત્ત કરે છે. ઢગલાબંધ ચીજવસ્તુઓના ખડકલા આધારિત જીવન પણ વધુ ને વધુ પરાવલંબી, લોકશાહી થકીની રાજકીય સ્વતંત્રતાના પડદા પાછળ આ ગુલામી માણસને સતત લાચાર-અસહાય-અવમાનિત કરતી રહે છે. પસંદગી સૌએ વ્યક્તિગત રીતે પોતાને માટે જ કરવાની હોય.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લેખ કયાંથી આવે છે ? – કલ્પના દેસાઈ
અનુભવાત્મક પ્રસંગ – ઉર્મિલાબેન સુરેન્દ્રભાઈ ધોળકિયા Next »   

3 પ્રતિભાવો : ઈનફ ઈઝ નેવર ઈનફ – માવજી કે. સાવલા

 1. Hassan Ali wadiwala says:

  Thank you Mavjibhai and read gujrati……as per my p.T. Sir he will say
  In the end of all types of exercise “Best”…………but…..
  Not excellent……which also means enough is never enough
  In true sense
  As per example given by you of a king and Bhrtuhari they
  Both were enjoying the peak of joy
  What ever Mr,mukund is doing is his own….and he does not know who bears
  To day after 65 years same followers or their generation is running away
  From the principals given by the independence leaders
  If we learn to like which we do not like then
  Then yo win the game….because God given things are always enough

 2. Nitin says:

  બહુ જ મુલ્યવાન વિચાર છે.આ ચળકાટ ંઆડ્ંમ્બર,વેડફાટ્ આપણી શાન્તી છીનવી લેછે સાદાઇ,મર્યા દિત જરુરિયાત જિવન મા ખુબ જરુરી છે.

 3. p j pandya says:

  સાદગિભરિ જિન્દ્ઝિન્દગિ જ જિવ્વનિ મઝા ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.