અનુભવાત્મક પ્રસંગ – ઉર્મિલાબેન સુરેન્દ્રભાઈ ધોળકિયા

[‘મારા અનુભવો પુસ્તક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ઉર્મિલાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. વડોદરાની એમ એસ. યુનિવર્સિટીના લેડીઝ હોસ્ટેલ ‘સરોજિની નાયડુ હોલ’ના વોર્ડન (ગૃહમાતા) રહી ચૂકેલા ઉર્મિલાબેને અહીં કેટલાક સત્યઘટનાત્મક અનુભવો રજૂ કર્યા છે. આપ તેમનો આ નંબર પર +૧ ૩૦૧ ૨૬૩ ૨૯૫૪ સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (51) (410x640)હોસ્ટેલમાં ‘સ્ટુડન્ટો’ માટેની રાત અનોખી હોય છે. દરેકની રાત્રિયાત્રા વિવિધ પ્રકારની હોય છે. કોઈને વાંચવાની શરૂઆતમાં જ ઊંઘ આવે છે, કોઈને પરીક્ષાની ચિંતામાં ઊંઘ ઉડી જાય છે, કોઈ ચા પીને જાગે છે તો કોઈ ચા પીને ઊંઘી જાય છે. આમ, ‘ચા’ ની મહતા છે. હું જયારે હોસ્ટેલમાં રાત્રિના રાઉન્ડમાં નીકળું છું ત્યારે કાન ખુલ્લા રાખું છું. બધી બહેનપણીઓ પોતાના ગ્રુપ સાથે એક રૂમમાં ભેગી થાય છે. દિવસનો થાક ઉતારતાં દિવસનાં શું શું બન્યું તેની રસભરી વાતો અને આનંદભર્યું હાસ્ય, આમાં મશગૂલ બની જાય છે.આવો અમૂલ્ય સમય તો આવા સ્થળે જ સંભવી શકે છે. આવા રમણીય વાતાવરણમાં એક રાતના એવી એક ઘટના બની ગઈ કે જે હજુ સુધી હું ભૂલી નથી. તે રાતના સાડા દશે હું સૂવા ગઈ, થોડીવારમાં નિદ્રાધીન થઈ ગઈ. આ સમયે મારા કાન ઉપર છોકરીઓની બૂમો સંભળાઈ. આ સાંભળતાંજ મારી આંખ ખૂલી ગઈ અને હું ઘરના દરવાજા બહાર નીકળી અને જોયું કે છોકરીઓ ચોર-ચોરની બૂમો પાડતી દોડતી હતી. હું પણ તેઓની પાછળ દોડી ત્યાં જોયું કે બે છોકરીઓ ખૂબ ગભરાયેલી હતી અને બીજી છોકરીઓ તેઓને પકડીને તેના રૂમ તરફ જતી હતી. બન્ને છોકરીઓ મને જોઈને રોવા જેવી થઈ ગઈ. બન્ને છોકરીઓને બાથમાં લઈ લીધી અને સાંત્વના આપી. તેઓની રૂમમાં અમો ગયા. બન્નેને પાણી પાઈને શાંત કર્યા.

મને લાગ્યું કે એક બેન જે બનાવ બન્યો હતો તેની વાત કરવા માંગતી હતી. મને પણ તેના મોઢેથી વિગતો જાણવાની ઈંતેજારી હતી. હોસ્ટેલની એક રૂમમાં આ બે છોકરીઓ રહે છે. બન્નેને એકબીજા સાથે સારી મૈત્રી છે. આવા સમયે મૈત્રી અને હૂંફ બહુજ જરૂરી છે. એક બેને પોતાની વિતકકથા શરૂ કરી – ‘રાતના સાડા દસ વાગ્યા પછી અમો બન્ને વાત કરતાં સૂઈ ગયા. મને ઝડપથી ઊંઘ આવી ગઈ. થોડીવાર પછી ઊંઘમાં જ મને એવો આભાસ થયો કે મારા ગળાની આસપાસ કોઈનો હાથ ફરી રહ્યો છે, હું તરત જ ઝબકીને જાગી ગઈ, અને મેં એક માણસને મારા પલંગ પાસે ઊભેલો જોયો. હું થોડી ગભરાઈ ગઈ, પણ મેં તરત જ પેલા માણસનો હાથ પકડી લીધો. આ કામ એટલું ઝડપથી થયું કે પેલો માણસ ખૂબ જ ગભરાઈ ગયો અને પોતાનો હાથ ઝટકો મારીને છોડાવીને દરવાજા તરફ ભાગ્યો. આ દરમ્યાન બીજી બેન પણ જાગી ગઈ અને અમો બન્ને તેની પાછળ દોડયા. બીજી છોકરીઓએ આ જોયું અને તેઓ પણ અમારી પાછળ ‘ચોર, ચોર’ ની બૂમો પાડતા દોડયા, પણ અમો તે ચોરને પકડી શક્યા નહીં. તે મુખ્ય દરવાજાની બહાર નીકળીને તરત અદ્રશ્ય થઈ ગયો.’

બેને વાત આગળ વધારતાં કહ્યું કે મારું માનવું છે કે આ ચોર પ્લાન કરીને જ આવ્યો હતો. મને ઊંઘને આધીન જોઈને તે મારા ચેઈનને કોઈ હથિયારથી કટ કરીને ચોરી જવાની તેની નેમ હતી, પણ જયારે તે ચેઈનને કાઢવા ગયો ત્યારે ચેઈન થોડી ગળામાં ઘસાઈ અને આ કારણે જ હું જાગી ગઈ અને ચોર ચેઈન પડતો મૂકીને ભાગ્યો. આ માણસે પોતાનું આખું મોં કપડાથી ઢાકી દીધું હતુ. ફકત તેની આંખો દેખાતી હતી તેથી હું તેના ચહેરાને જોઈ ના શકી. આ બધી વિગતો સાંભળીને મને થયું કે આ બેનની હિંમત ગજબની હતી. અંધારામાં પોતાના પલંગ પાસે કોઈ માણસને ઊભેલો જોવો અને ગભરાયા વગર હિંમતથી તેનો હાથ પકડી લેવો તે કેટલું મોટું સાહસ છે ! આવે સમયે ચોરનો સામનો કરવો એ મોટું સાહસ હતું. આ કારણે જ ચોર ચેઈનને પડતો મૂકીને ભાગ્યો અને આવી બહાદુરીને કારણ બેનને બદલે ચોર ડરી ગયો ને પોતાનું કામ પૂરું કર્યા વગર ભાગ્યો. જો બેન ડરી ગઈ હોત તો ચોર કદાચ તેનું ગળું દબાવીને ચેઈને કાઢી લેત પણ અચાનક આ બેને જેવો જોરથી હાથ પકડયો કે તરત તે ગભરાઈને સામે થવાને બદલે પોતાને બચાવવા ભાગ્યો.

આ વિગતો સાંભળીને સૌથી પહેલાં તો મે તે બેનને શાબાશી આપી અને કહ્યું કે તે આજે સંજોગોનો સામનો કરીને સ્વ-રક્ષા પોતાના હાથે કરી ને અમો બધાને ઘણું શીખવી દીધું છે. હવે, હું જરૂર આ ઘટનાના જડમૂળમાં જઈને તેનો ઉકેલ લાવ્યા વગર છોડીશ નહીં. આ ઉકેલ લાવવા માટેની યોજનાઓ મારા મનમાં શરૂ થઈ ગઈ. મને લાગ્યું કે આ વાત જો વધારે સમય ફેલાશે તો તેનું પરિણામ ખરાબ આવશે તેથી બીજા દિવસે જ મેં કામ શરૂ કરી દીધું. મને લાગ્યું કે આ ચોરની પાછળ કોઈ ગેંગ કામ કરી રહી છે, જેમાં કોઈ લીડરનું આ પ્લાનીંગ છે અને હોસ્ટેલની અંદરનો માણસ પણ આ કામની માહિતી આપીને મદદ કરતો લાગે છે; જેના વગર હોસ્ટેલની અંદર આવું કામ થઈ શકે નહીં. લીડર પાસે આ વિશે જરૂર માહિતી હોવી જોઈએ કે કયા રૂમમાં છોકરી રહે છે, જે હંમેશા ચેઈન પહેરે છે. આ છોકરી ઉપર તેની નજર હશે.

આ બધી માહિતી લીધા પછી જ તે લીડરે તેના માણસને રાતના ચેઈનની ચોરી કરવા મોક્લ્યો હશે અને હોસ્ટેલની આસપાસ તેની ગેંગના માણસો આ ચોરને મદદ કરવા ગોઠવ્યા હશે. આ વિચારો આવતાં અચાનક મારા મગજમાં એક ઝબકારો થયો કે કદાચ આ બનાવ અને યુનિવર્સિટીનો સીકયોરીટી ઓફિસર કે જેનો મને ભૂતકાળમાં કડવો અનુભવ મળી ચૂક્યો હતો તેનો આમાં કાંઈ સંબંધ હશે ? અને આ બનાવ પણ રાતના બન્યો હતો અને કોઈ વખત આ ઓફિસર રાતના હોસ્ટેલોમાં રાઉન્ડ મારવા આવતો હતો. આ સવાલે મને જરા જાગૃત કરી દીધી કે આ વહેમમાં કદાચ કાંઈ વજુદ હોય ! મને હવે લાગવા માંડયું કે હવે અમારી હોસ્ટેલના રાતના પટાવાળા પાસેથી આ બાબતની વધુ જાણકારી જરૂર મળશે. તેથી તેને મારા ઘરે બોલાવ્યો અને પૂછપરછ શરૂ કરી – મેં સવાલ કર્યો. ‘તમે ચોરીના બનાવ વિશે શું જાણો છો ?’ જવાબમાં તેણે કહ્યું, ‘હા બેન, મને બધી ખબર પડી છે.’ ‘ચોરી થઈ તે વખતે તમે કયાં હતા ?’ ‘બેન, તે સમયે હું બાથરૂમમાં હતો અને જેવી ચોર, ચોરની બૂમો સાંભળી કે હું તરત દોડીને બહાર આવ્યો.’

‘તમો બાથરૂમમાં ગયા ત્યારે મુખ્ય દરવાજો બંધ કરીને ગયા હતા ?’ ‘હા, બેન દરવાજો બંધ કરીને ગયો હતો અને ચાવી મારા પાસે હતી.’ ‘તો ચોર બહાર કેવી રીતે ભાગ્યો ?’ ‘બેન, એ જ મને સમજ નથી પડતી. મેં ઘણી તપાસ કરી પણ સમજ નથી પડતી.’ ‘આ બાબત તમોને કોઈ ઉપર શંકા છે ?’ મેં પૂછ્યું. ‘ના, બેન હું કાંઈપણ જાણતો નથી. મારા વરસોના અનુભવમાં આ પહેલો પ્રસંગ છે.’ આમ તેણે વાતો કરી અને પોતાનો બચાવ કર્યો. આ ઉપરથી સ્પષ્ટ લાગતું હતું કે, તે જૂઠું બોલી રહ્યો છે. કેમકે મુખ્ય દરવાજાની ચાવી તેના પાસે હતી અને ચોર આ દરવાજા સિવાય કોઈ રીતે આવી કે ભાગી શકત નહીં. મને થયું કે હજી થોડી વધુ તપાસ કરીને થોડા સબુત ભેગા કરું. પછી ફરી પટાવાળાને બોલાવું.

મેં ફરી તપાસ શરૂ કરી. અમારા એકજ ક્મ્પાઉન્ડમાં સામસામે ૩ લેડીઝ હોસ્ટેલ છે. બીજી હોસ્ટેલના રાતના પટાવાળાને એક પછી એક ખાનગીમાં મારે ઘેર બોલાવ્યા અને બધાને વિશ્વાસમાં લઈને પૂછપરછ શરૂ કરી. આ બધા પટાવાળાઓમાંથી એક પટાવાળાએ મારા ઉપર વિશ્વાસ રાખીને જણાવ્યું કે ‘ચોરીના બનાવની રાતે. રાત્રિના દશ વાગ્યા પછી યુનિવર્સિટીનો સિકયોરીટી ઓફિસર હોસ્ટેલની બહાર તમારા રાતના પટાવાળા સાથે કાંઈક મસલત કરતો હતો. આ મેં નજરોનજર જોયું છે.’ બસ, આ સત્ય હકીકતે મને એવું બળ આપ્યું કે જેના કારણે હું સફળતા મેળવી શકી. મને એમજ થયું કે ભગવાન આ રીતે મને મદદ કરી રહ્યો છે. મારો વહેમ સાચો પડશે એવું મને લાગવા માંડયું.

મેં ફરી અમારા પટાવાળાને ઘરે બોલાવ્યો અને તેને વિશ્વાસમાં લઈને બધી સત્ય હકીકત જણાવવા કહ્યું. મેં તેને કહ્યું, ‘જો ભાઈ મને બધી ખબર પડી ગઈ છે, દરેક વાતની પાકી કડી મળી ગઈ છે. અને હવે તું કાઈપણ ખોટું બોલીશ તો તું જાતે જ પકડાઈ જઈશ. જો તું સાચું બોલીશ તો આ વખતે હું તને જરૂર માફી અપાવીશ. આ વાતની ખાતરી રાખજે. અને કોઈપણ બહાના કાઢીને તું ખોટું બોલીશ તો ફસાતો જઈશ અને વાત ખૂબ આગળ વધી જશે. પછી યુનિવર્સિટીમાં ખબર ફેલાઈ જતાં તારી નોકરી પણ તું ગુમાવીશ. કાંઈપણ છુપાવ્યા વગર સાચું બોલવા સિવાય તારા પાસે કોઈ ઉપાય નથી અને પોલિસની પકડમાંથી પણ તું બચી જઈશ.’

મારી આ વાતો ઉપર તેને વિશ્વાસ બેઠો અને જોરથી રડી પડયો. તેણે કહ્યું કે ‘બેન, મને બચાવી લ્યો. જો મારી નોકરી જશે તો હું ઘરબાર બધું ગુમાવી બેસીશ અને રસ્તાનો ભિખારી બની જઈશ. તમો દયાળુ છો તેથી મને વિશ્વાસ છે કે તમો મને બચાવી લેશો. આજે હું તદ્દન સત્ય હકીકત તમારા પાસે રજૂ કરું છું અને તમોને વિશ્વાસપૂર્વક કહું છું કે આવું કામ ફરી કદી નહીં કરું.’ તેણે વાતની સચ્ચાઈ બતાવતાં કહ્યું કે ‘બેન, આટલા વરસો સુધી અમે હોસ્ટેલમાં પ્રમાણિકપણે વર્ત્યા છીએ, પણ આ સિકયોરિટી ઓફિસર જયારથી આવ્યા છે ત્યારથી અમો બધા પટાવાળાઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. ઓફિસર એટલો બધો ખતરનાક છે કે તે ગમે ત્યારે કાંઈપણ કરી શકે છે. તેથી અમો બધા તેનાથી ખૂબ ડરીએ છીએ. તે તેની ગેંગ સાથે આવા કામો કરાવે છે. પણ કોઈ તેની સામે ડરના માર્યા બોલતું નથી. આજે તમોએ વિશ્વાસપૂર્વક વચન આપ્યું છે તેથી તમોને સાચી હકીકત જણાવું છું, જેથી યુનિવર્સિટીમાં રીપોર્ટ કરીને તમો તેના ઉપર પગલાં લેવડાવી શકશો.’

પટાવાળાએ તેના દિલની દર્દનાક કહાની સંભળાવીને ચોરીની રજેરજ હકીકત કહી કે આ કામના લીડર સીકયોરીટી ઓફિસર છે. તેના પ્લાનીંગ પ્રમાણે તેણે ચારે તરફ ગેંગ ગોઠવી હતી અને ચોરને ચેઈનની ચોરી કરવા માટે મોક્લ્યો હતો. મને કહ્યું હતું કે ‘તારે દરવાજો ખુલ્લો રાખવાનો છે, તેને તાળુ દેવાનું નથી અને આ સમય દરમ્યાન બાથરૂમમાં રહેવાનું છે. મારી ગેંગ શાંતિથી આ કામ પતાવી દેશે. કોઈને પણ ખબર નહીં પડે. તારે ગભરાવાની જરૂર નથી. કાંઈપણ થાય તો તારે મારું નામ લઈને છૂટી જવું. બધી જવાબદારી મારી છે. દશ-પંદર મિનિટમાં આ કામ પતી જશે. અને જો તું આ વાત નહીં માને તો તારી નોકરી તું ગુમાવીશ. તારું કુટુંબ દુઃખી થઈ જશે. બેન, આ વાતોથી હું એટલો બધો ડરી ગયો કે મારે તેની વાત માનવી જ પડી. તેના પ્લાન પ્રમાણે જો છોકરી જાગી ગઈ ન હોત તો તેનું કામ આસાનીથી પૂરું થઈ ગયું હોત અને કાનોકાન ખબર પણ ન પડત. આવી રીતે જ તે આવા કામો કરી રહ્યો છે.’ મેં પટાવાળાને સત્ય હકીકત જણાવવા માટે આભાર માન્યો અને તારો વાળ પણ વાંકો નહીં થાય તેવો વિશ્વાસ આપ્યો. આમ, શાંતિ અને સહેલાઈથી આવા મોટા કોયડાનો અંત આવ્યો તે માટે પ્રભુનો અંતરથી પાડ માન્યો.

હવે મારે આ વાત યુનિવર્સિટીને સંપૂર્ણપણે અસરકારક બને તેવી રીતે પહોંચાડવાની હતી, જેથી કરીને યુદ્ધના ધોરણે આ કામ પાર પડે. આ ઘટનામાં સિકયોરીટી ઓફિસર સબુત સાથે પકડાઈ ગયો હતો તે પણ એક મુખ્ય મુદ્દો હતો. હવે મારું મુખ્ય કામ એ હતું કે આ બનેલા બનાવની બધી હકીકત કે જેમાં યુનિવર્સિટીના સિકયોરીટી ઓફિસર જેનો હોદ્દો વિદ્યાર્થીઓની રક્ષા કરવાનો હતો તે રક્ષક પોતે જ ભક્ષક બની ગયો હતો –તેનો રીપોર્ટ અમારા યુનિવર્સિટીના ચેરમેનને કરવાનો હતો. આ રીપોર્ટમાં આ વાત મારે પુરવાર કરવાની હતી, અને જણાવવાનું હતું કે આ ઓફિસર પોતાના હોદ્દાનો ઉપયોગ આ રીતે કરીને ભવિષ્યમાં વિદ્યાર્થીની માટે કેટલી બધી મુસીબત ઉભી કરી શકે છે.

આ પ્રસંગના પહેલા એક પ્રસંગ મારી હોસ્ટેલમાં આ સિકયોરીટી ઓફિસર સાથે બન્યો હતો તેના અનુસંધાનમાં મેં સ્પષ્ટ શબ્દોમાં અમારા ચેરમેનને જણાવ્યું કે હવે આ બાબતે યુદ્ધના ધોરણે પગલાં લેવાનો સમય આવી ગયો છે. મેં આ રીપોર્ટ ચેરમેનને પુરાવા સાથે મોકલ્યો, જેનું પરિણામ અદભુત આવ્યું. અમારા ચેરમેન આ બાબતની વિગતો જાણી ચોંકી ગયા અને તરત જ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું. ઘણા ખાતાઓમાં તેઓએ આ ઓફિસર માટે ઝીણવટથી તપાસ કરી અને બધા તરફથી ખરાબ રીપોર્ટ મળ્યા, જેથી અમારો કેસ મજબૂત થઈ ગયો.

બધી તપાસ પૂરી થયા પછી અમારા ચેરમેનનો અમારી ઑફિસ પર જવાબ આવ્યો કે યુનિવર્સિટીની કમિટીએ સીકયોરીટી ઓફિસરની હકાલપટ્ટીનો નિર્ણય લીધો છે. આવું કડક પગલું યુનિવર્સિટી માટે લેવું અઘરું હતું. તો પણ તે લેવાયું એ અમારા માટે ગૌરવની વાત હતી. આને કારણે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ પણ આવી ગઈ. મને એ વાતે આનંદ થાય છે કે સરોજિની નાયડુ હોસ્ટેલની એક બેનના સાહસ અને હિંમતથી વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય આવા ઓફિસરના જોખમી કામથી સુરક્ષિત બની ગયું. આ સફળતાના ખરા હકદાર તો તે બેન જ છે. હોસ્ટેલમાં કેમ્પસમાં રહેતા બધા વિદ્યાર્થીનીઓને આ પ્રસંગ પ્રેરણા આપી શકે છે.

આ પ્રસંગ પછી વાત પૂરી નથી થતી. લોભ અને લાલચ લોકોને કેટલી હદ સુધી નીચા પાડી શકે છે, તેનું દ્રષ્ટાંત ફરી આપણા આ ઓફિસર અને તેની ગેંગ પૂરું કરી બતાવ્યું. એક દિવસ સવારે એક લોકલ છાપું મારા માટે મહત્વના સમાચાર લઈને આવ્યું. પહેલા પાને જ સૌથી ‘મોટા સમાચાર’ મારા માટે એ હતા કે યુનિવર્સિટીમાં અગાઉ કામ કરતા હતા તે સીકયોરીટી ઓફિસર તેની ગેંગ સાથે અમુક સ્થળેથી રાતના ચોરી કરતા રંગે હાથ પકડાયા આ સમાચારે અમોએ જે કામ કર્યુ હતું તે કેટલું બધું મહત્વનું અને સમયસરનું હતું તે પુરવાર કરી દીધું.

[ કિંમત રૂ. — પાન. ૧૦૬. પ્રાપ્તિસ્થાન : એ-૧૨, અર્બુદા ફલેટ્સ, જૂના ટોલનાકા સામે, બેરોનેટ કોમ્પલેક્ષની બાજુમાં, હાઈવે, સાબરમતી. અમદાવાદ-૫. ફોન: +૯૧ ૭૯ ૨૭૫૦૩૬૫૬.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અનુભવાત્મક પ્રસંગ – ઉર્મિલાબેન સુરેન્દ્રભાઈ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.