અત્તરનાં પૂમડાં – યશવન્ત મહેતા

[ પ્રેરક પ્રસંગોના પુસ્તક ‘અત્તરનાં પુમડાં’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘કુસુમ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[૧] ચામડીઃ માનવીની અને ઝાડની

Image (47) (409x640)મહારાષ્ટના સંત નામદેવ. એમના બચપણની આ કહાની છે. એમનાં માતા માંદાં પડયાં હતાં. દવા માટે પલાશ નામના ઝાડની છાલની જરૂર પડી. માતાએ નામદેવના હાથમાં કુહાડી મૂકીને કહ્યું : ‘જા, દીકરા, પલાશની થોડી છાલ ઉતારી લાવ.’ નામદેવ ગયો અને છાલ લઈ આવ્યો. પણ એનો ચહેરો ઉદાસ ઉદાસ થઈ ગયો. ત્રણ-ચાર દિવસ એ ઉદાસ ચહેરે ફરતો રહ્યો. પાંચમે દિવસે અચાનક માતા ગભરાઈ ઊઠયાં. એમણે નામદેવની ધોતલી ઉપર લોહીના ડાઘા જોયા. માતા હબકી ગયાં. નામદેવ કદાચ તે દિવસે ઝાડ ઉપર ચડયો હશે અને પડી ગયો હશે એવો એમને ડર લાગ્યો.

માતાએ નામદેવને નજીક બોલાવીને પૂછયું, ‘દીકરા, આ લોહીના ડાઘ કયાંથી આવ્યા ? તને કયાંય વાગ્યું કર્યું તો નથી ને ?’ નામદેવે શાંતિથી કહ્યું, ‘ના, આઈ ! વાગ્યું નથી. એ તો મેં જ જરા કુહાડીથી..’ ‘કુહાડીથી શું ?’ માતાની રાડ ફાડી ગઈ. નામદેવ કહે : ‘કુહાડીથી જરા ચામડી ઉતારી છે.’ માતાએ એકદમ નામદેવને પોતાની પાસે ખેંચી લીધો. એની ધોતલી આઘી કરીને જોયું તો સાથળ ઉપર મોટી હથેળી જેટલી જગા પરથી ચામડી ઊતરી ગયેલી છે. માંસ તગતગે છે અને લોહીના રેલા ઊતરે છે. માતા બોલી ઊઠયાં, ‘તેં જાતે આ ચામડી ઉતારી ? કેમ ?’

નામદેવ એક સિસકારો પણ કર્યા વગર બોલ્યા, ‘આઈ ! તે દિવસે તેં પલાશની છાલ લાવવાનું કહ્યું હતું ને ? તે તો હું કાપી લાવ્યો. પણ પછી મને થયું કે આ છાલ તો પલાશની ચામડી કહેવાય. એ ઉતારવાથી એને દુઃખ નહિ થયું હોય ? કેવુંક દુઃખ થયું હશે ? એ જાણવા માટે મેં મારી ચામડી ઉતારી જોઈ. માળું ! ભારે વેદના કરે છે, હોં આઈ !’ આઈ તો બિચારાં આ દેવ જેવા દીકરા સામે તાકી જ રહ્યાં. હસવું કે રડવું, એ પણ એમને સમજાયું નહિ. ઘણી વારે આઈ બોલ્યાં, ‘એક મૂંગા ઝાડની વેદના માટે આટલી ચિંતા કરનારો છોકરો સંત બની જાય. તું મારે ખોળે દેવ પાકયો છે, દીકરા !’
.

[૨] ખેસ ખરીદવાના છ આનાય નહોતા

દક્ષિણ ભારતનું કુંભકોણમ ગામ. ત્યાંની કૉલેજની એક વાત છે. એ કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ શિસ્તના ભારે આગ્રહી હતા. નામ એમનું વિલ્ડરબેક. આ વિલ્ડરબેક સાહેબે હુકમ કર્યો હતો કે કૉલેજના દરેક વિદ્યાર્થીએ ધોતી અને કુરતું કે કોટ પહેરવાં જોઈશે. એક દિવસ શ્રીનિવાસ નામનો એક ગરીબ વિદ્યાર્થી માત્ર ધોતી પહેરીને કૉલેજમાં આવ્યો. એ વરસાદની મોસમ હતી. ખભે વીંટવાનો એનો એક માત્ર ખેસ પલળી ગયો હતો. બીજો ખેસ હતો નહિ. એટલે તે ઉઘાડે ડીલે જ આવ્યો હશે. શિસ્તના આગ્રહી પ્રિન્સિપાલે શ્રીનિવાસને ઉઘાડે શરીરે જોઈને સીધો જ આઠ આના દંડ ફરમાવી દીધો.

શ્રીનિવાસના ચહેરા પરથી નૂર ઊડી ગયું. નરમ અવાજે એણે કહ્યું, ‘સાહેબ, આઠ આનાનો દંડ ભરવાનું મારે માટે અશ્કય છે. ખેસ તો બજારમાં ફકત છ આનાનો મળે છે. પૈસા હોત તો એ ખરીદી ના લેત ! હજુ ગઈ કાલની જ વાત છે. મારા પિતાજીના એક મિત્ર એમને ભેટ આપવા માટે થોડી કાચી કેરીઓ લાવ્યા હતા. પણ માતાજીએ તે ભેટનો ઈન્કાર કર્યો. શા માટે ખબર છે ! કાચી કેરીનું અથાણું બનાવવા માટે જે મરી-મસાલા ને ગોળ ખરીદવાં પડે તે માટે અમારી પાસે પૈસા નહોતા.’

આ સાંભળીને વિલ્ડરબેક ઝંખવાઈ ગયા. એ વખતે તો કશું બોલી ન શકયા. પણ રાત્રે પોતાના અભ્યાસખંડમાં બેઠા બેઠા વિચારે ચડી ગયા. આવા ગરીબ વિદ્યાર્થીનો દંડ કરવા બદલ એમને ઘણું દુઃખ થયું. બીજે દિવસે શ્રીનિવાસને બોલાવીને તેમણે એનો દંડ માફ કરી દીધો. આ પછી તો વર્ષો વીતી ગયાં. ૧૯૨૧ની સાલ આવી. વિલ્ડરબેક સાહેબ ભારતમાંથી નિવૃત થઈને ઈંગ્લેન્ડ પાછા ગયા હતા. એક દહાડે એમને ખબર પડી કે ભારતના એક વિદ્ધાનનું ખાસ સન્માન થવાનું છે. એની દેશના વાઈસરોયના સલાહકાર મંડળમાં નિમણૂક થયેલી છે. ઘણો વિદ્ધાન છે અને ભારત આખું એને માન આપે છે.

વિલ્ડરબેકને જયારે આ વિદ્ધાનના નામનો ખ્યાલ આવ્યો ત્યારે તો આનંદનો પાર ન રહ્યો. આ તો પેલો એમનો જ ગરીબ વિદ્યાર્થી હતો – પેલો શ્રીનિવાસ. જેનો પોતે દંડ કર્યો હતો ! એક તદ્દન ગરીબ વિદ્યાર્થીની અવસ્થામાંથી આગળ વધીને આટલા મહાન બનનાર એ વિદ્યાર્થી શ્રીનિવાસ શાસ્ત્રી આપણા દેશના સૌ વિદ્યાર્થીઓને માટે પ્રેરણારૂપ છે.
.

[૩] વઢ નહિ, વંદન કર !

ચૈતન્ય મહાપ્રભુ બંગાળના મહાન સંત હતા. ઘણા એમને ઈશ્વરના અવતારરૂપ પણ માને છે. તેઓ મંદિરમાં પ્રાર્થનાના વખતે હંમેશાં એક થાંભલા પાસે ઊભા રહેતા. એ ગુરુડસ્થંભ હતો. ગરુડની કોતરણી એ થાંભલા પર કરવામાં આવી હતી. મંદિરની નામના ઘણી થઈ હોવાથી લોકોની એમાં ભારે ભીડ રહેતી. કોઈક વાર તો ધક્કામુક્કી પણ થતી. એવા એક દિવસની વાત છે. ઓરિસ્સાથી એક ગરીબ સ્ત્રી દર્શન કરવા આવી હતી. એ જરા ઠીંગણી હોવાથી ભગવાનનાં દર્શનની ભારે ઈચ્છા હતી. એટલે એ પેલા ગરુડસ્થંભ ઉપર ચડી ગઈ. એટલું જ નહિ, એક પગ એણે ત્યાં ઊભેલાં ચૈતન્યના ખભે ટેકવી દીધો.

ચૈતન્ય તો પ્રાર્થનામાં મસ્ત હતા. પણ પાછળ ઊભેલા એમના શિષ્ય ગોવિંદથી રહેવાયું નહિ. એણે સ્ત્રીને ધમકાવી નાખી. હવે જ એ બિચારીને ખ્યાલ આવ્યો કે પોતે તો ચૈતન્યના ખભા પર પગ ટેકવ્યો હતો ! એ હાંફળીફાંફળી થતી નીચે ઊતરી ગઈ. ગોવિંદની ચીસોથી ચૈતન્યનું ધ્યાન તૂટયું. એમને ગોવિંદે આખી વાત કહી. પછી પેલી સ્ત્રીને વધુ વઢવા માટે ગોવિંદ એના ભણી વળ્યો. પણ ચૈતન્યે એને વાર્યો અને કહ્યું, ‘ભાઈ ! એ સ્ત્રીને વઢ નહિ, એને વંદન કર. પ્રભુનાં દર્શનની લગનીમાં એ ભાન ભૂલી ગઈ કે પોતાનો પગ કયાં પડે છે. પણ આપણે પ્રભુની આટલી લગન નથી રાખતા. આપણા અને આપણા સાથીઓના ખભા ઉપર કોના પગ પડે છે, એનું જ ધ્યાન રાખીએ છીએ ! આપણા કરતાં આ સ્ત્રીની ભાવના ઊંચી છે. પ્રભુના દર્શનમાં કે પોતાના કાર્યમાં જેની આટલી લગન હોય તે હંમેશાં વંદન કરવા યોગ્ય હોય છે.’
.

[૪] ચંપલ મારવી તે હિંસા ન કહેવાય !

કિશોરલાલ ઘ. મશરૂવાળા એ જૂજ લોકોમાંના એક હતા, જેમણે ગાંધીજીની હયાતીમાં ગાંધી-વિચાર બરાબર પિછાણ્યો હતો. એમણે જીવનભર સેવાવૃતિ કરતાં કરતાં કાવ્ય, વાર્તા, આદિ ઘણું ઓછું રચ્યું છે, પરંતુ નિબંધલેખનની કળામાં કાકા કાલેલકરની સાથે જ એમનું નામ લઈ શકાય. મશરૂવાળા ગાંધીજીના અંતેવાસી અને ગાંધી સ્થાપિત ગુજરાત વિધાપીઠના આચાર્ય હતા. એક વાર ગુજરાત વિધાપીઠની કેટલીક વિદ્યાર્થિનીઓ તેમની પાસે આવી. તેઓ ઘણી રોષમય જણાતી હતી. કિશોરલાલ એમના ચહેરા પરથી જ કળી ગયા કે છોકરીઓને કશીક ફરિયાદ કરવાની છે.

અને સાચે જ છોકરીઓએ ફરિયાદ રજૂ કરી : ‘ગુરુજી, કેટલાક છોકરાઓ અમારી મશ્કરી કરે છે. કયારેક છેડતી પણ કરી લે છે. પણ અમારાથી કશું થઈ શકતું નથી. અમે એમનો સામનો કરીએ તો તે હિંસા આચરી કહેવાય ને ? તો પછી અમારે આ છોકરાઓથી બચવું કેવી રીતે ?’ કિશોરલાલે પટ કરતો જવાબ આપ્યો, ‘બચવું કેવી રીતે, શું છેડતી કરનારાઓને ફટકારો તમારી ચંપલ ! લંપટ છોકરાઓથી બચવાનો એ સિવાય બીજો કયો ઉપાય હોય ?’ ‘પણ…. પણ એ હિંસા કરી ન કહેવાય ?’ ‘હું તો માનું છું કે એમાં હિંસા નથી. છતાં મૂર્તિમંત અહિંસા એવા ગાંધી બાપુ અહીં જ છે. જાવ એમનું માર્ગદર્શન માગો.’

એટલે વિદ્યાર્થિનીઓ ગાંધીજી પાસે ગઈ. ગાંધીજી આગળ એમણે પોતાની દ્વિધા રજૂ કરી. કિશોરલાલે આવી વેળાએ છોકરાને ચંપલ વડે ઝૂડી નાખવાની સલાહ આપી છે, એવું પણ જણાવ્યું. ગાંધીજીએ અભિપ્રાય આપ્યો, ‘બહેનો, તમારા પર કોઈ બળાત્કારનો પ્રયાસ કરે અને તમે તમારા બચાવ માટે છરીથી તેનો પ્રતિકાર કરો તો પણ એને હું અહિંસાત્મક પ્રતિકાર જ કહું. તમારે પક્ષે એ હિંસા નહિ પણ અહિંસા જ લેખાય.’
આમ, ગાંધીજીએ કિશોરલાલના અભિપ્રાય પર મંજૂરીની મહોર મારી આપી.
.

[૫] મોતની ચિંતા હું શા માટે કરું !

લોકમાન્ય ટિળક બહુ સાહસી હતા. ભવિષ્યમાં મારું શું થશે, એનો કદી વિચાર ન કરતાં. બસ, દેશની બને તેટલી સેવા કરવાનું જ ધ્યેય લઈને એ જીવતા. જુવાનીમાં તેમણે પૂનામાં ન્યૂ ઈંગ્લિશ સ્કૂલ નામે એક શાળાની સ્થાપના કરેલી. આ શાળાના સંચાલનનો બધો બોજ વહેવા ઉપરાંત એ શિક્ષણ પણ આપતાં. આ કામના બદલામાં તેઓ દર મહિને ફકત ૩૦ રૂપિયા લેતા. આ જોઈને એક મિત્રએ કહ્યું, ‘ભાઈ, આટલા પગારમાં તો તમે ભવિષ્ય માટે કશું બચાવી નહિ શકો. મરશો ત્યારે અગ્નિસંસ્કાર માટે લાકડાંના પૈસા પણ નહિ હોય.’

ટિળક ગંભીર અવાજે બોલ્યા, ‘મારા અગ્નિસંસ્કારની અને મોતની ચિંતા હું શા માટે કરું ? એ ચિંતા તો સમાજને હોવી જોઈએ. જો લોકોને યોગ્ય લાગશે તો મારા મોત પછી તેઓ અગ્નિસંસ્કાર કરશે. જો મારા તરફ એટલી પણ સન્માનની ભાવના નહિ હોય તો પણ દુર્ગંધથી બચવા માટે તો મારા શબનો નિકાલ કરવો જ પડશે.’

[૬] ઈજનેરની ખુરશી

વાત ઘણાં વરસો પહેલાંની છે. પણ એક નાનકડો બાળક પણ જો મક્ક્મ નિરધાર કરે તો કેવું ભારે કામ કરી શકે, એની આ સરસ કહાણી છે. લાહોર શહેરની એક સરકારી કચેરી હતી. એમાં એક મોટા ઈજનેર બેસતા. એમની કચેરીમાં કામ કરતા કોઈ સંબંધીને મળવા માટે એક કિશોર જઈ ચડયો. એમને મળીને પોતાનું કામ પતાવી દીધું પછી કચેરીના ખંડેખંડમાં ફરીને બધું જોવા લાગ્યો. ફરતો ફરતો એ વડા ઈજનેરનાં ખંડમાં જઈ ચડયો. ઈજનેર ક્શા કામે બહાર ગયેલા. ખંડમાં કોઈ નહોતું. પેલો કિશોર તો ઑફિસનો ભભકો જોઈને અંજાઈ ગયો. ખંડમાં સરસ પડદા લટકાવેલા હતા. પહોળું, ચળકતું મેજ હતું. પાછળ સુંવાળી પોચી ગાદીવાળી ખુરશી હતી અને એ વળી ગોળગોળ ફરી શકે તેવી હતી. એ ખુરશી જોઈને કિશોરને એમાં બેસવાનું મન થઈ ગયું. એ તો બેસી ગયો ખુરશીમાં. મેજ ઉપર પંખાનું બટન દબાવ્યું એટલે પંખો પણ ફરફરફર ઘૂમવા લાગ્યો. કિશોરને મઝા પડી ગઈ.

એટલામાં વડા ઈજનેર આવી ચડયા. એ અંગ્રેજ હતા. તુમાખીખોર હતા. એક ભારતીય કિશોરને પોતાની ખુરશીમાં બેઠેલો જોતાં જ એમણે કાનપટ્ટી પકડીને એને નીચે ઉતાર્યો. પછી એને ધમકાવતાં કહ્યું છે : ‘હરામખોર, એ ખુરાશી તારા બાપની છે ? ખબરદાર જો કદી આ ખુરશીમાં બેસવાની હિંમત કરી છે તો !’ કિશોર સ્વમાની હતો. પોતાની આટલી ભૂલ બદલ આવું અપમાન થયું તેથી એનો ચહેરો લાલચોળ બની ગયો. આ ઈજનેરને ફટકારી દેવાનું એને મન થયું. પણ હોઠ ભીડીને એણે ગુસ્સો કાબૂમાં લાવી દીધો. પછી એ ખંડમાંથી બહાર નીકળી ગયો. આ પ્રસંગ બન્યા પછી બરાબર તેર વરસે પેલા ઈજનેર સાહેબને સરકારી હુકમ મળ્યો :

‘તમને હવે રુખસદ આપવામાં આવે છે. તમારી જગાએ લાલા ગંગારામ નામના યુવાન ભારતીય ઈજનેરની નિમણૂક કરવામાં આવે છે. તેઓ આવીને તમારી પાસેથી કામકાજ સંભાળી લેશે.’ થોડા દિવસ પછી નવા ઈજનેરને ખુરશીમાં ઊભા કરવાનું કર્યું. પછી પોતે એ ખુરશીમાં બેસી, પંખો ચાલુ કરી સામે ઊભેલા અંગ્રેજ ઈજનેરને પૂછયું, ‘ઓળખો છો મને ?’ અંગ્રેજ ડોકું ધુણાવીને ના કહી. યુવાન ઈજનેરે કહ્યું : ‘આજથી બરાબર તેર વરસ પહેલાં તમે એક કિશોરને તમારી ખુરશીમાંથી અપમાન કરીને ઉઠાડી મૂકયો હતો. એ જ હું મેં એ વખતે પ્રતિજ્ઞા કરી હતી કે તમને ઉઠાડીને આ ખુરાશીમાં એક દિવસ અધિકાર સમેત બેસું ત્યારે જ હું ખરો !’

બિચારા અંગ્રેજ ઈજનેરનું મોં તો જોવા જેવું બની ગયું ! આ ઈજનેર લાલા ગંગારામ પછી તો ભારતના એક અગ્રણી ઈજનેર બની ગયા. એમની સેવાઓ બદલ સરકારે એમને ‘સર’ નો ખિતાબ આપ્યો. એમણે આપણા દેશમાં ઈજનેરી વિધાના ભણતરનો ઘણો ફેલાવો કર્યો હતો.

[ કુલ પાન: ૪૮. કિંમત રૂ. –. પ્રાપ્તિસ્થાન : જમનાદાસ પ્રકાશન સંકુલ. સી-૧૬-૧૭-૧૮, માધવપુરા માર્કેટ, શાહીબાગ રોડ. અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન: +૯૧ ૭૯ ૩૦૨૮૯૦૦૦૧.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રેમબેલ બોઈ – નયના બી. શાહ
જાગો સોનેવાલો – હરનિશ જાની Next »   

7 પ્રતિભાવો : અત્તરનાં પૂમડાં – યશવન્ત મહેતા

 1. sandip says:

  very nice yashvantbhai……

 2. sandip says:

  ખુબ સરસ્…………

  આભાર………….

 3. Dhiren Shah says:

  Very nice

 4. Rajendra Shah says:

  Good short articles

 5. jignisha patel says:

  Last one is best in my opinion.

 6. Rajni Gohil says:

  સુંદર મઝાનો બોધપાઠ આપતા અત્તરનાં પૂમડાં લેખ બદલ યશવન્તભાઇ ને અભિનંદન.

  વધારે લોકો અત્તરનાં પૂમડાંમાંથી બોધપાઠ લઇ પોતાના અને બીજાના જીવનમાં સુગંધ ભરે એ અભ્યર્થના.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.