જાગો સોનેવાલો – હરનિશ જાની

[‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડો. બળવંત જાનીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Image (49) (405x640)ભાષણ કેટલું લાબું હોવું જોઈએ ? આ સવાલનો જવાબ કોઈ વકતાએ આપ્યો નથી કે વિચાર્યો નથી. પરંતુ ભાષણ આપતી વખતે તે વકતા કાગળમાંથી ડોકું ઊંચું કરી ઓડિયન્સ તરફ જુએ, તો તેમને તરત જ સમજ પડી જાય કે આપણાં ભાષણની અસર લોકો પર કેવી છે. તે હજુ બેઠા છે કે જતાં રહ્યા ? અને જેટલાં છે તેમાં જાગતાં કેટલાં છે. અને ભાષણ કેટલા લોકોને સુવડાવવામાં સફળ રહ્યું છે ? આનો અર્થ એ લેવાનો કે અનિદ્રાનો રોગ દૂર કરવા કોઈનું પણ ભાષણ સાંભળવું જોઈએ. સામાન્ય રીતે તેમ કરવામાં ખર્ચ તો જરાય થતો નથી. ઉપરથી ચા પાણી અને નસીબ હોય તો નાસ્તો પણ મળે.

બીજા લોકોનાં ભાષણોનો બહુ પરિચય નથી. પરંતુ કોઈપણ ગુજરાતી સંસ્થામાં આપતા ભાષણોને જોવાનો અનુભવ છે. તેને પૂરેપૂરું સાંભળવા જેટલી મારી ધીરજ નથી હોતી-પ્રસંગ જ્ઞાતિનો હોય, ભાષાનો હોય, ધર્મનો હોય કે પોલિટિકસનો હોય ત્યારે લોકોને માથે ભાષણો ફટકારવાની પ્રથા છે. જો આપણે એ ભાષણો છપાયેલા જોઈએ અને વાંચવા પ્રત્યન કરીએ, તો વાંચતાં કલાકેક લાગે. ત્યારે વિચાર આવે કે જયારે આ પ્રવચન ચાલતું હશે ત્યારે કેટલા માઈના લાલ સાંભળતા હશે ? હા, એક વ્યકતિ જરૂર સાંભળે છે, તે છે બોલનાર પછીનો વકતા. તેને એમ કે આ પૂરું કરે તો સારું. જેથી લોકોને ટોર્ચર કરવાનો આપણો વારો આવે. અને એના ભમરડાની જાળી તપતી હોય છે. ભાષણની વાત આવે તો અમારા રાજપીપળાના મહારાજા અવશ્ય યાદ આવે – મહારાજા રાજેન્દ્રસિંહજી વરસમાં એક વખત પોતાના પિતાશ્રીએ બંધાવેલી ભવ્ય ઈમારતવાળી હાઈસ્કૂલની વિઝિટ મારતા. આઝાદી પછી દશ-પંદર વરસ સુધી પ્રજા, રાજાને માન આપતી, અમારી હાઈસ્કૂલમાં મહારાજા આવે એટલે અમે ખુશ થઈ જતા. અમને સેન્ટ્રલ હોલમાં ભેગા કરતાં-અમારા સંગીત માસ્તર પોતાની નોકરીની અગત્યતા જાળવવા સ્કુલની છોકરીઓ પાસે ચાર પાંચ સ્વાગત ગીત ગવડાવતા. એકવાર પ્રિન્સિપાલે કહ્યું, ‘હવે મહારાજા સાહેબ પ્રેરણાદાયક બે શબ્દો કહેશે.

‘મહારાજાએ બેઠા બેઠા કહ્યું ‘નથી કહેવા’ પછી પ્રિન્સિપાલે જાહેરાત કરી કે ‘પ્રવચનની જગ્યાએ મહારાજા સાહેબ આપણાં વિદ્યાર્થીઓને દૂધ પીવાના સો રૂપિયાનું દાન કર્યું છે.’ ભાષણના બદલે દૂધ મળે તો આપણે ખુશ થવાનું ને ! મહારાજાનું આગમન અમે દર વરસે વધાવી લેતાં. અને મહારાજા સાહેબ આ પ્રથા દર વરસે ચાલુ રાખી હતી – હા, પાછલા વરસોમાં દૂધ મોંધુ થયું. ત્યારે બસો રૂપિયાનું દાન કરતા. તે સમયમાં નવી નવી મળેલી આઝાદીને વધાવવા છાશવારે કોંગ્રેસી નેતાઓ પણ અમારી સ્કૂલમાં પધારતા અને અમને કહેતા કે ‘ તમે દેશનું ભવિષ્ય છો’ અને સાથે લાંબા લાંબા ભાષણો ઠોકતા અને પોતે બાપુજીના ખરા વારસદાર છે એમ અમને ઠસાવવા પ્રયત્ન કરતા. કોઈક કોંગ્રેસ નેતા તો એવું પણ ઠસાવતા કે એ પોતે ન હોત તો બાપુજીને આઝાદી હાંસલ કરતાં હજુ વાર લાગી હોત. હવે આ લોકોને કારણે અમારા મહારાજા અમને વ્હાલા વ્હાલા લાગતા.

મારું માનવું છે કે પ્રવચનો થતાં હોય ત્યારે જે શ્રોતા, વકતાની સામે ટગર ટગર જોતા હોય છે તે સહેલાથી હિપ્નોટાઈઝ થઈ જાય છે. અને તેમની આંખો બીડાય જાય છે. આમાંથી બચવું હોય તો બોલનાર સાથે આંખ જ નહીં મિલાવવી. આમાં સ્ટેજ પર બેઠેલાની સ્થિતિ સૌથી દયાજનક હોય છે. ઊંઘ આવે તો આપણે તો ઓડિન્સમાંથી ઊભા થઈને બહાર આંટો મારી આવીએ. પરંતુ સ્ટેજ પર બેઠાં બેઠાં ઝોકું પણ ન ખવાય અને ઉઠાય પણ નહીં. તેમાં સભાપ્રમુખનો તો મરો જ. તેમણે બધાનાં બોરિંગ લેકચરો સાંભળવાં પડે જો કે એમને મનમાં એક શાંતિ હોય છે કે છેલ્લે આ બધાં અત્યાચારોનો બદલો લેવાની તક મળશે.

અમારે ત્યાં અમેરિકામાં તો પહેલેથી નક્કી હોય કે આપણે ફલાણા સંમેલનમાં મળીશું. ચા પાણી-ભોજનનું પણ ત્યાં જ પતી જાય અને પ્રેમથી મિત્રને પણ ભેટાય. એટલે આવા સંમેલનમાં હૉલ કરતા બહાર વધુ લોકો હોય છે. તેમાં કોઈ ધાર્મિક કથામાં પણ એ જ દશા. કથામાં તો લોકો સમજીને જ આવે છે કે આપણે રામ કે કૃષ્ણની વાતો સાત દિવસ સાંભળવાની છે. એટલે કંટાળાનો સવાલ જ નથી. એ કથામાં કોઈ થાકયો પાકયો ઊંઘતો હોય તો લોકો એના તરફ દયાદ્રષ્ટિ રાખી ઊંઘવા દે છે. અમને સ્વામિનારાયણ મંદિરમાં જવાનું ગમે છે. એ જ મંદિર એવું છે કે જેમાં મારે મારી પત્ની સાથે બેસવું નથી પડતું. એટલે હૉલમાંથી ઊઠીને બહાર જતાં કોઈ ન રોકે અને જો બેસી રહીએ તો ધ્યાનના બહાને આંખો મીંચીને બેસવાનું અને માથું ટટ્ટાર રાખીને અકાદ ઊંઘ ખેંચી કાઢવાની. અમેરિકામાં ધાર્મિક કથાઓમાં પણ બહાર મિટીંગ તો ચાલતી જ હોય. પરંતુ લંડન જેવામાં તો હૉલની બહાર થોડું ચાલો ત્યાં પબ મળે ત્યાં બિયરની ચુસ્કીઓ લેતાં લેતાં મિટીંગ થાય અને આવી મિટીંગનો તો નશો જ ઓર હોય છે.

આમાં ભાષણનો વિષય અગત્યનો છે. વિષયની વાત કરીએ તો વડોદરા યુનિ. માં ભણતો હતો ત્યારે પ્રો.રાનડેના બાયોલોજીના કલાસમાં મને કાયમ ઊંઘ આવતી, જયારે જુઓ ત્યારે તે ‘રાના ટિગ્રીના’ પર બોલતા હોય એથી જ અમે તેમને ‘દેડકા સર’ કહેતા. પ્રો.જી.કે.જી જોષીના ઈંગ્લિશના પિરીયડમાં તો મને સપનાં પણ આવતાં. અમારી ટેક્ષ બુક-વિલિયમ થેકેરની ‘વેનિટી ફેર’ તો સપનામાં જ પતી. સામાન્ય રીતે જોષી સાહેબ મારી આ ટેવ સહન કરી લેતા. ફકત એક વખત કલાસમાંથી કાઢી મૂકયો હતો. અને હું બહાર નીકળતો હતો ત્યારે તે બોલ્યો ‘આઈ ડોન્ટ માઈન્ડ યુ સ્લીપીંગ, બટ આઈ હેઈટ સ્નોરિંગ’ પાછળથી મારા મિત્રે જણાવ્યું હતું કે મારા નસ્કોરાં બોલતાં હતા.

મને યાદ આવે છે ભટ્ટ સાહેબ. અતુલ પ્રોડક્ટસમાં જીવનની મારી પહેલી નોકરી હતી. કોલેજ હજુ હમણાં જ પતી. અને નોકરીના અર્થની પણ મને ખબર નહોતી. ભટ્ટ સાહેબનો એક શિરસ્તો હતો. બધાં કેમિસ્ટને પોતાની ઑફિસમાં બોલાવી-પોતે બહુ કડક અને શિસ્તના ચાહક છે એમ અમારા મગજમાં ઠસાવવા લાંબા લાંબા લેકચર મારતા. ત્યારે તેમની આંખોમાં આંખ મેળવવી, એ બહુ જોખમની વાત હતી એટલે એ જયારે મને કોઈપણ પ્રકારનું લેકચર આપતા હોય તો હું બારીની બહાર જોતો. એક દિવસે ભટ્ટ સાહેબે પૂછયું, ‘હું બોલું છું ત્યારે બારીની બહાર શું જુઓ છો ?’ મેં કહ્યું કે ‘સાહેબ, આપણાં સિનિયર કેમિસ્ટ શાહ સાહેબે મને શીખવાડયું છે કે જયારે તમે સામે બેસાડીને લેકચર આપો તો બારી બહારમાં લીમડાના પાંદડા ગણવાનાં. બધાં કેમિસ્ટ તેમ કરે છે અને મેં તો બુક પણ બનાવી છે’ બીજે દિવસે ભટ્ટ સાહેબે બારી બંધ કરાવી દીધી પણ લેકચર આપવાનું તો ચાલુ જ રાખ્યું. જીવનમાંનો એ બોધપાઠ હવે પરણ્યા પછી કામ લાગે છે. પત્ની જયારે પણ લાંબુ લેકચર આપે છે તો ઘરની બહાર દેખાતા ‘ઓક ટ્રી’ ના પાંદડાં ગણું છું અને એ વાત હજુ પત્નીને કહી નથી- એ ડરથી કે કદાચ બારણું જ બંધ કરાવી દે તો ?

એટલે વિષય અગત્યનું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષાનાં પ્રવચનો ખૂબ ભારેખમ હોય છે. એક તો વિષય જ શુષ્ક-ફલાણા યુગની કવિતાઓ કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ કે પછી ફલાણા કવિ કે લેખકની કૃતિઓનું રસદર્શન. જયારે આવા વિષય સ્કૂલ અને કોલેજમાં અભ્યાસક્રમમાં ભણવામાં આવતા ત્યારે નહોતા સાંભળતા. તો હવે સ્વેચ્છાથી સાંભળવા ગમે ખરા ? ઊંઘવા માટે, કવિ સંમેલન નકામાં. એક કવિની કવિતાથી કદાચ ઊંઘ આવતી હોય ત્યાં બીજા કવિ આવે એટલે ઊંઘ ઊડી જાય. અને જો કવિઓએ નક્કી કર્યું હોય કે બધાંએ બે કૃતિ વાંચવાની અને જો કોઈ કવિ ત્રીજી કવિતા વાંચવા બેસી જાય તો તેમના પર ચિઠ્ઠીઓ આવવા માંડશે. ઓડિયન્સમાંથી નહીં, પરંતુ પાછળ બેઠેલા બીજા કવિઓ તરફથી. એટલે આપણી આવતી ઊંઘ ઊડી જાય. અને તેમ ઓછું હોય તેમ લોકો વાહ વાહ કરીને ઊંઘવા નહીં દે !

ભાષણ સાંભળવાની મઝા તો આપણાં વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના ભાષણમાં ! હું કહું છું કે ‘મનમોહનસિંહને કોઈ દુશ્મન જ નથી. કારણ કે એ શું બોલે છે તે જ કોઈને સમજતું નથી. વળી તે હિંદીમાં બોલે છે કે ઈંગ્લિશમાં તે પણ સમજાતું નથી.’ એ એમની જાતે નીચું ડોકું કરીને બોલ્યે જાય છે. મને તો લાગે છે કે દુનિયામાં સૌથી બોરિંગ પ્રવચનો દરેક દેશની પાર્લામેન્ટમાં થતાં હશે. તેમ છતાં ઊંઘવા માટે પાર્લામેન્ટ નકામી. પુષ્કળ બૂમાબૂમ થતી હોય છે. આપણે ત્યાં તો વિરોધ પક્ષ વિરોધ કરવાનું નક્કી કરીને જ આવે અને ગાદી પર બેઠેલા પક્ષના પ્રધાન બીજા એમ.પી.ના માથામાં જાત જાતના આંકડા ફટકારે. એટલે એમ.પી. લોકોને ઊંઘ આવે ખરી ? મને લાગે છે કે એ ઊંઘ ઉડાવવા માટે જ આ સભ્યો બૂમો પાડતા હશે. અને ગાળા ગાળી કરતા હશે.

છેલ્લે, કદી વિચાર્યું છે કે જે લોકોને ભાષણોમાં ઊંઘ આવતી હોય છે તે લોકો કરીના કપૂર સ્ટેજ પર બેસીને બીજું કાંઈ જ ન કરવાની હોય અને ફકત છીંકો ખાવાની હોય તો તેને જોતાં મટકું પણ નહીં મારે !

[ કુલ પાન. : ૧૯૦. કિંમત રૂ. ૨૦૦. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “જાગો સોનેવાલો – હરનિશ જાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.