આંખો – પૂજા તત્સત્

[‘નવનીત સર્મપણ’માંથી સાભાર.]

‘પેલું યુ ટયુબ પર જોયું ?’ એના બોલાયા પછી હું એના તરફ જોવા પ્રેરાયો. એ એટલે મોહિત. એની આદત હતી આમ વાતની વચ્ચે અચાનક કંઈ નવું લઈને કૂદી પડવાની અને બોલ્યા પછી ખુલ્લો મોં અને પહોળી આંખો સાથે પોતાના બોલાયેલા પ્રત્યે જ એટલો અદ્દભુતતાનો ભાવ વ્યકત કરી દેવો કે અન્ય કોઈ એને અદ્દભુત ગણે કે ન ગણે એનાથી એને કોઈ ફરક જ ન પડે એવી વ્યવસ્થા થઈ જાય. ને હું હંમેશ મુજબ એના પ્રત્યે અણગમો અનુભવ્યા વિના ન રહી શક્યો. એનાં મોં-આંખો સામે જોતાં થયું કે વર્ષો પછી આંખના ખૂણા પાસે કરચલીઓ અને કાન પરની સફેદી સિવાય માણસમાં બહુ કંઈ બદલાતું નથી હોતું.

‘શું’ એવું પૂછવું પડે એવો આદેશ એણે પહેલેથી જ પ્રશ્નમાં મૂકી દીધેલો એટલે પૂછવું પડયું. એનાથી છૂટવાના આયાસરૂપે દૂર એની બેચાર મિત્રો સાથે વાત કરી રહેલી મીનાક્ષીની વાયોલેટ સાડી સામે હું જોતો રહ્યો. ‘આવો રીંગણ કલર ?’ એ સાડી લઈને આવી ત્યારે મેં સહેજ વ્યથાથી પૂછેલું. ‘વાયોલેટ-’ ‘મારી સાથે આવે ત્યારે ન પહેરતી-’ મારી શરત એણે અત્યાર સુધી માન્ય રાખી હતી. આજે નહોતી રાખી. એનું કારણ હતું. આમ તો દસ વર્ષ લગ્નનાં. લગ્નની શરૂઆતમાં એ જોબ ન કરતી. સાડી પહેરતી, સેંથો પૂરતી, સાંજે મારી રાહ જોતી. હું ઘણી વાર નવાઈ પામીને કહેતો ‘આ જમાનાની સ્ત્રી થઈને તું… કયાં ગઈ તારી અંદરની પેલી ફેમિનિસ્ટ-’

‘મારી અંદરની નીઓ ફેમિનિસ્ટ સ્ત્રી એવું કહે છે કે કુદરત અને સમાજે એટલી જવાબદારીઓ સ્ત્રી પર નાખી છે કે જો કમાવાની જવાબદારી પણ એ લઈ લેશે તો પુરુષને ભાગે કરવાનું કંઈ રહેશે ખરું ? ને એની સામે પુરુષને આમ જોવા જાઓ તો કમાવા સિવાય કરવાનું શું છે ? તો ભલે કમાયને-’ ‘ઈન્ટરેસ્ટિંગ-’ કહીને હું નવાઈ પામતો. પછી જયારે મુંજાલ બે મહિનાનો હતો ત્યારે એક દિવસ જોબનો અપોઈન્ટમેન્ટ લેટર લઈને મારી સામે આવીને મરકતી ઊભી રહી. ઓફર સારી હતી પણ આવી ઓફરનો એ આ પહેલાં અસ્વીકાર કરી ચૂકી હતી. એટલે લગ્ન પછી બે વર્ષ સુધી સાંજે સાડી પહેરીને રસોઈ કરીને મારી ઓફિસેથી આવવાની રાહ જોતી મીનાક્ષી હવે ઘરે આવતો ત્યારે જોબ પર હોય. એણે બધું ગોઠવી નાખેલું – આયા, રસોયો, કામવાળો. પણ ઓફિસેથી આવું ત્યારે આયા ખોળામાં મુંજાલને લઈ ઘૂઘરો રમાડતી હોય એ દ્રશ્ય તો મારાથી સહન તો થતું પણ સ્વીકારાતું નહીં એ મારે સ્વીકારવું પડે.

માતૃત્વના જે તબક્કે સ્ત્રીઓ લીધેલી જોબ છોડી દેતી હોય છે અથવા એમાંથી અમુક મહિના રજા લેતી હોય છે એવા સમયે આવી જોબ સ્વીકારવાની શું જરૂર પડી હશે એ મને ત્યારે પણ સમજાયું ન હતું. પ્રશ્ન પુછાયા હતા પણ જવાબો સમજાયા ન હતા. જીવનમાં ઘણું બધું સમજવાને બદલે માત્ર સ્વીકારી લેવાનું હોય છે એવું એ વખતે પણ સમજાયું હતું. ને કયારેક બધું જ સમજાય છે એવા તબક્કે પહોંચાય ત્યાં ફરી સમજણનું એક એવું બધું બારણું દેખાય જેને ખોલવાનો અવકાશ જ ન હોય. મુંજાલ આઠ વર્ષનો થયો. હજી ગયા મહિને મારી કંપનીનો હું વાઈસ ચાન્સેલર બન્યો. મીનાક્ષીને પણ આ વર્ષે સારો પે રાઈઝ મળ્યો. નવા ઘરની લોન ભરાઈ રહી છે. લગ્નની શરૂઆતના ‘સેવન યર્સ ઈચ’ નો ઊબડખાબડ રસ્તો પસાર થઈ ચૂકયો છે. જીવન પ્રમાણમાં સમથળ છે.

ગઈ કાલે સવારે ઓફિસ જવા તૈયાર થતી એ વાળ ઓળતી મિરરમાં જોતી હતી. આંખમાં કાજલ લગાવીને થોડુંક આગળ લમણાં પાસે દેખાતી સફેદ લટ પર લગાવ્યું. હું પરિચિત અણગમાથી જોઈ રહ્યો. ‘મારી જેમ ડાય કરતી હોય તો’ બોલતો આ વાત લગભગ કેટલામી વાર કહેતો હોઈશ ને કહીશ તો એનો જવાબ શું હશે એ જાણતો હોવાથી એવા વિચારો માત્ર કરીને અટકી ગયો. આવી અટકી જવાની સમજણ કયારે આવે ને કયારે અચાનક અદ્રશ્ય થઈ જાય એ નિશ્ચિત નથી હોતું. એટલામાં એ અચાનક મારા તરફ ફરીને કહે, ‘આઈ એમ પ્રેગ્નન્ટ. જોબ છોડી રહી છું-’

મારા સાંભળવામાં ભૂલ થઈ હશે. કામવાળો નથી આવવાનો અઠવાડિયા પછી આવશે એવું કંઈ એણે કહ્યું હશે ને મેં આવું કંઈ સાંભળ્યું હશે એવા ભ્રમમાં ઘણી ક્ષણો પસાર થઈ ગઈ. એણે બે વાત કહી હતી. બંને વાતો માહિતી સ્વરૂપે મને આપવામાં આવી હતી. સામે પ્રશ્નો પૂછવો કે આશ્ચર્ય વ્યકત કરતું એવું બધું નક્કી ન કરી શકતાં આખરે મેં પ્રશ્ન અને આશ્ચર્ય મિશ્રિત લંબાવેલ ‘હં’ કહ્યું. અત્યારે પાર્ટીમાં મીનાક્ષીને જોતાં આગલા દિવસની એણે કહેલી વાત જે અમારા જીવનમાં દૂરગામી અસરો પેદા કરવાની હતી એ યાદ કરી રહ્યો હતો ત્યાં મોહિતનો ફરી હુમલો થયો.

‘અરે પેલું યુ ટયુબ પર ગોડ્સ આઈઝ-’ એ અડધું ડગલું મારાથી નજીક આવી ગયો હોય તેવો મને ભાસ થયો. ‘એટલે ?’ મેં નછૂટકે સહેજ કંટાળાથી પૂછયું. વર્ષો જૂના મિત્ર સામે આવો કંટાળો વ્યકત કરવાનું પાછું સ્વીકૃત હોય છે. આસપાસ અંધારા અને અજવાળાની પાર્ટી ચાલી રહી હતી. દિવસે જુદા દેખાતા માણસો રાતની લાઈટોમાં જુદા દેખાઈ રહ્યા હતા. ધીમા મ્યુઝિક સાથે જાણે કલ્પના પ્રદેશમાં કોઈ ગુપ્ત પ્રજાપતિના લોકોના કોઈ અપાર્થિવ મિલન સમારંભ જેવું. મારે આમ માણસોને જુદા માહોલમાં બદલાતા ખૂલતા બંધ થતા જોવા હતા. કોઈ એક વ્યક્તિની સાથે આખી સાંજ ફરજિયાત સંવાદમાં ગાળવાના મૂડમાં હું નહોતો. મોહિત સાથે તો નહીં જ. આવા પ્રસંગોએ હું કંઈ વિચિત્ર રીતે જાત સાથે જોડાઈ શકતો. ખાણીપીણી મોજમસ્તી મશ્કરીની વચ્ચે બધાની દૂર એકાંતમાં સરી પડવાનો ભાવ અનુભવતો.

હું બધું જોતો હોઉં ને મને કોઈ બધું જોતાં સતત જોઈ રહ્યું હોય એવી એક સમજણના પ્રદેશની બહારની અનુભૂતિ મને ઘેરી વળતી. ને ખાસ તો ઘણું બધું યાદ રાખવું ન ગમે એવું ભૂલી શક્તો. અત્યારે પણ હું કંઈ ભૂલવાનો પ્રત્યન કરી રહ્યો હતો. મીનાક્ષીની ગઈ કાલવાળી વાત. ને આવી જ મારી કોઈ ક્ષણો પર તરાપ મારતો એ ફરી બોલી ઊઠયો, ‘અરે ભગવાનની આંખો-’ એનો અદ્દભુત રસ હજી અકબંધ હતો. એણે આમ ફાઈન આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું હતું. વ્યવસાયે બેન્કર. અંદરખાનેથી કલાકાર. મૂળ એક મૂંઝાયેલો માણસ. બહુ તીવ્રતાથી જીવતા લોકો આવી મહેફિલમાં કાં તો અતિશય અંતર્મુખી એવું મેં અનુભવ્યું છે. આમાં મોહિત પહેલી અંતિમતા હતો. હું બીજી.

મેં આસપાસ જોયું. મોહિત આવો જ હોય, આવું જ કરે એવું બધાને ખબર એટલે થોડી વાર પહેલાં અમારી બંનેની સાથેના બે ચાર જણ એકસ્ક્યુઝ મી કરીને આઘાપાછા થઈ ગયા હતા. હું લગભગ પકડાઈ ગયો હતો એ નિશ્ચિત હતું. હું કંઈ આગળ બોલું એ પહેલાં એણે એનો સેમસંગ મારી આંખોની સામે ધરી દીધો. મોબાઈલ સ્ક્રીન પરની વિડિયો ક્લિપના બ્લુ સફેદ રંગોએ મારી આંખોનો કબજો લઈ લીધો. કોઈ વ્યકતિએ પોતાના મોબાઈલ પર રેકોર્ડ કરેલ દ્રશ્ય… સાંજનું ઝાંખું અંધારું વિશાળ મેદાન ને એની ઉપર આસમાની ભૂરું આકાશ. ધીમે ધીમે વાદળોની વચ્ચે ઊપસતી બે આંખો આકાર લઈ રહી. થોડી વાર હું મોહિત, પાર્ટી, મીનાક્ષીની સાડી બધું ભૂલીને મુગ્ધ થઈને જોઈ રહ્યો. આવી આંખો ભગવાનની જ હોઈ શકે. બે સ્પષ્ટ ભાવસભર વિશાળ કમળ સરખી આંખો. પવનમાં સહેજ ફરકતાં વાદળોની વચ્ચે આંખો પણ જાણે મટકું મારતી ને ફરી એ જ ભાવથી એકધારું જોઈ રહેતી જાણે નીચેની સમગ્ર સૃષ્ટિ પર નેહ વરસાવતી. હું બસ જોતો રહ્યો. જેનાથી સતત જોવાતા હોઈએ એવું અનુભવાય છે એ આ… કુતૂહલ, શ્રદ્ધા, ભાવ, અહોભાવ… બધું એકમેકમાં ભળીને મારામાં ટપકતું રહ્યું.

‘જોયું, આપણે કહીએ છીએને ભગવાન બધું જુએ છે એ આ-’ મોહિત થોડીક વાર મૂંગો થઈ જાય તો કેવું સારું. હું ભાવમગ્ન હતો. ‘મુંજાલ… મુંજાલ મળતો નથી-’ મીનાક્ષી છેક પાસે આવીને આ કહી રહી હતી ત્યારે હું હજી મોહિતના મોબાઈલ સ્ક્રીન પર ભગવાનની આંખોમાં ભીંજાયેલો હતો. મેં સહેજ બાઘાની જેમ મીનાક્ષી સામે જોયું. બે દિવસમાં આ બીજી વાર એ એવી વાત કહી રહી હતી જે તરત માનવામાં આવે તેવી ન હતી. ને ફરી એકવાર મેં સાંભળવામાં કંઈ ભૂલ કરી હશે એવું માનીને થોડી ક્ષણો ચૂપ રહ્યો. ધીમે ધીમે એના શબ્દો ભરી સભાનતામાં પ્રવેશ્યા ને પછી એક ત્વરાથી શબ્દો વિનાના અંસખ્ય વિચારો દોડવા લાગ્યા. ગઈ કાલે મીનાક્ષી સાથે થયેલી વાત હજી પૂરેપૂરી રીતે ગળે ઊતરી ન હતી. અને અત્યારે આ ઘટના… મુંજાલ મળતો નથી… વાકય ખોટું હતું કે વ્યાકરણ કે બીજું કંઈ. અંતે ગઈ કાલની વાતને મેં ભૂસીને મુંજાલ ખોવાયો છે એ ઘટના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

‘સાક્ષીનો ફોન હતો. એ લોકો અક્ષત અને મુંજાલને ગાર્ડનમાં રાઈડ્સમાં ત્યાં સહેજ ભીડ, આસપાસ લોકો, એ ન દેખાયો શોધ્યો બે કલાક, પોલીસ…’ મીનાક્ષી સભાનપણે સ્વસ્થ રહેવાનો પ્રત્યન કરી રહી હતી એ એના તૂટેલા વાકયમાં દેખાતું હતું. પાર્ટી હવે ટોળું બની ગઈ હતી. મોહિત હવે આસપાસ જમા થયેલા જાણીતા અજાણ્યા ચહેરાઓને મુંજાલવાળી વાત કહેવામાં વ્યસ્ત થઈ ગયો હતો. એના મોં પર હજી અદ્દભુતતા અકબંધ હતી. માત્ર વિષય બદલાવાથી એના પર સહાનુભૂતિનું આવરણ ચડયું હતું. મને સહેજ રોષ ચડયો પણ આટલા બધા લોકોના એકસાથે શું થયુંના પ્રશ્નનનો જવાબ આપવાની મારી ફરજ એ પૂરી કરી રહ્યો હતો એ વાતની રાહત હતી.

ત્યાર પછી બે કલાકમાં જે બન્યું એની કલ્પના કરવી આઠ વર્ષના ખોવાયેલા બાળકનાં માતાપિતા ન હોય એવા લોકો માટે પણ અઘરી નથી. પોલીસની પૂછપરછ, સતત રણક્તો ફોન અને એની રિંગ સાથે રણકતા અમારા બંનેનાં આશંકિત હ્યદયો. એક ખોવાયેલા બાળકનું વર્ણન. એ બાળક જે અમારું હતું. બ્લુ જીન્સ, ગ્રીન ટીશર્ટની ઓળખ અમે એને આપી હતી. એ ઓળખ ખોવાઈ હતી. મારી અને મારી બાજુમાં બેઠેલ થોડીથોડી વારે હીંબકા ભરી રહેલ વાયોલેટ સાડીવાળી સ્ત્રીની. પોલીસ સ્ટેશનમાં બેંચ પર બેઠેલ મારી સામે અસ્તિત્વની નવી ઓળખોનું આધિભૌતિક વિશ્વ આકાર લઈ રહ્યું હતું. હું મારા શરીરમાંથી નીકળીને મારી પીડાને જોઈ રહ્યો હતો. એ ક્ષણે અચાનક કયાંકથી જાણે હું પણ કોઈની આંખોથી સતત જાણે જોવાઈ રહ્યો હતો એવી એક અનુભૂતિએ મને ફરી એક વાર તીવ્ર રીતે જકડી લીધો. એનાથી જાણે પીડાનું કોઈ રીતે શમન થઈ રહ્યું હતું.

એ આવ્યો. એના હાથમાં પોલીસે આપેલી ડેઈરી મિલ્ક હતી. પણ એ ચોકલેટ નહીં ને જાણે કોઈને આપવા માટેનું કવર હોય એટલી તટસ્થાતાથી એ હાથમાં પકડીને ચાલી રહ્યો હતો. અમે બંનેએ એકસાથે એની સામે જોયું. કયાં ગયો હતો આવી રીતે કહ્યા વિના, કેમ શું કર્યું આટલો સમય, કયો પ્રશ્ન પહેલા પૂછવો, કંઈ પૂછવું કે પછી માત્ર એના મળી જવાની રાહતને પંપાળવી એવી અવઢવમાં હું રહ્યો પણ મીનાક્ષી બે કલાકના આંસુથી દ્રઢ બનેલા ગુસ્સાથી બોલી પડી ‘કયાં જતો રહ્યો હતો ?’ ‘બેટા આમ કહ્યા વિના જતા રહેવાય ?’ કોઈ બીજું પણ આસપાસમાં બોલી ઊઠયું.

એની આંખોમાં આછો ગભરાટ હતો. પણ એના કરતાં વધારે કોઈ વિચિત્ર સ્વસ્થતા હતી. એ સામે કાચના ટેબલ પર પડેલ ગોળાકાર પ્લાસ્ટિકના પારદર્શક પેપરવેઈટમાં દેખાતી ઝીણી દરિયાઈ વનસ્પતિની સામે એકીટશે જોઈ રહ્યો હતો. ‘મમ્મી જતી રહેવાની છે-’ એણે ગંભીરતાથી કહ્યું. ‘તને કોણે કહ્યું ?’ મેં પૂછયું. ‘કાલે મમ્મી એવું કહેતી હતી એ બેબીને લઈને જતી રહેશે. ‘એ પેપરવેઈટ સામે જોવાનું ચાલુ રાખતાં બોલ્યો એ સાથે જ મારા મનમાં ગઈ કાલે મીનાક્ષી સાથે થયેલી વાત તાદશ્ય થઈ. ‘દસ વાગી ગયા છે ચલો આપણે ઘરે જતાં થઈએ-’ મોહિત અને બીજા પાર્ટીમાં આવનાર બેચાર મિત્રો અમારી સાથે હતા. મેં મોહિત સામે નાજુક ક્ષણે અમને બચાવી લેવા બદલ આભારવશ નજરે જોયું.

કારમાં હું ને મીનાક્ષી ગોઠવાયાં. પાછલી સીટમાં મુંજાલ એની ટેવ પ્રમાણે આગળની બંને સીટની વચ્ચેના ગેપમાંથી કારના ફ્ર્ન્ટ કાચમાંથી બહાર જોઈ શકે તેમ ગોઠવાયો. સામાન્ય રીતે સતત થરકતો નવાં ગીતોની ધૂન ગણગણતો કે કંઈ ને કંઈ બોલ્યો કરતો એ આજે આશ્ચર્યજનક રીતે શાંત હતો. મીનાક્ષીની આંખો કાચમાંથી બહાર દોડતા વાહનો પર સ્થિર હતી. હું પણ સ્તબ્ધતામાંથી બહાર નીકળ્યો ન હતો. કહેવાની જરૂર ન હતી કે મારા અને મીનાક્ષીના મનમાં એકસાથે એક જ વિચારો દોડી રહ્યા હતા. ગઈ કાલે એની પ્રેગ્નન્સી અને જોબ છોડવાના નિર્ણયની એણે મને જાણ કરી કે તરત થોડી વાર હું મૂક થઈ ગયો હતો. પછી મારાથી ન રહેવાતાં અચાનક હું બોલી પડેલો.

‘બધા નિર્ણયો તું જ લેતી આવી છે મને પૂછવાનું તો હોતું નથી. જાણ પણ ન કરી હોત તો ચાલત-’ ‘આ કોઈ મારો નિર્ણય નથી. તું પણ જાણે છે આ પ્રેગ્નન્સી પ્લાનિંગ નહીં પણ ભૂલ છે. જોબ છોડવાનો નિર્ણય મેં એને પરિણામે કર્યો છે-’ ‘ધેન ડ્રોપ ધ ચાઈલ્ડ. મુંજાલ માત્ર બે મહિનાનો હતો ત્યારે તો તેં જોબ શરૂ કરી હતી. અને હવે જયારે તું પીક પર છે એક બાજુ ઘરની લોન ભરાય છે ત્યારે આ બાળક, જોબ છોડવાનો નિર્ણય, આ બધું-’ ‘જાણું છું. અને એટલે જ. મારે આ બીજા બાળકના બાળપણની એકેક ક્ષણને માણવી છે. મેં મુંજાલના બાળપણમાં જે ક્ષણો મીસ કરી છે એ પાછી મેળવવી છે-’
‘અચાનક આ માતૃત્વ કયાંથી ઊભરાઈ આવ્યું ! આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યુ-’ મેં દાંત ભીંસ્યા હતા. આઠ વર્ષ પહેલાંના નેપીઝની વાસ, કયારેક એણે તો કયારેક એ થાકેલી હોવાને કારણે મેં કરેલા ઉજાગરા, ફરી ડોકટરની મુલાકાતો, ફરી વેક્સિનેશન, ફરી માંદા બાળકના કજિયાથી અને અમારી દિવસભરની થાકેલી કડવાશના કલહથી ઊભરાતું ઘર… ઘરની લોન… વિચારો કરીને મને અચાનક થાક લાગ્યો. આ સ્ત્રી શું કરવા બેઠી છે મારે ફરી એક વાર બધું સમજવું હતું ને ફરી એક વાર મને સમજવાના સંઘર્ષથી થાક લાગી રહ્યો હતો.

‘યુ ડોન્ટ નીડ યુ-’ એ બોલી. એની આંખોમાં આંસુ જોઈને હું પીગળું એ પહેલાં એણે ફરી પ્રહાર કર્યો, ‘તારે ન જોઈતું હોય તો મારે જોઈએ છે આ બાળક. હું જતી રહીશ એને લઈને-’ ‘તું મુકત છે જે કરવું હોય તે કરવા, હું રહીશ એકલો-’ ‘એકલો શેનો મુંજાલ રહેશે તારી સાથે. હું તને એમ જવાબદારીમાંથી છટકવા નહીં દઉં-’ એણે આંખનાં આંસુ પર ગુસ્સાનું આવરણ ચડાવતાં કહ્યું. અંદર કયાંક થતું હતું કે કંઈ થવાનું થઈ રહ્યું છે ન બોલવાનું બોલાઈ રહ્યું છે. ને કોઈ સતત જોઈ-સાંભળી રહ્યું છે. અમને બંનેને જાણે આ સંવાદોની બાલિશતા સમજાતી હતી ને છતાં સમજાણની દીવાલને ઓળંગીને સામસામા ફેંકાતા શબ્દો સામે અમે બંને નિર્બળ બની ગયાં હતાં.

‘ભલે તો એમ જ થશે. કાલે બધું નક્કી થઈ જશે-’ બોલતો ક્રોધનો નિશ્વાસ ફેંકતો હું ઊભો થઈને બેડરૂમના અધખૂલા બારણા તરફ ગયો. બારણું બ્લુ બોક્સિંગ ગ્લવ્ઝ પહેરેલ ચાર નાની આંગળીઓએ પકડેલું હતું. એ આંગળીઓની લગોલગ સહેજ ત્રાંસા માથાના કપાળ પરની કાળા વાળની ઝાલર નીચે બે આંખો અમને જોઈ રહી હતી. એ મુંજાલ હતો. અમારા બંનેના મનમાં ચાલતી ગઈ કાલની ઘટના જાણે એકસાથે પૂરી થઈ હોય એમ અમે બંનેએ એકસાથે સામેના મિરરમાં દેખાતી વાહનોની લાઈટના પ્રતિબિંબ ઝીલતી મુંજાલની ચમકતી આંખો સામે જોયું.

એક ઘટના અને એના પરિણામ વચ્ચેના જોડાણની અનપેક્ષિતતા ઘણી વાર એટલી સ્તબ્ધ કરી મૂકતી હોય કે તું કયાં જતો રહ્યો હતો કેમ કહ્યું નહીં, મમ્મી કંઈ તને મૂકીને જાય ખરી ? એવાં બધાં અમારા સંયુકત ગિલ્ટથી ખરડાયેલાં વાકયો અમારા ઘરે પહોંચ્યાના કલાકેક પછી ઊગ્યાં. ને એ પણ પ્રયત્નપૂર્વક, આવાં વાકયો ન બોલાય તો કંઈક અધૂરું રહી જાય એવી સભાનતાથી. નવા ઊગેલા મોગરાના ફૂલના છોડ પર તદ્દન લાપરવાહીથી વજનદાર બેગ મુકાઈ જાય ને પછી મૂર્છિત મોગરાને જોતાં થાય એવી લાચાર મૂર્ખતાની અનુભૂતિ કેટલાય દિવસ સુધી અમને વીંટળાયેલી રહી.

છ મહિના પછી નારાયણી આવી. અમારા જીવનમાં, અમારા ઘરમાં. સવારે ઊંઘમાંથી ઊઠતાંવેંત સૌ પહેલાં એની સૂતેલી આંખોનાં પોપચાં જોઉં ત્યારે થાય કે બધું સમજાતું નથી ને બધું સમજવું જરૂરી પણ નથી હોતું. ‘એના આટલા નાના શરીરના પ્રમાણમાં નારાયણી નામ જરા ભારેખમ નથી લાગતું ?’ હું પૂછું. ‘અહં. મને ગમે છે,’ મીનાક્ષી કહે. આજે સવારે વળી કહે, ‘હાય, થાકવી નાખે છે બબ્બે છોકરાં. આ તો આપણને માતૃત્વનો મોહ હોય એટલે બાકી અઘરું છે હોં આ જમાનામાં બે-’ મારી ફેમિનિસ્ટ, નીઓ ફેમિનિસ્ટ, ન સમજાય તેવી પત્ની.
એવામાં તરત પોતાના હાથની મુઠ્ઠીઓ વાળીને એના તરફ ધ્યાનથી જોતી બેડ પર સૂતેલી ત્રણ મહિનાની નારાયણીએ ધ્યાનથી મારી સામે જોયું. મેં મોં પર આંગળી રાખી મીનાક્ષીને ચૂપ રહેવા ઈશારો કર્યો. ‘ભગવાન બધું જુએ છે,’ મેં કહ્યું. મીનાક્ષીએ સહેજ ભવાં ચડાવીને અડધું સમજતી હોવાનો અભિનય કર્યો ને હું નારાયણીની બે તગતગતી સ્વચ્છ તેજસ્વી આંખો સામે જોઈ રહ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “આંખો – પૂજા તત્સત્”

Copy Protected by Chetan's WP-Copyprotect.