પરમતત્વની પ્રાપ્તિ આપણો જન્મસિદ્ધ અધિકાર – મોરારિબાપુ (સં. જયદેવ માંકડ)

[ પ્રસ્તુત લેખ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘નવગુજરાત સમય’માંથી સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી જયદેવભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર.]

bapu (426x640)તુલસીજી અને જગદગુરુ આદિ શંકરાચાર્ય બંને સત્સંગને અત્યંત દુર્લભ માને છે. પહેલા હું આદિ શંકરાચાર્યથી શરુ કરૂં. તેઓ કહે છે આ સંસારમાં ત્રણ વસ્તુઓ અત્યંત દુર્લભ છે.એક તો,આપણે મનુષ્ય થયા એ બહુ મોટી દુર્લભ ઘટના છે. આપણે મનુષ્ય છીએ એ કોઈની કૃપાનું પરિણામ છે. વર્તમાન સ્વભાવ,વૃત્તિ,પ્રવૃત્તિ જોઇને તો આપણે ખુદ આપણી જાતથી શરમિંદા થઇ જશું કે આપણે મનુષ્ય થવાને લાયક છીએ? કોઈની કરુણાનો પ્રસાદ છે. પછી આદિશંકર કહે છે કે ‘મુમુક્ષાભાવ’ જાગે કે મારે મુક્ત થવું છે. તત્વત: તો જગદગુરુ શંકરાચાર્ય કહે છે તું મુક્ત જ છે. જેમને તત્વની જાણકારી થઇ જય એમના માટે સંસાર બંધન ક્યાં છે? પરંતુ કેવળ બોલવાથી વાત નથી બનતી.

સત્સંગ માટે ખાસ સમય ફાળવો, પ્લીઝ. એક કલાક ફાળવો તો પછી એ એક કલાક કેવળ અને કેવળ સત્સંગ માટે જ હોય. લોકો કહે છે વાત બનતી નથી. વાત બનશે,કેમ નહી બને ? જો તે બરાબર સત્સંગ ન કર્યો તો, પછી કોઈ મા તારા માટે ગર્ભ ધારણ નહી કરે. મનુષ્યત્વમ્ દુર્લભ છે. બહુ ગંભીરતાપૂર્વક થતી જીવનની મહત્વની વાતો માટે જ સમય ફાળવવો જોઈએ.

હવે જુઓ ભાઈ,વાત એમ છે કે મુક્તિ તો ક્યારેક ને ક્યારેક બધાને મળવાની જ છે. કેવળ સમયનો ફર્ક છે. આપણે કપડાં ધોઈએ છીએ તો એને ધોયા પછી આપણે ઝાટકીએ છીએ, પછી એને કોઈ દોરી પર, તડકામાં કે હવામાં સુકવીએ છીએ. શું કપડાંને દોરી પર લટકાવીએ છીએ અને તેને સૂરજનો તડકો મળે, હવા મળે, તો જ કપડાં સુકાશે ?….. શું આવો કોઈ સિદ્ધાંત છે ? ના. તેમ મુક્તિ તો મળે જ છે, પરંતુ જેમણે આ જન્મમાં પારમાર્થિક આનંદ મેળવવો હોય, વિવેકનો આનંદ લેવો હોય એમણે બે બાબત કરવી જરૂરી છે – એક તો કપડાંને દોરી પર સૂકવો,અને એના પર સૂરજનો તડકો આવવા દો. સૂર્ય જ્ઞાનનું પ્રતિક છે. વાસનામાં ભીંજાયેલું આપણું પોત જ્ઞાનથી તેમજ પવન એટલે પ્રાણશક્તિથી સુકાશે. લોકમાન્ય તિલકે કહ્યું હતું કે ‘સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે : ‘શું આપણે એમ ન કહી શકીએ કે આ જીવનમાં પરમતત્વની પ્રાપ્તિ અમારો જન્મસિદ્ધ અધિકાર છે ?’ વાસનાથી ભીનાં કપડાં સુકાય એ માટે વિવેક અને જ્ઞાનનો સૂરજ જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે મારાં ભાઈ-બહેનો કે….. શંકરાચાર્ય અને ગોસ્વામીજી બંને કહે છે કે સૌથી દુર્લભ તો આ મનુષ્ય દેહ છે, એનાથી વધુ દુર્લભ છે મુમુક્ષાભાવ અને એનાથી પણ દુર્લભતમ વસ્તુ છે મહાપુરુષનો સંગ. શંકરાચાર્યનું વાક્ય છે કે સત્સંગ અત્યંત દુર્લભ છે. શ્રેષ્ઠ મહાપુરુષનો સંગ દુર્લભ છે.

મારા માટે બધો જ સત્સંગ છે. કથા અસીમ છે. એને આપણે સીમિત શા માટે કરીએ ? સંકીર્ણ મરી જશે, વિશાળ નહીં મરે. કથાને સંકીર્ણ કરી નાખી છે ! અશુભ ન સાંભળવું. કોઈ કોઈની ઈર્ષ્યા કરે એ ન સાંભળવું; કોઈ કોઈની નિંદા કરે એ ન સંભાળવી. વિવેકપૂર્ણ મનાઈ કરી દેવી. સાંભળવું તો બધું જ પડશે, પરંતુ અશુભ ન સાંભળીએ. આપણે એને બદલી શકીએ છીએ,શાલીનતાથી જવાબ આપી શકીએ છીએ. સામેવાળા સમજી જશે કે વિષયાંતર થઇ ગયું ! કોઈની નિંદા ન સાંભળો, સંતોની વાણી સાંભળો. હું સંતોને સાંભળું છું. સાહિત્યકારોના પોગ્રામ સાંભળું છું. એ મારી શ્રવણભક્તિ છે. તમે કોઈની કવિતા સાંભળો તો કાન માંડીને સાંભળો. એ પણ કથા છે. જ્યાં શુભ વાતો થાય છે એ પણ રામકથા છે. કોઈ મુશાયરા, કોઈ શેર-શાયરી, શુભ હોવું જોઈએ, બસ. એમાં સત્યતત્વ હોવું જોઈએ. કોઈ સંચાલન કરે, સમાજ ને જાગ્રત કરતી વાણી ઉચ્ચારે, સારું પ્રવચન કરે, એ બધું રામકથા છે. ગાંધીબાપુ જે બોલે એ હરિકથા છે, કેમ કે એમણે વિશ્વમંગલ માટે પોતાની વાણીનું દાન કર્યું હતું. એ ખાદી પર બોલે તોયે હરિકથા છે. સ્વદેશી વસ્તુ પર બોલે તોયે હરિકથા છે. ગ્રામોદ્યોગ કે સત્યાગ્રહ પર બોલે એ પણ હરિકથા છે અને આઝાદી પર બોલે તે પણ હરિકથા છે.

સત્સંગ હરિની કૃપા વિના સુલભ નથી. સત્સંગમાં જવાનો મોકો મળે તો સમજવું કે હરિકૃપા થઇ રહી છે. જો રામકૃપા-હરિકૃપા ન હોય તો દુર્લભમાં દુર્લભ એવો સત્સંગ સુલભ નથી થઇ શકતો. પૈસા આપવાથી સત્સંગ સુલભ નથી થતો. પદ-પ્રતિષ્ઠાથી સત્સંગ ક્યારેય સુલભ નથી થયો. સત્સંગ સુલભ થાય છે અમૂર્ત કૃપાથી. કૃપા મૂર્ત નથી હોતી અમૂર્ત હોય છે. કૃપાનો કોઈ સમય તમે નક્કી ન કરી શકો.રામકૃપા-હરિકૃપા નિરાકાર,અમૂર્ત,વ્યાપક,સર્વકાલીન છે. એ અષાઢી મેઘ નથી, બારમાસી મેઘ છે. કૃપા ક્યારે થશે એ ભૂલી જાઓ, થઇ રહી છે એને ઓળખો. ક્યાં થશે એ ભૂલી જાઓ, તમે જ્યાં હશો ત્યાં થશે.

જયારે કોઈ સત્સંગ મળે તો સમજવું કે જે નિરાકાર હતી એ કૃપા કોઈ ને કોઈ રૂપ ધારણ કરી રહી છે. અને પછી શું થશે? બે વસ્તુ ભાગી જશે, એક તો મોહ અને બીજો ભ્રમ. ઈશ્વરનાં ચરણનાં પ્રેમની આ બે જ બધા છે. પ્રેમમાં મોહ અને ભ્રમ બાધક છે. મોહ-ભ્રમ મરશે ત્યારે રઘુનાથનાં ચરણ પ્રતિ અનુરાગની સાથે સમગ્ર જગત પ્રતિ અનુરાગ થશે. જયારે પ્રભુના પ્રેમની વાત આવે છે ત્યારે એમની સમગ્ર પ્રભુતાને પ્રેમ કરવો એ જ પ્રેમ છે.

(સૌજન્ય : ‘નવગુજરાત સમય’)
(તસ્વીર સૌજન્ય : છબી ફોટોગ્રાફી.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “પરમતત્વની પ્રાપ્તિ આપણો જન્મસિદ્ધ અધિકાર – મોરારિબાપુ (સં. જયદેવ માંકડ)”

Copy Protected by Chetan's WP-Copyprotect.