[‘ભૂમિપુત્ર સામાયિક’માંથી સાભાર.]
આ વખતનું ચોમાસું બહુ આકરું હતું. અઠવાડિયાથી એકધારો પડતો વરસાદ અટકવાનું નામ નહોતો લેતો. ફાટયૂં-તૂટયું પ્લાસ્ટીક ઓઢીને નિશાળે ગયેલો સુરેશ ઘરે આવ્યો ત્યારે પગથી માથા સુધી ભીનો થઈ ગયેલો. જો કે, પોતે ભીંજાયો એ વાતનો એને અફસોસ નહોતો, પણ…. ‘મા, જોને, મારી ભણવાની ચોપડીઓ પલળી ગઈ.’ એણે રડમસ અવાજે સવલીને કહેલું. ‘આજે જ તારા બાપુને વાત કરું. ચોપડી પલળે એ તો ચાલે જ નંઈ. પછી તું ભણે શી રીતે ?’
સવલીએ કિસનાને વાત કરી ને કિસનો સુરેશને લઈને તાબડતોબ પહોંચ્યો શુક્કરવારી બજારમાં. દર શુક્રવારે શૌકતભાઈ પોતાની છત્રી સમારકામ કરવાની હાટડી માંડીને બેસતા. આ નાનકડા, મોટે ભાગે ગરીબ અને પછાત વર્ગની વસ્તીવાળા ગામમાં છત્રી તો માંડ બે-પાંચ સુખી લોકો પાસે હોય એટલે છત્રી સમારવા કરતાં કપડાને રફૂ કરવાનું એમનું કામ વધુ ચાલતું. તેઓ રફૂ કરવામાં એવા પાવરઘા કે ગમે તેટલું શોધે તો ય કોઇને ખબર ન પડે કે કયાં રફૂ કરેલું છે ! ‘શૌકતભાઈ, કેમ છો, મજામાં ?’ ‘બસ, અલ્લાના કરમથી બધું ઠીકઠીક ચાલે છે. આવ કિસન, આવ ! આજે તો કંઈ તારા સાબજાદાને ય સાથે લઈને આવ્યો છે ને કંઈ ? કેમ છે બેટા સુરેશ ? બરાબર ભણે છે ને ? કઈ ભણે છે દીકરા ?’
શૌકત અને કિસાનની વર્ષો જૂની ભાઈબંધી. કિસનનો દીકરો નિશાળમાં જઈને એટલું સારું ભણે છે કે, પૈસાવાળાના છોકરાઓ કરતાંય આગળ નીકળી જાય છે એવી વાત સાંભળેલી ત્યારથી તેઓ બહુ ખુશ હતા. બાકી આ તદ્દન અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામમાં દલિતનો છોકરો બે ધોરણથી આગળ ભણ્યો હોય એવું સાંભળ્યું નથી. ‘આઠમીમા છું ચાચા.’ સુરેશે કંઈક સંકોચ સાથે જવાબ આપ્યો. આઠમી સુધીનું ભણતર એટલે કેટલું એ તો શૌકતભાઇને સમજાયું નહીં, પણ એ ઘણું કહેવાય અને છોકરો બહુ હોશિયાર છે એટલી તો એમને ખબર હતી. તેથી જ એમણે માથું હલાવતાં હલાવતાં ‘બહોત ખૂબ, બહોત ખૂબ’ કહ્યું અને પછી પૂછયું, ‘બોલ ભાઈ કિસન, શું કામ પડયું ?’
‘કામમાં તો શૌકતભાઈ, આ છોકરાનું જ કામ છે. આટલા દા’ડાથી મંડાયેલ આ ગાંડા વરસાદમાં નિશાળે જતાં-આવતાં તેની ભણવાની ચોપડિયું પલળીને લોંદો થઈ જાય છે. બચાડો પછી ભણે કેમનો ? મેં કીધું, ચાલ મારી ભેગો ચાચા પાંહે. ચાચા કાંક રસ્તો કાઢી આપશે.’ ‘અરે, એમાં કઈ મોટી વાત છે ? છતરી બનાવવાનો સામાન તો મારી પાસે છે જ. એવી સરસ મજાની છતરી બનાવી આપું કે, ચોપડા પર પાણીનું એક ટીપું ય નંઈ પડે.’ સુરેશે તો ધાર્યું હતું કે, કદાચ કાકા કંઈક વધારે સારી જાતનું અને જાડું પ્લાસ્ટીક આપશે, એને બદલે છત્રીની વાત સાંભળીને એનો ચહેરો ખીલી ઊઠ્યો, ‘છત્રી ? અને મારી પાસે ?’ એ જાણે સાતમા આસમાન પર પહોંચી ગયો.
કિસને શિયાવિયા થતાં કહ્યું, ‘શૌકતભાઈ, છતરી બનાવી આપો ઈ તો તમારી મોટી મેરબાની પણ મારાથી એકદમ તો પૈસાનો જોગ…’ ‘પૈસા કોણે માગ્યા તારી પાસે ? એમ સમજે છે કે, એ ફકત તારો જ દીકરો છે ? જા, છત્રી મારા તરફથી – એના ચાચા તરફથી સુરેશને ભેટ. બસ ?’ સુરેશનો તો હરખ કયાંય માતો નહોતો. ‘ચાચા ખરેખર ? મારે વાસ્તે તમે છત્રી બનાવી આપશો ? કયારે ?’ ‘જો ને બેટા, છત્રી માટે મજબૂત કપડું શોધું, એમાં તાર લગાડું, દાંડો બેસાડું. આ બધા કામમાં થોડો વખત તો જાય જ ને ? એમ કર, આવતા જુમ્મે આવીને લઈ જા. કેમ, રાજી ને ?
સુરેશને જાણે આટલાં વર્ષોની ખુશી એકીસાથે મળી ગઈ. એના આનંદનો પાર નહોતો. શનિ, રવિ, સોમ… જેમતેમ કરતાં ગુરુવાર આવ્યો. હા…શ, કાલે તો છત્રી મળી જશે. આખી રાત એણ પડખાં ઘસીને કાઢી. થોડીઘણી ઊંઘ આવી તો એમાં ય છત્રીનાં જ સપનાં આવ્યાં. શુક્રવારે એ નિશાળેથી ઘરે આવ્યો ત્યાં સુધીમાં કિસને શૌકતચાચા પાસે જઈને છત્રી લાવી રાખેલી. છત્રી હાથમાં લીધી ત્યારે સુરેશની છાતી જોરજોરથી ધડકવા લાગી. પછી તો એને મજા પડી ગઈ. નીચેની ચાપ દાબે એટલે ફટાક કરતી છત્રી ખૂલે અને ઉપરની દાબે એટલે બંધ થઈ જાય. બીજે દિવસે એ નિશાળે છત્રી લઈ ગયો. બધા જોશે તો વટ પડી જશે. છેલ્લા એક સપ્તાહથી પળેપળ જેની રાહ જોઈ હતી એ છત્રી એના હાથમાં હતી. સૌથી પહેલાં વકીલબાબુનો દીકરો પંકજ મળ્યો. છત્રી જોઈને કહેવા લાગ્યો,
‘ઓહો, હવે તમારી જાત વાળા પણ છત્રી વાપરવાનાં એમ ? માણસે હંમેશા પોતાની ન્યાત, જાત ને લાયકાત જોવી જોઈએ સમજયો ?’ સુરેશની છાતીમાં જાણે કશુંક અણીદાર ખચાક્ કરતું ઘૂસી ગયું. દોલતસર હજી વર્ગમાં આવ્યા નહોતા. સાહેબની ગેરહાજરીમાં છોકરાઓ બરાબરના તોફાને ચઢયા હતા. સુરેશ ચૂપચાપ છત્રી બગલમાં દબાવીને બેઠો હતો. એવામાં ગુસ્સાથી ધમધમતા દોલતસર આવી પહોંચ્યા. ‘કોણ છે હરામખોર ? સાલા, નાલાય્ક, આ કંઈ તમારા બાપની નિશાળ છે ?’ એમના મોંમાંથી સ્વસ્તિ વચનો નીકળવા લાગ્યાં. ‘મારીમારીને સાલાઓને સીધા કરું છું.’ એમ બોલતાં એમની નજર સુરેશની છત્રી પર પડી. ઝાપટ મારીને એમણે છત્રી ઝૂંટવી લીધી ને પછી તોફાની ટોળા પર તૂટી પડયા. જોરજોરથી ત્રણ-ચારને ઝૂડી કાઢયા ત્યાં છત્રી બિચારી વચ્ચેથી તૂટી ગઈ. માસ્તર છત્રી ત્યાં જ ફેંકીને ધૂંઆ-પૂંઆ થતા આચાર્યને ફરિયાદ કરવા ગયા.
ઘડીભર સુરેશને એવું લાગ્યું જાણે એનો શ્વાસ થંભી ગયો. ઘસડાતાઅં પગલે એ છત્રી પાસે પહોંચ્યો. છત્રીને ઉપાડી એણે એવી રીતે ગળે વળગાડી જેમ કોઈ પોતાના મૃત્યુ પામેલ સ્વજનને છેલવેલ્લું ભેટે. એવું કરતી વેળા એની આંખોમાં આંસુને બદલે ભારોભાર નફરત હતી. તે દિવસે છત્રીના મરણની સાથે સાથે એક માસુમની ઈચ્છાઓ, લાગણીઓ અને એની માણસાઈમાંની આસ્થાનું પણ બાળમરણ થયું.
10 thoughts on “બાળમરણ – આશા વીરેન્દ્ર”
બહુ સરસ. કદાચ આ જ પ્રકારની એક ટુંકીવાર્તા મે વાંચી હતી “બુટ”. ખુબ લાગણીશીલ થઈ જવાય છે આવી વાર્તાઓ વાંચીને મારુ મન મારાથી બનતી મદદ ગરીબો ને કરવાનુ થાય છે કે જેમને હકીકત મા નાની નાની વસ્તુ માટે વલખા મારવા પડે છે.
લેખક શ્રેી , આજ રીતે લખતા રહો.
Beautiful & emotional story!!!
Very nice and heart touching story.. may things r nt imprnt for us.. bt at the same time d same thing might be very precious for oder.. the message of story is very good.. always respect others emotion
good story!
બહુ સરસ મનોવૈગ્યનિ વર્ત
Heart touching story…
Very nice one & also very emotional
આશાબેન,
બહુ સંવેદનશીલ કથા આપી. આભાર. છત્રીથી બાળકોને મારતા { વાંક-ગૂનો જોયા વિના} સાહેબો શું ભણાવતા હશે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
KOINO GUSSO KOI BIJA PAR KEM ?
સુંદર કથાનક ..