ક્યાં ગયા એ દિવસો !! – સુશાંત ધામેચા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુશાંતભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 99749 00422 અથવા આ સરનામે sushantdhamecha21@gmail.com સંપર્ક કરી શકો છો.]

street (640x480)અત્યારે જયારે વેકેશનનો માહોલ જામી ગયો છે ત્યારે મનમા વિચાર આવે છે કે ‘ક્યાં ગયા એ દિવસો !!’ એક પાંજરામાં પુરાયેલ પંખી જયારે બહાર નીકળે ત્યારે એ જેટલું પ્રફુલ્લિત થતું હોય છે, તેટલો જ એક વિદ્યાર્થી શાળારૂપી પાંજરામાંથી પરીક્ષા આપી છુટ્યા બાદ અનુભવે છે. જ્યારથી પરીક્ષા ચાલુ થાય ત્યારથી વેકેશન પડવાની તારીખના દિવસોની ઊંધી ગણતરી શરૂ થઇ જાય છે.

દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા સાથે વેકેશનમાં અલગ અલગ માંગણીઓ કરતા હોય છે. કોઈ ફરવા જવાની, કોઈ વિડીયોગેમની, કોઈ સાયકલની. અત્યારે પણ વેકેશનમાં માંગણીઓ તો થતી જ હોય છે, પણ તે માંગણીમાં વસ્તુઓ બદલાઈ ગઈ છે. પહેલા વિડીયોગેમ માંગતા હતા જયારે અત્યારે પ્લેસ્ટેશનની માંગણી કરતા થયા છે. વેકેશનમાં મામાના ઘરે જવાના બદલે તેનું સ્થાન આજે હિલસ્ટશન અને પ્રવાસન સ્થળોએ લીધું છે. આજથી લગભગ ૧૫ વર્ષ એટલે કે અમારા વખતના વેકેશનની વાત કરું તો, વેકેશન એટલે મામાના ઘરે જઈ જલસા કરવાના, ત્યાં નવા ભાઈબંધો સાથે રમવાનું, ખાઈ-પીને ફરવાનું.

અત્યારના વિદ્યાર્થીઓ ને વેકેશન માણતા જોઉં તો તરત જ મનમાં વિચાર આવે છે કે જો આ લોકો આજથી ૧૫ વર્ષ પહેલાના વેકેશનમાં હોત તો શું સ્થિતિ હોત ? મને પોતાને એમ થાય છે કે મારે ભગવાનનો (અને મારા માતા–પિતાનો પણ) આભાર માનવો જોઈએ કે મને ૧૫ વર્ષ પહેલા વેકેશન ભોગવવાનો લાભ આપ્યો. એ વખતે કોઈ આટલી સુખ સુવિધા હતી નહિ, તેથી રમતો પણ એવી જ રમાતી. એમાં પણ લખોટીઓ નું આગવું સ્થાન હતું. ભર બપોરે ૩ વાગ્યાના તડકામાં પણ ચાલીઓમાં છોકરાઓ અને છોકરીઓ (હા, છોકરીઓ પણ રમતી હતી.) લખોટીઓના દાવની મજા માણતા હતા. લખોટીઓ તો તે વખતની સૌથી લોકપ્રિય રમત હતી. એમાં પણ જેની પાસે લખોટીઓ સૌથી વધારે હોય તેનું તો તે રમતના જગતમાં મોટું નામ ગણાતું. આવી જ રીતે ગિલ્લીડંડા પણ એટલા જ લોકપ્રિય હતા. મહત્વની વાત તો એ હતી કે આ બધી રમતો ફરજીયાતપણે માટીમાં જ રમાતી. (તે વખતે માટી થી કોઈ ને એલેરજી કે ઇન્ફેક્સેન થતું નહતું કે તડકાની લુ પણ લાગતી નહતી !)

આ રમતો ઉપરાંત ઘરમાં પણ મનોરંજન માટે મોબાઇલ કે લેપટોપ કઈ આટલા હાથવગા નહતા. તેથી ચેનલ ઉપર જે ફિલ્મ બતાવવમાં આવે તે જ જોવી પડતી. (સાલુ તે વખતે તેમાં પણ ખુબ રસ પડતો !) અમારા ઘરે એ વખતે છાપું (પેપર) આવતું નહોતું, તેથી બીજાના ઘરે જઈ, કઈ ચેનલ ઉપર, કેટલા વાગે, કઈ ફિલ્મ આવવાની છે તેનું લીસ્ટ બનાવી લાવતા અને યાદ રાખીને જોતા પણ ખરા. (અત્યારે મોબાઈલ અને લેપટોપ માં ૨૦ થી ૨૫ મનગમતી ફિલ્મો હોય તો પણ જોવા નો સમય નથી.)

આ બધાથી વિશેષ, જયારે અમારી ચાલી માં કોઈનું મકાનનું કામ ચાલુ હોય ત્યારે અમારે જલસા થઇ જતા. (આવો શબ્દપ્રયોગ એટલા માટે વાપર્યો કેમકે હવે રેતી વિષે જે લખું છુ તે લખતા જ મારા મનમાં રોમાંચ ઉઠી જાય છે.) કોઈનું ઘર બનતું હોય એટલે રેતી આવે, અને એ આવે એટલે અમારો બગીચો આયો હોય એવું લાગે ! સાંજે ઠંડક થાય એટલે રેતીના ઢગલા મા ખાડો કરી, ખુરશી બનાવી તેમાં જ બેસતા, રમતા, વળી તે જ રેતીમાં હાથ ખુપી રમત રમતા, ઘર બનાવતા. અત્યારે જયારે જયારે ચાલીમાં રેતી આવે ત્યારે જૂના દિવસો યાદ આવી જાય છે, પણ અત્યાર ના અમારી ચાલીના એક પણ છોકરાઓને એમાં રમતા હું જોતો નથી. ત્યારે મનમાં સવાલ આવે છે કે ‘ક્યાં ગયા એ દિવસો !!’

વેકેશન તો ત્યારે પણ હતા અને આજે પણ છે, બસ નથી, તો એ માટી…. એ રમતો……………

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

34 thoughts on “ક્યાં ગયા એ દિવસો !! – સુશાંત ધામેચા”

Copy Protected by Chetan's WP-Copyprotect.