- ReadGujarati.com - http://www.readgujarati.com -

નિવૃત્તિ – શૈલી પરીખ શાહ

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે શૈલીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૯૧૩૫૭૩૦૮૮ સંપર્ક કરી શકો છો.]

‘દર્શના પંડિતને કારણે આજે આપણી કૉલેજ ગૌરવ અનુભવે છે. બે દસકાઓ સુધી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી તેમણે આપણી કૉલેજની વિદ્યાર્થીનીઓને સાચી દિશા બતાવી છે. તેમની નિવૃત્તિના પ્રસંગે આજે આપણે સૌ ભેગા થયા છીએ….’ ખીચોખીચ ભરેલા કૉલેજ ઓડિટોરિયમમાં કૉલેજના પ્રાધ્યાપક કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતાં.

દર્શનાબેન માટે આજનો દિવસ ખાસ હતો. અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી લઈને આજસુધી ત્રણ દસકા વીતી ગયા હતા. વિદ્યાર્થીઓના પ્રિય અને સંપૂર્ણરીતે શિક્ષણની કારકીર્દિને સમર્પિત દર્શનાબેન ગુજરાતી પરિવારના દીકરી હતા. શાળાનું શિક્ષણ પૂરું કરીને અંગ્રેજી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરીને લગ્ન કર્યા. લગ્ન બાદ ભણવાની ખૂબ ઈચ્છાને પતિ પંકિતભાઈએ સમર્થન આપ્યું. બી.એ. પછી એમ.એ અને એમ.ફિલનો અભ્યાસ તેમણે પૂરો કર્યો. લગ્નના ત્રીજા વર્ષે દીકરાનો જન્મ થયો અને છ મહિનામાં તેઓને કૉલેજમાં નોકરી મળી. દર્શનાબેનના કારકીર્દિના એ વર્ષો દરમિયાન બીજી દીકરીનો જન્મ થયો. બંને બાળકોને પિતાએ ઉછેર્યાં. પ્રિન્સિપાલ તરીકેનું પદ મળ્યું પછી નોકરીનો સમય વધતો ગયો.

સમય જોતજોતામાં વીતતો ગયો અને બંને બાળકોના લગ્ન પણ આટોપાઈ ગયાં. દર્શનાબેન વિદ્યાર્થીનીઓના એટલા પ્રિય અધ્યાપક હતાં કે તેમના હાથ નીચે ભણી ગયેલી વિદ્યાર્થીનીઓ તેમને વર્ષે બે-ત્રણવાર મળવા આવતી. બાળપણ થી શિક્ષણક્ષેત્રમાં કાર્યરત દર્શનાબેને નિવૃત્ત થવાને આડે ત્રણ વર્ષ બાકી હતા ત્યારથી નક્કી કર્યું હતું કે નિવૃત્ત થઈને હું દેશભરમાં ફરવા જઈશ અને મારા કુટુંબને, ઘરને અને રસોડાને સમય આપીશ.

નિવૃત્ત થઈને ઘરે આવ્યાને દીવસો અને મહિનાઓ વીત્યાં. હવે તો સવારે ઊઠીને કૉલેજ જવાનું નથી અને ઘડિયાળને કાંટે ચાલવાનું નથી- એવી જિંદગીથી ટેવાવાનું દર્શનાબેને શરૂ કર્યું. જે ચાનો કપ કૉલેજ જતાં પહેલાં સવારે એક ઘૂંટડે પી જતાં હતાં એ ચાનો કપ હવે છાપા સાથે પૂરો થતા સવારનો અડધો સમય નીકળી જતો. સાથે સાથે ઘરના કામ, ઘરની વહુ કૃપા સંભાળતી તે વાત દર્શનાબેનને ખૂંચતી. ક્યારેક પોતાનું ધાર્યું ના થાય તે વાતને સહજતાથી લેનાર દર્શનાબેનનો સ્વભાવ બદલાવા લાગ્યો. કૃપાની કામ કરવાની રીતથી તેમને અસંતોષ લાગવાની શરૂઆત થઈ. જે વ્યક્તિ કૉલેજના અધ્યાપક તરીકે અતિશય સરળ અને લાગણીશીલ સ્વભાવની હતી, તેના સ્વભાવમાં અચાનક ખૂબ મોટું પરિવર્તન આવ્યું. નાની-નાની વાતે ગુસ્સો કરવો અને કૃપાને બધાની વચ્ચે ઉતારી પાડવાની ઘટના રોજબરોજ બનવા લાગી.

કૃપા શિક્ષિત કુટુંબની દીકરી હતી. પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતી કૃપા ઘર, કુટુંબના સામાજીક વ્યવહારોની સાથે તાલ-મેલ સારી રીતે નિભાવી રહી હતી. દર્શનાબેનનો સ્વભાવ ચીડિયો થતા સૌથી વધુ ગુસ્સો કૃપા પર ઉતરતો. હંમેશા ચૂપ રહેતી કૃપાથી દર્શનાબેન દ્વારા કરાતા અપમાનના ઘુંટડા ગળી જવાની આદત પણ હવે બદલાઈ ગઈ. એક તરફ કૃપાની રહેવા જમવાની રીતોથી દર્શનાબેનને અકળામણ થતી અને બીજી તરફ દર્શનાબેનનું વર્તન કૃપાની સહનશક્તિની કસોટી કર્યા કરતું. ઘર હોય ત્યાં વાસણ ખખડ્યા કરે એમ વિચારી ઘરના બીજા સભ્યોએ કૃપા અને દર્શનાબેન વચ્ચેનું અંતર વધતું જોયું હતું પણ સ્ત્રીઓની વાતથી પોતાની જાતને દૂર રાખી હતી.

એક દિવસ જમવાના સમયે કૃપાએ બધાને બોલાવી થાળી પીરસી. થાળીઓ પિરસાયા પછી સહુ ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયા જ્યારે દર્શનાબેન પોતાની થાળી લઈ રસોડાના ખૂણામાં જતાં રહ્યાં. આ જોઈ કૃપાથી રહેવાયું નહિ અને દર્શનાબેન તરફ જોતાં ગુસ્સામાં કૃપાથી બોલાઈ ગયું, ‘નોકરીમાંથી નિવૃત્તિની વય સરકાર નક્કી કરે છે તેમ ખરાબ વર્તન કરવાની આદતમાંથી નિવૃત્તિ લેવાની જવાબદારી કોની હશે ?’

(અનાયાસે રચાયેલી આ વાર્તા એ માતાઓને સમર્પિત છે જેઓ મોર્ડન જમાના પ્રમાણે પોતાની જાતને ‘મધર-ઈન-લવ’ કહેવડાવે છે. બે પેઢી વચ્ચેનું અંતર હંમેશા રહેવાનું છે ત્યારે શું આ રૂઢિચુસ્ત સમાજમાં દરેક વ્યક્તિએ જીવનના દરેક તબક્કે નિવૃત્ત થવાનું શું શીખવું ન જોઈએ ?!)