રૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી

[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.]

ગઈ સદીના આઠમા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રિય કૃત બેન્કમાં કામ કરતાં જ્યારે મારા સહિત અમારા કેટલાંક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઓર્ડર આવ્યાં ત્યારે સોપો પડી ગયો. ટ્રાન્સફર પણ ક્યાં? બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ. તે પણ મોટા શહેરમાં નહીં, નાના-મોટા કસ્બા અને ગામમાં. મોટાભાગના મિત્રોની પત્નીઓ પણ મુંબઈમાં કોઈને કોઈ ઓફીસમાં કામ કરતી હતી. બધાં જ યુવાન વયનાં અને નાના છોકરાં છૈયાવાલા. બધું જ અપસેટ થઈ જાય. ઓર્ડરમાં એક કલમ એવી કે ના જવું હોય તો તમે રાજીખુશીથી નોકરી છોડો છો એમ માનવામાં આવશે. હૃદય પર મોટો પત્થર રાખી સૌએ જવાની તૈયારી કરવાં માંડી.

અમે બિહારી ટ્રાન્સફરીઓ ભેગા થયા. એ અરસામાં બિહારના ભાગલપુરના કેદીઓની આંખો ફોડી નાંખવામાં આવી હતી કે એવા અમાનુષિક સમાચારોથી બધા વ્યથીત અને અંદર-અંદરથી ગભરાટમાં હતા. તેમજ ત્યાં નાનેથી મોટા સુધીમાં પોલિટીક્સ હર કદમ ખેલાય છે. એવું-એવું સાંભળીને સ્વાભવિક છે કે એક જાતનો ડર પેસી જાય. બધાને એક ફડક પેસી ગઈ હતી કે બિહાર વિષે જે સાંભળ્યુ હતું,, તે પ્રમાણે ત્યાં સુખ-શાંતિથી રહી નહીં શકાય. પછી એવું નક્કી કર્યુ કે બધાએ સંપર્કમાં રહેવું. કોઈ જાતની તકલીફમાં એક બીજાને સંભાળી લેવાં. સૌને લાગ્યું કે કાળા-પાણીની સજા ભોગવવા જઈ રહ્યા છીએ. ખેર, મારી બદલી બિહારના એક જીલ્લાના મથકે થઈ. થોડા દિવસ બાદ મેનેજર સાહેબની ટ્રાન્સફર થઈ (તેઓ ઘણા સાલસ સ્વભાવના હતા. મુંબઈમાં જે સાંભળ્યું હતું તેનાથી સાવ વિપરીત!) થોડા જ સમયમાં તેમની જગાએ આવેલ મેનેજર સાહેબ થકી બિહાર વિષે જે ધાર્યું હતું તેનો પરિચય તેમ જ અનુભવ ડગલે ને પગલે થવા લાગ્યો.

એક દિવસ વહેલી સવારે મેનેજર સાહેબનો ૧૫-૧૬ વર્ષનો પુત્ર મારે ઘરે આવ્યો અને મને બેન્કની ચાવી અને ચિઠ્ઠી આપતા કહે, ‘પાપાકી તબિયત અચ્છી નહીં હૈ, તો વો કામ પર નહીં આયેન્ગે. ચાભી ભેજવા દી હૈ.’ અમારા એકાઉન્ટન્ટ દૂર બીજે ગામથી આવતા હતા. મારાથી સિનિયર અધિકારીનું ઘર મારા તથા મેનેજર સાહેબના ઘરથી દૂર હતું. એટલે મને ચાવી મોકલાવી એ સ્વાભાવિક લાગ્યું. બેન્કના સમયે હું ચાવી સાથે બેન્કમાં ગયો. હજી એકાઉન્ટન્ટ કે મારાથી સિનિયર અધિકારી આવ્યા ન હતા. બેન્કનું કામકાજ ચાલવું જોઈએ, એમ માનીને એકલે હાથે બેન્કનો વહેવાર શરૂ કરી દીધો. હાથ નીચેના બીજા કર્મચારીઓ કામે વળગ્યા. એકાદ કલાક પછી મારાથી સિનિયર અધિકારી આવ્યા. એમને જાણ્યું કે મેનેજર સાહેબ અને એકાઉન્ટન્ટ નથી આવ્યા એટલે મને કહે, ‘મારી તબિયત ઠીક નથી. પેટમાં દર્દ થાય છે, મારાથી બેસી શકાય એમ નથી તો પ્લીઝ હું ઘરે જાઉં છું’.

થોડો સમય વીત્યો ને અમારી શાખાના મોટા એકાઉન્ટ હોલ્ડર, માલિક પોતે આવ્યા. હું મેનેજરની કેબીનમાં બેસીને ફાઈલમાંથી પેપર ઉથલાવતો હતો. કોઈને તાકીદે જવાબ આપવાનો હોય કે કોઈ તાકીદનું કામ અનદેખ્યું ના રહી જાય. તેઓ મારી કેબીનમાં આવ્યા. મેં ખુરશી પર બેસવા કહ્યું. તેઓના હાથમાં થોડા સરક્યુલર જેવાં કાગળ હતા અને ઘણા ગુસ્સામાં હતા. મને કહે, ‘આ મારું બિઝનેસ કાર્ડ છે. ‘
મેં વિવેકપૂર્વક કહ્યું, ‘ઓહો, તો આપ દીનદયાલ ભારદ્વાજ છો. તમને મળીને ઘણી ખુશી થઈ. કેમ આપને જાતે આવવું પડ્યુ? અમારે લાયક કંઈ કામ કાજ?’
તેઓ કહે, ‘મારી પાસે બહુ સમય નથી. આ જુઓ, રીઝર્વ બેન્કનો સરક્યુલર શું કહે છે? રાષ્ટ્રિય કૃત બેન્કે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હું અહીંના વેપારી મહાજન મંડલનો પ્રમુખ છું. અમને રીઝર્વ બેન્કનો સરક્યુલર આવે છે. તમારી પાસે રેડી ન હોય તો આ જુઓ, એમાં શું લખ્યું છે? ‘
એમનો ગુસ્સો આસમાને ચડતો હતો. વધારામાં હું તેમની આગળ છોકરડા જેવો લાગતો હતો. મેં શાંતિથી કહ્યું, ‘જુઓ, વાત શું છે તે ફોડ પાડીને કહો. આમ રાડા- રાડ કરવાથી વાતનો નિકાલ થોડો થતો હશે. રીઝર્વ બેન્કનો સરક્યુલર બતાવવાની જરૂર નથી. અમને પણ સરક્યુલર આવે છે.’
તેઓ થોડા શાંત પડ્યા.
પછી કહે, ‘ અમારો માણસ બેન્કમાં અમારા ખાતામાં કેશ જમા કરવા આવ્યો હતો. તમારા કેશિયરે આ રૂ. ૫૦/-ની નોટ લેવાની ના પાડી. તમે કહો આવી નજીવી વાતમાં કામ ધંધો છોડીને ધક્કા ખાવાનો શું અર્થ છે?’
મેં કહ્યું, ‘તમે તમારી બાજુ રજૂ કરી. તમારી વાત સો ટકા સાચી છે કે રાષ્ટ્રિય કૃત બેન્કે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હવે મારી બાજુ રજૂ કરવા દો. મારે કેશિયરને પુછવું છે કે શા કારણસર આ રૂ. ૫૦/-ની નોટ સ્વીકારી નથી? તો પ્લીઝ તમે થોડીવાર બહાર આરામ ફરમાવશો?’ તેઓ કેબિનની બહાર ગયા.

મેં પ્યૂનને કહ્યું કે કેશિયરને મારી પાસે મોકલો. અમારી શાખાના ચીફ કેશિયર, શ્રી ગંભીર સિંહજી પડછંદ કાયાવાળા, ઊંચા અને મોટી-મોટી મૂછો રાખે. તેમનો એક હાથ હમેશા મુછોને ફરતો હોય. જો તેઓ બેન્કમાં ના હોત તો કદાચ તમારી ગેરસમજ થઈ જાય કે કોઈ ગિરોહના આદમી તો નથી ને? અવાજ પણ બુલંદ. ચાલ તો તેમની જ, ચાલે તો ધરણી ધ્રુજે ! મુછે તાવ દેતાં-દેતાં અને બોલતા- બોલતા આવ્યા. ‘કંઈ પણ થઈ જાય હું એ નોટ નથી લેવાનો એટલે નથી જ લેવાનો. નોકરી ચાલી જાય તો પરવાહ નથી. શું એ મને બેવકુફ સમજે છે?’ વગેરે-વગેરે. તેઓ મારી કેબીનમાં આવ્યા અને કહે, ‘હું જાણું છું, એમનો માણસ ગરબડ કરશે.’
મેં કહ્યું, ‘શાંત પડો. બૂમાબૂમ કરવાથી સમસ્યા હલ નહીં થાય. બેસો. મને જણાવો કે શું મામલો છે.’
ગંભીર સિંહજી બોલ્યા, ‘સાહેબ, આ નોટ એટલી ખરાબ છે કે કોઈ હાથમાં ન લે. મેં બે દિવસ પહેલા જ્યારે એ પૈસા જમા કરાવવા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે તું આ નોટ રૂ.૫૦/-ના બંડલમાં (ત્યાં ગડ્ડી કહે છે) ના રાખતો. બંડલ ગણીને અમે પેક જ રાખીએ છીએ જેથી કોઈને આવી નકામી નોટ જાય નહીં. ગઈ કાલે એને એના બીજા સો ના બંડલમાં એ જ નોટ મૂકી. પાછી આજે ફરી વાર બંડલમાં મૂકીને લાવ્યો તેથી મેં એને જણાવ્યું કે મને બેવકુફ સમજે છે? હું આ નોટ નહીં લઉં.’
મેં કહ્યું, ‘ગંભીર સિંહજી, તમે કેમ જાણ્યું કે તે જ નોટ છે?’
તેઓ બોલ્યા, ‘એ નોટ જો દીનદયાલજી લઈને આવ્યા હોય તો જુઓ, એના પર કલર પેન્સિલથી નાના- નાના ક્રોસ કરેલ છે. એમના માણસને અમે જાણીએ છીએ કે કેવો છે.’

મેં કહ્યું, ગંભીર સિંહજી, ‘તમારે બેન્ક છોડવાની નોબત નહીં આવે. બાકીનું કામ મારા પર છોડી દો.’ તેઓ સંતોષપૂર્વક તેમની જગાએ ગયા. એમના ચેહરા પર સ્પષ્ટ જણાતું હતું કે મેં એમની વાત માની લીધી છે.
મેં દીનદયાલજીને બોલાવ્યા. તેઓ મારી સામે ખુરશી પર વિરાજમાન થયા. મારા માટે આવી સમસ્યા હલ કરવાનો પ્રથમ પ્રસંગ હતો. એક બાજુ શાખાના માનવંતા ખાતેદાર તેમ જ મોટી વગવાળા, તો બીજી બાજુ કરડાકી અને તુમાખી સ્વભાવના કેશિયર. બન્નેની વાત એક બીજાથી વિરુદ્ધ અંતિમ બિંદુ પર. આનો મેળ મારે તાત્કાલિક નિર્ણય લઈને કાઢવાનો હતો.
મેં કહ્યું, ‘શ્રીમાન દીનદયાલજી, શું હું એ પચાસની નોટ જોઈ શકું છું?’
તેઓ બોલ્યા, ‘Of course, of course. ‘ અને એમને મને એ નોટ આપી. મેં જોયું કે ગંભીરસિંહજીની વાત સોળ આની સાચી હતી. હવે જે તે નિર્ણય મારે લેવાનો હતો જેથી ન તો દીનદયાલજીને અન્યાય થાય કે ન તો કેશિયરને .મેં મારા પોકેટમાંથી રૂ. ૫૦ ની નોટ કાઢી અને કહ્યું, ‘દીનદયાલજી, તમારા ખાતામાં આ પચાસ રુપિયા જમા થઈ જશે. તથા તમે લાવેલ નોટ હું સંભારણા રૂપે રાખું છું. આ વાત એમને નામંજુર હતી કેમકે કેશિયરને ઠપકો ન હતો મળ્યો. એમનું અભિમાન ઘવાયા જેવું લાગ્યું.
તેઓ બોલ્યા, ‘તમારે શા માટે પૈસા આપવા જોઈએ? આ કંઈ સારી રીત ન કહેવાય. સ્ટાફ માથે ચઢી જશે. હજી તમે યંગ છો અને તમારી પાછલ ઘણા વર્ષોની નોકરી બાકી છે. આવું કરવા બેસશો તો પાયમાલ થઈ જશો.’
મેં કહ્યું, ‘તમારી ભલી લાગણી માટે આભાર. એક વડીલ તરીકેની તમારી સલાહ બદલ ફરીથી આભાર. તમે જાણતા હશો કે ભૂમિતિનો એક નિયમ છે કે બે વિરુદ્ધ અંતિમ બિંદુ ક્યારેય ભેગા ના થઈ શકે. એક બિંદુ તમે માનવંતા ખાતેદાર છો તો બીજુ વિરુદ્ધ બિંદુ કેશિયર છે. વહેવારમાં કેવી રીતે ભેગા કરવા તે ઉપાય મેં કર્યો છે. નિયમો પાળવા પડે તેની ના નથી. કિન્તુ વહેવારમાં ઘણીવાર પ્રેક્ટિકલ બનવું પડે છે. કેશિયરના કહેવા મુજબ આ નોટ એમને લેવાની ના નથી પાડી. બેન્કમાં કરન્સી જમા થાય તેમ એનો ખાતેદાર જરૂરત પ્રમાણે ઉપાડ કરતો હોય છે. તમારે ત્યાં કોઈ ઘરાક આવી નોટ આપે તો તમે જરૂર એને કહેવાના કે બીજી નોટ હોય તો આપ. અમે આવી નોટ જુદી કરીને સમયાંતરે અહીં રીઝર્વ બેન્ક નથી તો સ્ટેટ બેન્કમાં જમા કરાવીએ છીએ. તમારો માણસ વારંવાર સો ના બંડલમાં આ નોટ સરકાવે છે. આવું સો નું બંડલ તમને આપવામાં આવે તો આ નોટ લેશો ? કેશિયરે વ્યાવહારિક માર્ગ કાઢ્યો કે બંડલમા એ નોટ ન મૂકતા, જુદી આપે. આમાં બધાનો સમય સચવાય છે તથા સુગમતા રહે છે. તમે કે હું કાયદા જ બતાવ્યા કરીશું તો કામ થવાંને બદલે સ્થગિત થશે. કાલ ઊઠીને કેશિયર નોટના બંડલ ગણવામાં જાણી જોઈને વધારે સમય લગાડશે તો તમારા માણસને અહીં ખોટી થવું પડશે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે આટલા સમયમાં નોટો ગણવી. મારાથી પણ હસ્તક્ષેપ ન થઈ શકે. નોટો ગણીને બરાબર મૂકવી એની ફરજ છે. કાયદાની સાથે અમુક વ્યાવહારિક સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. હું કેશિયરથી ડરી નથી ગયો પરંતુ જ્યાં એની વાતમાં તથ્ય લાગ્યું, તે મેં સ્વીકાર્યું છે. તમને સરક્યુલરની પડી છે. એટલે મેં જોયું કે તમે બન્ને તમારી રીતે સાચા છો. વિરોધાભાસીનો તોડ તો લાવવો જોઈએ કે નહીં? આમેય હું મુંબઈનો છું. વહેલો કે મોડો પાછો ત્યાં ફરવાનો છું. તો શા માટે આ અવસરની યાદગીરી રૂપે આ નોટ ન રાખું?’

તેઓ ખુર્સી પરથી ઊભા થયા અને મને કહે, ‘તમે ભલે મારાથી ઉંમરમાં નાના છો પણ તમારી પાસેથી એક વેપારીને છાજે એવો પાઠ શીખવા મળ્યો કે ભૂમિતિના બે અંતિમ વિરોધી બિંદુને વહેવારમાં કેવી રીતે જોડી શકાય છે. મારા માટે આજનો સમય વ્યર્થ નથી ગયો. મારે એ પૈસા હવે નથી જમા કરાવવા.’ પછી મને હસ્તધૂનન કર્યા.
મેં કહ્યું, ‘દીનદયાલજી, નમકિન સાથે મીઠાશ પણ થઈ જાય. ‘
એ બોલ્યા, ‘સમજ ન પડી. ‘
મેં હસતા-હસતા કહ્યું, ‘ચા સાથે નમકિન મંગાવું છું. બેસો, બેસો.’
સંતોષકુમાર (પ્યૂન)….., ‘સબકે લિયે ચાય ઔર નમકિનકા બંદોબસ્ત કરો. ઔર ચાયવાલેકો કહેના મેરે નામ પે લીખે.’

ચા-નમકિન આવ્યા અને મે ગંભીરસિંહજીને બોલાવ્યા. દીનદયાલજી અને ગંભીરસિંહજીએ હાથ મિલાવ્યા.
મેં કહ્યું, ‘જુઓ, આ નોટ પર હવે મને દીનદયાલજી અને ગંભીરસિંહજી, બન્નેના હસ્તાક્ષર જોઈશે. હું બીજા રૂ. ૫૦ની નોટ આપું છું તે એમના ખાતામાં જમા કરજો. આ નોટ મારા માટે અહીંના સંભારણા રૂપે. મુંબઈ જઈને ફ્રેમ કરાવીશ.’ દીનદયાલજી બોલ્યા, ‘સાહેબ, સમય કાઢીને અમારી મેહમાન- નવાજગી સ્વીકારશો. અમને ઘણો આનંદ થશે.’
મેં કહ્યું, ‘જરૂર, જરૂર.’ તેઓએ હસતા મુખે બેન્કમાંથી પ્રસ્થાન કર્યું.

એ જણાવી દઉં કે અત્યારે પણ એ સંભારણા સમ રૂ.૫૦/- ની એ નોટની ફ્રેમ મારી પાસે છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “રૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.