વાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]

‘સાહેબ, કેટલા વાગ્યા ?’ બાજુમાં ઊભેલા મજૂર જેવા માણસે પૂછયું. એના જવાબમાં કાંડા ઘડિયાળ સામે નજર કર્યા વગર અવિનાશે જવાબ આપ્યો. ‘છ ને દસ…’ પચાસ વર્ષના અવિનાશે ગયા વર્ષે હાર્ટમાં તકલીફ થઈ હતી અને માઈલ્ડ એટેક આવી ચૂકયો હતો. એ પછી ડૉકટરની અને પત્નીની સલાહ સ્વીકારીને એણે સ્કૂટર ચલાવવાનું બંધ કર્યું હતું. છ વાગ્યે ઑફિસ છૂટે કે તરત સીધો આવીને એ આ બસસ્ટોપના બાંકડા ઉપર બેસી જતો હતો. બાંકડા ઉપર એના સિવાય ખાસ કોઈ બેસતું નહીં. ઊભા રહેવાથી જાણે બસ વહેલી આવી જવાની હોય એમ લોકો ઊભા રહીને પ્રતીક્ષા કરતા. અવિનાશની બસ લગભગ પોણા સાત-સાતની વચ્ચે આવતી હતી. એટલે એ આરામથી બેસીને કોઈક મેગેઝિન વાંચતો. પાસે મેગેઝિન ન હોય ત્યારે ઊભેલા બધા લોકોનું નિરિક્ષણ કરતો. છેક બોપલ સુધી જવાનું હોવાથી ઓફિસમાંથી નીકળતી વખતે ઠંડા પાણીની બોટલ એ ભરી લેતો. આ રીતે બેસીને રસ્તા ઉપરનો ટ્રાફિક અને અવનવા લોકોના નિરિક્ષણમાં મજા આવતી હતી.

છેલ્લા ચારેક દિવસથી એક નવી ઘટના એ જોતો હતો. એ બસસ્ટોપ ઉપર આવે એ અગાઉ અઢાર-વીસ વર્ષની એક કોલેજિયન જેવી છોકરી બાંકડા ઉપર આવીને બેસી જતી હતી. લગભગ છ ને વીસ મિનિટે એની બસ આવે ત્યાં સુધી એ અભ્યાસનું પુસ્તક કે ફૂલસ્કેપ નોટબુક વાંચતી હતી. પીઠ પાછળ રહે એવા થેલામાંથી એણે ત્રણ-ચાર નોટબૂકો એણે બાજુ પર મૂકી હતી. હાથમાં ઈકોનોમિકસનું પુસ્તક પકડીને એ એકાગ્રતાથી વાંચતી હતી. આજુબાજુ ઊભેલા માણસો અને રોડ ઉપરના ટ્રાફિકથી તદ્દન અલિપ્ત બનીને એ પોતાના અભ્યાસમાં પરોવાઈ રહેતી હતી. બાંકડાના બીજા છેડે બેસીને અવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો.

અચાનક બસ આવી એટલે એ છોકરી ચમકીને ઊભી થઈ ગઈ. એના ચહેરા પર રઘવાટ હતો. થેલામાં પુસ્તકો અને નોટબૂકો ભરતી વખતે પણ એની નજર બસ સામે હતી. ‘પ્લીઝ…’ એણે કંડકટર સામે જોઈને બૂમ પાડી. બસ ચાલુ થઈ ગઈ હતી. દોડીને થેલો પકડીને એ ચાલુ બસે લટકી ગઈ. એ છોકરી રઘવાટ અને ઉતાવળમાં એક ચોપડો બાંકડા ઉપર ભૂલી ગઈ હતી. કાલે એ બિચારી આવશે, ત્યારે આપી દઈશ, એમ વિચારીને અવિનાશે એ નોટબૂક પોતાના થેલામાં મૂકી.

દીકરી પરણીને સાસરે હતી અને દીકરો અમેરિકામાં ભણતો હતો એટલે ફલેટમાં અવિનાશ અને ઈલા એકલાં હતાં. ઘરે પહોંચીને અવિનાશે જિજ્ઞાસાવશ એ નોટબૂકના પાનાં ફેરવ્યા. પહેલા પાનાં ઉપર કલાત્મક રીતે એ છોકરીએ એનું નામ લખ્યું હતું. ભૂમિકા… બસ, એ સિવાય કશું નહીં. ટી. વાય. બી. કોમ માં ભણતી હતી અને મોતીના દાણા જેવા અક્ષરે અર્થશાસ્ત્ર વિષયના સવાલ-જવાબથી આખી નોટબૂક ભરેલી હતી. બીજા દિવસે એ બસસ્ટોપ પર પહોંચ્યો ત્યારે એ છોકરી-ભૂમિકા એની રાહ જોઈને જ ઊભી હતી. ‘અંકલ, મારી એક નોટ જડી છે ?’ ચિંતાતુર અવાજે એણે પૂછ્યું. અવિનાશે થેલામાંથી એ નોટબૂક કાઢીને એના હાથમાં આપી. ‘થેંકયુ અંકલ…’ એણે આભારવશ નજરે અવિનાશ સામે જોયું. અત્યારે એ તદ્દન નજીક ઊભી હતી, એટલે અવિનાશે ધ્યાનથી એના ચહેરા સામે જોયું. ગોરી પણ સાવ ફિક્કી ત્વચા, ચહેરા પર આછી ઉદાસી અને તણાવ. પારદર્શક, નિખાલસ આંખોમાં ઉદાસી હતી અને આંખોની આસપાસ કાળા કૂંડાળાની શરૂઆત થઈ ગઈ હતી.

અવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો છે એનાથી એ સાવ બેખબર હતી. હાથમાં ચોપડો પકડીને ધીમે ધીમે કાળજીપૂર્વક એ એક એક પાનું ફેરવી રહી હતી. પૂરેપૂરી તલ્લીનતાથી શ્વાસ રોકીને એકાગ્રતાથી બધાં પાનાં ચકાસી રહી હતી. એ પછી એના ચહેરાનો રંગ ઊડી ગયો. આંખો પહોળી કરીને એ સાશંક નજરે અવિનાશ સામે તાકી રહી. ‘અંકલ, પ્લીઝ, આ ચોપડામાંથી તમને કંઈ મળેલું ?’ ધ્રૂજતા અવાજે જાણે કરગરતી હોય એમ એણે ફરીથી પૂછ્યું. ‘અંકલ, સાચું કહેજો. આમાંથી કંઈ જડયું છે તમને ?’

અવિનાશ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો. એ છોકરી જે રીતે અવિશ્વાસથી પૂછી રહી હતી એ જોઈને એ સ્તબ્ધ બની ગયો. આ તો આવ બલા, પકડ ગલા જેવોઘાટ થયો. ‘નહીં તો ?’ એણે લગીર સખ્તાઈથી સામો સવાલ પૂછીને પછી એ છોકરીના માસુમ ચહેરા સામે જોઈને સમજાવ્યું. ‘જો બેટા, બસ પકડવાની ઉતાવળમાં તું આ નોટ ભૂલી ગઈ. મેં એને ઉઠાવીને મારા થેલામાં મૂકી. એમાંથી કંઈ આડું-અવળું નથી થયું એ મારી ગેરંટી…’ સહેજ અટકીને એણે ઉમેર્યું. ‘તારી નોટમાંથી કોઈ કાગળ કાઢવાની મારે શું જરૂર ?’ ચિંતાતુર ચહેરે ભૂમિકા હજુ અવિશ્વાસથી એની સામે તાકી રહી હતી જાણે હમણાં જ રડી પડશે એવો ગભરૂ ચહેરો જોઈને અવિનાશે સહાનુભૂતિથી પૂછ્યું. ‘શું હતું અંદર ? કોઈ અગત્યનો કાગળ હતો ?’

‘કાગળ નહોતો…’ આટલું કહીને એ અટકી. આગળ કંઈ બોલવું કે નહીં એની દ્વિધા એના નમણા ચહેરા ઉપર તરવરતી હતી. સામે ઊભેલા અવિનાશના ચહેરા ઉપર ઝળહળતી નિખાલસતા અને ખાનદાની પારખીને એનેન વિશ્વાસ બેઠો. ‘હજાર રૂપિયાની કડકડતી નોટ હતી. કોલેજ જવા નીકળતી હતી, એ જ વખતે મમ્મીએ એની દવા લાવવાનું યાદ કરાવ્યું અને હજાર રૂપિયાની નોટ આપી. ઉતાવળમાં મેં મૂર્ખામી કરી. પૈસા પર્સમાં મૂકવા જોઈએ. એને બદલે એ વખતે આ નોટ વાંચતી હતી એમાં જ મૂકી દીધી…’
‘આ નોટમાં જ એ હજારની નોટ મૂકી હતી એની ખાતરી છે ?’ પોતાના નિરીક્ષણના આધારે અવિનાશે કહ્યું.
‘તારી બધી નોટબૂક દેખાવમાં એકસરખી છે. શક્ય છે કે ઉતાવળમાં તેં કોઈ બીજી નોટમાં મૂકી દીધી હોય અને તું આમાં શોધતી હોય… વિચારી જો…’

‘અંકલ, કાલથી કોલેજની પરીક્ષા છે. પહેલું પેપર ઈકોનોમિકસનું છે અને હું એ વાંચતી હતી એ જ વખતે મમ્મીએ પૈસા આપેલા… આઈ એમ શ્યોર…’ અવિનાશને હજુ ખાતરી નથી થઈ એવું ભૂમિકાને લાગ્યું એટલે એણે રડમસ અવાજે પોતાની પરિસ્થિતિ સમજાવી.
‘બાકીની બધી નોટના પાનાં બે-બે વાર ફેંદી નાખ્યા. છેલ્લી આશા આ નોટ ઉપર હતી પણ હવે તો એના ઉપર પણ પાણી ફરી વળ્યું…’
‘સોરી બેટા…’ એ છોકરીના નિષ્પાપ ભોળા ચહેરા ઉપર જે ગભરાટ અને વેદના હતી એ જોઈને અવિનાશને દયા આવી ગઈ. એણે રસ્તો બતાવ્યો.
‘એક કામ કર. દવા લઈને જ ઘેર જવાનું હોય તો ચિંતા ના કરીશ. આગળ ચાર રસ્તે દવાની દુકાન છે ત્યાંથી અપાવી દઉં…’
‘દવા તો બસો ને એંસી રૂપિયાની જ આવે છે. બી.પી. ની દવા દર મહિને હું જ લાવી આપું છું…’ બીક અને ગભરાટથી એનો અવાજ ધ્રૂજતો હતો.
‘પણ બાકીના પૈસાનું શું ? જો પૈસા ખોવાયા છે એવી ખબર પડશે તો મમ્મી ચામડી ઉતરડી નાખશે, ઝૂડી નાખશે મને ! કાલથી મારી એકઝામ શરૂ થાય છે એ આખી એકઝામ બગ-ડશે !’
‘તું વધારે પડતી ચિંતા કરે છે. આટલી નાનકડી ભૂલ માટે કોઈ માતા પોતાની દીકરીને મારે નહીં…’

‘તમે મારી મમ્મીને ઓળખતા નથી. એનો ત્રાસ વેઠીને કઈ રીતે એની સાથે રહું છું એની તમને ખબર નથી…’ અવિનાશની સામે તાકીને એ ધ્રૂજતા અવાજે પોતાની પીડા ઠાલવતી હતી.
‘કાચનો એક ગ્લાસ ફૂટી ગયો હોય તોય ગાલ ઉપર તમાચો પડે અને એ પછી ત્રણ દિવસ સુધી મારું લોહી પીધા કરે. દુશ્મનને પણ કોઈના આપે એવો માનસિક ત્રાસ આપે છે મને ! સતત એકની એક વાત માથામાં હથોડા મારતી હોય એ રીતે સંભળાવ્યા કરે. મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોયતો આપઘાત કરીને મરી ગઈ હોય યા તો પાગલ થઈ ગઈ હોય… મને રિબાવીને એને આનંદ મળે છે…’
‘સાવ આવું ના હોય બેટા…’ અવિનાશે સમજાવ્યું. ‘દીકરી સામે માને આવી દુશ્મનાવટ થોડી હોય ?’
‘તમને એનો પરિચય નથી એટલે તમે આવું બોલો છો અંકલ ! અમદાવાદ તો એક મહિનાથી જ આવ્યા છીએ…’ ભૂમિકાએ નિખાલસતાથી માહિતી આપી. એના નાનકડા હૈયામાં થીજેલો પીડાનો પર્વત અનાયાસે જાણે ઓગળી રહ્યો હતો.
‘અગાઉ સુરત રહેતાં હતાં એ બેન્કની કોલોનીમાં જઈને પૂછો કે સંગીતાબહેનનો સ્વભાવ કેવો ? કોઈને પણ પૂછશો તો એ તરત કહેશે કે બે હાથ ત્રીજુ મસ્તક જોડીને એમનાથી એક માઈલ દૂર રહેવું સારું ! એમના પડછાયાથી પણ દૂર રહેવું !’

અવિનાશ હવે ધ્યાનથી સાંભળતો હતો. એ દુભાયેલી છોકરીના તંગ ચહેરા સામે જોઈને એણે હળવેથી પૂછયું. ‘મમ્મી આટલું બધું લડે ત્યારે પપ્પા એમને કંઈ કહે નહીં ? એ વચ્ચે પડીને તને બચાવે નહીં ?’
‘પપ્પા નથી… હું બે વર્ષની હતી ત્યારે જ…’ ભૂમિકાના ભીના અવાજમાં ડૂસકું ભળ્યું.
‘સુરતમાં કોલોનીવાળા કહે છે કે મારી મમ્મી એમને ભયાનક માનસિક ત્રાસ આપતી હતી. રોજ ઝઘડા કારતી હતી એમની સાથે. તમે મરી જાવ તો સારું એમ કહીને ઉશ્કેરતી હતી. અંતે, એ કંકાસથી કંટાળીને એમણે આત્મહત્યા કરેલી !’ એ છોકરીની પાંપણ ઉપર આવીને અટકી ગયેલા અશ્રુબિંદુ સામે અવિનાશ તાકી રહ્યો. થેલામાંથી પાણીની બોટલ કાઢીને એણે ભૂમિકાના હાથમાં આપી. એકીશ્વાસે અડધી બોટલ ખાલી કરીને ભૂમિકા આભારવશ નજરે એની સામે તાકી રહી.
‘પછી તો પપ્પાની જગ્યાએ એને રહેમરાહે નોકરી મળી ગઈ. એ પછી તો પાવર વધી ગયો એનો. પપ્પા જોડે એને કઈ દુશ્મનાવટ હતી એ હજુ નથી સમજાયું મને-પણ હવે પપ્પાના પ્રતિનિધિ તરીકે એ મારી ઉપર વેર વાળે છે. નાની નાની વાતાં એવી રિબાવે કે ના પૂછો વાત ! છંછેડાયેલી વાઘણની સાથે સસલું રહેતું હોય એ રીતે જીવું છું એની સાથે…’
‘જો બેટા, મન ઉપર બહુ ભાર ના રાખવો.’ અવિનાશે એના માથા ઉપર હાથ મૂકયો અને ખિસ્સામાંથી પાકીટ કાઢયું. હજાર રૂપિયાની નોટ કાઢીને એણે ભૂમિકાના હાથમાં આપી. ભૂમિકા આશ્ચર્યથી તાકી રહી. બીજી જ સેકન્ડે એણે જોરથી માથું ધૂણાવીને ના પાડી. ‘અંકલ, સોરી… મારાથી આ રીતે કોઈના પૈસા ના લેવાય.’
‘અરે ગાંડી, તારી મા તને ઝડશે અને તારી પરીક્ષા બગડશે. એવું ના થાય એટલે પ્રેમથી આપું છું. હવે ના ના પાડતી. હજાર રૂપિયામાં હું ગરીબ નથી થઈ જવાનો… પ્લીઝ, લઈ લે અને સાચવીને પર્સમાં મૂકી દે… પ્લીઝ…’ ભૂમિકાનો ગોરો ચહેરો પરસેવે રેબઝેબ હતો. જોરથી માથું ધૂણાવીને ના પાડયા પછી એણે સ્ટેન્ડ ઉપર ઊભેલા લોકો સામે નજર કરી પછી અવિનાશ સામે બે હાથ જોડયા.
‘અંકલ, પ્લીઝ, આગ્રહ ના કરો… બધા જોઈ રહ્યા છે. મારાથી આ રીતે પૈસા ના લેવાય. લમણે લખાઈ હશે એ પીડા હું ભોગવી લઈશ.’ ધીમા અવાજે જાણે મનોમન બોલતી હોય એમ એ બબડી.
‘હું પણ મૂરખ છું. કોણ જાણે શું થઈ ગયું કે આખી રામકહાણી તમને સંભળાવી દીધી…

વગર વિચાર્યે એક અજાણ્યા વડીલને ઘરની વાત કહેવા બેઠી !’
‘એમાં તારો કોઈ દોષ નથી બેટા…’ અવિનાશે પ્રેમથી એના માથા ઉપર હાથ મૂકયો.
‘તેં કોઈ મૂર્ખામી નથી કરી. તેં કોઈ અજાણ્યા વડીલને ઘરની વાત નથી કહી, ઘરના વડીલને અજાણી વાત કહી છે !’ આશ્ચર્યથી સ્તબ્ધ ભૂમિકા અવિનાશની સામે આંખો પહોળી કરીને તાકી રહી હતી. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી… ખરું ?’ અવિનાશ એ જાણે માનવામાં ના આવતું હોય એમ ભૂમિકા થીજી ગઈ હતી. એણે હળવેથી હકારમાં માથું હલાવ્યું. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી અને મારું નામ અવિનાશ મનસુખલાલ જોષી !….’ બોલતી વખતે અવિનાશની આંખમાં ઝળઝળિયાં ઘસી આવ્યાં હતાં.
‘નીતિન-તારા પપ્પા-મારાથી બે વર્ષ નાનો. સાવ ભોળિયો અને ગભરૂ સ્વભાવ. પિકચરમાં કરૂણ સીન આવે ત્યારે આંખ ભીની થઈ જાય એવો લાગણીશીલ… સંગીતા માટે એનું માગું આવ્યું ત્યારે અમે બધાએ ના પાડેલી. આખી જ્ઞાતિમાં સંગીતાના ફેમિલીની છાપ ઝઘડાળુ તરીકેની. વડીલ જાણકારોએ પણ કહ્યું કે નીતિનની જિંદગી બરબાદ થઈ જશે એવી છોકરી છે. એ છતાં એક જ મુલાકાતમાં સંગીતાએ નીતિનને પઢેલો પોપટ બનાવી દીધો. અમારા બધાની મરજી વિરુદ્ધ એણે જાતે સંગીતા સાથે લગ્ન કરી લીધા. અમે બે જ ભાઈઓ હતા. લગ્ન પછી તરત એ અને સંગીતા ઘેર આવ્યા. ઝઘડો કરીને એનો ભાગ લઈને છૂટો થઈ ગયો. મિલકત માટેનો ઝઘડો કરાવવામાં પણ સંગીતાનો જ દોરીસંચાર…’ ભૂમિકા ભીની આંખે સાંભળતી હતી. અવિનાશ યાદ કરીને બોલતો હતો.
‘હાથે કરીને પગ ઉપર કુહાડો માર્યો પછી એ પસ્તાતો હશે. સંગીતાનું અસલી રૂપ જોયા પછી એના ત્રાસથી મનમાં ને મનમાં રિબાતો હશે. અમારી સાથે એ રીતે ઝઘડો કરીને ગયો હતો કે અમારી પાસે આવતાં પગ નહીં ઉપડતો હોય. પારાવાર પીડાથી અંદર ને અંદર વલોવાતો હશે. એણે આપઘાત કર્યો એ પછી અમે સુરત આવીને તારે ત્યાં ત્રણ-ચાર કલાક રોકાયા હતા. બસ-એ પછી અમે એ દિશામાં જોયું પણ નથી.’

અવિનાશે ભૂમિકાના માસુમ ચહેરા સામે જોયું. ‘ત્રણ-ચાર દિવસથી તને જોતો હતો ત્યારે કોણ જાણે કેમ વારેઘડીએ તારી આંખો સામે જ મારી નજર અટકી જતી હતી. નીતિનની ગાય જેવી ભોળી આંખો જ તને વારસામાં મળી છે દીકરી ! તું અમારું જ લોહી છે બેટા ! અને એટલે જ મારી પાસે હૈયું ખોલવાનું ઈશ્વરે તને સૂઝાડયું.’

અવિનાશે વ્હાલથી બંને હાથ ભૂમિકાના માથા ઉપર મૂકયા. ‘હવે તો તારે કશું બોલવાનું નથી. અત્યારે આ હજાર રૂપિયા લઈને સાચવીને પર્સમાં મૂકી દે. આ મારું કાર્ડ પણ આપું છું. કંઈ પણ તકલીફ હોય કે મનમાં ભાર જેવું લાગે ત્યારે જરાયે સંકોચ વગર દોડીને અમારી પાસે આવી જવાનું. તારી મા સાથે અમારે કોઈ લેવાદેવા નથી પણ તું તો અમારું જ લોહી છે. અમારું ઘર એ તારું જ ઘર છે દીકરી ! કાયમ માટે આવવું હોય તો પણ તારો અધિકાર છે અમારા આંગણે…’

પચાસ વર્ષનો પુરુષ ભીની આંખે બોલતો હતો. વીસ વર્ષની છોકરી રડતી રડતી સાંભળતી હતી. આ દ્રશ્ય જોઈને બસ સ્ટોપ પર ઊભેલા બીજા માણસો આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “વાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.