તાળું…ચાવી – મિતેષ એમ. સોલંકી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મિતેષભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +૯૧ ૯૭૧૨૯૨૪૨૦૧ અથવા આ સરનામે grasshopper4201@gmail.com સંપર્ક કરી શકો છો.]
તાળું-ચાવી- આ બંને શબ્દો અને બંને વસ્તુઓ આપણા માટે ખુબ સામાન્ય છે. આપણે તાળા અને ચાવીનો ઉપયોગ સદીઓથી કરતા આવ્યા છીએ તેથી કદાચ તેમના વિષે જાણવાની તાલા(તાળા?)વેલી હવે એટલી રહી નથી. પરંતુ ખરું કહું તો મને આ બંને વસ્તુમાં ખૂબ રસ પડ્યો. ઈન્ટરનેટ પર જોતાં ખ્યાલ આવ્યો કે માણસ છેલ્લા ૪૦૦૦ વર્ષોથી તાળાનો ઉપયોગ કરતો આવ્યો છે. હવે કદાચ થોડી નવાઈ લાગવી જોઈએ કે આપણે તાળા-ચાવી સાથે ૪૦૦૦ વર્ષોથી જોડાયેલા છીએ. આમ જૂઓ તો કોઈ પણ વસ્તુ બંધ કરવી હોય અથવા બંધ થઇ શકતી હોય એટલે તેના પર તાળું મારી શકાય. ઈતિહાસ તાળાને ૪૦૦૦ વર્ષ જુનું આલેખે છે પરંતુ મને લાગે છે કે તાળું તેનાથી પણ વધારે જૂનું હશે કારણકે રામ અને કૃષ્ણના સમયમાં પણ મહેલને બારી, બારણા હતા, રાજની તિજોરીઓ હતી, ઘર હતા તેથી ત્યારે પણ તાળું હોવાની શક્યતા નકારી શકાય નહિ. રામરાજ્યમાં લોકો ઘરને બારણે તાળા ન મારતા તેનો સીધો અર્થ એમ ચોક્કસ ન લઈ શકાય કે ત્યારે તાળા અસ્તિત્વમાં જ ન હતાં. શું કહેવું છે તમારું ?
તાળા ખરા અર્થમાં માણસની વિકાસયાત્રાના સાક્ષી છે કારણ કે જેમ જેમ માણસ અમૂલ્ય વસ્તુઓનો સંગ્રહ કરતો ગયો હશે તેમ તેમ તાળાની બનાવટમાં, તેની મજબૂતીમાં, તેની જટિલતામાં પણ વધારો થતો ગયો હશે. માણસે એકઠી કરેલી સંપતી અને વસ્તુઓનો એક માત્ર ચોકીદાર એટલે “તાળું”. તેની આ જવાબદારીને કારણે તાળું માણસનું સૌથી પ્યારું પાત્ર છે. આજે પણ આપણે જયારે બહારગામ જતાં હોઈએ છીએ ત્યારે ઘરના વડીલો છેલ્લે કહેતા હોય છે, “બેટા! ઘરને તાળું બરાબર માર્યું છે ને?” ગુજરાતી ભાષા પણ ખૂબ રમૂજથી ભરેલ અને હસમુખ છે. આપણે તાળું વાસતા કે બંધ નથી કરતા પણ “મારીએ” છીએ. હવે તમને થશે કે આ ક્યારની તાળાની જ વાતો થાય છે તો ચાવીનું શું? તાળાની ખરી કિંમત તેની ચાવીથી થાય છે. જો તાળું જરૂરી છે તો ચાવી તેના કરતાં પણ વધારે જરૂરી છે. ચાવી વગરના તાળાની કોઈ જ કિંમત નથી. ચાવી વગરના તાળાને આપણે તોડી નાખતાં હોઈએ છીએ.
જૂના તાળા જોતાં ખ્યાલ આવે કે તાળાની મજબૂતી માત્ર તેને બનાવવા માટે વપરાયેલ ધાતુ પર કે તેની ડિઝાઈન પર આધારિત નથી પરંતુ તેને ખોલવા માટેની ચાવીની ડિઝાઈન પર આધાર રાખે છે. અદભૂત, બેનમૂન અને માની ન શકાય તેવી ગુંચવણભરી ચાવીની ડિઝાઈન જોતાં ખ્યાલ આવે કે માણસે તાળાને મજબૂતી આપવા ચાવીની પાછળ કેટલી મહેનત લેવી પડી છે.
તાળું એક વિશ્વાસના પ્રતિક સ્વરૂપે માણસ સાથે હમેશાં રહ્યું છે. આપણી તિજોરીમાં રહેલ સંપતિ એક નાનકડાં તાળાથી રક્ષીત છે. આપણા ૪૦૦ વારના ફ્લેટ કે બંગલાની જવાબદારી આપણે ૪ ઇંચના તાળાને સોંપીને નિરાંતે બહારગામ જતાં રહીએ છીએ. આ પરથી એક વાત ચોક્કસ શીખવા મળે કે તાળું કદથી ભલે નાનું દેખાય પણ જવાબદારી હંમેશાં મોટી લેતું રહ્યું છે. પોતાનું મૂલ્ય ભલે ઓછું હોય પણ તે અમુલ્યને સાચવવાની હિંમત ધરાવે છે. મારી આપને નમ્ર વિનંતી કે હવે પછી તાળાને દરવાજા પર લટકાવી દેવાતું સાધન કે વસ્તુ માત્ર ના ગણવું પરંતુ એક ઉપદેશ આપતાં ગુરુ તરીકે માન આપવું. જેમ માણસ ઝાડની છાલમાંથી પોલીએસ્ટરના કપડા પહેરતો થયો, જેમ ગુફાવાસી માંથી ફ્લેટવાસી થયો તેમ તાળાએ પણ વિકાસ કર્યો છે. આધુનિક સમયના તાળા પણ ખૂબ બદલાઈ ગયા છે. આપણા ઘરથી તાળા હવે સ્કુટર અને મોટર સાથે ફરતાં થઈ ગયા છે. વાહનમાં રહેલા તાળા-ચાવી તેને માત્ર રક્ષણ આપતાં નથી પણ ચલાવે પણ છે. વર્તમાન સમયના તાળા-ચાવીની જોડી હવે માત્ર ધાતુની જ નથી રહી પરંતુ અત્યાધુનિક બની ગયા છે. નંબર લોક, ઇલેક્ટ્રોમેગ્નેટિક લોક, ઇન્ટર લોક, એક કરતા વધારે ચાવી દ્વારા જ ખોલી શકાય તેવા લોક વગેરે.
પહેલાના સમયમાં તો આપણે એક જ ચાવીને સાચવવી પડતી જે સ્ત્રીની કમર થી લઈને પુરુષના ખિસ્સા વચ્ચે ક્યાંક સચવાઈ જતી પરંતુ હવે તે ચાવીનું સ્થાન પાસવર્ડ અને પાસકોડે લઇ લીધું છે. આજે માણસ ચાવી હાથમાં, કમર પર કે ખિસ્સામાં રાખતો નથી પરંતુ મગજમાં રાખે છે. વર્તમાન સમયના તાળા દેખાતા નથી અને ચાવી પડે તો અવાજ આવતો નથી કારણ કે તાળા ધાતુના રહ્યા નથી અને ચાવી જૂડામાં લટકતી નથી. બંનેના સ્વરૂપ તદન બદલાઈ ગયા છે. હવેના તાળા એટલે યુઝરનેઈમ અને ચાવી એટલે પાસવર્ડ. આ બધામાં એક વાત તો હજુ પણ અકબંધ છે – ચાવી (પાસવર્ડની ડીઝાઇન). આજે જયારે આપણે પોતાનું યુઝરનેઈમ બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે સામે બેઠેલું કોમ્પ્યુટર આપણને ઘણા વિકલ્પો અથવા સલાહ આપશે અને જેવા આપણે પાસવર્ડ બનાવવાનું શરુ કરીશું તરત જ કોમ્પ્યુટર કેટલીક શરતો મુકશે જેમકે – તમારો પાસવર્ડ ઓછામાં ઓછો ૮ અક્ષરોનો હોવો જોઈએ, એક અક્ષર કેપીટલ હોય તે જરૂરી છે, એક સ્પેશીયલ કેરેક્ટર પણ જોઇશે વગેરે વગેરે. ખરેખર ચાવી બનાવવી કેટલી અઘરી પ્રક્રિયા છે નહિ?
વળી, ચાવી બની ગયા પછી તેને ક્યાંક સાચવી રાખવી જરૂરી છે (તમારા મગજ સિવાય બીજી જગ્યાએ) કારણકે જો ચાવી (પાસવર્ડ) ભૂલી ગયા તો તમારું તાળું (યુઝરનેઈમ) તમને પ્રશ્નો પૂછવા લાગશે જેમકે તમારી પ્રથમ શાળાનું નામ, તમારી માતાનું નામ, તમારો પસંદગીનો રંગ વગેરે. અહીં એક વાત મને ગમી કે જો ચાવી ખોવાય જાય તો તાળું તોડવું પડતું નથી પરંતુ હા તમારે ઉપર જણાવ્યા પ્રમાણે પૂછેલા પ્રશ્નોના સાચા જવાબ ચોક્કસ આપવા પડે નહિ તો તાળું ખુલશે નહી.
માણસના વિકાસ સાથે તાળા-ચાવી આટલાં ગૂંચવણભર્યા બની ગયા કે તાળા-ચાવીની ડીઝાઇને માણસના સ્વભાવને ગૂંચવી નાંખ્યો? જે પણ હોય પરંતુ એક વાત તો ચોક્કસ માનવી રહી કે તાળા-ચાવી વગરનું જીવન કલ્પનામાં પણ શક્ય નથી. આમ જૂઓ છેલ્લા ૪૦૦૦-૫૦૦૦ વર્ષોથી (કે તેનાથી પણ વધારે) માણસ પોતાના મગજરૂપી તાળાને બુદ્ધિરૂપી ચાવી થી ખોલતો આવ્યો છે અને જંગલથી મંગલ (મંગળ) સુધી પહોંચતો રહ્યો છે. ખાસ વાત, આપણે જયારે કોઈ વસ્તુ પર તાળું લટકાવી દઈએ એટલે અંદર કઈક કિંમતી વસ્તુ છે તે આપોઆપ સાબિત થઇ જાય છે.
મિનીકટ : કોઈ આપણને ધમકી આપે અને આપણી બોલતી બંધ થઈ જાય તો શું ધમકી પણ એક જાતનું તાળું છે તેમ કહી શકાય ?



Saras maja avi gayi vanchi ne. Navo janavanu malyu
super articles……..congrats
આભાર સંદીપભાઈ.
આભાર રાજેન્દ્રભાઈ.
નવા વ્ય્શય સાથે સરસ વાત કહ્ય્
આભાર પી. જે. પંડ્યાજી
સરસ્….
આભાર સંદીપભાઈ.
ખુબ સરસ ……તાળુ-ચાવી….આ વિષય મા આટલુ ક્યારેય વિચાર્યુ નહોતુ…! મિનીકટ પર તો ફિદા…..!! મિતેશભાઇ ખુબ સરસ્….!!
આભાર સંદીપભાઈ. આ ભાર મને ગમે છે.
Really very nice article Mitesh… Best wishes
આભાર હિતેશભાઈ.
ખુબ સરસ ……તાળુ-ચાવી….
મિનીકટ તો !! મિતેશભાઇ નિ ખુબ સરસ્….!!
નરેન્દ્ર કુમાર
ખુબ સરસ ! બહુ ગમ્યુ…..
આભાર ધીરેનકુમાર
આભાર નરેન્દ્રભાઈ.
Nice article Miteshbhai, very thoughtful.
Regarding locks in Ram-rajya, I believe they must have existed in that time, then only someone noted that people did not use them. Otherwise, no one would have noticed or mentioned it that way.
સરસ મજાનિ વાત .
Thanks for nice article