ચોર – જશવંત મહેતા

[‘કસ્તૂરી’ સામાયિકમાંથી સાભાર.]

‘પપ્પા તો ખરાબ છે જ… પરંતુ મમ્મી પણ એટલી જ ખરાબ છે… એકલા પપ્પા જ નહિ… મમ્મી સાથે પણ હવે તો ‘કિટ્ટા’ કરવા પડશે…’ નાનકડા સૌમિલે સાંજે જયારે આ લોખંડી નિર્ણય લીધો ત્યારે આંખમાં આંસુ, ગાલ પર ચચરાટી અને કાળજે કડેડાટી બોલતી હતી. ‘મમ્મી તો હમણાં હમણાં બહુ મારવા માંડી છે… અને પપ્પા તો દરરોજ રાતના આવીને ઘાંટા જ પાડે છે… ‘ચોર’… ‘બદમાશ…’ બસ બીજા શબ્દો જ એને તો જડતા નથી… અને પેલા ટીનકુડા ‘પપ્પુ’ ને તો પપ્પા અને મમ્મી બન્ને કેવાં ખોળામાં બેસાડી ‘ભાઈ… બાપા… તું મારો ડાહ્યો દીકરો… છો… આ સૌમિલ તો બહુ તોફાની થઈ ગયો છે… આખો દિવસ પૈસા વાપરે… વાડીમાં રખડયા કરે અને ગોટીઓ જ રમ્યા કરે છે… ભણવાનું તો નામનિશાન ન મળે.’

અને સૌમિલે મોઢું ફૂંગરાવી દીધું. ઓરડાની પરસાળના એક ખૂણામાં મોઢું ચડાવી બેસી ગયો. થોડી વાર પહેલાં જ એની મમ્મીએ ‘… ચોર… પૈસા કયાંથી લાવ્યો ? કબાટમાં મૂકયા હતા ત્યાંથી ઉપાડી લીધા લાગે છે… તને ભાગ લેવા પૈસા આપીએ છીએ છતાંય આવા ધંધા કયાંથી શીખ્યો ?’ કહીને સાતેક વર્ષના સૌમિલના ગાલ પર બે-ચાર તમાચા ચોડી દીધા હતા એની ચચરાટી હજી શમી નહોતી. સૌમિલ પાંચેક મિનિટ એમ ને એમ ખૂણામાં બેસી રહ્યો. એકાદ-બે વખત એની માતા એની બાજુમાંથી પસાર થઈ ગઈ છતાં પણ એણે નજર સુદ્ધા ના કરી. અને પેલો ત્રણેક વર્ષનો ‘પપ્પુ’ પણ એકાદ વખત ધીમેથી ‘ભાઈ… મમ્મી… મા… રે… હું એને ‘હતા’ કરીશ હોં…’ કહેતાકને એની નજીક ઢૂકી ગયો પણ સૌમિલ એને આજે દરરોજની જેમ વહાલની એક ‘બચ્ચી’ પણ ન ભરી. ઊલટાનો ખિજાઈને ‘ચાલ હટ, તારાં જ બધાં કારસ્તાનો છે’ કહીને પપ્પુને હડસેલી દીધો. ‘પપ્પુ’ વિલાયેલા મોઢે એની મમ્મીના ખોળામાં ભરાયો ત્યારે ‘ઈ તારો ભાઈ નહિ, દુશ્મન પાકયો છે દુશ્મન’ કહી મમ્મીએ સૌમિલને વધારે ખીજવ્યો.

‘દુશ્મન… બદમાશ… ચોર…’ આ બધા શબ્દો બાળક સૌમિલ માટે આમ તો અઘરા હતા. પરંતુ ‘પપ્પુ’ ના આગમન પછી આ બધા શબ્દોનો ઉપયોગ ઘરમાં અવારનવાર થતો હતો… અને એ પણ એને ઉદ્દેશીને જ ઉચ્ચારાતા. એક વખત એ એના પપ્પા સાથે રાણીબાગમાંથી પાછો ફરતો હતો ત્યારે ટ્રામમાં એની સામે જ એક પોલીસ એક માણસના બાંધેલા હાથને દોરડાથી પકડીને બેઠો હતો. સૌમિલ કયારેક તોફાને ચઢતો ત્યારે એના પપ્પા એને ડરાવવા માટે કહેતા… ‘સૌમિલ બહુ તોફાન ના જોઈએ… નહિ તો પોલીસ આગળ પકડાવી દઈશ…’ એટલે એણે ગભરાતાં ગભરાતાં એના પપ્પાને પૂછયું : ‘પપ્પા… પોલીસ… આને શા માટે પકડી જાય છે ?’

‘બેટા… એ તારી જેમ તોફાન કરતો હતો ને એટલે’ સુધીરે કહ્યું સૌમિલ બહાવરી નજરે પોલીસ સામે જોઈ રહ્યો. એના કોમળ હ્રદયમાં કરડા ચહેરાવાળો ભૂરા પહેરવેશમાં સજ્જ થયેલો પોલીસ અનોખી અસર ઊપજાવી ગયો. પોલીસની બાજુમાં જ મોટી મોટી ભયાનક આંખોવાળો અને દાઢીવાળો માણસ બેઠો હતો. સૌમિલ એની સામે તો આંખો પણ માંડી શકતો નહોતો. એનાં કપડાં ફાટી ગયાં હતાં. બન્ને હાથ દોરડાથી બાંધ્યા હતા. સૌમિલના નાનકડા હ્રદયે કલ્પના કરી લીધી કે આ જ ‘ચોર’ હશે. પરંતુ બીજી જ પળે એની મમ્મી અને પપ્પાના અનેક વખત ઉચ્ચારાતા એના માટેનો પેલો શબ્દ ‘ચોર’ પણ યાદ આવી ગયો… અને ગભરાતાં ગભરાતાં પેલા બિહામણી આંખોવાળા ‘ચોર’ ની સામે જોતાં જોતાં એણે એની નાનકડી દાઢી પર હાથ પ્રસરી જોયો, કપડાં પર પણ નજર નાંખી જોઈ… બન્ને વચ્ચે કાંઈ સામ્ય ન લાગ્યું અને અચાનક જ એનું મૂંઝાયેલું હૈયું સુધીર સમક્ષ પ્રશ્ન કરી બેઠું… ‘પપ્પા… આ કોણ છે ?’ ‘એ ચોર છે… એણે ચોરી કરી છે એટલે પોલીસ એને પકડીને લઈ જાય છે.’

‘પપ્પા, હું ચોર છું ?’ અચાનક સૌમિલે મોટા અવાજે સુધીરને પૂછી નાંખ્યું. આજુબાજુ બેઠેલા ઉતારુઓ ચમકી ગયા. સામેની સીટ પર બેઠેલા ચોરના કઠોરમુખ પર પણ સ્મિત ફરકી ગયું. ‘ના… બેટા…’ સુધીર બોલ્યો. ‘હં…’ સૌમિલને નિરાંત થઈ. અને એણે ગર્વ પણ અનુભવ્યો. અને બીજી જ પળે ઠપકાભર્યા અવાજે બોલ્યો, ‘તો… હવે મને ચોર ન કહેતા હોં… મમ્મીને પણ કહી દેજો… હોં… મેં કાંઈ ચોર જેવાં ફાટેલાં કપડાં પહેર્યાં છે કોઈ ?… મારે કાંઈ એના જેવી દાઢી છે હેં…?’ સુધીરને ઘડીભર તો દીકરાની વાચાળતા પર ગુસ્સો આવી ગયો પણ એ ગમ ખાઈ ગયો.

પરંતુ ઘરે પહોંચ્યા પછી બીજ જ દિવસે સુધીરે કબાટમાં મૂકેલા સાત પૈસા મળતા ન હતા… અને એ સાત પૈસા સૌમિલના કંપાસબોકસમાંથી નીકળી પડયા… અને સૌમિલની કશી જ વાત સાંભળ્યા વગર જ એની માતા એના પર ઊકળી ઊઠી. નાનકડા સૌમિલ પર એ પૈસા ઉઠાવ્યાનો આરોપ આવ્યો એટલું જ નહિ પણ ‘ચોર… પૈસા કયાંથી લાવ્યો ? તારા પપ્પાએ કબાટમાં મૂકયા હતા ત્યાંથી ઉપાડી લીધા લાગે છે. તને ભાગ લેવા પૈસા આપીએ છીએ છતાંય આવા ધંધા કયાંથી શીખ્યો ? કહી એ અંગે એની માતાએ એ દિવસે સારો એવો માર પણ માર્યો.

આ પ્રકારનો બનાવ તો હજી ઘરમાં બીજી વાર જ બન્યો હતો પરંતુ સૌમિલની મમ્મીના સ્વભાવ પ્રમાણે એણે પહેલી વખત આવું બન્યું ત્યારે પણ એવી ધમાલ કરી મૂકી હતી કે આડોશપાડોશમાં પણ સૌમિલની કુટેવ ઠીકઠીક ગવાઈ ગઈ હતી. સૌમિલ પરસાળમાં એમ ને એમ ધૂંધવાતો પંદરેક મિનિટ સુધી બેસી રહ્યો. ગળે ડૂમો ભરાઈ ગયો હતો. બે-ત્રણ વખત અંદરના ખંડમાં લાચાર દ્રષ્ટિ નાખી પણ જોઈ… એને મનમાં હતું કે એની મમ્મી થોડોક ગુસ્સો ઓછો થતાં એને ઘરમાં બોલાવશે… થોડાંક લાડ કરશે… એ રિસાશે… મમ્મી એકાદ બચ્ચી ભરશે અને… એ ખુલ્લા સાદે રડી પડશે… પરંતુ અંદરના ખંડમાં તો એની મમ્મી માર્કેટમાં શાક લેવા જવાની તૈયારી કરી રહી હતી ‘પપ્પુ’ તો નવાં કપડાં પહેરી તૈયાર પણ થઈ ગયો હતો. સૌમિલને ફરી પાછો મમ્મી પર ગુસ્સો આવી ગયો.

‘હં… પોતે બહાર જાય છે… પપ્પુને સાથે લઈ જાય છે… પણ મને સાથે આવવાનું કયાં કહે છે…’ કહી એણે ફરી એક વખત મોઢું ચડાવી દીધું. સૌમિલની મમ્મી ‘પપ્પુ’ ને લઈને ઘરને તાળું મારી સૌમિલ સામે નજર પણ નાંખ્યા વગર ચાલી ગઈ. સૌમિલની આંખોમાં આવી ગયેલાં ઝળઝળિયાં જોવાની પણ એણે દરકાર ન કરી. સૌમિલ પાંચેક મિનિટ એમ ને એમ બેસી રહ્યો… થોડી વારમાં જ બાજુના બ્લોકમાં રહેતો એનો દોસ્ત પુકુર થોડાંક રમકડાં લઈને એની પરસાળમાં રમવા આવ્યો. સૌમિલ સામેની પરસાળમાં રમકડાંની દુકાન ગોઠવતા પુકુર સામે જોઈ રહ્યો. ઓહ ! કેવાં સરસ રમકડાં હતાં. પેલો હાથી… ઘોડો… મોટર સાઈકલ… અને ચાવી દેતાં જ એક હાથે શીશીમાંથી ગ્લાસમાં પાણી રેડી બીજા હાથે એ પાણીને ગટગટાવી જતા વાંદરાભાઈ તો કમાલ હતા… કેવાં સરસ રમકડાં હતાં… એને પુકુર સાથે રમવાનું મન થઈ આવ્યું… અને ઊભો થઈને એ એની પરસાળમાં ગયો. ‘પુકુર… હું… રમું…!’ એણે ધીમેથી પુકુરને પૂછયું ત્યાં તો દીવાનખાનામાં સ્વેટર ગૂંથતી પુકુરની માતાએ પુકુરને પડકાર્યો. ‘પુકુર… રમકડાં લઈને ઘરમાં આવ… એ ચોરની સાથે તારે નથી રમવાનું…’ અને પુકુરે એની દુકાન સમેટવા માંડી.

સૌમિલના પગ ધ્રૂજવા માંડયા. એના બાળમાનસને સખ્ત આઘાત લાગ્યો. પુકુરને એની માતા આગળ ચાલ્યો જતો જોઈ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. હજી આઠ દિવસ પહેલાં આજ પુકુરની માતા એને કેવા પ્રેમથી એના ઘરમાં રમવા બોલાવતી હતી ! અને આજે !… એ આગળ વિચારી ન શકયો. અને ધીમે પગલે પગથિયાં ઊતરી બગીચામાં રમવાનો પ્રત્યન કરી જોયો. પરંતુ આજે એના મનને કયાંય ચેન નહોતું પડતું. એટલામાં બંગલાના ઉપરના બ્લોકમાં રહેતી એની સાથે ભણતી સ્મિતા ગૅલેરીમાં ડોકાઈ. સૌમિલે કહ્યું : ‘સ્મિતા, નીચે રમવા આવ ને ; આપણે ‘લંગડી’ રમશું.’ ‘ઉંહું…મારા પપ્પાએ કહ્યું છે કે મારે તારી સાથે ‘કિટ્ટા’ કરવા. તું ઘરમાંથી પૈસા ચોરે છે.’ અને સ્મિતા કટાણું મોઢું કરતીક અંદર ચાલી ગઈ. લીમડાના ઝાડ નીચે ઊભેલો સૌમિલ હીબકેહીબકાં ભરી રડવા માંડયો.

‘બસ ભૂલમાં એક વખત ઘરમાંથી મમ્મીને પૂછયા વગર છ પૈસા લઈ એની ‘ફ્રૂટી’ લીધી એમાં તો બધાં જ મને ‘ચોર’… ‘ચોર’ કહેવા માંડયા હતા… સ્મિતા… પુકુર… પપ્પા… મમ્મી… બધાં જ.’ એ એમ ને એમ રડતો જ રહ્યો. શાકભાજી લઈને એની મમ્મી પાછી આવી ત્યારે ઘર ઊઘડતાં જ એ ચૂપચાપ અંદર બેસી ગયો એ પલંગ પર ચડી સૂઈ ગયો. ‘કેમ… શું થયું તાવ આવ્યો ?’ સૌમિલે જવાબ ન આપ્યો. ‘આખો દિવસ રખડયા કરવું… ઘરમાંથી પૈસા ચોરવા… રસ્તામાં મળે તેવી ખરાબ વસ્તુ ખાવી… એ સિવાય તને બીજું સૂઝે છે શું ?’
જવાબમાં સૌમિલ વધુ ડૂસકે ચડયો. હવે એની માતા કંઈક ઢીલી પડી. પપ્પુને ખોળામાંથી બાજુમાં મૂકી અને પલંગ પાસે આવી પહોંચી. સૌમિલના કપાળ પર હાથ મૂકયો. કપાળ ઠંડુગાર હતું. એણે પ્રેમથી પૂછયું. ‘શું થયું બેટા… કોઈએ માર્યું ?’ અને સૌમિલ હવે ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. એની માતા પૂરી મૂંઝાઈ ગઈ. પપ્પુ પણ સૌમિલની પાસે પહોંચી ગયો. ‘શું થયું… કંઈ કહીશ કે ?’ ‘મમ્મી ! પેલા પુકુરની મા છે ને…’ ‘હા તે શું છે?’

‘એણે મને ચોર કહ્યો અને ઉપરવાળી સ્મિતાએ તો મારી સાથે ‘કિટ્ટા’ કરી છે. ઘરમાં ય આવવા નથી દેતી. મમ્મી, મેં… મેં… સવારે પપ્પાના સાત પૈસા નથી લીધા.’ અને એ વાકય પૂરું ન કરી શક્યો. માતા દીકરાના રુદન પાછળનું રહસ્ય પામી ગઈ. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એણે પોતે જ દીકરાની આ પરિસ્થિતિ પાડોશીઓ વચ્ચે કરી હતી. આજના એના રુદન માટે એ જ જવાબદાર હતી. સૌમિલને છાતી સરસો ચાંપી એ બોલી ઊઠી : ‘બેટા, તું… તું ચોર નથી હોં. હું બધાને કહી દઈશ…’ પરંતુ સૌમિલના મનનું સમાધાન ન થયું. એ ખાધાપીધા વગર જ રડતો રડતો સૂઈ ગયો. આંખોમાંથી આંસુ દડીને એની જિંદગીના ભાવિ નકશાને આલેખતાં ગાલ પર જ સુકાઈ ગયાં. ઊંઘમાં પણ એ બબડયા કરતો હતો.
‘મમ્મી, મમ્મી, મેં… મેં… પપ્પાના પૈસા નથી લીધા. મમ્મી… મમ્મી… પુકુરની મમ્મી મને… મને ચોર કહે છે…’ રાત્રે દસ વાગ્યે સુધીર ઘરે આવ્યો. ત્યારે ઘરમાં શાંતિ હતી. એની પત્ની એની રાહ જોઈને બેઠી હતી.
‘કેમ સૌમિલ સૂઈ ગયો ?’
‘હા…’ એણે સૂતેલા બાળક પર નજર કરી. આંખમાંથી ઊમટેલાં આંસુના રેલા ગાલ પર લિસોટા બની વેરાયેલા હતાં.
‘તેં માર્યો લાગે છે ?’ સુધીરે પૂછયું.
‘ના… રડતો રડતો સૂઈ ગયો છે…’
‘કેમ રડતો… રડતો… ?’
‘સવારે તમે ‘ચોર’ કહી માર્યો… પછી સાંજના મેં પાછો ચીડવ્યો… પુકુરની માએ એને ‘ચોર’ કહી પુકુર સાથે રમતો અટકાવ્યો… અને ઉપરવાળી સ્મિતાએ ‘કિટ્ટા’ કરી… એને ઘરમાં દાખલ ન થવા દીધો…’

સુધીર નાનકડા બાળક સામે કેટલીય પળો સુધી જોતો રહ્યો. થોડી વારમાં જ સૌમિલ ઊંઘમાં બબડવા માંડયો. ‘મમ્મી… મમ્મી… મેં પપ્પાના પૈસા નથી લીધા… હું… હું… ચોર નથી…’ અને એ જ પળે સુધીર ઊંઘતા બાળકને વળગી પડયો અને બોલી ઊઠયો… ‘ના… બેટા… તું… તું ચોર નથી હોં…’ સૌમિલ બે બાળકો બની જાગી ઊઠયો. પહેલાં તો પિતાને જોઈ એ હેબતાઈ જ ગયો. અને ગભરાઈને બૂમ પાડી ઊઠયો. ‘મમ્મી… પપ્પા જોને, મારે છે…’ ‘પરંતુ જવાબમાં સુધીરે દીકરાના નાનકડા ગાલને ચૂમીને ખીસામાંથી ચૉકલેટનું પેકેટ આપતાં કહ્યું… ‘બેટા તું ચોર નથી હોં ! લે…’

અને કેટલીક પળો પછી સૌમિલ ફરી એક વખત નિદ્રાધીન થઈ ગયો ત્યારે વિષાદભર્યા સ્વરે સુધીર બોલ્યો :
‘સૌમિલ… બિચારો આજે મારા હાથનો ખોટો માર ખાઈ બેઠો. પેલા સાત પૈસા તો મારા બુશકોટમાંથી નીકળી પડયા. બસમાં છૂટા પૈસા પાકીટમાં ન હોવાથી મેં અમસ્તો જ બુશકોટના ગજવામાં હાથ નાંખ્યો અને અંદર સાત પૈસા પડયા હતા…’ માતાએ ઊંઘતા સૌમિલના વાંકડિયા વાળમાં એની આંગળીઓ પરોવી દીધી. સુધીર ઘડીમાં પત્ની સામે અને ઘડીમાં પુત્ર સામે જોઈ રહ્યો હતો – જાણે વિચારી રહ્યો હતો કે આ અવિચારી આક્ષેપ મૂકીને તેણે આ બાળકની કેટલી બધી પ્રસન્ન ક્ષણો ચોરી લીધી હતી !

Leave a Reply to Asha.Popat Rajkot Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “ચોર – જશવંત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.