વૈજ્ઞાનિક ચિંતન પ્રેરતી ફિલ્મ – હરેશ ધોળકિયા

[ ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.]

ફિલ્મ એટલે કેવળ મનોરંજન જ હોય, કેવળ બે પ્રેમીઓની કે વિલનની જ કથા હોય, કરુણ ઘટનાઓથી રોવડાવતી હોય કે આઈટમ સોંગથી છલકાતી હોય તેવું માનવામાં આવે છે. અને, કમનસીબે, મોટાભાગની ફિલ્મોમાં એવું જ જોવા મળતું હોય છે. ઢંગધડા વગરની વાર્તા, અર્થ વિનાની-કયારેક તો દ્વિઅર્થી-સંવાદો, અવાસ્તવિક દ્રશ્યોથી મોટા ભાગની ફિલ્મો છલકાતી હોય છે. બહુ ઓછી ફિલ્મો એવી હોય છે જે, થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી, યાદ રહેતી હોય છે કે મનમાં ચચરાટ ઊભી કરતી હોય છે. અથવા નવું વિચારવાની ફરજ પાડતી હોય. કદાચ કોઈ એવો મુદ્દો તેમાં સમાવવાનો પ્રયાસ કર્યો હોય તો પણ તેને એવી વિચિત્ર રીતે મૂકાય કે તેનો હેતુ જ માર્યો જાય. અથવા આસપાસ ઠાંસી દેવામાં આવે કે પળમાં તે ભૂલાઈ જાય. હિન્દી ફિલ્મોમાં તો આજ સ્થિતિ છે !

મોટા ભાગની અંગ્રેજી ફિલ્મોમાં પણ આ જ સ્થિતિ હોય છે. કારણ એ છે કે ફિલ્મ જોનારો જે વર્ગ છે, તે દૈનિક કંટાળા અને તાણમાંથી મુકત થવા ફિલ્મ જોવા આવતો હોય છે. રિલેકસ થવા આવે છે. તે વિચારવા નથી માગતો. તેનાથી તો કંટાળીને આવે છે ! તેને માત્ર ને માત્ર અને બને તો, સસ્તું મનોરંજન જોઈએ છે અને ફિલ્મ બનાવનારાઓને કમાવું છે ! તેમને તો આવી ફિલ્મો બનાવવી સરળ પડે છે. અટલે કોઈપણ ભાષામાં મોટા ભાગની ફિલ્મો આવી સસ્તી જ બને છે. નવાઈ ન પામવું ! છતાં, કયારેક, કેટલાક નિર્દેશકો અને પ્રોડયુસરો વિચારકો હોય છે. તેમના પાસે એક ચોક્ક્સ વિચારધારા હોય છે. અથવા કોઈ વિચાર પ્રતિબદ્ધ હોય છે. તો કોઈ જબરા કલ્પનાશીલ હોય છે. ભવિષ્યની કલ્પના કરતા હોય છે. આવા લોકો જયારે ફિલ્મ બનાવે છે, તે જોવી એક લહાવો બની જતો હોય છે. તેમાં કોઈ વચ્ચે મનોરંજન કે માનવસંવેદનાઓને જોડે છે જે ફિલ્મમાં નડતરરૂપ નથી થતાં. હિન્દીમાં ‘થ્રી ઈડિયેટ્સ’ કે ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી ફિલ્મો આવી છે. વૈજ્ઞાનિક સંદર્ભમાં આપણે ત્યાં ઓછી ફિલ્મો બને છે. બને છે તે શાસ્ત્રીય ચિંતનથી નથી બનતી. પણ અંગ્રેજીમાં આવી અનેક ફિલ્મો બને છે. તે જોઈને ત્યારે ડોલી જવાય અને / અથવા થથરી પણ જવાય.

હમણાં એક આવી ફિલ્મ જોવાની તક મળી. નામ ‘વર્લ્ડ વોર ઝેડ’. મેડિકલ વિજ્ઞાનની ફિલ્મ. બે કલાકની આ ફિલ્મની એક એક ફ્રેમ આકર્ષક અને તણાવયુકત રાખે છે. વાર્તા તો નાની છે. યુનાઈટેડ નેશન્સના એક નિરિક્ષક ગેરી લેન તેના કુટું સાથે શાંતિથી રહે છે. અચાનક સમ્રગ વિશ્વમાં એક રહસ્યમય રોગ ફાટી નીકળે છે. એવો કોઈક ચેપ પ્રસરે છે જે માણસોને મગજ વગરના મૂઢ – ‘ઝોમ્બી’ – બનાવે છે. આખા જગતમાં હાહાકાર મચી જાય છે. ગેરી તેના કુટુંબ સાથે ફરવા જતો હોય છે ત્યારે અચાનક તેના સામે પણ આવા ઝોમ્બીઓ દોડે છે અને તેને વળગવા પ્રયાસ કરે છે. માંડ માંડ તેઓ ભાગી શકે છે અને યુનાઈટેડ નેશન્સના જહાજમાં પહોંચે છે. પણ ત્યાંની અંધાધૂંધી જોવા જેવી દેખાડે છે. જહાજ પર તેને સૂચના મળે છે કે તેણે આ રોગ શું છે અને તેનો ઉપાય શું છે તે શોધવા જવાનું કહેવામાં આવે છે. કુટુંબને જહાજ પર મૂકી તે પ્લેનમાં જવા રવાના થાય છે.
સાથે એક વૈજ્ઞાની છે જે તેને મદદ કરવાનો છે. પણ પ્લેન ઊતરતાં જ આવ ઝોમ્બીઓ ધસી આવે છે જેના ભયથી પહેલો જ આ વિજ્ઞાની મરી જાય છે. બધા લાચાર બની જાય છે. જયાં જયાં જાય છે ત્યાં નિષ્ફળતા મળે છે અને હજારો ઝોમ્બીઓનો સામનો કરવો પડે છે. દરેક સ્થળ માંડ માંડ ભાગી શકે છે. એક વાર તો પ્લેનમાં જતો હોય છે તો તેમાં પણ ઝોમ્બી આવી જાય છે. બચવા ગેરીને ગ્રેનેડ ફેંકવી પડે છે જે પ્લેનના એક ભાગને ઊડાવી ખુલ્લું કરી નાખે છે. પ્લેન ખલાસ થઈ જાય છે અન ક્રેશ થઈ જાય છે. તે અને એક મહિલા સૈનિક બચે છે જેનો હાથ એક ઝોમ્બી ખાઈ ગયો હોય છે. બન્ને જણ ઢસડાતાં ઢસડાતાં જયાં પહોંચે છે, તે વિશ્વ આરોગ્ય સંસ્થાની એક પ્રયોગશાળા હોય છે. તેમાં આ રોગનું સંશોધન થતું હોય છે, પણ સંશોધક વિજ્ઞાની જ આ રોગમાં ફસાઈ જાય છે તેના કારણે બીજા સહાયકોની પણ એ જ હાલત થાય છે. તેથી પ્રયોગશાળામાં જવાની કોઈની હિંમત નથી થતી. પણ ગેરીને ઉતાવળ છે. તે અને બીજા બે અંદર જાય છે. પણ ઝોમ્બી એક જગ્યાએ પાછળ પડતાં બાકીના બે પાછા આવી જાય છે, પણ ગેરી ગમે તેમ કરીને મૂળ પ્રયોગશાળામાં પહોંચી જાય છે. તે અંદાજે એક દવાનું ઈન્જેકશન લે છે. પછી તે દવા લઈ પાછો જાય છે અને સમ્રગ વિશ્વમાં તેનો ઉપયોગ કરે છે. અનેકો બચી જાય છે. તેના કુટુંબ સાથે પણ પુનઃમિલન થાય છે. ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ મૂડમાં ફિલ્મ પૂરી થાય છે.

પણ પહેલી પળથી ફિલ્મ દર્શકને જક્ડી લે છે. શરૂઆત હળવી છે, પણ તરત જ જે હલ્લાબોલ શરૂ થાય છે અને ભાગાભાગ થાય છે, પછી તો સતત, તે દર્શકને પડદા પર ચોંટેલ રાખે છે. તેની ફોટોગ્રાફી અદ્દભુત છે. મોટા ભાગના અંધારામાં દ્રશ્યો છે. છતાં જોવામાં જરા પણ તકલીફ નથી પડતી. પ્લેનનાં દ્રશ્યો તો શ્વાસ અદ્ધર કરી દે તેવાં છે. (કદાચ) ઈઝરાયેલમાં ઝોમ્બીઓ જે દિવાલ પર ચડી જાય છે કે તેની બીજી બાજુએથી કૂદી આ બાજુ આવે છે તે દ્રશ્યો તો-ભલે કમ્પ્યુટર જનરેટેડ હશે છતાં-રોમાંચ ખડાં કરી દે તેવાં છે.

પણ સૌથી મોટી બાબત છે મેડિકલ કલ્પના. માની લો કે આવો કોઈ મગજનો રોગ ફાટી નીકળે-ભલે કોઈ એક ખૂણામાં – તે ટેકનોલોજીના કારણે પળમાં સમ્રગ વિશ્વમાં પ્રસરી જાય, તો કેવી હાલત થાય તે આ ફિલ્મ બતાવે છે. તેને રોકવો લગભગ અશ્કય બની જાય ! વૈશ્વિકરણની નકારાત્મક અસરો આ ફિલ્મ બતાવે છે. તો, સમાંતરે, ગમે તેવી ભયંકર પરિસ્થિતિ હોય કે રોગ ફાટી નીકળે, તો પણ માનવ હારતો નથી અને તેને નિયંત્રિત કરી શકવા સમર્થ છે એ આશાવાદી સંદેશ પણ આ ફિલ્મ આપે છે. હા, તે માટે તેણે કુટુંબ વગેરેનો કદાચ ત્યાગ કરવો પડે છે, પણ તે હતાશ થયા વગર સિદ્ધિ મેળવે જ છે.

આ ફિલ્મ ભાવિ જોખમોનો ખ્યાલ આપે છે, તો સમાંતરે માનવ-સ્પીરીટની અજેયતા બતાવે છે. તકલીફમાં માનવ ચેતના કેમ ઉચ્ચ કક્ષાએ જઈ શકે છે તે બતાવવા પ્રયાસ કરે છે. આદિમાનવથી આજ સુધી કોઈ પણ સ્થિતિમાં માનવ ચેતના જ જીતી છે તે ફિલ્મ સૂચવે છે. સતત જોખમો વચ્ચે પણ ગેરી તો ઉપાયનોજ વિચાર કરે છે. ન તો પોતાનાં જોખમોનો કે ન તો કુટુંબનો વિચાર કરે છે અને છેલ્લે પણ શ્રદ્ધાથી રણકતા અવાજમાં બોલે છે, ‘હજી તો શરૂઆત છે, પણ આગળ ઉપાય મળશે જ.’

પૂર્ણ મનોરંજન હોવા છતાં, રહસ્યમય હોવા છતાં એક ધ્રુજારીભરી અને છતાં આશાવાદી દ્રષ્ટીકોણ આપતી આ ફિલ્મ વિદ્યાર્થીઓને તો અવશ્ય બતાવવી જોઈએ અને તેના પર વ્યાપક ચર્ચા કરાવવી જોઈએ. આ ફિલ્મનો જો યોગ્ય ઉપયોગ થાય તો વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને સાહસ તરફ પ્રેરી શકયા તેમ છે. તે તેમનામાં સર્જકતાનો વિસ્ફોટ સર્જી શકવાની તાકાત ધરાવે છે.

શિક્ષકમાં ઈચ્છા હોવી જોઈએ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વૈજ્ઞાનિક ચિંતન પ્રેરતી ફિલ્મ – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.